Get The App

બંધ અને જળાશયોમાં સેડિમેન્ટેશન : 2 અબજ લોકો ઉપર ખતરો

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
બંધ અને જળાશયોમાં સેડિમેન્ટેશન : 2 અબજ લોકો ઉપર ખતરો 1 - image

વિશ્વના અનેક નાના જળાશયોમાં કાંપ અને માટી ભરાઈ રહી છે તેના પગલે આગામી ત્રણ દાયકામાં પાણીની ભયાનક તંગી ઊભી થવાનું જોખમ

- અભ્યાસ માટે દુનિયાભરના 5.50 લાખ જેટલા નાના-મોટા જળાશયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાંપના લીધે આવા જળાશયોની સપાટી દરેક દાયકામાં ૭.૩ ટકા ઘટી રહી છે. દર દસ વર્ષે જળાશયોનો આઠમો ભાગ આપણે ગુમાવી રહ્યા છીએ. તેના કારણે નદીઓના જે બંધ ૧૦૦ વર્ષની કેપેસિટી ધારીને બનાવવામાં આવ્યા હતા તે માત્ર ૪૦-૫૦ વર્ષમાં હાંફવા લાગ્યા છે : આ અભ્યાસ દરમિયાન સામે આવ્યું કે, દુનિયાભરના ૯૫ ટકા નાના જળાશયો કે જેમનું ક્ષેત્રફળ ૧ ચો.કિ.મી કે તેના કરતા ઓછું છે તેઓ ભરાવા લાગ્યા છે. આગામી ત્રણ દાયકામાં આવા જળાશયો પોતાની સ્ટોરેજ ક્ષમતા ગુમાવી દેશે. ૨૦૬૦ સુધીમાં ૨,૭૫,૦૦૦થી વધારે જળાશયો પોતાની અડધાથી વધારે ક્ષમતા ગુમાવી દેશે : જાણકારોના મતે દુનિયાના ૧૬ હોટસ્પોટ છે જ્યાં સેડિમેન્ટેશનની સ્થિતિ ખરાબ છે. તેમાં સાઉથ એશિયામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જતી હિમાયલની નદીઓમાં પરિસ્થતિ ખરાબ છે. 

કલ્પના કરો કે તમે એક વિશાળ ઉજ્જડ જગ્યામાં ઊભા છો. ચારેતરફ માત્ર રેતી, માટી અને વેરાન છે. આસપાસ ક્યાંય પાણીનો કોઈ સ્રોત નથી, પાણીનું એકપણ ટીપું નથી. તમે ચાલતા જાઓ છો, ચાલતા જાઓ છો પણ તેનો કોઈ અંત આવતો નથી. થોડા સમય પછી તમને ખ્યાલ આવે છે કે, બે દાયકા પહેલાં અહીંયા વિશાળ જળાશય હતું જે સુકાઈ ગયું છે. એક સમયે લાખો લોકોની તરફ આ પાણીથી છીપાતી હતી, હજારો એકર જમીનમાં થતી ખેતીને તેનાથી સિંચાઈનું પાણી મળતું હતું પણ હવે કશું જ બચ્યું નથી.

આ કોઈ સાન્યસ ફિક્શન ફિલ્મની સ્ક્રીપ્ટ નથી કે ખરેખર કોઈ કલ્પના કરવાનો વિષય નથી. આ એવી વાસ્તવિકતા છે જેનો આપણે અને આપણી ભાવિ પેઢીએ આગામી વર્ષોમાં સામનો કરવાનો આવવાનો છે. થોડા સમય પહેલાં થયેલો એક અભ્યાસ આપણી આ વિસ્તાકતા તરફ આંગળી ચિંધી રહ્યો છે. આપણી પૃથ્વી અને આપણી ભાવિ પેઢીનું એક કડવું સત્ય ઉજાગર કરી રહ્યો છે. તાજેતરમાં રજૂ થયેલા ગ્લોબલ રિસર્ચે દુનિયાના અનેક દેશોના પોલિસી મેકર્સ અને થિંક ટેન્કની ઉંઘ ઉડાડી દીધી છે. તેમાં જણાવાયું છે કે દુનિયાભરના દેશોમાં આવેલા કુદરતી જળાશયો, કૃત્રિમ જળાશયો અને બંધમાં અકલ્પનીય પ્રમાણમાં માટી અને કાંપ જમા થઈ રહ્યા છે. તેના કારણે આ જળાશયોની પાણી સ્ટોર કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી રહી છે. 

અભ્યાસમાં જણાવાયું છે કે, માટી અને કાંપના લીધે જે સેડિમેન્ટેશનની પ્રક્રિયા થઈ રહી છે તે આ જળાશયોને નકામા કરી રહી છે. અભ્યાસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, માટી અને કાંપના કારણે દરેક દાયકામાં જળાશયોની પાણી સ્ટોર કરવાની ક્ષમતામાં દરેક દાયકામાં ૭.૩ ટકાનો અધધ ઘટાડો થઈ રહ્યો છે. તેની સૌથી ભયાનક અસર નાના તળાવો અને જળાશયો ઉપર પડી રહી છે. જાણકારો માને છે જે જળાશયોમાં સેડિમેન્ટેશનની આ જ સ્થિતિ ચાલુ રહી તો આગામી ત્રણ દાયકામાં દુનિયાના અડધાથી વધારે જળાશયો પાણી સ્ટોર કરવા માટે નકામા થઈ જશે. તેના કારણે દુનિયાની ૨ અબજ કરતા વધારે વસતીને પીવાનું પાણી અને ભોજન નહીં મળે. તેમને ખાવા-પીવા માટે ફાંફા મારવા પડશે અને દુનિયાભરમાં હાહાકાર મચી જશે.

ઉલ્લેખનીય છે કે, કોઈપણ નદી ઉપર જ્યારે બંધ બાંધવામાં આવે છે ત્યારે તેની પાછળ વિશાળ જળાશય બાંધવામાં આવે છે. હવે સ્થિતિ એવી થાય છે કે, નદી જ્યારે પોતાના સ્ત્રોતથી વહેતી આવે છે ત્યારે પોતાની સાથે માત્ર પાણી જ નહીં પણ માટી, કાંકરા, પથ્થરો અને રેતી તથા ઝરણામાં આવતો કચરો પણ ખેંચી લાવે છે. આ તમામ સામગ્રી અને જૈવિક અવશેષોને કાંપ અથવા તો સેડિમેન્ટ કહેવામાં આવે છે. કુદરતી પ્રક્રિયા જોઈએ તો આ તમામ વસ્તુઓ નદીમાં વહી જતો હોય છે અને દરિયામાં સમાઈ જતી હોય છે. તે ઉપરાંત નદીની આસપાસના પ્રદેશોમાં સ્થિર થઈ જાય છે અને ત્યાં એક ઉપજાઉ જમીન ઊભી કરે છે. 

હવે નદી ઉપર બંધ બાંધવામાં આવે ત્યારે જે દીવાલ ઊભી થાય છે તે કાંપને રોકી લે છે. બીજી તરફ સ્થિતિ એવી થાય છે કે, ધીમે ધીમે આ કાંપ બંધના દરવાજાઓમાં, પાઈપોમાં અને આસપાસની ધારી ઉપર જમા થાય છે. ત્યારબાદ ધીમે ધીમે તે જળાશયના તળીયે એકઠો થવા લાગે છે. જળાશયના તળીયે આ કાંપ અને કચરો ભેગા થવા લાગે ત્યારે જળાશયના તળીયે એક જાડું સ્તર બનાવી દે છે અને તેના કારણે જળાશયની ઉંડાઈ ઓછી થવા લાગે છે. આ સમગ્ર પ્રક્રિયાને સેડિમેન્ટેશન કહેવાય છે. જળાશયો માટે આ એક ધીમું મોત છે. આ કચરો અને કાંપ ધીમે ધીમે જળાશયોને અંદરથી ખલાસ કરી નાખે છે. જાણકારોના મતે આ પ્રક્રિયા ખૂબ જ ધીમે છે પણ તેની લાંબાગાળાની અસરો ખૂબ જ મોટી છે. આ કાંપના લીધે આવા જળાશયોની સપાટી દરેક દાયકામાં ૭.૩ ટકા ઘટી રહી છે. તેનો અર્થ એ છે કે, દર દસ વર્ષે જળાશયોનો આઠમો ભાગ આપણે ગુમાવી રહ્યા છીએ. તેના કારણે નદીઓના જે બંધ ૧૦૦ વર્ષની કેપેસિટી ધારીને બનાવવામાં આવ્યા હતા તે માત્ર ૪૦-૫૦ વર્ષમાં હાંફવા લાગ્યા છે. આ ઉપરાંત દુનિયાભરમાં વધતી વસતીને પગલે પાણીની ડિમાન્ડ વધી છે અને આ જળાશયોની સ્ટોરેજ કેપેસિટી ઘટી હોવાથી પાણીનો અભાવ સર્જાય છે.

સંશોધકો જણાવે છે કે, આ કાંપના કારણે સૌથી વધારે અસર નાના જળાશયોને થઈ છે. મોટા બંધમાં તો જળાશયોમાં બેક અપ માટે ડેડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે છે પણ નાના તળાવો ને જળાશયોમાં આવી કોઈ વ્યવસ્થા હોતી નથી. તેના કારણે ધીમે ધીમે તેમનું કદ ઘટતું જાય છે. ઉલ્લેખનીય છે કે, નાના જળાશયોની સપાટી વધારે ઉંડી હોતી નથી તથા તેનું ક્ષેત્રફળ પણ સિમિત હોય છે. તેથી આવા જળાશયોમાં કાંપ ભરાવા લાગે તો તે ઝડપથી સુકાવા લાગે છે. કેચમેન્ટ એરિયામાં માનવીય ગતિવિધિ વધી ગઈ છે. અહીંયા ખેતી, સિંચાઈ, રહેણાક વિસ્તારો વધવાના કારણે જંગલો કપાઈ ગયા, જમીન ઓછી થઈ ગઈ અને તેથી નદી કિનારે જમીનનું ધોવાણ વધવા લાગ્યું. આ ધોવાયેલી માટી અને કચરો જળાશયોમાં જવા લાગ્યો અને તે ભરાવા લાગ્યા. આ ઉપરાંત બંધની સાચવણી અને જાળવણીમાં પણ સરકારી તંત્ર દ્વારા મોટાપાયે બેદરકારીઓ સામે આવતી હોય છે. નાના જળાશયોની સાફસફાઈમાં ધ્યાન આપવામાં આવતું નથી અને તેના કારણે તળાવોની બહાર અને અંદર વ્યાપક પ્રમાણમાં કચરો ભેગો થવા લાગે છે. ગામડાઓ અને નાના શહેરોને વધારે અસર થાય તેમ છે. આવા સ્થળોએ એકાદ જળાશય હોય છે. નાના નગરો અને ગામડામાં આવા જળાશયો જ તેમની જીવન વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાનો ભાગ હોય છે. સ્થાનિક સિંચાઈ, ખેતી, પશુપાલન, ઘરેલુ જરૂરિયાતો અને ગ્રામ્ય વસતી કે નાના નગરની વસતીની અન્ય જરૂરિયાતો તેને આધિન હોય છે. આવા નાના જળાશયો કચરાથી ભરાવા લાગે, તેમાં સેડિમેન્ટેશન વધી જાય તો વ્યાપક સ્તરે નુકસાન થાય તેમ છે. 

તેની સીધી અસર ગ્રામીણ ભારત અને દેશના અર્થવ્યવસ્થાના આત્મા ઉપર ઘા કર્યો હોય તેવું લાગે. તેનાથી વ્યાપક નુકસાન જાય તેમ છે. આ અભ્યાસ કરનારા વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે, ભારત જ નહીં વૈશ્વિક સ્તરે જો નાના જળાશયો અને કૃત્રિમ જળાશયોને સાચવવામાં નહીં આવે તો પાણીની મોટી તંગી ઊભી થશે. ૨૦૬૦ સુધીમાં બે અબજ કરતા વધારે લોકો સામે ભોજન અને પાણીની સમસ્યાઓ ઊભી થશે. તેનું નિવારણ ત્યારે લાવવું વધારે કપરું સાબિત થશે.

- એશિયા, અમેરિકા અને મિડલ ઈસ્ટના દેશોમાં સ્થિતિ અત્યંત ખરાબ થવાની વકી 

જાણકારોના મતે દુનિયાના ૧૬ હોટસ્પોટ છે જ્યાં સેડિમેન્ટેશનની સ્થિતિ ખરાબ છે. તેમાં સાઉથ એશિયામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જતી હિમાયલની નદીઓમાં પરિસ્થતિ ખરાબ છે. અમેરિકાના સાઉથ-વેસ્ટમાં અત્યારથી જ પાણીની અછત અને દુકાળની સ્થિતિ વર્તાઈ રહી છે. બીજી તરફ મિડલ ઈસ્ટના દેશો અને ઓસ્ટ્રેલિયામાં પણ પાણીની સમસ્યા સર્જાશે. દુનિયાભરની ૬૦ ટકાથી વધારે ખેતી સિંચાઈ માટે બનાવેલા બંધ અને જળાશયો ઉપર આધારિત છે. આગામી ચાર-પાંચ દાયકામાં આ જળાશયો અને તેની નહેરોમાં પાણી જ નહીં વધે. ઘઉં, અને અન્ય અનાજ તથા શેરડી જેવા વધુ પાણી માગતા પાકમાં ઘટાડો આવશે અથવા તો તે નિષ્ફળ જવા લાગશે. એશિયા અને આફ્રિકા જેવા ખેતી પ્રધાન દેશોમાં અનાજની મોટી અછત ઊભી થશે. ખાદ્યાન્ના ભાવ આસમાને જશે અને ભુખમરો ઊભો થશે. મોટા મોટા શહેરો જે પીવાના પાણી માટે જળાશયો ઉપર જ આધારિત છે તેમને વ્યાપક નુકસાન થશે. આ જળાશયો ભરાઈ જશે તો શહેરોમાં પાણી નહીં આવે. નળમાં પાણી નહીં આવે એટલે તે લેવા માટે હિંસા થશે અને ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાશે. તે ઉપરાંત જે રીતે ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે, આગામી ત્રણ-ચાર દાયકામાં તેનું સ્તર પણ નીચે જતું રહેશે તેથી આ તંગી વધુ આકરી બનશે. બંધ અને જળાશયો કામ કરતા અટકી જશે તો વીજ ઉત્પાદનને પણ મોટું નુકસાન થશે. મોટાભાગના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ખોટકાઈ જશે. વીજ પુરવઠો ખોરવાશે તો બાકીની કામગીરી અટકશે અને સમગ્ર અર્થતંત્ર ખોટકાઈ જશે. 

- વિશ્વના 95 ટકા નાના જળાશયો પોતાની સ્ટોરેજ ક્ષમતા ગુમાવી દેશે 

સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી છે કે, સેડિમેન્ટેશનના કારણે જળાશયોની હાલત ખરાબ થઈ રહી છે. આ અભ્યાસ માટે દુનિયાભરના ૫.૫૦ લાખ જેટલા નાના-મોટા જળાશયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન સામે આવ્યું કે, દુનિયાભરના ૯૫ ટકા નાના જળાશયો કે જેમનું ક્ષેત્રફળ ૧ ચો.કિ.મી કે તેના કરતા ઓછું છે તેઓ ભરાવા લાગ્યા છે. આગામી ત્રણ દાયકામાં આવા જળાશયો પોતાની સ્ટોરેજ ક્ષમતા ગુમાવી દેશે. તેમના અસ્તિત્વ ઉપર મોટું સંકટ આવી જશે. સંશોધકો માને છે કે, ૨૦૬૦ સુધીમાં ૨,૭૫,૦૦૦થી વધારે જળાશયો પોતાની અડધાથી વધારે ક્ષમતા ગુમાવી દેશે. તેઓ મૃતપ્રાયઃ સ્થિતિમાં પણ આવી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત આ સ્થિતિની સીધી અસર ૨ અબજ કરતા વધારે વસતી ઉપર પડશે. વૈશ્વિક વસતીની લગભગ ચોથા ભાગની વસતી પાણીની અછતને પગલે પાણી અને ભોજન વગર વલખાં મારશે. દુનિયાની ૨૫ ટકા સિંચાઈ આધારિત ખેતીને વ્યાપક નુકસાન જશે. તેના કારણે વૈશ્વિક ધોરણે ખાદ્યન્નની અછત ઊભી થશે. તેના કારણે દુનિયાભરમાં ભુખમરો વધવા લાગશે.