Get The App

લિસા લેબર પાર્ટીનાં સુનક, ભવિષ્યમાં યુકેનાં વડાપ્રધાન બનશે

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
લિસા લેબર પાર્ટીનાં સુનક, ભવિષ્યમાં યુકેનાં વડાપ્રધાન બનશે 1 - image


- લેબર પાર્ટીમાં જેરેમી કાર્બિન સામેના અસંતોષની આગેવાની લિસા નંદીએ લીધી હતી

- સ્ટેર્મરે એન્જેલા રેયનરને નાયબ વડાપ્રધાન બનાવ્યાં છે તેથી સ્ટેર્મર પછી એન્જેલા દાવેદાર ગણાય પણ ભારતમાં કોઈ નેતાના ચાર ચૌદશિયા ભેગા મળીને બધું નક્કી કરી નાંખે એવું યુકેમાં નથી. સ્ટેર્મર ખસશે ત્યારે ફરી લેબર પાર્ટીના નેતા બનવા ચૂંટણી થશે. એ વખતે લિસા ઈવા નંદી  લેબર પાર્ટીનાં નેતા બનવાના ચાન્સ વધારે છે કેમ કે એન્જેલા રેયનર કરતાં તેમની ઈમેજ વધારે ક્લીન છે. એન્જેલા રેયનર બીજા એક સાંસદ સાથેના અફેર અને કરચોરીના મામલાઓમાં ફસાયેલાં છે જ્યારે લિસા કોઈ વિવાદમાં ફસાયેલાં નથી.

યુ.કે.માં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હાર આપનારી લેબર પાર્ટીના કેઈર સ્ટાર્મર વડાપ્રધાન બની ગયા અને પોતાની કેબિનેટ પણ રચી દીધી. યુકે પાર્લામેન્ટમાં ભારતીય મૂળના કુલ ૨૯ સાંસદો ચૂંટાયા છે ને તેમાંથી ૧૯ લેબર પાર્ટીના છે. આ પૈકી સ્ટાર્મર કોનો કેબિનેટમાં સમાવેશ કરશે તેના પર સૌની નજર હતી. 

લેબર પાર્ટીના ભારતીય મૂળના ૧૯ સાંસદોમાંથી ૧૨ સાંસદો પહેલી વાર ચૂંટાયા છે તેથી સ્ટાર્મર ૭ જૂના જોગીમાંથી કોઈને તક આપશે એવી ધારણા હતી. આ ધારણાને સાચી પાડીને સ્ટાર્મરે ૪૪ વર્ષનાં લિસા નંદીની પસંદગી કરી છે. લેબર પાર્ટીમાંથી નવેન્દુ મિશ્રા અને સીમા મલહોત્રા જેવાં પ્રબળ દાવેદાર હતાં પણ લિસા સ્ટાર્મરની શેડો કેબિનેટમાં હતાં તેથી સ્ટાર્મરે તેમના પર ભરોસો મૂકીને તક આપી છે. લિસાને કલ્ચર, મીડિયા તથા સ્પોર્ટ એમ એકસામટાં ત્રણ મંત્રાલય આપી દીધાં છે. 

ભારતના મીડિયામાં લિસા નંદીની બહુ ચર્ચા નથી. ચૂંટણીમાં જીતનારા ભારતીયોની વાત થતી તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પ્રીતિ પટેલ, ઋષિ સુનક, ગગન મોહિન્દ્રા વગેરે નામ ચર્ચામાં હતાં જ્યારે લેબર પાર્ટીમાંથી લિસાની તનમનસિંહ ઢેસી, પ્રીત ગિલ વગેરેનાં નામ વધારે ચર્ચામાં છે તેથી લિસાની પસંદગીથી ભારતીયોને આશ્ચર્ય થયું છે પણ યુકેમાં કોઈને જરાય આશ્ચર્ય થયું નથી.

યુકેના રાજકીય વર્તુળોમાં અને ભારતીયોમાં પણ લિસા નંદી બહુ જાણીતું નામ છે. બલ્કે ઘણાં તો તેમને લેબર પાર્ટીનાં ઋષિ સુનક ગણાવે છે અને સુનકની જેમ લિસા પણ ભવિષ્યમાં યુકેનાં પ્રાઈમ મિનિસ્ટર બનશે એવી આગાહી પણ કરે છે.  યુકેમાં ૨૦૧૧થી લેબર પાર્ટી સતત હાર્યા કરતી હતી તેથી  ૨૦૧૫ની આસપાસ જેરેમી કોર્બનની નેતાગીરી સામે અસંતોષ ઉભો થઈ ગયેલો. 

આ અસંતોષની આગેવાની ૨૦૧૦માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાનારાં લિસા નંદીએ લીધી હતી. લેબર પાર્ટીના નેતા લિસાને ૨૦૧૫માં જ કોર્બન સામે ઉભાં રાખવા માગતા હતા પણ લિસા પ્રેગનન્ટ હતાં તેથી સ્ટ્રેસ ટાળવા ઉભાં નહોતાં રહ્યાં. ૨૦૧૫માં દીકરાના જન્મ પછી લિસા એકાદ વર્ષ રાજકારણમાં બહુ સક્રિય નહોતાં પણ ૨૦૧૬થી એ સક્રિય થયાં પછી લેબર પાર્ટીમા નેતૃત્વ પરિવર્તનમાં સક્રિય ભૂમિકા ભજવી.

જેરેમી કોર્બન લેબર પાર્ટીનું પ્રમુખપદ છોડવા તૈયાર નહોતા પણ ૨૦૧૯ની ચૂંટણીમાં હાર પછી કોઈ વિકલ્પ ના રહ્યો ત્યારે લેબર પાર્ટીના નેતા તરીકે લિસા નંદીને નિમવાની ઝુબેશ શરૂ થઈ હતી. કોર્બન સામેની લડતમાં કેઈર સ્ટેર્મર પણ મોખરે હતા તેથી સ્ટેર્મરનું નામ પણ ચાલ્યું. ૨૦૨૦માં લેબર પાર્ટીના નેતા બનવા માટે ચૂંટણી થઈ તેમાં કેઈર સ્ટેર્મર અને લિસા નંદી સહિત ચાર ઉમેદવાર મેદાનમાં હતાં. આ ચૂંટણીમાં મુખ્ય જંગ સ્ટેર્મર અને રેબેકા લોંગ બેઈલી વચ્ચે હતો જ્યારે લિસા નંદી લગભગ ૧૭ ટકા મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યાં હતાં.

સ્ટેર્મર આ ચૂંટણીમાં જીત્યા તેથી આજે વડાપ્રધાન છે. રસપ્રદ વાત એ છે કે, સ્ટેર્મરે પોતાં મુખ્ય હરીફ રેબેકાને શેટો કેબિનેટમાં નહોતાં લીધા જ્યારે લિસા નંદીને લીધાં હતાં. એ વખતે તેમને શેડો ફોરેન મિનિસ્ટર બનાવાયેલાં. આ બાબત લેબર પાર્ટીમાં લિસાની ઈમેજ કેવી છે એ સ્પષ્ટ કરે છે. 

બ્રિટનમાં સત્તામાં આવનારી પાર્ટીને લોકો પાંચ વર્ષમાં ફેંકી નથી દેતાં એવો ઈતિહાસ છે. છેલ્લા ચાર દાયકામાં માર્ગારેટ થેચરથી માંડીને ઋષિ સુનક સુધીના વડાપ્રધાનોનો ઈતિહાસ જોશો તો આ વાત સમજાશે. આ કારણે લેબર પાર્ટી ઓછામાં ઓછો એક દાયકો તો સત્તામાં રહશે જ એવું મનાય છે. કેઈર સ્ટેર્મર અત્યારે લેબર પાર્ટીના સર્વેસર્વા છે પણ સ્ટેર્મર ૬૧ વર્ષના છે. ભારતમાં નેતા ઉપર ના જાય ત્યાં સુધી સત્તાને ચીટકી રહે છે પણ યુકેમાં એવું નથી. યુકેમાં એક ઉંમર પછી સત્તા નહીં છોડનારા નેતા સામે તેની જ પાર્ટીમાંથી વિરોધ થવા માંડે છે. સ્ટેર્મર પણ લાંબું ખેંચવા જશે તો વિરોધ થશે તેથી એ પાંચ વર્ષથી વધારે સમય વડાપ્રધાન નહીં રહે. 

સ્ટેર્મરે એન્જેલા રેયનરને નાયબ વડાપ્રધાન બનાવ્યાં છે તેથી સ્ટેર્મર પછી એન્જેલા દાવેદાર ગણાય પણ ભારતમાં કોઈ નેતાના ચાર ચૌદશિયા ભેગા મળીને બધું નક્કી કરી નાંખે એવું યુકેમાં નથી. સ્ટેર્મર ખસશે ત્યારે ફરી લેબર પાર્ટીના નેતા બનવા ચૂંટણી થશે. એ વખતે લિસા ઈવા નંદી  લેબર પાર્ટીનાં નેતા બનવાના ચાન્સ વધારે છે કેમ કે એન્જેલા રેયનર કરતાં તેમની ઈમેજ વધારે ક્લીન છે. એન્જેલા રેયનર બીજા એક સાંસદ સાથેના અફેર અને કરચોરીના મામલાઓમાં ફસાયેલાં છે જ્યારે લિસા કોઈ વિવાદમાં ફસાયેલાં નથી.

સ્ટેર્મરે પછીથી એન્જેલાને મહત્વ આપ્યું તેથી લિસાને સાઈડ લાઈન કરાયાં પણ  લિસા રાજકીય રીતે મજબૂત છે. ભારતીય મૂળનાં છે તેથી ભારતીય સમાજ તેમની પડખે છે. તેમના નાના દિગ્ગજ નેતા હતા તેથી બ્રિટિશ સમાજમાં પણ સ્વીકૃતિ છે. ૨૦૧૦થી વિગન બેઠક પરથી સંસદમાં ચૂંટાય છે. સ્ટેર્મરની ઈમેજ ક્લીન છે પણ એન્જેલા સાથેના તેમના ગાઢ સંબંધો ચર્ચાનો વિષય છે તેથી લિસાને બદલે એન્જેલાને ઓછું મહત્વ મળ્યું તેને લિસાની રાજકીય કારકિર્દીમાં પીછેહઠ નથી ગણવામાં આવતી. સ્ટેર્મર છે ત્યાં સુધી એન્જેલાનું મહત્વ છે પણ જેવા સ્ટેર્મર હટશે કે તરત લિસા કા ટાઈમ આયેગા એવું મનાય છે.

લિસાની અંગત જીંદગી પણ બિન વિવાદાસ્પદ છે.  લિસા પરણેલાં નથી પણ એક દીકરાનાં માતા છે. પબ્લિક રીલેશન કન્સલ્ટન્ટ એન્ડી કોલિસ સાથે લિસાને વરસોથી સંબંધો છે અને બંને સાથે છે. આ સંબંધોથી ૨૦૧૫માં જન્મેલો દીકરા તેમની સાથે જ રહે છે. યુકેમાં આ પ્રકારના સંબંધો અને પરિવાર સામાન્ય છે તેથી કોઈને તેમાં કશું ખોટું લાગતું નથી. આ બધાં કારણોસર યુકેના રાજકીય વિશ્લેષકો લિસાને ભવિષ્યનાં વડાપ્રધાન માને છે.

- લિસાના પિતા પ્રખ્યાત શિક્ષણવિદ, નાના લોર્ડ બાયર ટોચના નેતા

લિસા નંદી અત્યંત વગદાર પરિવારની દીકરી છે. લિસા નંદીના પિતા દીપક નંદી જાણીતા શિક્ષણવિદ છે જ્યારે નાના લોર્ડ બાયર ટોચના રાજકારણી હતા. લિબરલ પાર્ટીના નેતા લોર્ડ બાયર બીજા વિશ્વયુધ્ધમાં બ્રિટન વતી લડયા હતા તેથી યુકેમાં તેમના પરિવારને સન્માનિત ગણવામાં આવે છે. 

લિસાના પિતા દીપક નંદી કોલકાત્તામાં જન્મેલા પણ ૧૯૫૬માં ભણવા માટે બ્રિટન આવ્યા હતા. બ્રિટનમાં યુનિવર્સિટી ઓફ લીડ્સમાં અંગ્રેજી સાહિત્યના લેક્ચરર તરીકે કારકિર્દી શરૂ કરનારા દીપક નંદીની ગણના સામ્યવાદી તરીકે થતી હતી. નંદીને 'કલર્ડ કોમ્યુનિસ્ટ' કહેવામાં આવતા. નંદીએ પછીથી વંશીય સંબંધોના નિષ્ણાત તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. નંદીએ બ્રિટનના ગૃહ મંત્રાલયમાં સ્પેશિયલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી હતી. ભારતીય સહિતના વિદેશીઓને બ્રિટનમાં ૧૯૮૦ના દાયકામાં મોટા પ્રમાણમાં વિઝા મળ્યા તેનો યશ દીપક નંદીને અપાય છે. 

નંદી લીડ્સ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે ૧૯૬૦માં માર્ગારેટ ગ્રેસીના પ્રેમમાં પડેલા. ૧૯૬૪માં બંનેનાં લગ્ન થયાં પણ ૧૯૭૧માં ડિવોર્સ થઈ ગયા. નંદીનું લોર્ડ બાયરની દીકરી લુઈસ બાયર્સ સાથેનું અફેર ડિવોર્સ માટે જવાબદાર મનાય છે. ૧૯૭૨માં નંદી અને લુઈસે લગ્ન કર્યાં.

 આ લગ્નથી તેમને બે સંતાન થયાં. લિસા ૧૯૭૯માં જન્મી હતી. દીપક-લુઈસના ૧૯૯૧માં ડિવોર્સ થઈ ગયાં હતા. લિસા પોતાની માતા સાથે ઉછર્યાં છે પણ પિતા સાથે પણ તેમના ગાઢ સંબંધો છે.

- મુસ્લિમોના મુદ્દા ઉગ્રતાથી ઉઠાવતાં પાકિસ્તાની મૂળમાં શબાના પણ મિનિસ્ટર

સ્ટેર્મર મિનિસ્ટ્રીમાં પાકિસ્તાની મૂળનાં શબાના મહમૂદનો પણ સમાવેશ કરાયો છે. શબાનાને ન્યાય અને નાણાં મંત્રાલયમા રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાયાં છે. ૪૪ વર્ષનાં શબાના મહમૂદ બર્મિંગહામનાં સાંસદ છે કે જ્યાં પાકિસ્તાનીઓ સહિતના મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે. શબાના ૨૦૧૦થી સાંસદ છે અને સ્ટેર્મરની અત્યંત નજીક મનાય છે. શબાના યુકેમાં રહેતા મુસ્લિમોના મુદ્દે ઉગ્રતાથી બોલે છે. યુકેમાં મુસ્લિમો પર થતા હુમલાઓને સંસદમાં ઉઠાવે છે તેથી મુસ્લિમોમાં ભારે લોકપ્રિય છે. 

શબાનાના પિતા સિવિલ એન્જીનિયર હતા. શબાના ૧ વર્ષની હતી ત્યારે સાઉદી અરેબિયામાં નોકરી મળતાં આખો પરિવાર સાઉદી જતો રહેલો પણ ૧૯૮૬માં આખો પરિવાર પાછો યુકે આવી ગયેલો. શબાનાને એક જોડિયો ભાઈ છે. યુકે પાછા આવ્યા પછી શબાનાના પરિવારે એક ગ્રોસરી શોપ નાંખી કે જે તેની માતા ચલાવતી હતી જ્યારે તેના પિતા લેબર પાર્ટીમાં સક્રિય થઈ ગયા. આ કારણે શબાના નાનપણથી લેબર પાર્ટી સાથે જોડાયેલી છે. 

શબાનાએ ઓક્સફ્રડ યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું પછી કાયદાનો અભ્યાસ કર્યો છે. એ પછી બેરિસ્ટર તરીકે કારકિર્દી શરૂ કરેલી અને પછી રાજકારણમાં આવી ગઈ.  


News-Focus

Google NewsGoogle News