Get The App

'અંકલ સેમ'ના ઈશારે જ ઈરાન ભડકે બળતું હોવાની ચર્ચા

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
'અંકલ સેમ'ના ઈશારે જ ઈરાન ભડકે બળતું હોવાની ચર્ચા 1 - image

- બિનઅસરકારક સરકારી યોજનાઓ અને બેરોજગારી સામે લાખો યુવાનોનો આક્રોશ દાવાનળ બન્યો છે તે અમિરેકાની જ આગચંપી હોવાનો દાવો

- ઈરાનમાં હાલમાં મોંઘવારી ૫૨ ટકાની આસપાસ પહોંચી ગઈ છે. બીજી તરફ યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ 25 ટકા જેટલું છે. ઈરાનની આવી કથળતી હાલતને પગલે જ હવે યુવાનો આધુનિક ઈસ્લામિક ક્રાંતિ કરવાની વેતરણમાં છે. નવી પેઢી વધુ સારી જિંદગીની માગણી કરી રહ્યા છે. તેઓ ગુણવત્તાસભર જીવન, આર્થિક સુરક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતા ઝંખે છે : સોશિયલ મીડિયા અને સાઈબર એક્ટિવિટી દ્વારા ઈઝરાયેલ જ ઈરાનના યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા કરાવી રહ્યું છે. તેઓ સોશિયલ મીડિયા થકી એક સાઈકોલોજિકલ યુદ્ધ લડતા હોય અને ઈરાનના જ યુવાનો દ્વારા લડાવતા હોય તે શક્ય છે. ઈરાનની અંદર આંતરિક અસંતોષ ઊભો થાય તેને ઈઝરાયેલ એક અવસર તરીકે જ જૂએ છે : વૈશ્વિક રાજકારણ માને છે કે, ટ્રમ્પ ઈરાનને શાંત કરવા ત્યાં સત્તા પરિવર્તન કરાવવા માગે છે. તેમની અસરને પગલે જ ઈરાનમાં આ ક્રાંતિ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પણ કાયમ ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમો સામે જ વિરોધ નોંધાયો છે તેમણે ક્યારેય ઈરાનમાં સત્તા પરિવર્તનની વાત નથી કરી. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પણ ઈરાનને ધમકી આપી હતી

ઈરાનમાં જેન ઝી આંદોલન વેગ પકડી રહ્યું છે અને કદાચ એમ કહીએ કે હિંસક બની રહ્યું છે તો તેમાં જરાય નવાઈ નથી. દુનિયાના ઘણા દેશોમાં વર્ષ ૨૦૨૫માં જેન ઝી દ્વારા ક્રાંતિ કરીને સત્તા ઉથલાવવામાં આવી હતી. તેમાંય બાંગ્લાદેશમાં હાલમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા હિંસક આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે અને બાંગ્લાદેશની સત્તા પોતાના હાથમાં લેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આવી જ સ્થિતિ ઈરાનમાં પણ ચાલી રહી છે. ઈરાનમાં શરૂ થયેલી જેન ઝી ક્રાંતિ એવા સ્તરે પહોંચી ગઈ છે કે, આ આંદોલન હવે ઈરાન માટે માત્ર ઘરેલુ મુદ્દો રહ્યો નથી. મોંઘવારી, બેરોજગારી, સામાજિક પ્રતિબંધો સામે લાખો યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેઓ ખોમેનઈ સામે લાખો યુવાનો જંગે ચડયા છે. જાણકારોમાં એવી ચર્ચા છે કે, આ નવી પેઢી સત્તા હાથમાં લેવા કે રાજ કરવા માગતી નથી પણ તેઓ વધુ સારી જિંદગીની માગણી કરી રહ્યા છે. તેઓ ગુણવત્તાસભર જીવન, આર્થિક સુરક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની માગણી કરી રહ્યા છે. જાણકારોના મતે ઈરાનમાં જે પ્રમાણે જેન ઝી ક્રાંતિ વેગ પકડી રહી છે અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તેમાં ઈઝરાયેલ અને અમેરિકા બંનેનો હાથ છે. પડદા પાછળ આ બંને દેશો સક્રિય છે જે ઈરાનમાં સત્તા પરિવર્તન ઝંખી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં છેલ્લાં ઘણા દિવસોથી ચાલી રહેલું જેન ઝી આંદોલન હકિકતે તો નવી પેઢીની આગેવાનીમાં શરૂ થયેલું જન આંદોલન છે જે હવે માત્ર ઘરેલુ અસંતોષ સુધી સિમિત રહ્યું નથી. તેમાં ઘણા ફરેફાર આવ્યા છે. આડકતરી રીતે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા આંદલોનકારીઓને સમર્થન મળી રહ્યું છે અને તેના પગલે ઈરાનની હિંસા અને ક્રાંતિના હવે વૈશ્વિક પડઘા પડી રહ્યા છે. તેના કારણે વૈશ્વિક રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. આ આંદોલન એવી સ્થિતિમાં છે જ્યાં એક તરફ મોંઘવારી, બેરોજગારી, સામાજિક પ્રતિબંધો અને અન્ય મુદ્દા આંતરિક રાજકારણ અથવા તો આ વૈચારિક વિસ્ફોટના મુખ્ય કારણોમાં સ્થાન પામે છે. ત્યાં બીજી તરફ આ જ આંદોલન અમેરિકા અને ઈઝરાયેલ સહિત પશ્ચિમી દેશોની અસરને પગલે એક વિચિત્ર અને જટિલ કહી શકાય તેવો જિયોપોલિટિક્સનો મુદ્દો બની ગયું છે. મહત્ત્વની વાત એ છે કે, ઈરાન સરકાર દ્વારા લોકો ઉપર નાખવામાં આવેલા પ્રતિબંધો, કથળેલું રાજકારણ, કથળેલું અર્થતંત્ર, શિક્ષણ અને રોજગારનો અભાવ, વૈશ્વિક સ્તરે ઈરાનની પડતી જેવા ઘણા કારણો હતા જેના પગલે યુવાનો અકળાયેલા હતા. તેમાંય મોરલ પોલિસિંગના નામે તેમની ઉપર જે અત્યાચાર કરવામાં આવતા હતા તેણે આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું હતું. આ બધી જ બાબતોથી કંટાળેલા લોકોએ એક સ્વદેશી આંદલોન શરૂ કર્યું જેનો આશય ખોમેનઈને હટાવવાનું અથવા તો નવા સરકાર લાવવાનું હોય તેમ દેખાતું હતું. આ એક આંતરિક સુધારની ક્રાંતિ હતી. ધીમે ધીમે તેને બાહ્ય સમર્થન મળતું ગયું અને હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે. તેના પગલે ખોમેનઈની સત્તા જાય તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે, હાલમાં જે વિરોધ થઈ રહ્યો છે તે કદાચ પ્રજાનો અસંતોષ હોઈ શકે પણ તેની પાછળ બીજા દેશો અને વિરોધી સત્તાઓ કારણભૂત છે, તેવું સ્પષ્ટ જણાતું નથી. તેના કારણે ઈરાનમાં સત્તા પલટો આવે કે ખોમેનઈની સત્તા જતી રહે તેવું તો હાલમાં લાગતું નથી.

ઈરાનમાં સતત વકરી રહેલું અર્થતંત્ર, ત્યાંના ચલણના મૂલ્યનું અવમૂલ્યન વગેરે હવે ત્યાંના યુવાનોને ચિંતિત કરી રહ્યા છે. હવે આંદોલનકારીઓ હિંસાના મૂડમાં આવી ગયા છે. તાજેતરમાં જ કેટલાક યુવાનોના ટોળા દ્વારા સાઉથ ફાર્સ પ્રાંતના ફાસા શહેરમાં સ્થાનિક સરકારી ઈમારતોમાં ઘુસીને તોફડફોડ કરવાનો પ્રયાસ કરાયો હતો. લોકોએ ગવર્નરેટ કાર્યાલયનો દરવાજો તોડીને ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. હવે ધીમે ધીમે લાગી રહ્યું છે કે, યુવાનોની ભીડ હિંસક બની રહી છે. અત્યાર સુધી હિંસામાં ૩૫ લોકોનાં મોત થયા છે અને ૧૨૦૦થી વધુની અટકાયત કરવામાં આવી છે. સ્થિતિ એવી આવી છે કે, લોકો વાતચીત કરવા તૈયાર હતા ત્યારે સરકાર ધમકીઓ આપતી હતી અને હવે લોકોએ જે માર્ગ પસંદ કર્યો છે તેના કારણે ઈરાનમાં સત્તા પલટો થઈ જાય તે નક્કી છે. સરકાર ક્યારેય વાતચીત કરવાનું કહે છે તો ક્યારેક ધમકી આપે છે તો ક્યારેક બળજબરી કરે છે અને તેના કારણે જ આ સમસ્યા દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જાણકારો માની રહ્યા છે કે, દેશની જે રીતે દુર્દશા થઈ છે અને કદાચ થઈ રહી છે તેના કારણે યુવાનો ચિંતાગ્રસ્ત અને આકરા પાણીએ છે. અનેક યુનિવર્સિટીઓમાંથી અને રહેણાક વિસ્તારોમાંથી યુવાનો રસ્તે ઉતરી આવ્યા છે. તેના કારણે જ એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, જેન ઝીની આ ક્રાંતિ ખોમેનઈ માટે વળતા પાણી જેવી છે કે પછી તેના સુપડા જ સાફ કરી દેશે. તેના પગલે દેશમાં અશાંતિનો ચરુ ઉકળી રહ્યો છે. 

ઈતિહાસકારો અને વિચારકો માને છે કે, હાલમાં જે જેન ઝી પેઢી રસ્તા ઉપર ઉતરી છે તે ખૂબ જ વૈચારિક અને આધુનિક છે. તેમણે ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિની વાતો માત્ર પાઠયપુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાં જ જોઈ કે સાંભળી અથવા તો વાંચી છે. આ પેઢીની પ્રાથમિકતાઓ તેમનો વૈચારિક સંઘર્ષ નથી. તેઓ વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે મથી રહ્યા છે. તેમાં રોજિંદા જીવનમાં સુધારો, ગુણવત્તાસભર જીવન, આર્થિક સુરક્ષા, વ્યક્તિગત અને વિચારોની સ્વતંત્રતા, વૈશ્વિક સંપર્કો અને સારા રોજગારનની અપેક્ષા રહેલી છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જણાવાયું કે, હાલમાં જે પેઢીએ આંદોલનને રસ્તો લીધે છો તે ઈરાનની કુલ વસતીનો સૌથી મોટો ભાગ છે. આ તમામ યુવાનો છે. તેઓ જ રસ્તા ઉપર વધારે ફરી રહ્યા છે. જાણકારોના મતે ઈરાનમાં હાલમાં મોંઘવારી ૫૨ ટકાની આસપાસ પહોંચી ગઈ છે. બીજી તરફ યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે. ઈરાનની આવી કથળતી હાલતને પગલે જ હવે યુવાનો આધુનિક ઈસ્લામિક ક્રાંતિ કરવાની વેતરણમાં છે. તેમાંય યુવાનોના જે રીતે મોત થઈ રહ્યા છે તેને મુદ્દો બનાવીને ઈઝરાયેલ અને અમેરિકા આકરા થઈને ઈરાન વિરોધી નિવેદનો અને ધમકીઓ ઉચ્ચારી રહ્યા છે. 

અમેરિકા કોઈપણ ભોગ ઈરાનને બરબાદ કરીને પરમાણુ કાર્યક્રમ અટકાવવા માગે છે

ઈરાન દ્વારા જે પરમાણુ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેના કારણે વર્ષોથી ઈરાન અને અમેરિકાના સંબંધો વણસેલા છે. વર્ષોથી એવી વાત ચાલે જ છે કે, અમેરિકા પોતાના પાવરનો ઉપયોગ કરીને ઈરાનમાં અસ્થિરતા લાવવા માગે છે જેથી તેના અણુ અખતરા ઉપર રોક લાવી શકાય. અમેરિકાએ સીધી રીતે ઈરાનમાં દખલ નહીં દઈને પણ બહારથી એવી વ્યવસ્થા અને પ્રતિબંધોનું નેટવર્ક ઊભું કરેલું છે કે, ઈરાનની ઈકોનોમીને મોટો આઘાત લાગેલો છે. તેમાંય ક્રૂડની નિકાસ ઉપર પ્રતિબંધ અને બેન્કિંગ સિસ્ટમમાં ઘટાડો થવાના કારણે ઈરાનની હાલત હાલમાં ખરાબ છે. જાણકારો માને છે કે, અમેરિકાને ઘણા વર્ષોથી ઈરાન સામે વાંધો છે છતાં હાલમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેમાં અમેરિકાની સીધી રીતે ભૂમિકા હોઈ શકે નહીં. હાલમાં ટ્રમ્પન હાથમાં અમેરિકી સત્તા છે તેથી વૈશ્વિક રાજકારણ માને છે કે, ટ્રમ્પ ઈરાને શાંત કરવા ત્યાં સત્તા પરિવર્તન કરાવવા માગે છે. તેમની અસરને પગલે જ ઈરાનમાં આ ક્રાંતિ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પણ કાયમ ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમો સામે જ વિરોધ નોંધાયો છે તેમણે ક્યારેય ઈરાનમાં સત્તા પરિવર્તનની વાત નથી કરી. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પણ ઈરાનને ધમકી આપી હતી કે, ઈરાન જે કામગીરીઓ કરે છે તેના ગંભીર પરિણામ તેણે ભોગવવાના આવશે. તેમના તે સમયના ટ્વિટને હવે ધમકી સ્વરૂપે જોવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે તો સત્તા ગયા બાદ પણ અવારનવાર સોશિયલ મીડિયામાં ઈરાન વિરોધી સ્ટેટમેન્ટ આપ્યા જ હતા પણ ક્યારેય સત્તા પરિવર્તનની વાત કરી નહોતી. તાજેતરમાં લોકો એવું માની રહ્યા છે કે, યુવાનો જે જુસ્સામાં છે અને કદાચ તેમની પાસે જે અધધ ભંડોળ છે તે જોતાં મનાઈ રહ્યું છે કે, અમેરિકા જ યુવાનેને પ્રોત્સાહન અને પૈસા આપીને વિરોધ અને વિદ્રોહ કરાવતું હોવું જોઈએ. તેઓ યુવાનોના નામે ઈરાકમાં સત્તાની બાગડોર પોતાના હાથમાં લેવા માગે છે.

ઈઝરાયેલની એજન્સીઓ ઈરાનમાં ભંગાણ પડાવવા સક્રિય હોવાના દાવા

ઈરાનના રાજકારણમાં લાંબા સમયથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે, ઈરાનમાં જે અસ્થિરતાનો માહોલ ઊભો થયો છે તેની પાછળ ઈઝરાયેલની એજન્સીઓ જવાબદાર છે. 

હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે અને યુવાનો જે રીતે અકળાયેલા છે તેમાં સરકારી તંત્ર માને છે કે, સોશિયલ મીડિયા અને સાઈબર એક્ટિવિટી દ્વારા ઈઝરાયેલ જ ઈરાનના યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા કરાવી રહ્યું છે. ઘણા જાણકારો અને હાલમાં ઈરાનમાં સર્વે કરી રહેલી એજન્સીઓ માને છે કે, ઈરાનની હિંસામાં દેખીતી રીતે ઈઝરાયેલનો સીધો હોથ હોવાની કોઈ ભુમિકા સીધી રીતે દેખાતી નથી. તેઓ સોશિયલ મીડિયા થકી એક સાઈકોલોજિકલ યુદ્ધ લડતા હોય અને ઈરાનના જ યુવાનો દ્વારા લડાવતા હોય તે શક્ય છે. ઈરાનની અંદર આંતરિક અસંતોષ ઊભો થાય તેને ઈઝરાયેલ એક અવસર તરીકે જ જુએ છે. તેમ છતાં એવું લાગી રહ્યું છે કે, આ આંદલોન મૂળ સ્વરૂપે તો ઘરેલું જ છે. ત્યાંના જ યુવાનો ત્યાંની સરકાર સામે પડયા છે.