Get The App

માટીના વાસણોનો પર્યાય ગણાતું પ્લાસ્ટિક એક સદીમાં અભિશાપ બન્યું

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
માટીના વાસણોનો પર્યાય ગણાતું પ્લાસ્ટિક એક સદીમાં અભિશાપ બન્યું 1 - image

દર વર્ષે 4 કરોડ લાખ ટન પ્લાસ્ટિક કચરો વિશ્વમાં ઉત્સર્જિત થઈ રહ્યો છે જેમાંથી 56 લાખ ટન કચરો ભારતમાં ઠલવાય છે

અંદાજે 80 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો દરિયા અને મહાસાગરોમાં પહોંચી રહ્યો છે જેના કારણે જળચર પ્રાણીઓ અને જીવજંતુઓની ૭૦૦થી વધારે પ્રજાતીઓ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે : માણસો દ્વારા કરવામાં આવેલો અતિશય લોભ, સુવિધાઓની માગ અને કહેવાતા અંધાધૂંધ વિકાસને કારણે પર્યાવરણને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. તેના કારણે નદીઓ, રણ પ્રદેશો, જંગલો, જલસ્રોતને વ્યાપક નુકસાન થયું છે ઃ દર વર્ષે પ્લાસ્ટિકનું ઉત્પાદન ૮.૪ ટકાના દરે વધ્યું છે જ્યારે તેના રિસાઈકલિંગની કામગીરી ૯.૫ ટકાએ સિમિત છે. આ ભયાનક અસંતુલન છે જે પૃથ્વી ઉપર પ્લાસ્ટિકના મોટા મોટા પહાડ ઊભા કરી રહી છે. તેના દ્વારા માણસોના અને દરેક સજીવોના સ્વાસ્થ્ય ઉપર તેની ભયાનક અસર પડી રહી છે

આધુનિક સમયમાં પ્લાસ્ટિકને ખૂબ જ મહત્ત્વનો પદાર્થ ગણવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તેની શોધ થઈ તે સમયથી સસ્તા, ટકાઉ અને બહુઉપયોગી પદાર્થ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ થવા લાગ્યો હતો. 

હાલમાં તો સ્થિતિ એવી આવી ગઈ છે કે, પ્લાસ્ટિકનો ઉપયોગ એ હદે પહોંચી ગયો છે કે, તે પર્યાવરણ માટે ગંભીર સંકટ બની ગયો છે. પ્લાસ્ટિક પ્રદુષણ હાલમાં વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની ગયું છે. તેનું કારણ એ છે કે, પ્લાસ્ટિક જમીન, પાણી અને વાયુ તમામ સ્તરે પ્રદુષણ ફેલાવી રહ્યું છે. તેના દ્વારા માણસો, પશુ-પક્ષીઓ, જીવજંતુઓ અને સામુદ્રીક જીવોને પણ ભયાનક અસર થઈ છે. તેના કારણે સમગ્ર પારિસ્થિતિક તંત્ર વિખરાઈ ગયું છે. હવે સ્થિતિ એ આવી ગઈ છે કે, દુનિયાભરના દેશો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને તેનો વિકલ્પ શોધવા માટે મથામણ કરવા લાગ્યા છે. 

જાણકારોના મતે વિશ્વમાં વર્તમાન સમયમાં દર વર્ષે અંદાજે ૪ કરોડ લાખ ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. હાલમાં જે પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે તે છેલ્લાં બે દાયકામાં ખૂબ જ વધ્યો છે. 

વૈશ્વિક સ્તરે જે પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે તેમાંથી અંદાજે ૮૦ લાખ ટન પ્લાસ્ટિકનો કચરો દરિયા અને મહાસાગરોમાં પહોંચી રહ્યો છે જેના કારણે જળચર પ્રાણીઓ અને જીવજંતુઓની ૭૦૦થી વધારે પ્રજાતિઓ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં દર વર્ષે લગભગ ૫૬ લાખ ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે. આ તમામ કચરાની પર્યાવરણ ઉપર મોટાપાયે વિપરિત અને ભયાનક અસર થઈ રહી છે. 

મહત્ત્વની વાત એ છે કે, હાલના વર્ષોમાં પ્લાસ્ટિના પ્રદુષણની જે અસરો જોવા મળી રહી છે તેમાં એક બાબત સ્પષ્ટપણે આવી રહી છે કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગમાં પણ તેની અસર મોટી ભૂમિકા ભજવી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી અત્યંત વિકટ સ્થિતિનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે પ્લાસ્ટિકના પ્રદુષણને કારણે તેમાં વધારો થઈ રહ્યાના અહેવાલો વધારે ચિંતા જન્માવી રહ્યા છે. પ્લાસ્ટિક દુનિયા માટે મોટો ખતરો બની રહ્યું છે. 

ખાસ કરીને વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રીની નીચે રાખવાના અભિયાનમાં પ્લાસ્ટિક પ્રદુષણ મોટી અડચણ ઊભી કરી રહ્યું છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં પણ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થઈ રહ્યું છે. તેના કારણે પણ પ્રદુષણના સ્તર પર વધારો થઈ રહ્યો છે. 

અહેવાલો જણાવે છે કે, દુનિયામાં પ્લાસ્ટિકનો જે ઉપયોગ થઈ રહ્યો છે અને જે ઉત્પાદન થઈ રહ્યું છે તેના કારણે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધ્યું છે. ધરતી ઉપર ગ્રીન હાઉસ ગેસનું જે ઉત્સર્જન થઈ રહ્યું છે તેમાં ૩.૩ ટકાનો ભાગ પ્લાસ્ટિકનો ગણાય છે. આમ જોવા જઈએ તો ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં કદાચ પ્લાસ્કિટનો ભાગ નાનો ગણી શકાય પણ પ્લાસ્ટિકનો અન્ય રીતે પણ ધરતી ઉપર દુષ્પ્રભાવ પડી રહ્યો છે. ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓ અને પાણીની બોટલો જે આપણા દ્વારા સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે અને ફેંકી દેવામાં આવે છે તેના કારણે પૃથ્વી ઉપર મોટાપાયે પ્રદુષણ વધી રહ્યું છે. પ્લસ્ટિકનો કચરો માત્ર આપણી આસપાસ ગંદગી ફેલાવે છે તેવું નથી તેનાથી ક્લાઈમેટ ચેન્જને મોટો સાથ મળી રહ્યો છે અને તેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

જાણકારોના મતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર થઈ છે તેના કારણે દુનિયાના ઘણા ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. બીજી તરફ સમુદ્રના કિનારે વસેલા શહેરો અને ગામડા ડૂબવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વિશેષજ્ઞાોનું માનવું છે કે, છેલ્લાં બે દાયકામાં વૈશ્વિકરણ અને ઉદારવાદી તથા ખાનગીકરણની નીતિઓને પગલે આપણી સામે ઘણા પડકારો ઊભા થયા છે. તેના કારણે આર્થિક વિકાસના મોડલ પણ ડામાડોળ થવા લાગ્યા છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વ પર્યાવરણ સાથે સંકળાયેલી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તેને અટકાવવા માટે અને તેમાંથી બહાર આવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવિકતા એ છે કે, પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગની હાલની જે સ્થિતિ છે તેને જોતાં લાગતું નથી કે આ પ્રયાસો ખાસ કારગત સાબિત થયા હોય. તેના કારણે જ માણસ અને પ્રકૃતિ વચ્ચે રહેલો સંબંધ વધારે ખરાબ સ્થિતિમાં પહોંચી રહ્યો છે. 

માણસો દ્વારા કરવામાં આવેલો અતિશય લોભ, સુવિધાઓની માગ અને કહેવાતા અંધાધૂંધ વિકાસને કારણે પર્યાવરણને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. તેના કારણે નદીઓ, રણ પ્રદેશો, જંગલો, જલસ્રોતને વ્યાપક નુકસાન થયું છે. 

બીજી તરફ ગરમી અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જે હિમનદીઓને ઓગાળી રહી છે. હાલમાં ઘણા વિસ્તારોમાં તાપમાન ૫૦ ડિગ્રીની આસપાસ જઈ રહ્યું છે અને તેના કારણે માણસોના અસ્તિત્વ ઉપર ભય ઊભો થયો છે. બીજી તરફ નાના જીવજંતુઓ અને પ્રાણીઓનું અસ્તિત્વ પણ જોખમાઈ રહ્યું છે. 

વધતા તાપમાને અનેક લોકોનો પણ ભોગ લીધો છે. સરેરાશ જોઈએ તો સમગ્ર વિશ્વમાં વધતા પ્લાસ્ટિક પ્રદુષણ અને જળવાયુ પરિવર્તનને કારણે જૈવ વિવિધતાનો નાશ થયો છે અને પાણીમાં પણ ઝેર ભળી રહ્યું છે. સ્વચ્છ અને સ્વસ્થ ધરતી પણ સુકાઈને રણ બની રહી છે બીજી તરફ હવા પણ ઝેરી થઈ રહી છે. તેના કારણે સમગ્ર પારિસ્થિતિક તંત્ર નબળું પડી રહ્યું અને તેના કારણે સમગ્ર સજીવ સૃષ્ટી ઉપર વિવિધ જોખમો સર્જાયા છે. 

ઉલ્લેખનીય છે કે, ૧૯૦૭માં પ્લાસ્ટિકની શોધ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, પ્લાસ્ટિકની શોધ થઈ ત્યારથી જ તેના ઉપયોગમાં અધધ વધારો થઈ ગયો છે. એક સમયે દુનિયા માટે વરદાન ગણાતું પ્લાસ્ટિક હવે અભિશાપ બની ગયું છે. પ્લાસ્ટિકના કારણે કદાચ આપણું જીવન વધારે સરળ થઈ ગયું છે પણ છેલ્લાં ત્રણ-ચાર દાયકામાં જે તેનો અધધ ઉપયોગ કરવામાં આવ્યો છે તેના કારણે આપણા માટે સૌથી મોટો પડકાર પણ ઊભો થયો છે. સસ્તું અને ટકાઉ હોવાના કારણે પ્લાસ્ટિકનો વપરાશ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તેના કારણે જ દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે જે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. 

સ્થિતિ એવી સર્જાઈ છે કે, જમીન, નદીઓ, જંગલો, સમુદ્ર, રણપ્રદેશ દરેક જગ્યાએ પ્લાસ્ટિક ફેલાવા લાગ્યું છે. 

ઓછું હોય તેમ પ્લાસ્ટિક બાળવામાં આવે છે જે વાતાવરણને વધારે પ્રદુષિત કરે છે. પ્લાસ્ટિક આજે દુનિયાના ખુણે ખુણે પહોંચી ગયું છે. આપણા ભોજનમાં, પીવાના પાણીમાં અને દરેક જગ્યાએ પ્લાસ્ટિકના પાર્ટિકલ જોવા મળી રહ્યા છે. હવે સ્થિતિ આવી ગઈ છે કે, પ્લાસ્ટિકના કચરાનો નિકાલ લાવવા માટે મહત્ત્વના નિર્ણય લેવા જોઈએ. એક સદી પહેલાં જ્યારે પ્લાસ્ટિકની શોધ કરવામાં આવી ત્યારે તેને માનવજાત માટે મહત્ત્વની શોધ ગણાતી હતી.

 હવે પ્લાસ્ટિકના કારણે જે સમસ્યા સર્જાઈ છે અને પ્રદુષણ વધ્યું છે તેના કારણે હવે લોકો પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા લાગ્યા છે. તેના દ્વારા તેના ઉપયોગમાં ઘટાડો આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. હાલના સમયે પ્લાસ્ટિકના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે જોતાં સવાલ ઊભો થાય છે કે, ખરેખર પ્લાસ્ટિક માણસો માટે આશીર્વાદ સમાન હતું કે અભિશાપ સમાન.

દર વર્ષે પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ૮.૪ ટકાનો વધારો થઈ રહ્યો છે 

થોડા સમય પહેલાં જ એક અહેવાલ સામે આવ્યો હતો જેણે લોકોના પ્લાસ્ટિકના ઉપયોગ સામે લાલબત્તી ધરી હતી. તેમાં જણાવાયું હતું કે, દર વર્ષે પ્લાસ્ટિકનું ઉત્પાદન ૮.૪ ટકાના દરે વધ્યું છે જ્યારે તેના રિસાઈકલિંગની કામગીરી ૯.૫ ટકાએ સિમિત છે. આ ભયાનક અસંતુલન છે જે પૃથ્વી ઉપર પ્લાસ્ટિકના મોટા મોટા પહાડ ઊભા કરી રહી છે. તેના દ્વારા માણસોના અને દરેક સજીવોના સ્વાસ્થ્ય ઉપર તેની ભયાનક અસર પડી રહી છે. 

અહેવાલો જણાવે છે કે, ૨૦૨૨માં વૈશ્વિક સ્તરે ૪૦ કરોડ ટન પ્લાસ્ટિકનું સર્જન થયું હતું જેમાંથી માત્ર ૩.૮ કરોડ ટનનું રિસાઈકલિંગ કરવામાં આવ્યું હતું. જાણકારો માને છે કે, પ્લાસ્ટિકના ઉત્પાદનનો દર આ પ્રમાણે જ રહ્યો તો ૨૦૫૦ સુધીમાં તેનું ઉત્પાદન બમણું થઈને ૮૦ કરોડ ટન પહોંચી જાય તેવી સ્થિતિ છે જે સમગ્ર વિશ્વ માટે એક મોટું જોખમ ઊભું કરી શકે છે. 

સંયુક્ત રાષ્ટ્રની જ એક સંસ્થા યુએનઈપીએ પોતાના અહેવાલમાં જણાવાયું છે કે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં આવે તો ૨૦૪૦ના અંત સુધીમાં દુનિયાભરને ૪૫૦૦ અબજ ડોલરની બચત થઈ શકે છે. બીજી તરફ એવી વાત છે કે, ભારતમાં સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાની અને તેનો વપરાશ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. આ દિશામાં ઘણું કામ કરવામાં આવી રહ્યું છે છતાં જોઈએ તેવા પરિણામ મળી રહ્યા નથી. તેના માટે વધારે પ્રોત્સાહન અને જાગ્રતીની જરૂર છે. દુનિયા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે અને ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અને ઉત્પાદન ઓછો કરે તો મોટો ફાયદો થાય તેમ છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન, તેનું રિસાઈકલિંગ અને પ્લાસ્ટિકનો કચરો તમામ સ્તરે તેની અસર વાતાવરણ ઉપર પડી રહી છે અને ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. આ સમસ્યા એટલી વકરી રહી છે કે તેને કાબુ કરવામાં નહીં આવે તો આગામી પેઢના શ્વાસ જોખમમાં મુકવાનું કામ આપણે જ કરીને જઈશું તેવું બનશે. જાણકારો માને છે કે, માત્ર નીતિઓ બનાવવાથી કે લાગુ કરવાથી કશું જ નહીં થાય, તેનું પ્રભાવક અમલીકરણ કરવું પડશે, વૈશ્વિક સહયોગ મેળવવો પડશે, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ સારા વિકલ્પ શોધવા પડસે અને જન ભાગીદારી વધારવા માટે જાગ્રતી અને પ્રોત્સાહન આપવા પડશે. આ બધું કરવાથી જ સુધારા થશે અને પ્રદુષણથી બચી શકાશે.