Get The App

એવરેસ્ટ રેસક્યુકાંડ : લોકો પાસેથી 1.90 અબજ નેપાળી રૂપિયા પડાવી લેવાયા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
એવરેસ્ટ રેસક્યુકાંડ : લોકો પાસેથી 1.90 અબજ નેપાળી રૂપિયા પડાવી લેવાયા 1 - image

- શેરપાઓ, હોપિટલો અને હેલિકોપ્ટર ઓપરેટર્સનું તૂત : પર્વતારોહકોને દવાથી બેભાન અને બિમાર કરીને સારવાના નામે એરલિફ્ટ કરીને લૂંટી લેવાના

- ટ્રેકિંગ ગાઈડ અને શેરપા દ્વારા ઉંચાઈએ ગયા બાદ પર્વતારોહકોની ચામાં અથવા ભોજનમાં બેકિંગ સોડા નાખી દેવામાં આવતો હતો. શરીરમાં મર્યાદા કરતા વધારે બેકિંગ સોડા જતો રહે તો પેટમાં ભયાનક બળતરા, ઉલટીઓ થવી, ચક્કર આવવા જેવી સ્થિતિ ઊભી થાય છે અને બચાવવા ફરજિયાત એરલિફ્ટ કરવાનું કહેવાય છે  : ગાઈડ સારવારના નામે તાત્કાલિક એરલિફ્ટ કરીને નીચે હોસ્પિટલમાં જવાની સલાહ આપે છે. અહીંયા લાવ્યા બાદ બનાવટી મેડિકલ રિપોર્ટ અને પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરીને ઈન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, 2022થી 2025 દરમિયાન આ નેટવર્ક દ્વારા 2000 જેટલા બનાવટી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા હતા : આ કહેવાતા મોટા રેકેટમાં ટ્રેકિંગ ગાઈડ, એજન્સીઓ, હેલિકોપ્ટર ઓપરેટર, પ્રાઈવેટ હોસ્પિટલો પણ જોડાયેલી હોય છે. જાણકારો માને છે કે, હોસ્પિટલો જ આ કાંડ કરવા માટે રાજી હોય તો આ કામ સરળતાથી પાર પડી જાય તેમ છે. તેઓ ૨૫ ટકા સુધી કમિશન આપીને શેરપાઓને અને હેલિકોપ્ટર એજન્સીઓને તૈયાર કરી દર્દીઓને ત્યાં લાવવામાં છટકું ગોઠવે છે

નેપાળ ટૂરિઝમમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેણે સમગ્ર દુનિયામાં ચર્ચા જગાવી છે. નેપાળ પોલીસે એક કૌભાંડ પકડી પાડયું છે જેમાં પર્વતારોહકોની સાથે અબજો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. શેરપા, ટ્રેકિંગ ગાઈડ, હોસ્પિટલો અને હેલિકોપ્ટર ઓપરેટર્સ દ્વારા સંયુક્ત રીતે પર્વતારોકહોને છેતરવાનું નેટવર્ક ઊભું કરાયું હતું. જાણકારોના મતે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં એવરેસ્ટ પર ચઢાણ માટે ગયેલા પર્વતારોહકો પાસેથી રેસ્ક્યૂ ઓપરેશનના નામે ૧.૯૦ અબજ નેપાળી રૂપિયા એટલે કે અંદાજે ૧.૨૦ કરોડ ડોલર પડાવી લેવાયા છે. માઉન્ટ એવરેસ્ટ, અન્નપૂર્ણા, લાંગટાંગ અને મનાસ્લૂ જેવા જાણીતા ટ્રેક ઉપર આયોજનબદ્ધ રીતે પર્વતારોહકોને લૂંટવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૫માં એક કૌભાંડ થયું હતું. તેના વિશે એક પર્વતારોહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં નેપાળની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (સીબીઆઈ) દ્વારા મહિનાઓ સુધી તપાસ કરવામાં આવી હતી. તેમાં તપાસ દરમિયાન જાન્યુઆરીમાં કેટલાક લોકોને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય કેટલાક લોકો ઝડપાયા હતા. ૧૨ માર્ચના રોજ કાઠમાંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૩૨ લોકોને અધિકારિક રીતે રજૂ કરાયા અને તેમના ઉપર આરોપો ઘટાડા. તેમના આ કેસની તપાસમાં આયોજનબદ્ધ ગુનાખોરી, ફ્રોડ, સરકારની વિરુદ્ધના ગુના અને અન્ય કેટલીક કલમો લગાવવામાં આવી હતી.

વાત એવી છે કે, માઉન્ટ એવરેસ્ટ સર કરવા માગતા સાહસવીરોને, પર્વતારોહકોને હવે માત્ર ઉંચાઈ, ઠંડી કે ઓક્સિજન ઘટી જવાનો જ ભય નથી પણ છેતરપિંડીનો મોટો ભય ઊભો થયો છે. એવરેસ્ટ સર કરવામાં મદદ કરનારા શેરપા અને ટ્રેકિંગ ગાઈડ દ્વારા વિદેશી પર્વતારોહકોને જાણીને બિમાર પાડવામાં આવે છે. ત્યારબાદ તેમનું બિનજરૂરી રેસ્ક્યૂ ઓપરેશન પ્લાન કરીને તેમને એરલિફ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ હોસ્પિટલને જોડીને આયોજનબદ્ધ રીતે છેતરવામાં આવે છે. જાણકારોના મતે આ કૌભાંડથી ઈન્સ્યોરન્સ કંપનીઓને જ છેલ્લાં પાંચ વર્ષમાં ૨ કરોડ ડોલરનું નુકસાન ગયું છે. નેપાળની સીબીઆઈ દ્વારા ૩૨ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

ચિંતાજનક વાત એ છે કે, આ ઘટનાઓની તપાસ કરવામાં આવી ત્યારે જ સામે આવ્યું કે, મદદ કરવાના નામે મારવાની તૈયારીઓ કરવામાં આવતી હતી. કેટલાક શેરપા, ટ્રેકિંગ ગાઈડ અને હેલિકોપ્ટર ઓપરેટર કંપનીઓ દ્વારા કાઠમાંડુની હોસ્પિટલ સાથે જોડાણ કરીને છેતરપિંડીનું નેટવર્ક વિકસાવાયું હતું. ટ્રેકિંગ ગાઈડ અને શેરપા દ્વારા ઉંચાઈએ ગયા બાદ પર્વતારોહકોની ચામાં અથવા ભોજનમાં બેકિંગ સોડા નાખી દેવામાં આવતો હતો. શરીરમાં મર્યાદા કરતા વધારે બેકિંગ સોડા જતો રહે તો પેટમાં ભયાનક બળતરા, ઉલટીઓ થવી, ચક્કર આવવા જેવી સ્થિતિ ઊભી થાય છે. સામાન્ય રીતે હાઈ અલ્ટિટયૂડમાં પણ આવી મોશન સિકનેસ આવતી જ હોય છે.

બિમારીના આવા લક્ષણો દેખાવા લાગતા પર્વતારોહકો ગભરાઈ જાય છે. તેઓ ગાઈડને તરત જ મદદ માટે કહે છે. ગાઈડ સારવારના નામે તાત્કાલિક એરલિફ્ટ કરીને નીચે હોસ્પિટલમાં જવાની સલાગ આપે છે. અહીંયા લાવ્યા બાદ બનાવટી મેડિકલ રિપોર્ટ અને પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરીને ઈન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવે છે. નેપાલ ચાર્ટર સર્વિસ, એવરેસ્ટ એક્સપિરિયન્સ એન્ડ અસિસ્ટન્સ તથા માઉન્ટેન રેસ્ક્યૂ જેવી કંપનીઓ આ ગોટાળામાં જોડાયેલી હોવાની ચર્ચા ચાલી છે. પોલીસે જાન્યુઆરી ૨૦૨૬માં આ કંપનીઓના છ અધિકારીઓની ધરપકડ કરી હતી. હવે કુલ ૩૨ લોકો સામે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. આ ગુનેગારો દ્વારા ૧.૯૦ અબજ નેપાળી રૂપિયા એટલે કે અંદાજે ૧.૨૦ કરોડ ડોલરની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.  

આશ્ચર્યજનક બાબત એ છે કે, ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન આ નેટવર્ક દ્વારા ૨૦૦૦ જેટલા બનાવટી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાં કેટલાક કિસ્સામાં તો સ્વસ્થ્ય પર્વતારોહકોને પણ બિમાર ગણાવીને નીચે લાવવામાં આવ્યા હતા અને ખોટી રીતે બિમાર બતાવી પૈસા લૂંટવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં પર્વતારોહકોને ધમકાવીને પણ આવા ખોટા રેસ્ક્યૂ માટે રાજી કરવામાં આવ્યા હોવાનું પણ ખુલ્યું છે. આ ગોટાળો નેપાળના પર્યટન ઉદ્યોગ અને અર્થતંત્ર માટે મોટા ઝાટકા સમાન છે. 

ખાસ વાત એ છે કે, દર વર્ષે હજારો વિદેશી પર્યટકો અને પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે આવે છે. એવરેસ્ટ અને અન્નપૂર્ણા ટ્રેક માટે પર્વતારોહકોની ભીડ જામે છે. અહીંયા હજારો ફૂટ ઉંચાઈ ઉપર તબિયત ખરાબ થવી સામાન્ય બાબત છે અને આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવું તે પણ સામાન્ય બાબત છે. અહીંયા નાનકડી સમસ્યા કે ભુલ પણ જીવલેણ સાબિત થાય છે. તેના કારણે જ પર્વતારોહકોને ડરાવીને તેમને હેલિકોપ્ટર રેસ્ક્યૂ માટે રાજી કરી નીચે લાવવામાં આવે છે. ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આ કૌભાંડે સમગ્ર પર્યટન સિસ્ટમ સામે સવાલ ઊભા કરી દીધા છે. નેપાળ સરકારે હવે આ કૌભાંડ દબાવવા અને ગુનેગારોને સજા કરવા માટે પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે. પર્યટકોને પણ માન્ય અને વિશ્વસનિય ટ્રેકિંગ એજન્સીઓ અને હેલિકોપ્ટર એજન્સીઓ સાથે જોડાવા તાકીદ કરવામાં આવી છે. ખોટા કિસ્સામાં તાત્કાલિક નેપાળ પોલીસ અથવા તો ટૂરિઝમ બોર્ડનો સંપર્ક કરવાની પણ સુચના આપવામાં આવી છે. 

નેપાલ પોલીસે જણાવ્યું કે, તેમણે ૩૦૦ જેટલા નકલી રેસ્ક્યૂ ઓપરેશન પકડી પાડયા છે. તેમાં કૌભાંડ કરીને આંતરરાષ્ટ્રીય ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ દિશામાં ન્યાયતંત્રનું કે પર્યટન વિભાગનું કોઈ મોનિટરિંગ હતું નહીં તેથી આ ગુનાખોરી ફુલતી ફાલતી રહી. તેના કારણે સમગ્ર દેશને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નીચા જોણું થયું છે. લોકોને બેકિંગ સોડા અને અન્ય કેમિકલ્સ આપીને બેભાન કરી દેવાય છે. ત્યારબાદ બનાવટી રેસ્ક્યૂ ઓપરેશન પ્લાન કરીને પર્વતારોહક અને તેની ઈન્સ્યોરન્સ કંપની સાથે પણ છેતરપિંડી કરવામાં આવે છે. સ્થિતિ એવી થઈ છે કે, એવરેસ્ટ ઉપર ગયા બાદ તોફાની પવનો, હિમવર્ષા કે હિમતોફાન અથવા તો ઓક્સિજનના અભાવે માણસને જે થઈ રહ્યું છે કે થાય છે કે કૃત્રિમ રીતે ઊભું કરીને આખું નેટવર્ક ચલાવાય છે. ઘણા કિસ્સામાં મળતીયા ડોક્ટરો દ્વારા સિનિયર ડોક્ટરોની ડિજિટલ સિગ્નેચર જનરેટ કરીને દર્દીઓની કેસ ફાઈલ અને ડિસ્ચાર્જ સમરી પણ તૈયાર કરવામાં આવે છે. તેના આધારે દર્દીઓ પાસેથી મોટી રકમ પડાવી લેવાય છે.

આ કહેવાતા મોટા રેકેટમાં ટ્રેકિંગ ગાઈડ, એજન્સીઓ, હેલિકોપ્ટર ઓપરેટર, પ્રાઈવેટ હોસ્પિટલો પણ જોડાયેલી હોય છે. જાણકારો માને છે કે, હોસ્પિટલો જ આ કાંડ કરવા માટે રાજી હોય તો આ કામ સરળતાથી પાર પડી જાય તેમ છે. તપાસ દરમિયાન સ્વકોન ઈન્ટરનેશનલ હોસ્પિટલ, શ્રીધિ ઈન્ટરનેશનલ હોસ્પિટલ અને એરા ઈન્ટરનેશનલ હોસ્પિટલ અને એરા ઈન્ટરનેશનલ હોસ્પિટલ જેવી હોસ્પિટલોના નામ સામે આવ્યા છે. આ તમામ દ્વારા બનાવટી સારવારના ઓપરેશન્સ ચલાવવામાં આવતા હતા. તેઓ ૨૫ ટકા સુધી કમિશન આપીને શેરપાઓને તૈયાર કરતા અને દર્દીઓને ત્યાં લાવવામાં આવતા હતા. બીજી તરફ ઈન્સ્યોરન્સ કંપનીના પણ કરોડો રૂપિયા પડાવી લેવામાં આવે છે. હેલિકોપ્ટર સેવા આપતી કંપનીઓને પણ મોટું કમિશન આપવામાં આવે છે. છેલ્લું જે મોટું કૌભાંડ પકડાયું છે તેમાં કુલ ૨ કરોડ ડોલરનો ઈન્સ્યોરન્સ ફ્રોડ થયો હોવાનું ખુલ્યું હતું. તેમાંથી ૧ કરોડ ડોલરનું ફ્રોડ તો માત્ર એક જ ઓપરેટર દ્વારા ક્લેઈમ કરાયો હોવાનું સામે આવ્યું હતું. 

ઈમર્જન્સીના દરેક દર્દી પાસેથી ઓછામાં ઓછા પાંચ હજાર ડોલર પડાવાય છે

જાણકારોના મતે અહીંયા ટ્રેકર અને ગાઈડ દ્વારા બેકિંગ સોડાની મદદથી પ્રવાસીઓ અને પર્વતારોહકોને ધીમું ઝેર આપવામાં આવે છે.  તેનાથી ફૂડપોઈઝનિંગ થાય છે. તેના કારણે તેમની તબિયત બગડે છે અને તેમને ઈમરજન્સીમાં નીચે લઈ જવા સમજાવવામાં આવે છે. ત્યારબાદ હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ લવાય છે. ત્યારબાદ નકલી રિપોર્ટ, ગંભીર બિમારી અને અન્ય સારવારોના નામે ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી પૈસા પડાવવામાં આવે છે. અહીંયા એક જ હેલિકોપ્ટરનો વિવિધ કામ માટે ઉપયોગ કરાય છે. તેથી એક જ હેલિકોપ્ટર થકી આ કામગીરી કરવામાં આવે છે. તેના કારણે દરેક દર્દીનો ફુલ ઈન્સ્યોરન્સ પણ મળે છે. તે સિવાય કેટલીક હોસ્પિટલ સાથે જોડાણ કરવાનો પ્રયાસ થાય છે. આ રીતે દર્દીઓ પાસેથી પૈસા વસુલવામાં આવે છે. 

 અહેવાલો જણાવે છે કે, જ્યારે બિમાર પર્વતારોહકને બચાવવા માટે હેલિકોપ્ટર આવે છે ત્યારે માનવતાની તમામ હદો પાર કરી દેવામાં આવે છે. એક જ હેલિકોપ્ટરમાં ચાર-પાંચ પર્વતારોહીઓને ઠુંસીને નીચે લાવવામાં આવે છે. 

 બીજી તરફ ઈન્સ્યોરન્સ કંપનીઓને દરેક દર્દીનું અલગ બિલ મોકલવામાં આવે છે. ઘણી વખત તો એવા ફ્લાઈટ રેસ્ક્યૂના કે એરલિફ્ટના બિલ વસૂલવામાં આવે છે જે ક્યારેય થયા જ નથી હોતા.  

સામાન્ય રીતે ૪થી ૫ હજાર ડોલરનું બિલ બનાવાય છે. કેટલાક કિસ્સામાં તો ૧૨ હજાર ડોલર સુધીની વસુલાત કરાયાનો પણ ઘટસ્ફોટ થયો છે. જાણકારોના મતે આ કૌભાંડમાં ડોક્ટરો અને વચેટિયાઓનો પણ મોટો ભાગ હોય છે. 

 એક ડોક્ટરે તપાસ દરમિયાન કબલ્યું હતું કે, આ તમામ કૌભાંડ આયોજનપૂર્વક કરવામાં આવે છે. તેમાં ગાઈડ, ટ્રેકર કે પછી હેલિકોપ્ટર કંપનીને ૨૫-૨૫ ટકા કમિશન બાંધવામાં આવે છે જેથી તેઓ વધુમાં વધુ શિકાર લઈ આવે અને બધાને અધધ કમાણી થાય.