- અપરાજિતામાંથી અસહાય: પશ્ચિમ બંગાળની સૌથી શક્તિશાળી નેતાનું પતન થવાના કેટલાક કારણો
- એક રાજકીય વર્તુળ પૂરું થયું : મમતા બેનર્જીનો પરાજય માત્ર એક શાસનનો અંત નથી, પણ તે પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં વારંવાર આવતા એક મોટા રાજકીય ચક્રની પૂર્ણાહૂતિ છે. જેવી રીતે મમતાએ એક સમયે જાહેર હતાશાનો લાભ લઈને લાંબા સમયના ડાબેરી શાસનનો અંત આણ્યો હતો, તેવી જ રીતે તેણે હવે અસંતોષના આવા જ જુવાળનો સામનો કરવો પડયો છે. જાહેર લાગણીના પ્રતિસાદ દ્વારા રસ્તા પરની લડાયક કાર્યકરમાંથી ભારતની સૌથી અગ્રણી પ્રાદેશિક નેતા સુધીના તેના ઉદયની ટાઈમ અને ધી ન્યુ યોર્ક ટાઈમ્સ જેવા વૈશ્વિક મંચોએ પણ નોંધ લીધી હતી. ટીએમસી માટે આ પડકાર હવે ચૂંટણી ગણિતથી આગળ નીકળી ગયો છે. તેણે હવે સંસ્થાકીય અને વિચારધારા સંબંધિત સવાલોના જવાબ આપવા પડશે, કેવી રીતે વિશ્વસનીયતા ફરી હાંસલ કરવી, શાસકીય ત્રુટીઓનો કેવો જવાબ આપવો અને કેવી રીતે પોતાનાથી દૂર થઈ ગયેલા મતદારો સાથે ફરી જોડાણ કરવું. બીજી તરફ ભાજપ માટે આ વિજય પૂર્વ ભારતમાં તેનું ઐતિહાસિક વિસ્તરણ સૂચવે છે, પણ આવા નિર્ણાયક જનાદેશ સાથે સંકળાયેલી અપેક્ષાઓ સંતોષવાની જવાબદારી પણ તેણે નિભાવવી પડશે.
- મમતા બેનરજીએ શાસન ટકાવી રાખવા અસામાજિક તત્ત્વોનો ભરપૂર સાથ લીધો હતો. પણ સમય જતાં આ જ લોકો તેમના પર હાવી થયા અને અંતે સત્તા ગઈ.નજીકના માણસોની સાચી સલાહ પણ માનવાનું મમતાએ બંધ કરી દેતા બાજી વધુ બગડી.
૨૦૨૬ પશ્ચિમ બંગાળ વિધાનસભાનો ચુકાદો માત્ર રાજ્ય માટે જ નહિ પણ વ્યાપક રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય માટે પણ મહત્વનો છે. મમતા બેનર્જી તેમજ તેની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના દારૂણ પરાજયે દોઢ દાયકા કરતા પણ વધુ સમયથી બંગાળની ઓળખ બની ગયેલા રાજકીય યુગનો અંત લાવી દીધો છે. આ પરિણામની વધુ ચોંકાવનારી બાબત છે તેનો વ્યાપ અને ઊંડાણ. આ કોઈ સ્થાનિક પરિબળો અથવા વિશિષ્ટ નબળાઈઓને કારણે થયેલો નજીવો પરાજય નહોતો, પણ ઊંડા મૂળિયા જમાવી ચુકેલા શાસક પક્ષને મળેલો વ્યાપક નકાર હતો.
મમતા બેનરજીએ પોતાનું શાસન ટકાવી રાખવા અસામાજિક તત્ત્વો અને ગુંડાઓનો ભરપૂર સાથ લીધો હતો. પોતાની ખુરશીને આંચ ન આવે તે માટે તેમણે આવા તત્વોને છાવર્યા પણ સમય જતાં આ જ લોકો તેમના પર હાવી થયા. છેલ્લે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી આ ગુંડાઓના કારણે જ મમતાને ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો.
મમતાએ પોતાની નજીકના માણસોની સાચી સલાહ પણ માનવાનું બંધ કરી દેતા બાજી બગડી. શુભેન્દુ અધિકારી મમતાના ખાસ હતા પણ તેમની અવગણના થતા અંતે તે ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે શુભેન્દુરૂપી તીરનો ઉપયોગ મમતાને માત આપવામાં કર્યો. અહેવાલો તો એવું પણ કહે છે કે મમતાએ પોતાના જ પક્ષના લોકોને ટિકિટ આપવા ત્રણથી પાંચ કરોડ જેટલી રકમ લીધી અને આ રકમ અસામાજિક તત્ત્વોના પોષણ પાછળ વાપરી. જો કે પ્રજાએ આ જોહુકમી સહન ના કરી અને અંતે મમતાને ઘરભેગા થવું પડયું.
મમતા બેનર્જીના નાટયાત્મક ચૂંટણી પરાજય માટે નીચે જણાવેલા દસ કારણો મુખ્ય રૂપે જવાબદાર ગણાવી શકાય:
૧. પંદર વર્ષથી ધરબાયેલી શાસક વિરોધી લાગણી
મમતા બેનર્જી ૨૦૧૧માં ૩૪ વર્ષના સામ્યવાદી શાસનને પરાજિત કરીને સત્તા પર આવી. પંદર વર્ષ પછી તેણે આ જ મતદાર હતાશાનો સામનો કરવો પડયો. સમય જતા પરિવર્તનનો પવન ધીમો પડી ગયો અને તેનું સ્થાન સ્થગિતતા અને લાપરવાહીએ પડાવી લીધું. મતદારો ટીએમસીને એ જ નિષ્ક્રિયતા સાથે સાંકળવા લાગ્યા જેનો તે એક સમયે વિરોધ કરતી હતી. મુસ્લિમ તુષ્ટીકરણ, ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર, અવિરત ચાલતી બળાત્કારની ઘટના પણ મમતાનું પતન નોતરવામાં નિમિત્ત બની.
૨. મંત્રીઓના પતનમાં પ્રશાસન નિષ્ફળતાનો સંકેત
૩૫માંથી ૨૨ મંત્રીઓનો પરાજય પદ્ધતિસરની નિરાશાનું સ્પષ્ટ લક્ષણ છે. આ માત્ર કેટલાક અપ્રિય ચહેરા સુધી સીમિત નહોતું, પણ તેમાં શિક્ષણ, આવાસ, કલ્યાણ અને પરિવહન જેવા વહીવટી ક્ષેત્રોમાં પ્રશાસન સામેનો વ્યાપક મોહભંગ દર્શાવે છે. મતદારોએ અસરકારક રીતે સંપૂર્ણ સરકારને ફગાવી દીધી.
૩. ભબાનીપુરમાં મમતા બેનર્જીનો અંગત પરાજય
પોતાના ગઢ ભબાનીપુરમાં સુવેન્દુ અધિકારી સામે પંદર હજારથી વધુ મતોથી મમતા બેનર્જીનો પરાજય પ્રતીકાત્મક અને નુકસાનકારક સાબિત થયો. તેનાથી મમતાની અજેય હોવાની છબી ખરડાઈ અને લોકોના દ્રષ્ટિકોણને બદલી નાખ્યો. પોતાની જ બેઠક ગુમાવવાથી સાબિત થયું કે તેનો સૌથી વફાદાર સમર્થક વર્ગ પણ હવે તેનાથી નારાજ છે.
૪. ભાજપની બહેતર મત વહેંચણી વ્યૂહરચના
ભાજપે ભલે ટીએમસીના ૪૦.૮૦ ટકા સામે ૪૫.૮૪ મત મેળવ્યા,પણ ખરો તફાવત તેની સક્ષમતામાં હતો. ભાજપે આ નજીવી સરસાઈને વિવિધ મતવિસ્તારોમાં વિજયમાં પરિવર્તિત કરીને બહેતર બૂથ સ્તરીય વ્યવસ્થા અને ચૂંટણી ગણિત દર્શાવ્યું. ટીએમસીના મતો ચોક્કસ સ્થળોએ કેન્દ્રિત રહ્યા અને બેઠક પરિવર્તનની બાબતમાં ઓછા અસરકારક સાબિત થયા.
૫. વિવિધ વિસ્તારોમાં વરિષ્ઠ નેતાગીરીનું પતન
અરૂપ બિશ્વાસ, બ્રત્ય બાસુ, ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને શશી પાંજા જેવા મહત્વના નેતાઓના પરાજયએ સાબિત કરી દીધું કે આ પરિવર્તન માત્ર સ્થાનિક નહોતું. તેનો વ્યાપ વિવિધ વિસ્તારો અને વસતીઓ સુધી ફેલાયો હતો જેમાં છુટીછવાઈ શાસન વિરોધી ભાવનાની બદલે સમર્થનના રાજ્યવ્યાપી ઘસારાનો સંકેત હતો.
૬. કલ્યાણ યોજનાઓ સ્થાનિક રોષને ડામી ન શકી
ટીએમસી શાસન મોડલ રોકડ ટ્રાન્સફર, ઓછી કિંમતના ખોરાક અને અન્ય લાભ જેવી કલ્યાણકારી યોજનાઓ પર ભારે મદાર રાખતું હતું.
આવી યોજનાઓએ એક વફાદાર વર્ગ તો જાળવી રાખ્યો પણ ભ્રષ્ટાચાર, અસક્ષમતા અને જવાબદારીના અભાવ જેવી રોજિંદી ફરિયાદોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડી. મતદારોએ લાભની બદલે ગુણવત્તાને અગ્રતાક્રમ આપ્યો હોવાનું પ્રતીત થયું.
૭. કૌભાંડો અને વિવાદોની અસર
આરજી કર કેસ અને નીમણૂંક કૌભાંડો જાહેર જનતાના મનમાં ઘૂમરાયા કર્યા. ખાસ કરીને આ વિવાદો અને યુવાનોનો સરકારમાંથી વિશ્વાસ ઉઠી ગયો. ચૂંટણી સમય સુધીમાં તો આ રોષ પ્રમાણિકતા અને જવાબદારી બાબતે શાંત પણ મક્કમ અવિશ્વાસમાં પરિવર્તિત થઈ ગયો.
૮. અનેક કૌભાંડોથી ખદબદતી મમતાની પાર્ટી ધીરે ધીરે પ્રજાથી વિમુખ થતી ગઇ
સરકારી બાબુઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે મમતાદીદીની ચમચાગીરીમાંથી જ ઊંચા નહોતા આવતા. એટલું જ નહીં, કોઇ નાગરિક પોતાની સમસ્યા લઇને સરકારી કચેરીમાં જાય તો તેને અપમાનિત કરવામાં આવતો. પંદર વર્ષના શાસનમાં તૃણમૂલની સરકારે પ્રજા કલ્યાણનું એકપણ નોંધપાત્ર કામ કર્યું હોવાનું કોઇ કહેતું નથી.
૯. શાસક વિરોધી ભાવનાનો લાભ માત્ર ભાજપને
કોંગ્રેસ અને ડાબેરીઓના પતન પછી કોઈ સંગઠિત વિપક્ષ નહોતો. પરિવર્તન ઝંખતા મતદારો પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નહોતો. મતદારોના આ એકત્રિકરણે શાસન વિરોધી ભાવનાને વધુ ભડકાવી અને હતાશા નિર્ણાયક પરિણામનું કારણ બની.
૧૦. વિશાળ તફાવતમાં નજીવા નહિ, નિર્ણાયક જનાદેશનો પડઘો
ગોઘાટથી દુર્ગાપુર પુર્બા અને દમ દમ ઉત્તર સુધી ભાજપને વિશાળ અંતરથી વિજય મળ્યો. આ કટોકટીની લડત નહોતી પણ સ્પષ્ટ જાકારો હતો. આવા પરિણામો મતદારોમાં મામૂલી વિભાજન નહિ પણ તેમની ભાવનામાં વ્યાપક અને ઊંડો ફેરફાર સૂચવે છે.
૧૧. પ્રારંભિક ચેતવણી સંકતો ઓળખવામાં નિષ્ફળતા
કદાચ સૌથી મહત્વનું પરિબળ હતું વાસ્તવિકતા સમજવામાં ટીએમસીની અસક્ષમતા. જાહેર અસંતોષ લાંબા સમયથી વધી રહ્યો હતો પણ પાર્ટી તેનો અસરકારક રીતે પ્રતિસાદ આપવામાં નિષ્ફળ ગઈ. સંસ્થાકીય લાપરવાહી અને વધુ પડતા આત્મવિશ્વાસનો અર્થ હતો કે મતદારોના અસંતોષના પ્રારંભિક સંકેતો બહુ મોડુ થયા સુધી અવગણવામાં આવ્યા.
શહેરી અપરાધિકરણ નિર્ણાયક સાબિત થયું
મમતા બેનર્જીના પરાજય પાછળ કદાચ સૌથી નિર્ણાયક અને પ્રમાણમાં નવું પરિબળ હતું શહેરી આપરાધિકરણનો વધતો વ્યાપ. પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં અરાજકતા લાંબો સમયથી ચિંતાનું કારણ પહેલેથી હતી, પણ શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સતત પતન તેમજ વિકાસની સ્થગિતતાએ ગાઢ રાજકીય અસર રચી.
શહેરી કેન્દ્રો પ્રગતિ, સલામતિ અને આર્થિક ગતિવિધિના સૂચક હોવા જોઈએ, તેની બદલે તે અવ્યવસ્થા, અતિક્રમણ અને સુરક્ષાનું પ્રતીક બની ગયા.
આ પરિવર્તન ખાસ અસરકારક રહ્યું કારણ કે તેનાથી મધ્યમવર્ગ, વ્યાવસાયિકો અને પ્રથમવારના મતદારો પ્રભાવિત થયા હતા, જે વર્ગ ચૂંટણીના પરિણામોને નિર્ણાયક અસર કરે છે. અનેક શહેરી મતદારોની લાગણી હતી કે શાસન આધુનિક શહેરી જીવનની માગણીઓ સાથે ગતિ જાળવવામાં નિષ્ફળ ગયું છે જેના કારણે હતાશા અને મોહભંગ વધી ગયા.
શહેરોની અવગણના કરવામાં આવે છે તેવી ભાવનાએ પ્રશાસનમાં વિશ્વાસને વધુ ડગમગાવ્યો અને આખરે તે શહેરી મતવિસ્તારોમાં શક્તિશાળી શાસન વિરોધી જુવાળમાં પરિણમ્યો.


