94 વર્ષે દેશમાં જાતિગત વસતી ગણતરી હાથ ધરાશે
- અંગ્રેજોએ 1931માં જાતિગત વસતી ગણતરી કર્યા બાદ
- અંગ્રેજો દ્વારા તે સમયે દેશમાં 4,147 જાતિ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, 1901માં 1646 જાતિ હતી જે 1931માં ડબલ કરતા વધી ગઈ : તે સમયે હિન્દુઓની વસતી 68.35 ટકા જ્યારે મુસ્લિમોની વસતી 22.16 ટકા હતી : સાક્ષરતાની વાત કરીએ તો દેશની માત્ર 10 ટકા વસતી પોસ્ટકાર્ડ લખી-વાંચી શકતી હતી
સદીઓથી જાતિ ભારતીય સમાજની રચના માટે મહત્ત્વપૂર્ણ રહી છે. અહીંયા માત્ર જાતિ કે ધર્મ સાથે જ જોડાયેલી બાબત નથી. અર્થવ્યવસ્થા ઉપર પણ જાતિગત બાબતો મોટાપાયે અસર કરતી હોય છે. આજે પણ ભારતના કોઈપણ વિસ્તારમાં જન્મેલી વ્યક્તિ જ્યારે અભ્યાસ માટે, વ્યવસાય માટે, નોકરી માટે, લગ્ન માટે કે બીજી કોઈ બાબત માટે પ્રવૃત્ત થાય છે ત્યારે જાતિગત બાબતો સૌથી પહેલાં અસર કરે છે. આજના સમયમાં પણ ભારતમાં તેને વધારે જ મહત્ત્વ આપવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાતિગત વસતી ગણતરીના જાહેરાત કરવામાં આવી છે. દેશમાં મોટાપાયે ઘરે ઘરે જઈને લોકોની જાતિ પૂછીને વસતી ગણતરી કરાશે. મહત્ત્વની વાત એ છે કે, વસતી ગણતરીની સાથે જ જાતિગત ગણતરી પણ કરવામાં આવશે. આ કામગીરી પૂરી કરવામાં ઓછામાં ઓછા એક વર્ષનો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે સીસીપીએની બેઠકમાં આ મુદ્દે નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાતિગત વસતી ગણતરીની અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લાં ઘણા સમયથી આ મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયેલું હતું. વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા તેની માગણી કરવામાં આવતી હતી હવે સરકારે તેની જાહેરાત કરીને વિપક્ષો પાસેથી મુદ્દો જ છિનવી લીધો હોવાનું ચર્ચાય છે. આ ગણતરીની ખાસ વાત એવી છે કે, દેશ આઝાદ થયો ત્યારબાદ પહેલી વખત દેશમાં જાતિગત વસતી ગણતરી કરવામાં આવશે.
છેલ્લાં ૧૪ વર્ષથી કોંગ્રેસ દ્વારા જાતિગત વસતી ગણતરીની માગણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિપક્ષના તત્કાલિન નેતા રાહુલ ગાંધી દ્વારા ૨૦૧૧માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાતિગત વસતી ગણતરી કરીને તેના આંકડા જાહેર કરવાનું કહેવામાં આવતું રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ એવી પણ ડિમાન્ડ કરતી આવી છે કે, અનામતની મર્યાદા જે ૫૦ ટકા છે તેને પણ દૂર કરવામાં આવે. કોંગ્રેસ અને અન્ય પક્ષોનો દાવો છે કે, જાતિગત વસતી ગણતરી થવાથી દેશની વસતીની સ્થિતિ સ્પષ્ટ થશે અને લોકોને સમાન અવસર પ્રાપ્ત થશે. આ વાતને સંઘનું પણ સમર્થન છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાતિગત વસતી ગણતરીને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે સંઘે એવી પણ ટકોર કરી હતી કે, આ વસતી ગણતરી માત્ર રાષ્ટ્રના વિકાસ માટે ઉપયોગમાં લેવાય તેનું ધ્યાન રાખવું પડશે. આ ગણતરીનો ત્યારબાદ રાજકીય રોટલા શેકવા અને વોટબેન્કનું રાજકારણ રમવા માટે કરવામાં આવશે તો વધારે જોખમી સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૦૧માં બ્રિટિશ રાજ દ્વારા કરવામાં આવેલી વસતી ગણતરી બાદ ૧૯૩૧માં અંગ્રેજોએ ભારતમાં જાતિગત વસતી ગણતરી હાથ ધરી હતી. તે વખતે મોટા પ્રમાણમાં લોકોને તેમની જાતિ, પેટાજાતિ, ધાર્મિક માન્યતા, સામાજિક જોડાણ અને બીજા ગણા મુદ્દે ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન ખ્યાલ આવ્યો કે, ૧૯૦૧માં ભારતમાં ૧૬૪૬ જાતિઓ હતી તેનાથી બમણા કરતા વધારે જાતિઓ ૧૯૩૧માં થઈ ગઈ હતી. ૧૯૩૧માં ભારતમાં જાતિઓની સંખ્યા ૪૧૪૭ પહોંચી ગઈ હતી. આ વસતી ગણતરીમાં એવું પણ સામે આવ્યું હતું કે, દેશની અંદાજે ૨૭ કરોડની વસતીમાં ૫૨ ટકા વસતી ઓબીસીની હતી. તેના આધારે જ ૧૯૮૦માં મંડલ કમિશન દ્વારા કરાયેલી ભલામણમાં શૈક્ષણિક અને સરારી નોકરીઓમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવાનો આધાર બન્યા હતા. ૧૯૯૦માં આ અનામત લાગુ પણ કરી દેવામાં આવી હતી.
અંગ્રેજો દ્વારા જે જાતિગત વસતી ગણતરી કરવામાં આવી હતી તે, અખંડ ભારતની વસતી ગણતરી હતી. તે સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ભારતનો જ ભાગ હતા. તે સમયે લગભગ ૨૭ કરોડની આસપાસ દેશની વસતી હતી. આ સદીમાં ૪,૧૪૭ અલગ અલગ જાતિઓની ઓળખ અને નોંધ કરવામાં આવી હતી. તે સમય અસ્પૃશ્યતાનું ચલણ વધારે હતું. તેમને પણ આ જાતિગત બાબતોમાં સમાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને અનુસુચિત જાતિ તરીકે ઓળખ આપવામાં આવી. તે સમયે આશ્ચર્યજનક બાબત એ સામે આવી હતી કે, દેશમાં ૩૦૦થી વધારે તો ખ્રિસ્તી સમુદાયની જાતિઓ હતી જ્યારે મુસ્લિમોમાં ૫૦૦થી વધુ પેટા જાતિઓ જોવા મળી હતી. આ સિવાયની મોટાભાગની જાતિઓ હિન્દુ અને જૈન સંપ્રદાય સાથે જોડાયેલી હતી. તે સમયે ૬૮ જાતિઓને સવર્ણો અને સામાજિક તથા રાજકીય રીતે ઉચ્ચ જાતિઓ દ્વારા અછૂત અને બહિષ્કૃત જાતિ તરીકે જાહેર કરવામાં આવેલી હતી. આ તમામ લોકોને ૧૯૩૫માં સરકાર દ્વારા વિશેષ દરજ્જો આપવામાં આવ્યો.
આ વસતી ગણતરીના મુખ્ય પાસા જોઈએ તો તેમાં હિન્દુઓની વસતી ૬૮.૩૬ ટકા હજા ત્યારે મુસ્લિમોની વસતી ૨૨.૧૬ ટકા હતા. તે સિવાય ખ્રિસ્તિ, શિખ, જૈન, બૌદ્ધ અને અન્ય સમુદાયના લોકોનો સમાવેશ થતો હતો. આ દરમિયાન કેટલીક એવી જાતિઓ પણ સામે આવી હતી જેઓ હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ ત્રણેય સમુદાયની પ્રથાઓનું પાલન કરતી હતી. ખાસ કરીને બોમ્બેમાં કોળી અને ગુજરાતમાં કણબી સમુદાય તેમાં આવતો હતો. ૧૯૩૧માં મરાઠાઓ સહિત કણબીઓની સંખ્યા સમગ્ર દેશમાં પ્રાંત પ્રમાણે સૌથી વધારે એટલે કે, ૬,૪૩,૪૮,૬૧૦ હતી. ત્યારબાદ સંયુક્ત પ્રાંતમાં ચમાર ૬૩,૧૨,૨૦૩ હતા. બિહાર અને ઓડિશામાં ગોઆલાની વસતી ૩૪,૫૫,૧૪૧ તથા બંગાળ અને કૈબાર્ટામાં ૨૭,૩૩,૩૩૮ હતી. આ સિવાય પંજાબમાં કેટલીક બાહ્ય જાતિઓ વસતી હતી તેમણે પોતાના હિન્દુ, શિખ કે મુસ્લિમ ગણાવાને બદલે મૂળ ધર્મના અનુયાયી દર્શાવ્યા હતા. તેના કારણે રાજકીય ઘર્ષણ પણ વધ્યું હતું.
બ્રાહ્મણ મહિલાઓનો સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ હતો
આ જાતિગણતરીમાં ભારતના સાક્ષરતા દરને પણ ધ્યાને લેવાયો હતો. તે સમયે દેશમાં પાંચ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના તથા પત્ર લખી અને વાંચી શકે તેવી કુલ વસતી ૯.૫ ટકા જ હતી. સાક્ષરતાદરને જાતિગત રીતે વહેંચીયે તો બ્રાહ્મણોનો સાક્ષરતા દર ૨૭ ટકા હતો. બ્રાહ્મણોમાં પણ પુરુષોનો દર ૪૩.૭ ટકા હતો.
બીજી તરફ બ્રાહ્મણ મહિલાઓનો સાક્ષરતા દર સરેરાશ ઓછો ૯.૬ ટકા છતાં દેશના સાક્ષરતા દર કરતા વધારે હતો.
દેશમાં ૭૩ ટકા બ્રાહ્મણો નિરક્ષર હતા તથા તેમના સાક્ષરતાના ક્ષેત્રો પણ અલગ અલગ હતા. ઉત્તરભારતમાં રહેતા બ્રાહ્મણોનો સાક્ષરતા દર ૧૫ ટકા હતો. પ્રદેશની વાત કરીએ તો તે સમયના ત્રાવણકરો અને કોચિન જેને આજે કેરળ કહીએ છીએ તેનો સાક્ષરતા દર ૨૫ ટકા હતો. ત્યાં રજવાડાઓ દ્વારા સાક્ષરતા ઉપર પહેલેથી ભાર મુકાયેલો હતો અને ત્યારબાદના સમયમાં પણ કેરળમાં ઉચ્ચ સાક્ષરતાનો પાયો નખાયો. તેમાં બહારના લોકો એટલે કે બાહરી જાતના લોકોનો સમાવેશ થતો નહોતો. અછૂતો અને હાશિયામાં ધકેલાયેલા લોકોને બહારી વર્ગ ગણાતા અને તેમનામાં સાક્ષરતાનો પણ મોટોપાયે અભાવ જોવા મળતો હતો. તેના પગલે પણ તેમની સાથે સામાજિક ભેદભાવ કરવામાં આવતો હતો.
જવાહરલાલ નહેરુ જાતિગત વસતી ગણતરીના પ્રખર વિરોધી હતા
કોંગ્રેસ ભલે હાલમાં જાતિગત વસતી ગણતરી કરવાને પ્રાધાન્ય આપી રહી હોય પણ એક સમય હતો જ્યારે કોંગ્રેસ અને ગાંધી પરિવાર આ પ્રકારની કામગીરીના તદ્દન વિરોધી હતા. જવાહરલાલ નહેરુ જ જાતિગત વસતી ગણતરીને પસંદ કરતા નહોતા. ૧૯૫૧માં નહેરુએ આ ગણતરીનો વિરોધ કર્યો હતો. આ વિશે તેમણે લખ્યું પણ હતું કે, હું કોઈપણ પ્રકારની અનામતને પસંદ કરતો નથી, ખાસ કરીને નોકરીઓની અનામત ને. જે સમાજમાં ભેદભાવ ઊભો કરે અને અકુશળતાને પ્રાધાન્ય આપે તેવી બાબતોનો હું સખત વિરોધી છું. ઈન્દિરા ગાંધી પણ જાતિગત વસતી ગણતરીના સખત વિરોધી હતા. તેમણએ પણ મંડલ કમિશનના અહેવાલને અભેરાઈએ ચડાવી દીધો હતો. તેમના પછી રાજીવ ગાંધીએ પણ મંડલ કમિશનના અહેવાલને અને સુચનોને પ્રાધાન્ય આપ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની કામગીરી તો દેશને જાતિના આધારે વહેંચવાની અને દેશના ભાગ પાડવાની પ્રવૃત્તિ છે. જે સદંતર અયોગ્ય છે.