- મહાસત્તાઓની મહાગોઠવણ : રશિયા-યુક્રેન મુદ્દે, ચીન-તાઈવાન મુદ્દે અને અમેરિકાની વેનેઝુએલા, ઈરાન મુદ્દે પારસ્પરિક મૂક સમજુતી થઈ ગઈ હોવાના અહેવાલો
- પેન્ટાગોન કોઈપણ ભોગે ડોલરને મજબૂત અને અમેરિકાને સર્વોચ્ચ મહાસત્તા બનાવવા માગે છે અને તેના માટે જ તે કોઈપણ સમાધાન અને ગોઠવણ કે પછી યુદ્ધ કરી શકે છે. અત્યાર સુધી કોઈ અમેરિકી પ્રમુખ ઈરાન સાથે લડવા માગતા નહોતા પણ તુંડમીજાજી ટ્રમ્પ જાતે કોઈ નિર્ણય લઈ શકતા નથી તેને પેન્ટાગોને ફાયદો લઈને તેમને બીજી વખત પ્રમુખ બનાવીને આધિપત્યનું યુદ્ધ કરાવી લીધું : ચીન અને રશિયાને હાલમાં કોઈપણ પ્રકારનું વધારનું નુકસાન થાય તે પોસાય તેમ નથી. તેમાંય રશિયા એક મોરચે તો યુદ્ધ લડી જ રહ્યું છે ત્યાં બીજું અમેરિકા સાથે લડવું તો તેને જરાય પોસાય તેમ નથી. ચીન પણ હાલમાં અમેરિકા સાથે બાથ ભીડવામાં માનતું નથી : ચીન પોતાની જરૂરીયાતનું ૪૫ ટકા ક્રૂડ ઈરાન પાસેથી મગાવે છે જે હોર્મુઝની ખાડી થકી તેની પાસે આવે છે. હાલમાં યુદ્ધને કારણે આ રસ્તો બંધ છે પણ ચીનને હાલ ચિંતા નથી. તેની પાસે પૂરતો સ્ટોક કરી શકાય તેવી વ્યવસ્થા અને માળખું છે
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર છેલ્લાં કેટલાક દિવસથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. બંને દેશો દ્વારા ઈરાન સામે અઘોષિત યુદ્ધ શરૂ કરી દેવાયું છે. સમગ્ર વિશ્વમાં તેના પડઘા પડી રહ્યા છે પણ તેના વિશે કોઈ ચર્ચા કરવા કે તેની નિંદા કરવા તૈયાર નથી. નવાઈની વાત એ છે કે, દાયકાઓથી ઈરાનની સાથે જોડાયેલા ચીન અને રશિયા દ્વારા પણ આ યુદ્ધ મુદ્દે ભેદી મૌન દાખવવામાં આવ્યું છે. એક સમયે એમ લાગતું હતું કે, જેવું ઈઝરાયેલ અને અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું કે, ચીન અને રશિયા દ્વારા ઈરાનની પડખે આવીને તેને સાથ આપવામાં આવશે. અત્યાર સુધી આવું કશું જ જોવા મળ્યું નથી. અમેરિકાએ અને ઈઝરાયેલે જે રીતે ઈરાનમાં સંહાર મચાવ્યો છે તેના પછી યુરોપના દેશો પણ મુકપ્રેક્ષક બની ગયા છે. તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે પણ સીધી રીતે યુદ્ધનો વિરોધ કે ઈરાનનું સમર્થન કોઈના દ્વારા કરવામાં આવી રહ્યું નથી.
ઈરાનના સર્વોચ્ચ વડા ખામેનેઈ અને અન્ય ઈરાની નેતાઓ અને સેના કમાન્ડરોના મોત અંગે પણ કોઈ દેશ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. નવાઈની વાત એ છે કે, ઈરાનમાં વ્યાપક રોકાણ કરનારા અને તેની સાથે મોટપાયે વેપાર કરનારા ચીન અને રશિયાએ પણ દુ:ખ વ્યક્ત કરવા સિવાય અને સંવેદના પ્રગટ કરવા સિવાય કશું જ કર્યું નથી. બંને દેશોએ માત્ર ડિપ્લોમેટિક લાગણીઓ વ્યક્ત કરી છે અને વૈશ્વિક પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી દીધી છે. તેમણે ઈરાનને કોઈ હથિયારો કે અન્ય સાથ-સહકાર આપવાની તત્ત્પરતા કે પછી ઈચ્છાશક્તિ બતાવી નથી.
ચિંતાજનક બાબત એવી પણ છે કે, ઈરાનની મિસાઈલો હવે સાયપ્રસ, અઝરબૈજાન, તુર્કી અને અન્ય ખાડી દેશો ઉપર પડી રહી છે. તેના કારણે ખાડી દેશોમાં આંતરિક યુદ્ધનો માહોલ સર્જાયો છે. ઈરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા અમેરિકાના વિવિધ બેઝને ટાર્ગેટ કરવાનો પ્રયાસ થતો હતો પણ તેના વિપરિત પરિણામ આવ્યા છે. તેના કારણે એનર્જી સેક્ટરમાં મોટો કડાકો બોલ્યો છે. ઘણી ઓઈલ રિફાઈનરીઓ અને કંપનીઓ દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું છે. તેના કારણે ક્રૂડ, નેચરલ ગેસ, એલપીજીની વ્યાપક અછત ઊભી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
આ બધા વચ્ચે ચીન અને રશિયા દ્વારા ભેદી મૌન રાખવામાં આવ્યું છે. જાણકારો માને છે કે, અમેરિકા, ચીન અને રશિયા જેવી ત્રણે મહાસત્તાઓએ પોતાના હિતો સાધવા માટે આંતરિક રીતે પડદા પાછળ ગોઠવણ કરી લીધી છે. મહાસત્તાઓની આ મહાગોઠવણને કારણે વિશ્વ ખોરંભે ચડયું છે અને તે ત્રણેય આનંદ લઈ રહ્યા છે. ચર્ચા એવી છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલે છે તેના મુદ્દે અમેરિકાએ ચુપકીદી સેવી લીધી છે. હકિકતે અમેરિકા અને રશિયા વચ્ચે રેર મિનરલ્સ અને આધિપત્ય મુદ્દે ગોઠવણ થઈ ગઈ છે.
અમેરિકા માત્ર જગતજમાદારી દાખવવા માટે સમજુતી અને યુદ્ધ રોકવાના તરકટ કરે છે પણ હકિકતે તે પડદા પાછળ રશિયાને જ સમર્થન આપે છે. બીજી તરફ ચીન અને તાઈવાન વચ્ચે જે ચાલી રહ્યું છે તેનું પણ અમેરિકા દ્વારા સમર્થન અપાઈ જ રહ્યું છે. ત્રણેય મહાસત્તાઓ દ્વારા તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપની નીતિ અપનાવીને સમગ્ર દુનિયાને ગેરમાર્ગે દોરવાનું કામ કરાઈ રહ્યું છે.
જિયો પોલિટિક્સના જાણકારો માને છે કે, હાલમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના યુદ્ધમાં ચીન કે રશિયા સીધી રીતે ઉતરવા કે ફસાવા માગતું નથી. ચીન અને રશિયાને હાલમાં કોઈપણ પ્રકારનું વધારનું નુકસાન થાય તે પોસાય તેમ નથી.
તેમાંય રશિયા એક મોરચે તો યુદ્ધ લડી જ રહ્યું છે ત્યાં બીજું અમેરિકા સાથે લડવું તો તેને જરાય પોસાય તેમ નથી. ચીન પણ હાલમાં અમેરિકા સાથે બાથ ભીડવામાં માનતું નથી. તે વેપાર થકી દુનિયામાં રાજ કરવાની નીતિથી જ ચાલવા માગે છે. તાજેતરમાં જ એક રશિયન અધિકારીએ અમેરિકી મીડિયાને જણાવ્યું હતું કે, પુતિનની પોતાની પ્રાયોરિટિઝ છે. તેઓ હાલમાં અમેરિકા સાથે લડવાની મુર્ખામી કરી શકે જ નહીં. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ગલ્ફમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વનું ધ્યાન રશિયા અને યુક્રેનથી ગલ્ફ તરફ જતું રહ્યું છે જે આડકતરી રીતે રશિયા માટે ફાયદાકારક જ છે. જે-તે સમયે રશિયા અને ચીન દ્વારા ઈરાનને ડિફેન્સ સેક્ટરમાં મદદ પૂરી પાડવામાં આવી જ છે. ઈરાને તેમની મદદથી જ ભવિષ્યના યુદ્ધ માટે તૈયારીઓ કરી હતી તે હવે તેને કામ લાગી રહી છે. તો ચીન અને રશિયા આ યુદ્ધમાં ન પડે તે સ્વાભાવિક છે.
સમજવા જેવી વાત એ છે કે, અમેરિકા જે રીતે ડિફેન્સને કેન્દ્રમાં રાખીને અને હથિયારો વેચવાની વૃત્તિને આગળ રાખીને બીજા દેશો સાથે સંબંધો વિકસાવે છે તેનાથી તદ્દન વિપરિત નીતિ ચીને અપનાવેલી છે. તે બીજા દેશોમાં વિવિધ પ્રોજેક્ટમાં વ્યાપક રોકાણ કરીને, લોન આપીને અને વેપાર કરીને અને ત્યારબાદ હથિયારો બનાવવા માટે મદદ આપીને પોતાના સંબંધો વિકસાવે છે. તેના કારણે જ તે ઈસ્ટ એશિયા સિવાય કોઈપણ બાબતમાં સીધી રીતે પડતું નથી.
ચીન હાલમાં દુનિયાનો સૌથી મોટો એનર્જી અને પાવર સેક્ટરનો ખરીદદાર દેશ છે. તેણે ઈરાન અને ગલ્ફના અન્ય દેશો તથા વેનેઝુએલા અને લેટિન અમેરિકાના અન્ય દેશો સાથે જોડાણ કરેલા છે. તેના કારણે તે કોઈ એક ઉપર આધાર રાખતો નથી અને મુશ્કેલીમાં મુકતો નથી. ચીનને માત્ર તાઈવાન, સાઉથ ચાઈના સી અને તેના વિસ્તારો મુદ્દે જ અમેરિકા અને જાપાન સાથે સીધો વિવાદ છે. બાકીના કોઈ મુદ્દામાં ચીન ક્યારેય સંડોવાતું નથી. તે માત્ર વેપાર કરવામાં માને છે. ચીન એક કામ કરી રહ્યું છે કે, તે હાલમાં ખાડી દેશોમાં અમેરિકાની તાકાત ચકાસી રહ્યું છે. તેના દ્વારા ભવિષ્યમાં સાઉથ ચાઈના દરિયાઈ વિસ્તારોમાં જો કટોકટી ઊભી થાય તો અમેરિકા સાથે કેવી રીતે ડીલ કરી શકાય તેનો તેને અંદાજ હોય.
જાણકારો માનવું છે કે, ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવામાં એશિયાના દેશોમાં ચીન અને ભારત મોખરે છે. ચીન પોતાની જરૂરીયાતનું ૪૫ ટકા ક્રૂડ ઈરાન પાસેથી મગાવે છે જે હોર્મુઝની ખાડી થકી તેની પાસે આવે છે. હાલમાં યુદ્ધને કારણે આ રસ્તો બંધ છે પણ ચીનને હાલ ચિંતા નથી. તેના બે કારણે છે, એક તો તેની પાસે પૂરતો સ્ટોક કરી શકાય તેવી વ્યવસ્થા અને માળખું છે. બીજી તરફ તે ઈરાન સિવાયના સોર્સ ઉપર પણ આધાર રાખીને ત્યાંથી ક્રૂડ મગાવે છે. ઈરાન પાસેથી આવતો જથ્થો મોટા પ્રમાણમાં સાચવી રાખવાની વ્યવસ્થા જ ચીનને નિશ્ચિંત બનાવે છે. ચીન દ્વારા યુદ્ધમાં ભાગ લેવાની નહીં પણ મધ્યસ્થી કરવાની તૈયારી બતાવાઈ હતી. તે ઉપરાંત યુએન ખાતે અને સિક્યોરિટી કાઉન્સીલ ખાતે પણ આ મુદ્દે ચર્ચા કરવાની રજૂઆત કરાઈ હતી.
રશિયાને પણ આ યુદ્ધથી ફાયદો જ છે. હાલમાં અમેરિકાએ ભલે રશિયા ઉપર પ્રતિબંધ મુક્યો પણ વિશ્વમાં ક્રૂડની જે કટોકટી સર્જાઈ છે તેને ભરપાઈ કરવા માટે અમેરિકાએ જ રશિયન ક્રૂડ ખરીદવાની વિશ્વને મંજૂરી આપવી પડશે.
અમેરિકાએ ભારતને તો એક મહિનાની મંજૂરી આપી દીધી છે. તેવી જ રીતે અન્ય દેશોને પણ આપી દેવાશે.
ઈરાન યુદ્ધને પગલે ખાડી બંધ થઈ ગઈ અને ખાડી દેશોના ઘણા સભ્યોએ ક્રૂડ ઉત્પાદન અને સપ્લાય અટકાવી દીધા છે તેથી રશિયા પોતાનું ઉત્પાદન વધારીને અને ધારે તે ભાવ લઈને જરૂરિયાતમંદ દેશોને આપી શકે છે. તેથી તે ઈરાન સાથેની વેપારી ભાગીદારીને જ ટકાવી રાખવા માગે છે. તેને વધુ એક યુદ્ધમાં પડવાની કોઈ ઈચ્છા જણાતી નથી.
પેન્ટાગોન કોઈપણ ભોગે અમેરિકાનો વૈશ્વિક દબદબો યથાવત્ રાખવા માગે છે
વૈશ્વિક જાણકારો માને છે કે, પેન્ટાગોન દ્વારા દાયકાઓથી ઈરાનને પતાવી દેવાની યોજના બનાવાઈ રહી હતી. વિશ્વના સૌથી મોટા ઓઈલ ભંડારો ઉપર પોતાનું આધિપત્ય આવે, ક્રૂડનો મોટો જથ્થો પોતાના કાબુમાં રહે, ડોલર મજબૂત રહે અને પોતે સર્વોચ્ચ મહાસત્તા બની રહે તે માટે અમેરિકા મથી રહ્યું હતું. અત્યાર સુધી કોઈ અમેરિકી પ્રમુખ ઈરાન સાથે યુદ્ધ માટે સજ્જ નહોતા. પેન્ટાગોનના કેટલાક અધિકારીઓ દ્વારા ટ્રમ્પ અને તેના અણઘડ નિર્ણયો લેવાની વૃત્તિને ઉત્તેજન આપવા જ તેને બીજી વખત પ્રમુખ બનવામાં મદદ કરવામાં આવી હતી. ટ્રમ્પે તરત જ ઈરાન ઉપર હુમલા માટે તૈયારી બતાવી તેના ઘણા કારણો છે.
આ ઉપરાંત એવું કહેવાય છે કે, રશિયા દ્વારા ટ્રમ્પને પ્રમુખ બનવા માટે પહેલા અને બીજા કાર્યકાળમાં પડદા પાછળ મદદ કરાઈ હતી. ચીન પણ વેપારી પ્રવૃત્તિઓમાં પેન્ટાગોનની ગુપ્ત શરતો સાથે જોડાયેલું છે. તેના કારણે જ અમેરિકાએ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વિવિધ દેશો ઉપર હુમલા કરીને પોતાનું આધિપત્ય જમાવી લીધું. બીજી તરફ રશિયાને દબાવવાના તરકટ કરીને હવે સમજૂતીના નામે યુક્રેન તેના ખોળામાં ધરી દીધું. યુક્રેન દેશ તરીકે આઝાદ રહેશે પણ તેના તમામ રેર મિનરલ્સ રશિયા લઈ લેશે તેવી ગોઠવણ થઈ ગઈ છે. તેવી જ રીતે સાઉથ એશિયામાં ચીનનું આધિપત્ય રહેશે અને અમેરિકા તેમાં માથું નહીં મારે તેવી પણ ગોઠવણ થઈ જ ગઈ છે. તાઈવાન સાથે ચીન જે કરે તેનો માત્ર દેકારો કરવાનો પણ સીધી રીતે અમેરિકા કોઈ એક્શન લેતું નથી અને લેશે પણ નહીં. જાણકારો માને છે કે, પેન્ટાગોન કોઈપણ ભોગે ડોલરને મજબૂત અને અમેરિકાને સર્વોચ્ચ મહાસત્તા બનાવવા માગે છે અને તેના માટે જ તે કોઈપણ સમાધાન અને ગોઠવણ કે પછી યુદ્ધ કરી શકે છે.


