FOLLOW US

એક્ટ્રેસ ખુશ્બુની આપવિતી, બાળકો પરિવારમાં જ શોષણનો શિકાર

Updated: Mar 7th, 2023


- બાળકોનું જાતિય શોષણ કરનારા 60 ટકા હેવાનો પરિવારના સંબંધી, મિત્રો, પાડોશીઓ, શિક્ષકો હોય છે

- ખુશ્બૂ મૂળ મુંબઈના મુસ્લિમ પરિવારની છે. ખુશ્બુએ એક ઈન્ટરવ્યૂમાં  આપવિતી વર્ણવતાં કબૂલ્યું કે, પોતે માત્ર આઠ વર્ષની હતી ત્યારે પિતાની હવસનો શિકાર બની હતી પણ માતાને આ વાત કહેવાની હિંમત નહોતી. માતા પોતાની વાત નહીં માને એ ડરે ચૂપ રહી તેથી આઠ વર્ષ સુધી જાતિય શોષણનો સિલસિલો ચાલતો જ રહ્યો.

ભારતમાં બાળકોનું જાતિય શોષણ બહુ મોટી સમસ્યા છે.  મોટા ભાગના કિસ્સામાં નજીકનાં વિકૃત સગાં, પાડોશીઓ કે પરિવારના મિત્રો જ આવી ગંદી હરકતો કરે છે પણ કોઈ છોકરીના પિતા જ આવી ગંદી હરકત કરીને સગી દીકરીને હવસનો શિકાર બનાવે ત્યારે આઘાત પણ લાગે ને આક્રોશ પણ થાય. તમિલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને ભાજપની નેતા ખુશ્બુ સુંદરે ધડાકો કર્યો છે કે, પોતે પિતાની હવસનો શિકાર બની હતી અને વરસો સુધી તેના પિતાએ તેનું જાતિય શોષણ કર્યું હતું. 

ખુશ્બૂ મૂળ મુંબઈના મુસ્લિમ પરિવારની છે અને મુંબઈમાં જ ઉછરી છે. તેનું સાચું નામ નખત ખાન છે. ખુશ્બુએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની આપવિતી વર્ણવતાં કબૂલ્યું કે, પોતે માત્ર આઠ વર્ષની હતી ત્યારે પિતાની હવસનો શિકાર બની હતી પણ માતાને આ વાત કહેવાની હિંમત નહોતી. માતા પોતાની વાત નહીં માને એ ડરે ચૂપ રહી તેથી આઠ વર્ષ સુધી જાતિય શોષણનો સિલસિલો ચાલતો જ રહ્યો. 

ખુશ્બ ૧૫ વર્ષની થઈ ત્યાં સુધી તેનો હરામખોર બાપ દીકરીને હવસનો શિકાર બનાવતો રહ્યો. છેવટે ખુશ્બુએ હિંમત કરીને પિતાનાં કરતૂતો સામે અવાજ ઉઠાવીને ભાંડો ફોડયો. ખુશ્બુએ પિતાને તાબે થવાનું બંધ કર્યું ને તેનો ભાંડો ફોડવાની ધમકી આપી ત્યારે જાતિય શોષણનો સિલસિલો બંધ થયો.

ખુશ્બુને તેના પિતા માટે અપાર ધિક્કાર છે એ નવી વાત નથી. આ ધિક્કાર, આ નફરત કેટલી તીવ્ર હશે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, ખુશ્બુ પોતાના પિતાનું નામ જાહેર કરવા પણ તૈયાર નહોતી. ખુશ્બુએ પોતાની માતાનું નામ નજમા ખાન હોવાનું કહ્યું છે પણ કદી પિતાના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી કર્યો. 

ખુશ્બુએ માત્ર ૮ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૭૮માં આવેલી ધ બર્નિંગ ટ્રેઈન ખુશ્બુની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, હેમા માલિની વગેરે એ જમાનામાં સુપરસ્ટાર્સ ગણાતા એક્ટર્સ હતા. એ પછી ખુશ્બુએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે લાવારિસ, કાલિયા, નસીબ, બેમિસાલ વગેરે ફિલ્મોમાં કામ કરેલું તેથી ખુશ્બુને નાનપણથી જ નામના તો મળી ગયેલી.

તમિલ ફિલ્મોમાં તો તેને બેહદ સફળતા મળી. તેના ચાહકો તેને દેવીની જેમ પૂજતા ને તેના નામનાં મંદિર સુધ્ધાં બનાવ્યાં. એ દરમિયાન સંખ્યાબંધ ઈન્ટરવ્યૂ આપ્યા ને તેમાં તેના બાળપણ વિશે પૂછાતું ત્યારે ખુશ્બુ એવું જ કહેતી કે, હું મારા બાપનું નામ પણ લેવા નથી માંગતી. મારી માતા સાથે મારી બહુ સુખદ યાદો છે પણ મારા પિતા સાથે નથી. મેં મારા બાપને મારી માને અને મારા ભાઈઓને ફટકારતો જોયો છે. મારો બાપ એકદમ હિંસક હતો ને તેના માટે પૈસા જ સર્વસ્વ હતું. મને પણ શૂટિંગ દરમિયાન એ બરેહમીથી બધાંની હાજરીમાં જ ફટકારતો.

ખુશ્બુએ એક ઈન્ટરવ્યૂમાં એ પણ કબૂલેલું કે, પોતે ૧૬  વર્ષની થઈ ત્યારે તમિલ ફિલ્મોમાં પહેલો બ્રેક મળેલો. એ વખતે તેનો બાપ મા-દીકરીને લઈને ચેન્નાઈ પહોંચેલો. ચેન્નાઈમાં ઝૂંપડપટ્ટીમાં એક રૂમ અપાવીને તેનો બાપ પાછો મુંબઈ જતો રહેલો. ખુશ્બુ-નજમા પાસે એક પૈસો પણ નહોતો છોડયો ને એ લોકોએ ખાવા માટે પણ ભિખ માગવી પડેલી. ઘણ બધા દિવસો આ રીતે કારમી ગરીબીમાં જ કાઢવા પડેલા.

ખુશ્બુને પિતા તરફ આ કારણે ધિક્કારની લાગણી હશે એવું સૌને લાગતું હતું. ખુશ્બુ પોતાના નામ સાથે બાપનું નામ જોડવા નથી માંગતી તેનું કારણ અ હરામખોર  દ્વારા કરાયેલું જાતિય શોષણ હશે એવી કોઈને કલ્પના પણ નહોતી  પણ ખુશ્બુએ કરેલા ધડાકાએ સૌને મોટો આઘાત આપી દીધો છે. કોઈ છોકરીનું કૂમળી વયે શારીરિક શોષણ થાય ત્યારે તેના પર શારીરિક અત્યાચાર તો થાય જ છે પણ માનસિક અત્યાચાર પણ થાય છે. ખુશ્બુ પોતાના જ ઘરમાં શારીરિક અને માનસિક અત્યાચારનો ભોગ બની હશ તેની કોઈને કલ્પના પણ નહોતી.

ખુશ્બુ બાળપણમાં જાતિય શોષણનો ભોગ બની હોય એવી પહેલી સેલિબ્રિટી નથી. ભારતીય ફિલ્મ જગતમાં જ સંખ્યાબંધ અભિનેત્રીઓ એવી છે કે જેમનું બાળપણમાં જાતિય શોષણ થયું હોય. દીપિકા પદુકોણે, પ્રીટિ ઝિન્ટા, સોનમ કપૂર, કંગના રણૌત, અદિતીરાવ હૈદરી, ફાતિમા સના શેખ, કલ્કિ કોએચલિન, નીના ગુપ્તા, કુબ્રા સૈત સહિતની ઘણી એક્ટ્રેસ નાનપણમાં પોતાનું જાતિય શોષણ થયાનું કબૂલી ચૂકી છે. અક્ષય કુમાર અને અનુરાગ કશ્યપ જેવી મેલ સેલિબ્રિટીઝ પણ નાનપણમાં આ હવસખોરીનો શિકાર બની ચૂકી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે તો મેડોના., લેડી ગાગા, ઓપરાહ વિનફ્રે સહિતની સેંકડો સેલિબ્રિટીઝ નાનપણમાં જાતિય શો।ષણનો ભોગ બની ચૂકી હોવાનું કબૂલી ચૂકી છે.  લિસ્ટ બનાવવા બેસો તો પાર જ ના આવે એટલાં નામ છે. ખુશ્બુની જેમ સગા બાપની હવસનો શિકાર બનનારી સેલિબ્રિટિઝ પણ છે. કોનું કોણે શારીરિક શોષણ કર્યું તેની વાત કરની એ કોઠીમાંથી કાદવ કાઢવા જેવું છે તેથી તેની વાત કરતા નથી પણ ખુશ્બુના કિસ્સાએ એક અત્યંત ગંભીર કહેવાય એવી સમસ્યા તરફ આપણું ધ્યાન દોર્યું છે. 

ભારત જ નહીં પણ આખી દુનિયામાં નાનાં બાળકોનું જાતિય શોષણ ગંભીર સમસ્યા છે. નાના બાળકનું જાતિય શોષણ કરવું એ અધમતા કહેવાય. તેમાં પણ પરિવારના લોકો દ્વારા જ બાળકનું જાતિય શોષણ થાય એ તો અધમતાની પરાકાષ્ઠા કહેવાય. કમનસીબે બાળકોનું જાતિય શોષણ કરનારામાં ૩૦ ટકા લોકો લોહીનો સંબંધ ધરાવનારા હોય છે. છોકરી કે છોકરાના ભાઈ, પિતા, પિતરાઈ, કાકા, મામા, માસા, ફુઆ વગેરે સહિતનાં નજીકનાં સગાં આ નીચ હરકતો કરે છે. 

જાતિય શોષણ કરનારા ૬૦ ટકા હેવાનો પરિવારના મિત્રો, પાડોશીઓ, શિક્ષકો વગેરે હોય છે ને માત્ર ૧૦ ટકા જ લોકો એવા હોય છે કે જેમને બાળક કે તેમના પરિવાર સાથે કોઈ સંબધ ના હોય. તેનો મતલબ સ્પષ્ટ છે કે, નાનાં બાળકોને બહારનાં લોકોથી જેટલો ખતરો નથી એટલો ખતરો પરિવાર કે પરિવારની નજીકનાં લોકોથી હોય છે.

નાનું બાળક બિચારું બોલી શકે નહીં તેથી આ અત્યાચારો સહન કર્યા કરે છે અને અસહ્ય માનસિક અને શારીરિક યાતનામાં વરસો સુધી પિસાયા કરે છે. ઘણાં બાળકો નાની વયે બોલવાની હિંમત કરે તો પણ પરિવારનાં લોકો તેની વાત માનતાં નથી કે પરિવારની કહેવાતી આબરૂ જવાના ડરે બાળકને ચૂપ કરી દે છે.  

ખુશ્બુના કિસ્સામા પણ એ ચૂપ રહીને અત્યાચાર સહન કરતી રહી કેમ કે તેને ડર હતો કે, પતિને પરમેશ્વર માનતી મારી મા મારી વાત પર ભરોસો જ નહીં કરે. આ જ હાલત મોટા ભાગના પરિવારોમાં હોય છે. 

ખુશ્બુ પર જે વિતી એ તો પાછું ના વાળી શકાય પણ દરેક પરિવારે આ કિસ્સા પરથી પ્રેરણા લેવી જોઈએ. પોતાનાં સંતાનોને શોષણથી મુક્ત રાખવા તેના ફરતે સુરક્ષા કવચ રચવું જોઈએ. બાળક ગૂમસૂમ લાગે કે બીજો કોઈ ફેરફાર પણ દેખાય તો તરત વાત કરવી જોઈએ. 

ભાજપે ખુશ્બુ મુસ્લિમ નામ છૂપાવતી હોવાનો આક્ષેપ કરેલો

ખુશ્બુ અત્યારે ભાજપમાં છે અને રાષ્ટ્રીય મહિલા મોરચાની સભ્ય છે. રસપ્રદ વાત એ છે કે, ખુશ્બુ કોંગ્રેસમાં હતી ત્યારે ૨૦૧૮માં ભાજપે ખુશ્બના નામને લઈને મોટો મુદ્દો બનાવેલો. ખુશ્બુ તમિલ અભિનેતા-નિર્દેશક સુંદર સી.ને પરણી છે તેથી લગ્ન પછી ખુશ્બુ સુંદર જ લખે છે. ભાજપે આક્ષેપ કરેલો કે, ખુશ્બુ મુસ્લિમ હોવા છતાં હિંદુ હોવાનો દેખાવ ઉભો કરવા પોતાનું સાચું નામ નખત ખાન છે એ જાહેર કરતી નથી. 

ખુશ્બુની રાજકારણની ઈનિંગ ૨૦૧૦માં એમકે સાથે શરૂ થયેલી. ૨૦૧૫માં ખુશ્બુ કોંગ્રેસમાં જોડાઈ પછી નરેન્દ્ર મોદીની જોરદાર ટીકા કરતી તેથી ભાજપે આ મુદ્દો ઉઠાવેલો. ૨૦૨૦માં ખુશ્બુ ભાજપમાં જોડાઈ ગઈ પછી ભાજપે આ મુદ્દાને ભૂલાવી દીધો છે. 

ખુશ્બુના નામની ડિશ, એક્સેસરીઝે ધૂમ મચાવેલી

ખુશ્બુએ કારકિર્દી હિન્દી ફિલ્મોથી શરૂ કરી પણ તેને જોરદાર સફળતા તમિલ ફિલ્મોમાં મળી. હિન્દી ફિલ્મોમાં બાલ કલાકાર તરીકે કામ કરનારી ખુશ્બુનું મેરી જંગ ફિલ્મનું બોલ બેબી બોલ, રોક એન્ડ રોલ ગીત બહુ ચાલેલું. ગોવિંદા સાથે તનબદન ફિલ્મમાં હીરોઈને તરીકે પણ ખુશ્બુ ચમકેલી પણ બહુ ચાલી નહોતી. 

તમિલ ફિલ્મોમાં ખુશ્બુ એવી ચાલી કે તેના નામે મંદિર તો બન્યું જ પણ ખુશ્બુ ઈડલી, ખુશ્બુ ઉત્તપમ વગેરે ડિશો પણ પ્રચલિત થઈ હતી. ખુશ્બુ સાડી, ખુશ્બુ ઝૂમકી વગેરે મહિલાઓની એક્સેસરીઝે પણ ધૂમ મચાવેલી.

Gujarat
News
News
News
Magazines