- E20 ફેક્સ ફ્યૂઅલથી શરૂ કરીને E100 સુધી જવાની સરકારની યોજના, કરોડો લિટર પેટ્રોલ-ડીઝલ અને અબજો રૂપિયા બચશે
- 2014માં ભારતની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા માત્ર 200 કરોડ લિટર હતી. જે હાલમાં અંદાજે 1800થી 2000 કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. દેશમાં હવે E20 બ્લેંડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના માટે 1000 કરોડ લિટરની જ જરૂર પડે છે. સરકાર આગામી પાંચ વર્ષોમાં ઉત્પાદનને પાંચ ગણું કરવા માગે છે અને વપરાશ પણ પાંચ ગણો વધારવા માગે છે : પેટ્રોલની ઓળખ હવે E10થી બદલીને E10/E20 કરવામાં આવશે. આ સાથે જ E85 અને E100ને પણ સત્તાવાર રીતે નિયમોમાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે બાયોડીઝલને B10થી વધારીને B10૦ સુધી અપડેટ કરવાનો પ્રસ્તાવ છે. જો ખરેખર તેવું શક્ય બનશે તો એનર્જી સેક્ટરમાં એક મોટું અને ક્રાંતિકારી પરિવર્તન આવશે : ઈથેનોલ બ્લેંડિંગનો અર્થ છે પેટ્રોલમાં ઈથેનોલ ભેગું કરવું. ભારતમાં હાલમાં જે પેટ્રોલ એન્જિન છે તેની ક્ષમતા E20 છે. સરકાર હવે તેને વધારીને 85 અને 100 ટકા લઈ જવા માગે છે. સરકાર ઈચ્છે છે કે, નવા એન્જિન વિકસાવવામાં આવે જે પેટ્રોલના સ્થાને સંપૂર્ણ રીતે ઈથેનોલ ઉપર જ કામ કરે
અમેરિકા અને ઈરાનના યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. એક તરફ બંને મંત્રણા કરે છે અને બીજી તરફ એકબીજા ઉપર હુમલા કરે છે. તેના કારણે સ્થિતિ વધારે ગુંચાતી જાય છે. આ અનિશ્ચિતતાઓને કારણે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાયેલી છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો પાસે સ્ટોક છે તે ખુટવા લાગ્યો છે. ઘણા દેશો દ્વારા વૈકલ્પિક ઈંધણોના ઉપયોગની કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતે પણ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો અને તેની સાથે અન્ય કેમિકલ્સ અને પદાર્થોની ભેળસેળ કરીને નવા ફ્યુઅલ વિકસાવવાની દિશામાં અને તેનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. એક તરફ સ્ટોક ઘટી રહ્યો છે અને બીજી તરફ પેટ્રોલના અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાવાની શક્યતાઓ છે ત્યાં સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઓછી કરવા નવું સાહસ કરવાનું નક્કી કર્યું છે.
તાજેતરમાં સરકાર દ્વારા E85 કેટેગરીનું બાયોફ્યૂઅલ લોન્ચ કરવામાં આવ્યું છે. દિલ્હીના કેટલાક પેટ્રોલપંપ ખાતે આ ફ્યૂઅલ લોન્ચ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમય પહેલાં ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા એક નવું નોટિફિેકેશન જારી કરવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ ભેળવવાના નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેના અનુસંધાનમાં જ આ પેટ્રોલ અને પોલિસી લાગુ કર્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં વાહનો સંપૂર્ણપણે ઈથેનોલથી પણ ચાલી શકશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સરકાર ૧૦૦ ટકા ઈથેનોલથી જ વાહનો ચલાવવાની તૈયારીમાં છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-૧૯૮૯માં સુધારો કરીને E85 અથવા E100 સુધીના ઈંધણ માટે વાહન સ્ટાન્ડર્ડનો સમાવેશ કરવાની વાત જે-તે પ્રસ્તાવમાં કરવામાં આવી હતી.
ડ્રાફ્ટમાં ઈંધણની નવી કેટેગરી નક્કી કરવાનો પણ પ્રસ્તાવ છે. જેમ કે પેટ્રોલની ઓળખ હવે E10/ઈથી બદલીને E10/E20 કરવામાં આવશે. આ સાથે જ E85 અને E100ને પણ સત્તાવાર રીતે નિયમોમાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે બાયોડીઝલને B10થી વધારીને B10૦ સુધી અપડેટ કરવાનો પ્રસ્તાવ છે. અહેવાલો પ્રમાણે ઊર્જા જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા લાવવાના પ્રયાસ રૂપે જ ૧૦૦ ટકા ઈથેનોલ બ્લેંડિંગ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર તેવું શક્ય બનશે તો એનર્જી સેક્ટરમાં એક મોટું અને ક્રાંતિકારી પરિવર્તન આવશે.
ઉલ્લેખનીય છે કે, ઈથેનોલ બ્લેંડિંગનો અર્થ છે પેટ્રોલમાં ઈથેનોલ ભેગું કરવું. ભારતમાં હાલમાં જે પેટ્રોલ એન્જિન છે તેની ક્ષમતા E20 છે. તેનો અર્થ એ છે કે, પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ ભેળવી શકાય છે. ઈથેનોલ બ્લેંડેડ પેટ્રોલ હેઠળ સરકારે ગત વર્ષ ૧ એપ્રિલથી આ નીતિ લાગુ કરી દીધી હતી. હાલમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથનેલો ભેળવવામાં આવે છે. સરકાર હવે તેને વધારીને ૮૫ અને ૧૦૦ ટકા લઈ જવા માગે છે. સરકાર ઈચ્છે છે કે, નવા એન્જિન વિકસાવવામાં આવે જે પેટ્રોલના સ્થાને સંપૂર્ણ રીતે ઈથેનોલ ઉપર જ કામ કરે. તેને ધ્યાનમાં રાખીને જ E85 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું છે. સરકારી જાણકારોનો દાવો છે કે, E20થી E85 સુધીની ક્ષમતા ધરાવતા તમામ વાહનોમાં તેનો ઉપયોગ થઈ શકશે. તેના કારણે એન્જિનને નુકસાન પણ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ઈથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ જ ગણાય છે જે શેરડી, મકાઈ અને ચોખામાંથી બનાવવામાં આવે છે. પહેલાં તેમાંથી સુગર દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં યીસ્ટ ભેળવવામાં આવે છે. યીસ્ટ આ સુગરને ઈથેનોલ અને ગેસમાં પરિવર્તિત કરી દે છે.
આ પ્રક્રિયાને ફર્મેન્ટેશન કહેવામાં આવે છે. ત્યારબાદ જે મિશ્રણ તૈયાર થાય છે તેને ડિસ્ટિલેશન કરીને તેમાંથી પાણી અલગ કરવામાં આવે છે. આ પ્રોસેસ થયા બાદ જે ઈથેનોલ વધે છે તેનો ઉપયોગ ફ્યૂઅલ તરીકે અથવા તો અન્ય ઈંધણ તરીકે કરવામાં આવે છે. ભારત ઈથેનોલના ઉત્પાદનમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ૨૦૧૪માં ભારતની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા માત્ર ૨૦૦ કરોડ લિટર હતી. જે હાલમાં અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. દેશમાં હવે E20 બ્લેંડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના માટે ૧૦૦૦ કરોડ લિટરની જ જરૂર પડે છે. સરકાર આગામી પાંચ વર્ષોમાં ઉત્પાદનને પાંચ ગણું કરવા માગે છે અને તેનો વપરાશ પણ પાંચ ગણો વધે તે દિશામાં કામ કરી રહી છે. તેના માટે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ફ્લેક્સ ફ્યૂઅલ ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેના માટે નવી નીતિઓ પણ બનાવઈ રહી છે.
બીઆઈએસે આ ઈંધણો માટે ગુણવત્તા માપદંડોને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે. જાણકારોના મતે સરકાર ડીઝલમાં આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ અને કમર્શિયલ એલપીજીમાં ડીએમઈના મિશ્રણને મંજૂરી આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૂત્રો મુજબ બીઆઈએસના આ માપદંડ ૧૫ જૂન સુધીમાં જાહેર થઈ શકે છે. સરકારના આ નિર્ણયથી આયાતી ક્રડ ઓઈલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતો તથા ગ્રામીણ અર્થતંત્રને નવું બજાર મળી શકે છે.
આ ઉપરાંત સરકારે કમર્શિયલ ઉપયોગ માટે ડાઈમિથાઈલ ઈથર (ડીએમઈ) મિશ્રિત એલપીજીના માપદંડોને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ડીએમઈ પ્રાકૃતિક ગેસ, કોલસા અને બાયોમાસથી બનાવી શકાય છે. તેનું નોટિફિકેશન ૧૫ મે ૨૦૨૬ સુધીમાં આવી શકે છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરોમાં હાલ આ મિશ્રણ કરાશે નહીં. આ માત્ર હોટેલ, રેસ્ટોરાં, ઉદ્યોગો જેવા કોમર્શિયલ યૂઝર માટે હશે. અધિકારીઓ મુજબ ડીએમઈ મિશ્રણ ઘરેલું ભોજન પકવવા માટે હાલ યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં પોતાની જરૂરિયાતનું ૮૫ થી ૯૦ ટકા ક્ડ આયાત કરે છે. તે અંદાજે ૨૦૦ મિલિયન ટનથી વધારે ક્રૂડ આયાત કરે છે. છેલ્લાં કેટલાક સમયથી E20 બ્લેંડિંગ પોલિસીના કારણે તેમાં ૧૦૫૦ કરોડ લિટર જેવો ઘટાડો થયો છે. આગામી સમયમાં દેશના કુલ વાહનોમાંથી માત્ર ૨૫ ટકા વાહનો પણ E100 ઉપર કામ કરવા લાગે અને ચાલવા લાગે તો અન્ય કરોડો લિટર ક્રૂડની બચત થઈ શકે તેમ છે. તેના દ્વારા સરકારને મોટો ફાયદો થશે અને ફ્લેક્સ ફ્યૂઅલ માટે માલ-સામાન આપીને ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે.
બીજી વાત એવી છે કે, ઈથોનોલની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હશે. તેના કારણે લોકોને પણ મોટો આર્થિક લાભ થાય તેમ છે. જાણકારોના મતે ઈથેનોલના ભાવ પેટ્રોલ કરતા ઘણા ઓછા હશે. બીજી તરફ ચિંતા એવી પણ છે કે, તેની માઈલેજ ઓછી છે તેથી પેટ્રોલની સરખામણીએ ૨૫ થી ૩૦ ટકા વધારે ઈથેનોલનો વપરાશ થશે તેથી કિંમતની સરેરાશ સરખી આવીને ઊભી રહે તેવું બને.
આ અભિયાનથી રૂ. 1.84 લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ
E85 પેટ્રોલને શરૂઆતમાં દેશભરના ૪૮ પબ્લિક સેક્ટરના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફ્યુલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૫૦૦ અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં આશરે ૫૦૦૦ પેટ્રોલ પંપ સુધી તેની ઉપલબ્ધતા વધારવાની યોજના ધરાવે છે. E85માં ૮૦થી ૮૫ ટકા ઇથેનોલ અને ૧૪ થી ૧૯ ટકા પેટ્રોલ હોય છે. સરકારના જણાવ્યા મુજબ આ અભિયાનથી રૂ. ૧.૮૪ લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ છે. મંત્રાલયના અંદાજ મુજબ, E85 પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીએ લાઈફટાઈમ દરમિયાન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં આશરે ૬૧ ટકા ઘટાડો કરી શકે છે. જાણકારો માને છે કે, E85 પોલિસી તો લાગુ કરી દેવાઈ અને તેનો ઉપયોગ શરૂ કરી દીધો. આગામી સમયમાં E100 પોલિસી લાગુ થયા બાદ વાહનોમાં જ પેટ્રોલના સ્થાને ૧૦૦ ટકા ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે ભારતમાં ક્રૂડ અને અશ્મિગત ઈંધણ ઉપર નિર્ભરતા ઘટશે. તે ઉપરાંત આ ફ્યૂઅલ સંપૂર્ણ રીતે સ્વદેશી હશે તેથી આત્મનિર્ર્ભરતા પણ આવશે. ખાસ વાત એ છે કે, આ ફ્યૂઅલ એન્જિન માટે વધારે ફાયદાકારક હશે કારણ કે તેનો ઓક્ટેન આંક ઘણો ઉંચો હોય છે. તેના કારણે તેને કાર્બન ન્યૂટ્રલ ફ્યૂલ પણ કહે છે. તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી ગ્રીનહાઉસ ગેસની અસર ઓછી કરવામાં મદદ મળશે અને પ્રદુષણ સામેના જંગમાં હકારાત્મકતાથી આગળ વધી શકાશે.
લાંબાગાળે આ ફ્યૂઅલથી એન્જિનને નુકસાન થવાની શક્યતાઓ છે
ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રમાં જેટલા લાભ દેખાય છે તેની સામે પડકારો પણ રહેલા છે. સૌથી મોટો પડકાર તો માઈલેજનો આવશે. ઈથેનોલમાં પેટ્રોલની સરખામણીએ ૩૦થી ૩૫ ટકા ઓછી ઊર્જા હોય છે. તેના કારણે કોઈપણ વાહનની માઈલેજમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો આવી શકે તેમ છે. આ ફ્લૂઅલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા દરમિયાન જૂના થયેલા વાહનોના એન્જિનમાં કાટ લાગવાનો ભય રહેલો છે. તે ઉપરાંત શિયાળાના સમયમાં ઠંડા થઈ ગયેલા વાહનો ચાલુ કરવામાં પણ સમસ્યા આવી શકે છે. આ ઉપરાંત E85 અને E100 માટે ખાસ પ્રકારના એન્જિન અને ફ્યૂઅલ સિસ્ટમ બનાવવા પડશે જે યોગ્ય રીતે કામ કરે. તેના માટે સરકારે ફ્લેક્સ ફ્યૂઅલથી ચાલતા એન્જિન ધરાવતા વાહનો બનાવવા પડશે જે ૧૦૦ ટકા ઈથેનોલનો જ ઉપયોગ કરી શકે.


