Get The App

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 'ભણેલાઓને' બેકાર બનાવશે !

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 'ભણેલાઓને' બેકાર બનાવશે ! 1 - image


- ડિજિટલ દુનિયામાં નોકરીઓ વધવાના બદલે ઘટી રહી છે : ત્રણ વર્ષમાં6.50 લાખની નોકરી ગઈ

- માંગ વધે તો ભાવ વધે અને ઉત્પાદન પણ વધે. ઉત્પાદન વધે તો વધારે રોજગારીનું સર્જન થાય પણ ડિજિટલ દુનિયામાં આ ઉક્તિ સાચી નથી. દરેક સેવાઓ ડેટા આધારિત થઇ છે અને દરેક વ્યક્તિ ડેટા અને ડિજિટલનો ઉપયોગ કરતો થયો છે પણ વિશ્વના આઈટી ક્ષેત્રમાં ઉત્પાદન વધતું હોવા છતાં, કંપનીઓ અબજો રળી રહી હોવા છતાં નોકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે! જે માણસે ટેકનોલોજીની શોધ કરી, દુનિયાને ટેકનોલોજીના સહારે સરહદ વિહીન કરી નાખી એ માણસ પોતે જ હવે ટેકનોલોજી સામે લાચાર બની ગયો છે. માણસની જેમ જ વિચારી - સોરી અનેક માણસો જેટલું પળવારમાં વિચારી - આંગળીના ટેરવે, સેકન્ડના ૧૦૦માં ભાગમાં જવાબ આપી શકતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માણસને હડસેલી હવે પોતે પોતાની રીતે કામ કરતું થઇ ગયું છે અને નોકરીઓ ખાઈ રહ્યું છે.

ટેકનોલોજીમાં આમૂલ પરિવર્તનની ઝડપ એટલી હદે વધી ગઈ છે કે જે પ્રોડક્ટ કે સેવા પાંચ વર્ષ સુધી બજારમાં સફળ રહેતી તે હવે માત્ર એક કે દોઢ વર્ષમાં જ બદલાય જાય છે. આ રીતે જ પ્રોડક્ટ અને સર્વિસ માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પણ એટલી જ ઝડપે નવી આવી રહી છે અને તેની સાથે માણસોની સ્કીલ કે કુશળતા પણ બદલવા ફરજ પડી રહી છે. આ સઘળી ચીજોની અસર રોજગારી ઉપર પડી રહી છે. જનરેટીવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (ચેટ જીપીટી, જેમિની, ગ્રોક) જેવા ટુલ્સ આવ્યા એ પહેલા ૨૦૧૯માં ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (ઓઈસીડી)એ એક આગાહી કરી હતી. આ આગાહી હતી કે આવતા દોઢ કે બે દાયકામાં ટેકનોલોજીના કારણે ૧૫થી ૨૦ ટકા નોકરીઓ નાબૂદ થઇ જશે અને ૩૦ ટકા જેટલી નોકરીઓનું સ્વરૂપ બદલાઈ જશે. આ આગાહી ખોટી પડી રહી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના ચમત્કારિક રીતે વધી રહેલા વ્યાપના કારણે વધારે ઝડપથી નોકરીઓ સાફ થઇ રહી છે અને જે લોકોની નોકરી સદનસીબે બચી છે તેમને નવી સ્કીલ શીખવી પડી રહી છે. સૌથી મહત્વની વાત છે કે ઇન્ફર્મેશન ટેકોનોલોજી કે જેણે એઆઈને જન્મ આપ્યો તેમાં જ સૌથી વધુ બેરોજગારી જોવા મળી રહી છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં વિશ્વમાં સાડા છ લાખ લોકોએ નોકરી ગુમાવવી પડી છે. 

વિશ્વની ટોચની આઈટી કંપનીઓ -માઈક્રોસોફ્ટ, આઈબીએમ, ઇન્ટેલ -સહિત સેંકડો કંપનીઓએ કર્મચારીઓને છુટા કરવા ફરજ પડી છે. દર વર્ષે નોકરી ગુમાવતા લોકોની સંખ્યા વધી રહી છે અને દહેશત છે કે હજી વધારે લોકો નોકરી ગુમાવશે. ટેકનોલોજીના વધેલા વ્યાપથી ગ્રાહક અને ઉત્પાદક વચ્ચેને વેલ્યુ ચેઈન સાફ થઇ રહી છે. આ સફાઈથી હજી વધુ લોકો નોકરી ગુમાવશે.

આંગળીના ટેરવે અત્યારે શકભાજી, કરિયાણુ જેવી આવશ્યક ચીજો મળે છે તો ટેલીવિઝન કે ઘરેણા પણ મળે છે. ડોક્ટર સાથે સામાન્ય બીમારી માટે સલાહ લઇ શકાય કે વાહન, આરોગ્ય કે જીવન વીમો ખરીદી શકાય. 

બેંકના ખાતા ખૂલે, નાણા ટ્રાન્સફર થાય અને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ પણ! આ પરોક્ષ અસરથી શોપ, બેન્કિંગ, ઇન્સ્યુરન્સ, સ્ટોક બ્રોકિંગ અને ફેરિયાના ધંધાને અસર પડી રહી છે. એ બધા ટેકનોલોજી અપનાવી રહ્યા છે અને શક્ય છે કે ફીઝીકલ નોકરીઓ - ગ્રાહક સાથે વાત કરી ચીજ વસ્તુ વેચનાર, પેક કરી આપનાર - સાવ નાબૂદ થઇ જઇ જાય!

ભારત ઇન્ફર્મેશન ટેકનોલોજીની નિકાસથી વર્ષે અબજો ડોલર રળે છે.. ભારતમાં લગભગ ૫૪ લાખ લોકો આ ક્ષેત્રમાં રોજગારી મેળવી રહ્યા છે. પણ, નોકરીના સર્જનમાં સૌથી અગ્રેસર આઈટી ક્ષેત્ર ઉપર હવે દબાણ છે. 

નવી નોકરીઓ ઘટી રહી છે અને જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના ઉપર સતત નવું શીખી અસ્તિત્વ ટકાવી રાખવાનું જોખમ છે. બોસ્ટન કન્સલટીંગ ગુ્રપના અહેવાલ અનુસાર ટેકનોલોજીમાં કોઈ એક સોફ્ટવેર, કોડીંગ કે રીસર્ચ માટેની સ્કીલનું સરેરાશ આયુષ્ય અગાઉ પાંચ વર્ષ હતું જે ઘટી હવે માત્ર બે કે અઢી વર્ષ થઇ ગયું છે. એટલે કે દર અઢી વર્ષે વ્યક્તિએ નોકરીમાં ટકી રહેવા માટે નવી સ્કીલ શીખવી પડે છે!

આ એવી વિચિત્રતા છે કે જે સમજવી અને ભવિષ્યમાં કેવું સ્વરૂપ મેળવશે તે કળવું મુશ્કેલ છે. વિશ્વમાં આઈટી ક્ષેત્રમાં સૌથી મોટા દેશ અમેરિકામાં બેરોજગારી વધી રહી છે. જાન્યુઆરી ૨૦૨૫માં આઈટી ક્ષેત્રમાં બેરોજગારીનો દર ૫.૭ ટકા નોંધાયો હતો જે દેશના ૪ ટકાના બેરોજગારીના દર કરતા વધારે છે. 

ડિસેમ્બરમાં આઈટી ક્ષેત્રમાં બેરોજગાર નોકરિયાતની સંખ્યા ૯૮,૦૦૦ હતી જે જાન્યુઆરીમાં વધી ૧,૫૨,૦૦૦ થઇ હતી. ભારતમાં સ્થિતિ અલગ નથી. મે ૨૦૨૫ના ઉપલબ્ધ આંકડા અનુસાર સતત પાંચ મહિનાથી આઈટી ક્ષેત્રમાં નવી નોકરીઓની સંખ્યા દર મહિને ઘટી રહી છે. નોકરીડોટકોમના જોબ સીક ઇન્ડેક્સ અનુસાર મે મહિનામાં નોકરીઓનું પ્રમાણ ૩.૨ ટકા ઘટયું હતું. માત્ર મેરીટ, સ્કીલ અને જરૂરીયાત અનુસાર નવી નોકરીઓ માટે પૂછપરછ આવી રહી છે.

ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો દેશની સૌથી મોટી આઈટી કંપનીઓ છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં માત્ર ૧૪૩૮ નવા કર્મચારીઓનો ઉમેરો થયો છે, એ અગાઉના ક્વાર્ટરમાં ૯૩૬નો ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૪,૦૦૦ નોકરીઓ ઘટી હતી. ત્રણેય કંપનીઓની આવક અને નફો વધી રહ્યા છે, બિઝનેસ વૃદ્ધિમાં છે પણ બદલાયેલા આઈટીના ઉપયોગથી પડકારો વધી રહ્યા છે એટલે માત્ર જરૂરિયાત પૂરતા જ કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે.

બેરોજગારી ચોક્કસ વધશે પણ નિષ્ણાતો મને છે કે અત્યારે જે ટ્રેન્ડ છે તે એકના બદલે બીજાના નોકરી અને પાંચના બદલે સંભવિત બે લોકોથી કામ થઇ રહ્યું હોય એવી શક્યતા છે. એટલે કોઈને નોકરી નહીં મળે એવું નથી. માઈક્રોસોફ્ટ, ઇન્ટેલ, એમેઝોન કે ગુગલ બધી કંપનીઓ જે નોકરીમાં કાપ મૂકી રહ્યા છે તેની સામે - ભલે ઓછી સંખ્યામાં - નવી નોકરીઓ પણ ઉભી કરી રહ્યા છે. હા એટલું ચોક્કસ છે કે નવી નોકરીઓ એઆઈ આધારિત કાર્ય માટે છે. વિશ્વમાં મોંઘવારી, યુદ્ધ અને વધી રહેલા કર્મચારી ખર્ચ તેમજ એઆઈ તરફ ઝુકાવના કારણે નોકરીઓમાં કાપ મુકવામાં આવી રહ્યો છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અત્યારે સૌથી મોટું પરિવર્તન ચાલી રહ્યું છે. આ પરિવર્તન જેમ લોકોના જીવનને અસર કરશે એમ નોકરીઓમાં પણ કરી રહ્યું છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે કોડીંગ કે ટેસ્ટીંગ માટે હવે માણસોની જરૂર નથી, એઆઈ એન્જીન એ કામ કરી આપે છે. કસ્ટમર કેર કે કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે એડિટર કે એક્ઝીક્યુટીવની જગ્યાએ ઓટોમેશન આવી ગયું છે અને આથી નોકરીઓને અસર થઇ રહી છે. 

મેટા અને ગુગલની ડિજિટલ એડની દુનિયામાં એકચક્રી શાસન હવે ડોલી રહ્યું છે. આ કંપનીઓને પણ હવે એઆઈ આધારિત એડ સેવાઓ શરુ કરવા ફરજ પડી છે, ખર્ચ ઘટાડવો પડયો છે અને તેના કારણે નોકરીઓ ઘટી રહી છે.

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 'ભણેલાઓને' બેકાર બનાવશે ! 2 - image

- હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સોલ્યુશન કે કસ્ટમર સર્વિસ : એઆઈ એકમાત્ર વિકલ્પ

જનરેટીવ એઆઈ - એટલે પ્રશ્ન પૂછો તેના સચોટ જવાબ આપી શકે અને માનવીની જેમ વિચારી કોઈ કોયડાનું સોલ્યુશન આપી શકે - દુનિયા બદલી રહ્યું છે. આ બદલાવની ઝડપ માનવીના વિચાર કરવાની શક્તિની તોલે આવી શકે એમ છે! કોમ્પ્યુટરના યુગમાં ડેસ્કટોપથી લેપટોપ સુધીની ઝડપ લગભગ ત્રણ દાયકા ચાલી હતી. લેપટોપથી મોબાઈલ પણ એક દાયકો તો ખરો પણ હવે પળવારમાં ગણતરી કરી શકે અને દરેક ચીજમાં તેને જોડવું શક્ય છે એ રીતે એઆઈ માત્ર મહિનાઓમાં દુનિયા બદલી રહ્યું છે. એઆઈનો ઉપયોગ માત્ર હિસાબ, મેથેમેટિક્સના કોયડા કે સોફ્ટવેર કોડીંગ પુરતો સીમિત નથી. એઆઈ ડ્રાઈવર વગરની મોટરકાર કે ડ્રાઈવરને હાઈ-વે ઉપર ઝડપ નિયંત્રણ રાખવા કે પાર્કિંગ કરવામાં મદદરૂપ થવા સુધી પહોંચી છે. બેંક સામે ગ્રાહકની ફરિયાદનો ઉકેલ આપી શકે છે કે કોઈ ઇટાલિયન (કે અન્ય કોઈ વિદેશી ભાષા) બોલતો હોય તો તેની બોલવાની ઝડપ સાથે તે હિન્દી કે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ પણ કરી આપે છે. એકાઉન્ટન્ટની ભૂલ પકડવા માટે દિવસો સુધી ચાલતા ઓડીટ માત્ર કલાકોમાં પુરા કરી આપે છે. આ બધું કરવા માટે વધારે ઝડપી, વધારે શક્તિશાળી કોમ્પ્યુટર હાર્ડવેર બનાવવા, પૂછનારનો સવાલ સમજી તેને પળવારમાં ઉકેલવા સુધી દરેક જગ્યાએ હવે એઆઈ છે. માઈક્રોસોફ્ટ સોફ્ટ હોય, કે ચીપ બનાવતી ઇન્ટેલ, કલાઉડ કોમ્પ્યુટીંગ દિગ્ગજ એમેઝોન હોય કે માત્ર ડેટા પ્રોસેસિંગ કરી સારા સોલ્યુશન આપતી ઈન્ફોસીસ દરેકને હવે એઆઈ સંબંધિત નોકરીયાત જોઈએ છે. દરેક કંપની માટે અત્યારે એઆઈ જ રામધૂન છે!


Tags :