Get The App

ઈરાનમાં મસૂદની જીત ભારતને બહુ મોટો આર્થિક ફાયદો કરાવી શકે

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
ઈરાનમાં મસૂદની જીત ભારતને બહુ મોટો આર્થિક ફાયદો કરાવી શકે 1 - image


- યુકેમાં સુનકની હાર પછી લેબર પાર્ટી આવી તે ભારતના લાભની વાત છે એમ ઇરાનમાં મસૂદની જીત પણ ભારત માટે શુકનવંતી કહી શકાય 

- મસૂદ અમેરિકા સાથે સારા સંબંધો સુધારવાની તરફેણમાં છે. મસૂદ પહેલ કરે અને અમેરિકા કૂણું પડીને ઈરાન પરના પ્રતિબંધો હટાવે તો ભારત માટે બહુ બધી તકો ઈરાનમાં ઉભી થઈ જાય. ચાબહાર બહુ મોટા બંદર તરીકે વિકસી રહ્યું છે પણ ભારતના ઈરાન સાથે સીધા સંબધો નથી તેથી ભારતીયોને બહુ લાભ મળતો નથી. ઈરાન સાથે સંબંધો સુધરે તો ચાબહાર બંદર પર હજારો ભારતીયોને રોજગારી મળે.  યુરોપ સાથે સીધો વેપાર થાય તેથી નિકાસ વધે. અફઘાનિસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાંથી સસ્તા ભાવે લોઢું લાવવાનું સરળ થઈ જાય તેથી આપણા ઉદ્યોગોને બહુ મોટો ફાયદો થાય.

યુનાઈટેડ કિંગડમ (યુકે)માં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીના કેઈર સ્ટેર્મર વડાપ્રધાન બન્યા એ ભારત માટે હકારાત્મક સમાચાર છે ત્યાં શનિવારે બીજા હકારાત્મક સમાચાર ઈરાનથી આવ્યા. ઈરાનમાં પણ પ્રમુખપદ માટે ચૂંટણી હતી ને તેમાં હાલના પ્રમુખ સઈ જલીલી હારી ગયા છે જ્યારે મસૂદ પેજેશકિયાન જીત્યા છે.

ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈસીનું થોડા સમય પહેલાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયેલું. ઈરાનના બંધારણ પ્રમાણે પ્રમુખનું મોત થાય તેના ૫૦ દિવસમાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે. રઈસીના મોતના પગલે સઈદ જલીલી તેમની પાર્ટીના પ્રમુખ બનેલા ને પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેલા જલીલી રઈસી કરતાં પણ વધારે કટ્ટરવાદી છે જ્યારે મસૂદ સુધારાવાદી છે.

ઈરાનમાં શિયાઓની બહુમતી છે અને ખામૈની સર્વોચ્ચ લીડર છે. જલીલ સઈદને ખામૈનીના આશિર્વાદ હોવાથી તેમની જીત પાકી મનાતી હતી. ઓછું હોય તેમ મસૂદે પોતાના ચૂંટણી પ્રચારમાં અમેરિકા સહિતના પશ્ચિમના દેશો સાથેની દુશ્મનાવટ ખતમ કરીને સંબંધો સુધારવાની તરફેણ કરી હતી તેથી મસૂદ જીતશે એવી કોઈને આશા નહોતી પણ ઈરાનની પ્રજાએ ચમત્કાર કરી દીધો. ઈરાનની પ્રજાએ મસૂદના સુધારાવાદી એજન્ડાને આવકારીને જલીલીના કટ્ટરવાદી એજન્ડાને ફગાવી દીધો છે.  

વ્યવસાયે હાર્ટ સર્જન મસૂદ લાંબા સમયથી સાંસદ તરીકે ચૂંટાય છે પણ કટ્ટરવાદીઓને હરાવવામાં સફળ નહોતા થતા. આ વખતે પવન બદલાયો તેમાં એ જીતી ગયા. મસૂદની જીત સાથે ઈરાનમાં નવા યુગની શરૂઆત થશે અને વૈશ્વિક સમીકરણો પણ બદલાશે એવી આશા રખાય છે પણ મસૂદ માટે ઈરાનમાં નવા યુગની શરૂઆત સરળ નથી. ઈરાનમાં શિયાઓના લીડર અલી ખામૈની સર્વેસર્વા છે. 

ખામૈનીની ઈચ્છા વિના પાંદડું પણ ના હલે એવી હાલત છે. માથાફરેલ ખામૈની અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે તેથી મસૂદને અમેરિકા સહિતના દેશો સાથેના સંબંધો સુધારવામાં કેટલી સફળતા મળશે એ સવાલ છે પણ મસૂદ સંબંધો સુધારવાની પહેલ પણ કરશે તો પણ ભારત સહિતના દેશોનો મોટો ફાયદો થઈ જશે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ શસ્ત્રોના મામલે અંટસ પડેલી છે. આ કારણે અમેરિકાએ ઈરાન પર ક્ડ ઓઈલના વેચાણ સહિતના પ્રતિબંધો મૂકી દીધા છે. ઈરાન સાથે કોઈ દેશ આથક સહકાર કરે તો તેના પર અમેરિકા તવાઈ લાવે છે તેથી ભારત સહિતના દેશોએ કમને પણ ઈરાનથી દૂર રહેવું પડે છે.

મસૂદ અમેરિકા સાથે સંબંધો સુધારવાની પહેલ કરે તો અમેરિકા કૂણું પડે અને ઈરાન પરના પ્રતિબંધો હટાવે. ભૂતકાળમાં બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે પ્રતિબંધો હટાવીને ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી સહિતની છૂટ આપી હતી. ભારતને મસૂદના આગમનથી આ સ્થિતી ફરી સર્જાય તેમાં રસ છે. 

ભારતને થોડા સમય પહેલાં ઈરાનના ચાબહારમાં શાહિદ બેહેશ્તી પોર્ટનું  ૧૦ વર્ષ માટે સંચાલન કરવાનો કોન્ટ્રાક્ મળ્યો છે. તેના પગલે અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લાદવાની ચીમકી  આપી છે પણ મસૂદના કારણે અમેરિકા અને ઈરાનના સંબંધો સુધરે તો અમેરિકા એ વિચાર માંડી વાળે. બલ્કે ભારતનો ચાબહારમાં પગપેસારો કરવાનો માર્ગ ખૂલી જાય અને ભારતને બહુ મોટો ફાયદો થાય. 

ચાબહાર બંદરથી ભારત ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરી શકે છે. આપણને પાકિસ્તાનની જરૂર જ ના રહે. ચાબહાર પોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (ૈંશજી્ભ)ને જોડે છે. આ કોરિડોર  રશિયાથી શરૂ થાય છે, જે અઝરબૈજાન થઈને ઈરાન સાથે જોડાય છે. તેના કારણે  ભારત ૩૦ દિવસમાં તેનો સામાન યુરોપમાં પહોંચાડી શકે. ટ્રાન્સપોર્ટેશનનો સમય અને ખર્ચ બંને ઘટે તેથી યુરોપમાં ભારતના માલની ડીમાન્ડ વધે. તેના કારણે ભારતની નિકાસમાં  જબરદસ્ત ઉછાળો આવી જાય. 

ચાબહાર બહુ મોટા બંદર તરીકે વિકસી રહ્યું છે પણ ભારતના ઈરાન સાથે સીધા સંબંધો નથી તેથી ભારતીયોને તેનો બહુ લાભ મળતો નથી. ઈરાન સાથે સંબંધો સુધરે તો ચાબહાર બંદર પર હજારો ભારતીયોને રોજગારી પણ મળે. બંને દેશ વચ્ચે સીધો દરિયાઈ વેપાર વધે તેથી આર્થિક વિકાસને વેગ મળે. ભારતે ઈરાનમાં ઓઈલ અને ગેસ ઈન્ડસ્ટ્રીમાં જંગી રોકાણ કર્યું છે તેમાં પણ મોટો ફાયદો થાય. 

અફઘાનિસ્તાન બહુ વિકસિત દેશ નથી તેથી અફઘાનિસ્તાનમાં ખપાવી શકાય એવું નથી પણ અફઘાનિસ્તાન ખનિજોની રીતે સમૃધ્ધ છે. અફઘાનિસ્તાનની હાજીગાક ખાણોમાં લખલૂટ કાચું લોઢું મળે છે. આ કાચું લોઢું આપણેને બહુ મોંઘું પડે છે કેમ કે ટ્રાન્સપોર્ટેશનમાં લાંબા થઈ જઈએ છીએ. ચાબહાર બંદર ધમધમતું થાય તો આપણે ત્યાંથી લોઢું લાવી શકીએ. અફઘાનિસ્તાન ઉપરાંત કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ કાચું લોઢું પુષ્કળ પ્રમાણમાં મળે છે. ભારત માટે ત્યાંથી પણ સસ્તા ભાવે લોઢું લાવવાનું સરળ થઈ જાય ને સરવાળે આપણા ઉદ્યોગોને બહુ મોટો ફાયદો થાય.

ઈરાન સાથેના સંબંધો ગાઢ બને તો ભારત પાકિસ્તાન-ચીનની જુગલબંધીને વશમાં રાખી શકે. અલબત્ત આ બધું થવા માટે ઈરાન અને અમેરિકાના સંબંધો સારા થવા જરૂરી છે. આશા રાખીએ કે, મસૂદ એ કરી શકે.

ઈરાન ભારતને સસ્તું ક્રૂડ ઉઘારમાં આપતું, બદલામાં ઘઉં સહિતની ચીજો લેતું

ઈરાનના પશ્ચિમના દેશો સાથેના સંબધો ગાઢ બને અને તેના પરના પ્રતિબંધો હટે એ ભારતના ફાયદામાં છે. ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે એ મુદ્દે અમેરિકાને ઈરાન સાથે વાંકું પડતાં અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવા પર સંપૂર્ણ પ્રતિબંધ ઠોકી દીધો છે. ચીન અને રશિયા સહિતના દેશો આ પ્રતિબંધને ગણકારતા નથી પણ અમેરિકાને સાચવવા ભારતે આવ પ્રતિબંધનો અમલ કરવો પડયો છે. ૨૦૦૯-૨૦૧૦માં ઈરાન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ હતો પરંતુ અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાનનો હિસ્સો ઘટીને ૧ ટકાથી પણ ઓછો થઈ ગયો છે.

ઈરાન આપણને સસ્તું પેટ્રોલ આપતું ને ઉધાર આપતું. ડોલરના બદલે ભારતીય ચલણ પણ એ સ્વીકારતું. આ ઉપરાંત ભારત પાસેથી ઘઉં સહિતની ચીજો પણ બદલામાં લેતું તેથી આપણા માટે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી ફાયદાનો સોદો હતો. અમેરિકાનું ફરમાન આવતાં ભારતે ઈરાન પાસેથી પેટ્રોલિયમની આયાત બંધ કરવી પડી  અને બીજા દેશો પાસેથી મોંઘા ભાવે ક્રૂડ ખરીદવું પડે છે. તેની ભારતમાં અસરો વર્તાઈ છે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. ભારતમાં બધી ચીજોની હેરફેર માટે ડીઝલ વપરાય છે તેથી બધી ચીજો પણ મોંધી થઈ છે ને સરવાળે આપણી કમર તૂટી રહી છે. આપણું મોંઘું વિદેશી હૂંડીયામણ ક્રૂડ ખરીદવામાં વપરાઈ રહ્યું છે તેથી અર્થતંત્રને ફટકો પડયો છે. 

મોંઘવારી વધી છે તેના કારણે લોકોની પણ હાલત બગડી છે. ઈરાનના પશ્ચિમના દેશો સાથેના સંબંધો સુધરે તો ઈરાન પરના પ્રતિબંધો હટતાં ભારતને સસ્તું ક્રૂડ મળતું થાય.

શિયા ઈરાન પરમાણુ શસ્ત્રો ધરાવતો માત્ર બીજો મુસ્લિમ દેશ

ઈરાનના પશ્ચિમના દેશો સાથેના સંબંધો સુધરે એ વૈશ્વિક સુરક્ષા માટે પણ સારી વાત છે કેમ કે અત્યારે ઈરાન વિશ્વમાં મુસ્લિમ આતંકવાદને પોષતો સૌથી મોટો દેશ છે. પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ આર્મી અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હમાસને સૌથી વધારે મદદ ઈરાન કરી રહ્યું છે. હમાસે ઈઝરાયલમાં આતંકવાદી હુમલા કરીને બે હજાર લોકોની હત્યા ઈરાનના જોરે જ કરી હતી. ઈરાન સીરિયા અને લેબેનોન સહિતના દેશોમાં હિઝબોલ્લાહ સહિતનાં આતંકવાદી સંગઠનોને પણ પોષી રહ્યું છે. પશ્ચિમ સાથેના સંબંધો સુધરે તેથી ઈરાન આતંકવાદને પોષવાનું બંધ ના કરે પણ સીધી રીતે ના પોષે તેથી આતંકવાદ ઘટે. 

આ સિવાય પરમાણુ શસ્ત્રોનો ખતરો પણ ઘટે કેમ કે ઈરાન પશ્ચિમ સાથે હોય તો એ બીજા કોઈને પરમાણુ બોમ્બ ના આપે. દુનિયામાં અત્યારે બે જ મુસ્લિમ રાષ્ટ્રો પરમાણુ તાકાત ધરાવે છે. એક પાકિસ્તાન ને બીજું ઈરાન. પાકિસ્તાનમાં સુન્નીઓની બહુમતી છે જ્યારે ઈરાન સંપૂર્ણપણે શિયાઓનો દેશ છે. મુસ્લિમોમાં શિયા અને સુન્નીઓને બાપે માર્યાં વેર છે ને બંને વચ્ચેની લડાઈનો કોઈ અંત નથી. સાઉદી અરેબિયા સહિતના દેશો કટ્ટરવાદી સુન્ની છે.  આ કટ્ટરવાદ એટલો પ્રબળ છે કે સુન્ની સિવાયના મુસ્લિમોને પણ એ બધા પોતાના દુશ્મન માને છે તેથી ઈરાન તેમનું દુશ્મન છે પણ ઈરાન પાસે પરમાણુ બોમ્બ છે તેથી કોઈ તેને છંછેડતું નથી. દુનિયામાં બીજા કોઈ શિયા દેશ નથી તેથી ઈરાન પાસેનાં પરમાણુ શો સલામત છે.

News-Focus

Google NewsGoogle News