Get The App

અમેરિકાની પાવર ગેમથી ઘણા દેશો પાયમાલ થઈ ગયા

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાની પાવર ગેમથી ઘણા દેશો પાયમાલ થઈ ગયા 1 - image

- ઈરાન, બ્રાઝિલ, પનામા, ઈરાક, અફઘાનિસ્તાન, કોંગો અનેક દેશોમાં અમેરિકાએ ઘુસી યુદ્ધ કરીને ત્યાંની પ્રજાને નિરાધાર વિસ્થાપિત અને કંગાળ કરી દીધી

- અમેરિકાએ દાયકાઓથી પોતાની પાવર ગેમની ઘેલછાને લોકશાહી, માનવ અધિકાર, સહાનુભુતી અને સંવેદનાના વાઘા પહેરાવીને અન્ય દેશો ઉપર આક્રમણ કરવાનો અને ત્યાંની સત્તા પોતાને હસ્તક કરવાનો અબાધિત અધિકાર આપ્યો હોય તેવું જ વર્તન કર્યું છે : અમેરિકાએ 1953માં ઈરાનને બરબાદ કર્યું અને બાદમાં ગ્વાટેમાલામાં ઓપરેશન સક્સેસ શરૂ કર્યું. ઘણા લાંબો સમય સુધી ચાલેલા આ ઓપરેશનમાં 2 લાખ કરતા વધારે લોકનાં મોત થયા હતા. તેવી જ રીતે કોંગોમાં અમેરિકાએ 1960માં પ્રમુખ લુમુમ્બાની સત્તા ઉથલાવવા કાવતરા શરૂ કરી દીધા. કોંગોના તત્કાલિન લશ્કરી વડા જોસેફ મોબુટુએ સત્તા હાથમાં લીધી અને લુમુમ્બાને મૃત્યુદંડ આપી દીધો : અફઘાનિસ્તાનને ૨૦૦૧માં અમેરિકાએ ભીંસમાં લીધું હતું. ટ્વિન ટાવર હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યા હતા. અમેરિકાએ અબજો ડોલર ખર્ચીને ત્યાં કામગીરી કરી, સરકાર ચલાવી અને પોતાની ગમતી કામગીરીઓ કરાવી છતાં કંઈ વળ્યું નહીં. 2021માં અમેરિકી સૈન્ય એકાએક નાસી ગયું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર આક્રમણ કરાવ્યું, ત્યાંના રાષ્ટ્રપ્રમુખ માદુરોનું અપહરણ કરાવીને તેમની ધરપકડ કરી લીધી અને હવે વેનેઝુએલાના તેલના કુવા અને અન્ય અન્ય કામગીરીઓ સાથે સમગ્ર દેશ પોતાના હસ્તક કરી લેવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ રેર અર્થ મિનરલ્સ લેવા માટે વલખાં મારતા અને ચીન ઉપર આધાર રાખવો ન પડે તે માટે અમેરિકાએ હવે તેની કુદ્રષ્ટી ગ્રીનલેન્ડ અને ક્યુબા ઉપર જમાવી છે. તે આ બંને દેશો પણ પચાવી પાડવા માગે છે. જાણકારો માને છે કે, અમેરિકાએ દાયકાઓથી પોતાની પાવર ગેમની ઘેલછાને લોકશાહી, માનવ અધિકાર, સહાનુભુતી અને સંવેદનાના વાઘા પહેરાવીને અન્ય દેશો ઉપર આક્રમણ કરવાનો અને ત્યાંની સત્તા પોતાને હસ્તક કરવાનો અબાધિત અધિકાર આપ્યો હોય તેવું જ વર્તન કર્યું છે. અન્ય દેશો એકબીજાની સામે પડે તો અમેરિકાને વાંધો પડે છે પણ અમેરિકા કોઈ દેશમાં ઘુસીને ત્યાંના પ્રમુખ અને સત્તાધિશોને લઈ આવે કે ઠાર કરે તો તેને ન્યાય ગણવામાં આવે છે. અમેરિકાની બીજા દેશોમાં સત્તા પરિવર્તન કરવાની ઘેલછાએ અનેક દેશનો પાયમાલ કરી નાખ્યા છે, ત્યાંની પ્રજા કંગાળ અને પાયમાલ થઈ ગઈ છે.

અમેરિકાની આ દંભી જગતજમાદારી ૧૯૫૩માં પહેલી વખત ઈરાન ઉપર કેર બનીને વરસી હતી. તે વખતે ઈરાનનું શાસન વડા પ્રધાન મોહમ્મદ મોસાદ્દેહના હાથમાં હતું. અમેરિકાના પૂર્વ પ્રમુખ થીઓડર રુઝવેલ્ટના પૌત્ર અને સીઆઈએ તત્કાલિન વડા કેમટ રુઝવેલ્ટ જુનિયરે ઈરાન ભાંગવાનો પ્લાન રજૂ કર્યો અને તત્કાલિન પ્રમુખ ડ્વેટ એસિનહોઅરે આ પ્લાન મંજૂર કરી દીધો. ત્યારબાદ ઓપરેશન અજાક્સ હાથ ધરવામાં આવ્યું. અમેરિકાના આ ઓપરેશન દરમિયાન ઈરાનમાંથી મોસાદ્દેહને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમને નજર કેદ કરવામાં આવ્યા. ત્યારબાદ અમેરિકી પપેટ મોહમ્મદ રેઝા પહલાવીને સત્તા સોંપવામાં આવી. ૧૯૭૯ સુધી તેણે સત્તા ચલાવી પણ ત્યાં સુધીમાં ઈરાનને ખતમ કરી નાખ્યું.

અમેરિકાએ આવી જ હાલત ગ્વાટેમાલાની પણ કરી હતી. ૧૯૫૪માં સીઆઈએ દ્વારા જ ગ્વાટેમાલાના પ્રમુખ જેકોબો આર્બેન્ઝ વિરુદ્ધ સત્તા પરિવર્તનનું અભિયાન હાથ ધરાયું હતું. ગ્વાટેમાલામાં અડધાથી વધારે ખાનગી જમીનની માલિકી ધરાવતી અમેરિકી કંપની યુનાઈટેડ ફ્રૂટ કંપની થકી આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કંપની પણ તત્કાલિન પ્રમુખ એસનહોવરની સાથે જોડાયેલી હોવાના અહેવાલો હતા. જેકોબો આર્બેન્ઝને હટાવીને અમેરિકાએ કંપની માટે જમીનો મેળવવાનો કારસો રચ્યો પણ આર્બેન્ઝે મનાઈ કરી દીધી હતી. તેના કારણે સાઈએના અધિકારીઓ ગિન્નાયા અને અમેરિકી પ્રમુખ એસનહોવરે અહીંયા પણ સૈન્ય પગલાં લેવા મંજૂરી આપી દીધી. અમેરિકાએ ગ્વાટેમાલામાં ઓપરેશન સક્સેસ શરૂ કર્યું. ઘણા લાંબો સમય સુધી ગ્વાટેમાલાના લોકો અને અમેરિકી સૈન્ય વચ્ચે સંઘર્ષ ચાલ્યો જેમાં હજારો લોકોની ધરપકડ થઈ અને ૨ લાખ કરતા વધારે લોકનાં મોત થયા હતા.

 કોંગોનો પણ અમેરિકાએ સોથ વાળ્યો હતો. ૧૯૬૦માં સ્વતંત્ર થયેલા કોંગોમાં તત્કાલિન રાષ્ટ્રીય હીરો ગણાતા પેટ્રીસ લુમુમ્બાને પહેલા લોકશાહીથી નિમાયેલા વડા પ્રધાન બનાવાયા. અમેરિકાને લુમુમ્બાથી ભય લાગવા માંડયો. અમેરિકાને લાગ્યું કે, તેઓ કોમ્યુનિસ્ટ માનસિકતાને મદદ કરનારા અને કોલ્ડ વોરની સ્થિતિને વધારે આકરી કરી શકે તેવા છે. અમેરિકાએ તરત જ તેમની સત્તા ઉથલાવવા કાવતરા શરૂ કરી દીધા. લુમુમ્બાના વિરોધીઓને મદદ અને પૈસા આપવા માંડયા. લુમુમ્બાની હત્યાના પણ પ્રયાસ કરાવ્યા હોવાના અહેવાલો છે. કોંગોના તત્કાલિન લશ્કરી વડા જોસેફ મોબુટુએ સત્તા હાથમાં લીધી અને લુમુમ્બાને પકડીને જેલમાં નાખ્યા અને થોડા સમય પછી તેમને મૃત્યુદંડ આપી દીધો. તેના પગલે કોંગોમાં રમખાણો શરૂ થઈ ગયા. મોબુટુએ અમેરિકાની મદદથી ૧૯૬૫માં ફરી સત્તા મેળવી અને ત્યારબાદ ત્રણ દાયકા સુધી કોંગોના સર્વેસર્વા તરીકે રાજ કર્યું.

અમેરિકાએ ઈન્ડોનેશિયાને પણ છોડયું નહોતું. ૧૯૪૯માં નેધરલેન્ડથી સ્વતંત્ર થનારા ઈન્ડોનેશિયામાં સુકાર્નો પહેલી વખત લોકશાહી વડા બન્યા. તેઓ ઈન્ડોનેશિયાના સૈન્ય, ઈસ્લામિક ગ્રૂપ અને ઈન્ટોનેશિયન કોમ્યુનિસ્ટ પાર્ટી(પીકેઆઈ)ને સાથે રાખીને કામ કરતા હતા. અમેરિકાને તેમનાથી વાંધો પડયો. અમેરિકાને ભય હતો કે, પીકેઆઈનું વધતું પ્રભુત્વ ચીન અને સોવિયત સંઘને મદદ કરશે.  ૧૯૬૫માં અમેરિકાની મદદથી ઈન્ડોનેશિયાના કેટલાક સૈન્ય અધિકારીઓએ સત્તા પરિવર્તનનો સંઘર્ષ શરૂ કર્યો. જનરલ સુહાર્તોએ સત્તા મેળવી લીધી. આ જંગનો આરોપ સુહાર્તોએ પીકેઆઈ ઉપર નાખીને તેની વિરુદ્ધ દેશવ્યાપી પગલા લેવાના આદેશ આપી દીધા. અમેરિકા તેનાથી ખુશ થયું. આ સંઘર્ષમાં પાંચ લાખ કરતા વધારે લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ છે. સુહાર્તોએ ઈન્ડોનેશિયા ઉપર ત્રણ દાયકા રાજ કર્યું. તેને ઈન્ડોનેશિયાનો સૌથી ભ્રષ્ટ નેતા ગણાય છે. તેણે અંદાજે ૩૦ અબજ ડોલરની સંપત્તી ભેગી કરી લીધી હતી. 

અમેરિકાની પાવરગેમ ૭૦ના દાયકામાં ચીલીને ભરખી ગઈ હતી. ૧૯૭૩માં અમેરિકાએ ચિલીના પ્રમુખ સાલ્વાડોર એલેન્ડેની સત્તા ઉથલાવી હતી. એલેન્ડે જાણીતા માર્ક્સવાદી નેતા હતા. તેઓ ચીલીમાં આવેલી અમેરિકી રોકાણ ધરાવતી કોપરની કંપનીઓ અને ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવા માગતા હતા જેના કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું. અમેરિકાએ તો એલેન્ડે પ્રમુખ જ ન બની શકે તેના માટે પણ પ્રયાસ કર્યા હતા છતાં તેમ થયું નહોતું. ૧૯૭૦માં એલેન્ડે ચીલીના પ્રમુખ બની ગયા. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી અમેરિકાએ એલેન્ડેને સત્તા ઉપરથી ઉથલાવવા અનેક કાવતરા કર્યા. તેણે આ કાવતરા પાછળ તે સમયે ૮૦ લાખ ડોલર ખર્ચ્યા હતા. આખરે ૧૯૭૩માં ચીલીની સેનાએ સત્તા હાથમાં લેવા પ્રયાસ કર્યો અને એલેન્ડેએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને આત્મહત્યા કરી લીધી. અમેરિકાની મદદથી ત્યારબાદ જનરલ ઓગસ્ટો પિનોશેટે સત્તા સંભાળી. તેણે બે દાયકા સુધી રાજ કરીને ચીલીને બરબાદ કરી દીધું.

આધુનિક વિશ્વની વાત કરીએ તો અફઘાનિસ્તાનને ૨૦૦૧માં અમેરિકાએ ભીંસમાં લીધું હતું. ટ્વિન ટાવર હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યા હતા. અમેરિકાનો આરોપ હતો કે, તાલિબાની સરકાર દ્વારા અમેરિકાના ગુનેગાર ઓસામા બિન લાદેન અને તેના જૂથ અલ કાયદાના આતંકીઓને શરણું આપવામાં આવ્યું હતું. તાલિબાનો દ્વારા જ્યારે લાદેનને સોંપવાની મનાઈ કરવામાં આવી ત્યારે અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ આકરા પાણીએ થયા. તેમણે ઓક્ટોબર ૨૦૦૧માં ઓપરેશન એન્ડયોરિંગ ફ્રીડમ લોન્ચ કરવાના આદેશ આપ્યા. અમેરિકાએ તાકીદે તાલિબાનોને હાંકી કાઢવા કામગીરી શરૂ કરી દીધી. તાલિબાનો કાબુલ છોડીને નાસી ગયા અને અમેરિકાએ ત્યાં હામિદ કરઝાઈની સરકારની રચના કરી. અમેરિકાએ અબજો ડોલર ખર્ચીને ત્યાં કામગીરી કરી, સરકાર ચલાવી અને પોતાની ગમતી કામગીરીઓ કરાવી છતાં કંઈ વળ્યું નહીં. ૨૦૨૧માં અમેરિકી સૈન્ય એકાએક નાસી ગયું. તત્કાલિન અમેરિકી પ્રમુખ જો બાઈડને અમેરિકી સેનાને પાછી બોલાવી લીધી અને તાલિબાનો ફરી સત્તામાં આવી ગયા. બે દાયકા રહીને અમેરિકાએ અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરી નાખ્યું.

વર્તમાન સમયમાં અમેરિકાની જેમ અમેરિકાએ ઈરાકને પણ પૂરું કરી નાખ્યું હતું. માર્ચ ૨૦૦૩માં અમેરિકાએ ઓપરેશન ઈરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું. તત્કાલિન અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશે આરોપ મુક્યા કે ઈરાકના તત્કાલિન સરમુખત્યાર સદામ હુસૈન પાસે નરસંહાર કરી શકે તેવા હથિયારો છે અને તેના થકી તે આંતકવાદ અને વિસ્તારવાદની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. અમેરિકાએ ઓપરેશન હાથ ધર્યું અને અઠવાડિયામાં બગદાદ ઉપર કબજો મેળવી લીધો અને થોડા સમયમાં સદામને પણ પકડી લીધો. તેને ફાંસીની સજા આપી દીધી. ત્યારબાદ અમેરિકાએ ઈરાનને ખાલી કરી નાખ્યું પણ ત્યાંની પ્રજાને ઉપર ન આવવા દીધી. ત્યાં ત્યારબાદ શિયા અને સુન્નીઓ વચ્ચે રમખાણ શરૂ થયા અને ગૃહયુદ્ધની સ્થિતિ આવી ગઈ. હજારો લોકો માર્યા ગયા અને લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા. પશ્ચિમ એશિયાનો દેશ અસ્થિર થઈ ગયો અને આઈએસઆઈએસનો ઉદય થયો.

36 વર્ષ પહેલાં અમેરિકાએ પનામાના પ્રમુખનું પણ અપહરણ કર્યું હતું

અમેરિકાએ ૧૯૮૯માં પનામા ઉપર હુમલો કરીને ત્યાંના શાસક મેનુએલ નોરીએગાનું અપહરણ કરીને તેની ધરપકડ જાહેર કરી હતી. ૧૯૬૮માં પાનામાના શાસકને ખસેડીને ઓમાર ટોરિજોસે સત્તા સંભાળી હતી. નોરિએગાને ટોરિજોસના શાસનમાં સૈન્યનો ગુપ્તચર એજન્સીનો પ્રમુખ બનાવાયો હતો. તે ખૂબ જ હોશિયાર છતાં નિર્દયી વ્યક્તિ હતો. તે અત્યંત ભ્રષ્ટ પણ ગણાતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ૧૯૭૦ સુધી તો નોરીએગા અમેરિકાની સીઆઈએ માટે કામ કરતો હતો. શીત યુદ્ધ સુધી તેણે સામ્યવાદ રોકવા માટે અમેરિકાને મદદ કરી હતી. પનામામાં પણ તેણે અમેરિકી સેનાને ઘુસાડવામાં મદદ કરી હતી. ૧૯૮૧માં ઓમાર ટોરિજોસનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું અને નોરીએગા પનામાનો શાસક બની ગયો. આ દરમિયાન તેણે કોલંબિયાના કુખ્યાત ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર સાથે દોસ્તી કરી લીધી. 

આ દરમિયાન અમેરિકામાં ડ્રગનું ચલણ વધતું હતું અને તેમાં નોરિએગાની ભૂમિકા સામે આવી. સામ્યવાદ અટકાવવા તેણે મદદ કરી હોવાથી અમેરિકાએ તત્કાલ પગલા લીધા નહીં. જો કે, અમેરિકાએ તેનાથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૮૮માં અમેરિકાની એક અદાલતે નોરીએગા સામે ડ્રગની તસ્કરીનો આરોપ સિદ્ધ કરીને સજાની જાહેરાત કરી. બીજી તરફ ૧૮૯૮માં પનામા ખાતે રાજકીય સ્થિતિ વણસી અને નોરીએગાએ ઉપરાષ્ટ્રપ્રમુખની ચુંટણી રદ કરી અને સત્તાના બધા સુકાન પોતાના હસ્તક કરી લીધા. તેણે હાથમાં હથિયાર રાખીને ભાષણ કરીને અમેરિકાને યુદ્ધની ચેતવણી આપી. તેના પગલે અમેરિકા ગિન્નાયું. 

જ્યોર્જ એચ ડબ્લ્યૂ બુશે ઓપરેશન જસ્ટ કોઝનો આદેશ આપ્યો અને અમેરિકાના ૨૬૦૦૦ સૈનિકો પનામામાં ઘુસી ગયા અને નોરીએગાને ઝડપી પાડયો. તેને ત્યાંથી લઈ આવ્યા અને અમેરિકામાં તેને ૨૦ વર્ષની સખત કેદની સજા આપી. તે ગુમનામ રીતે અમેરિકી જેલમાં રહ્યો અને ૨૦૧૭માં ૮૩ વર્ષની વયે તેનું મોત થયું હતું.