- ભારત રશિયાને છોડી શકે તેમ નથી અને અમેરિકા ક્યારેય ભારતનું થઈ શકે તેમ નથી તેથી ભારતે તટસ્થ રસ્તો કાઢવો જ પડશે
- ભારત રશિયાને સાથે રાખી રહ્યો છે અને અમેરિકા સાથેનું જોડાણ પણ ઘટાડતો નથી. ભારતની આ બેવડી જોડાણ નીતિએ હાલમાં તો કામચલાઉ રાહત આપી છે પણ આ સ્થિતિ લાંબી ચાલી શકે તેમ નથી. તેનાથી ભારત માટે મોટું જોખમ સર્જાય તેમ છે : ભારત ટેક્નોલોજી, એઆઈ અને અન્ય બાબતો માટે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો ઉપર આધારિત છે. બીજી તરફ ફાઈટર પ્લેન, અન્ય સૈન્ય હથિયારો, સૈન્ય ટેક્નોલોજી, ફાઈટર પ્લેન, મિસાઈલ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ જેવા સંસાધનો માટે રશિયા ઉપર આધારિત છે : રશિયાની રોસનેફ્ટ દ્વારા નયારા એનર્જીમાં 49 ટકા રોકાણ કરવામાં આવેલું છે. અમેરિકા અને યુરોપને વાંધો છે કે, ભારત પોતાની કંપનીના નામે વેપાર કરે છે પણ હકિકતે તેની માલિકી રશિયન કંપનીની છે
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ભારતના પ્રવાસે આવ્યા તેના પગલે વૈશ્વિક રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ભારતને દબાવવા માટે તમામ પ્રકારના રસ્તા અપનાવી રહેલા અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. એક તરફ પશ્ચિમી દેશો ઈચ્છતા નથી કે ભારત ભૂતકાળની જેમ જ રશિયા સાથે ગાઢ સંબંધ રાખે અને બીજી તરફ તેઓ સંપૂર્ણ સાથ અને સહકારના પણ વાયદા કરી શકતા નથી. વૈશ્વિક સ્તરે જે રાજકારણ ચાલી રહ્યું છે અને તેના કારણે જે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે તેમાં ભારતે વચલો રસ્તો કાઢયો છે. ભારત હાલમાં બંને સુપર પાવરને નારાજ કરવામાં માનતો નથી. ભારત રશિયાને સાથે રાખી રહ્યો છે અને અમેરિકા સાથેનું જોડાણ પણ ઘટાડતો નથી. ભારતની આ બેવડી જોડાણ નીતિએ હાલમાં તો કામચલાઉ રાહત આપી છે પણ આ સ્થિતિ લાંબી ચાલી શકે તેમ નથી. તેનાથી ભારત માટે મોટું જોખમ સર્જાય તેમ છે.
જાણકારોના મતે ભારતની વિદેશનીતિ અત્યારે કઈ દિશામાં જઈ રહી છે તે સમજાતું નથી. એક તરફ અમેરિકા સાથે સતત તણાવ વધી રહ્યો છે, કેનેડામાં ખાલિસ્તાનના કારણે તણાવ વધ્યો છે. બ્રિટન અને અન્ય દેશોમાં વીઝાના નિયમો કડક થઈ રહ્યા છે, ભારતના પોતાના પાડોશી દેશો સાથે સંબંધો નવું જ સમીકરણ રચી રહ્યા છે. ભારતે જાણે કે નવા જ પ્રકારની વિદેશનીતિ અપનાવી હોય તેવું દેખાઈ રહ્યું છે.
અમેરિકા સાથે સંબંધોમાં ખટાશ આવતા ભારતે રશિયા સાથે સંબંધ વધારે મજબૂત કરવાનું વલણ દાખવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં વ્લાદિમિર પુતિન સાથે ફોન ઉપર વાત કરી હતી. રશિયા અને ભારતની મિત્રતાના ગુણગાન કર્યા હતા. હવે પુતિન પોતે જ ભારતના શાહી મહેમાન બનીને આવ્યા અને ઠાઠમાઠથી વિવિધ કામગીરી કરીને ચાલ્યા ગયા.
વાત એવી છે કે, રશિયાના પ્રમુખ ભારત આવ્યા તો તેની પાછળ તેમના પોતાના કારણો પણ જવાબદાર છે. ભારત અને રશિયા વચ્ચે મિત્રતા છે તે વાત બિલકુલ સાચી પણ બીજી તરફ રશિયાને વેપાર પણ કરવો છે અને તેના માટે તે કંઈપણ કરવા તૈયાર છે. ભારત સાથે જોડાણ રાખીને તે એક મજબુત સંબંધ તો વિકાસવી જ રહ્યા છે પણ સાથે સાથે બંને દેશોના વેપારમાં વધારો થાય તેના પ્રયાસ પણ કરાઈ રહ્યા છે. અમેરિકાએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો મુક્યા છે અને તેના ઉપર વધારે ટેરિફ નાખવાની અને પ્રતિબંધો મુકવાની વાતો કરે છે. બીજી તરફ ભારત ઉપર પણ અમેરિકાએ અધધ ટેક્સ નાખ્યો છે.
ભારત એક તરફ પશ્ચિમી દેશો સાથે વેપાર વધારી રહ્યો છે પણ બીજી તરફ પશ્ચિમી દેશો જે દબાણ વધારી રહ્યા છે તેનો પણ કૂટનીતિથી જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન રશિયા સાથેના વેપારને કારણે અમેરિકાએ ભારત ઉપર ઘણો ટેરિફ નાખી દીધો છે. ભારતે તેનો વિરોધ કરવાના સ્થાને રશિયા સાથે જોડાણ વધારે મજબૂત કર્યું.
ભારતે તાજેતરમાં રશિયાના પ્રમુખને આવકાર્યા અને રશિયા સાથે જે પ્રમાણે વેપાર મુદ્દે અને સંરક્ષણ ક્ષેત્રમાં જોડાણ કર્યા કે વિમાનો, ડિફેન્સ સિસ્ટમ અને હથિયારો ખરીદવાની વાત કરી તે બતાવે છે કે, ભારતને આજે પણ ડિફેન્સ સેક્ટરમાં રશિયા ઉપર પૂરતો વિશ્વાસ છે. એક અહેવાલ પ્રમાણે ભારતના હાલના મોટાભાગના હથિયારો રશિયા દ્વારા અપાયેલા અથવા તો રશિયાની મદદથી વિકસાવાયેલા છે.
હાલમાં સ્થિતિ એવી છે કે, ભારત ટેક્નોલોજી, એઆઈ અને અન્ય બાબતો માટે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો ઉપર આધારિત છે. બીજી તરફ ફાઈટર પ્લેન, અન્ય સૈન્ય હથિયારો, સૈન્ય ટેક્નોલોજી, ફાઈટર પ્લેન, મિસાઈલ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ જેવા સંસાધનો માટે રશિયા ઉપર આધારિત છે. જાણકારો માને છે કે, રશિયા હોય કે અમેરિકા તેમને બાકીના દેશોને દબાવવામાં, તેમની સાથે વેપાર કરવામાં અને ખાસ કરીને હથિયારો આપવામાં રસ છે. અમેરિકા અને રશિયા જેવા બંને સુપર પાવર દેશોના પોતાના એજન્ડા છે. તેઓ તેમના એજન્ડા પૂરા કરવા અને પૈસા કમાવવાના પેંતરા કરી રહ્યા છે.
જાણકારોમાં ચર્ચા છે કે, અમેરિકાએ દાયકાઓથી ભારત સાથે વાસ્તવિક રીતે તો અંતર જાળવવાનું અને તેને પડતું મુકવાનું જ કામ કર્યું છે. અમેરિકન પ્રમુખો દ્વારા ક્યારેય ભારત માટે લાગણી વ્યક્ત કરાઈ નથી. તેઓ ક્યારેય ભારત માટે વિશ્વસનિય રહ્યા નથી. મુશ્કેલીના સમયમાં ભારતે જ્યારે પણ મદદ માગી છે ત્યારે અમેરિકાએ હાથતાળી જ આપી છે. અમેરિકાએ કાયમ પ્રયાસ કર્યા છે કે, ભારતમાં ક્યારેય સ્થિરતા ન આવે.
ભારત કાયમ અમેરિકાને આધિન થઈને જીવતો રહે તેવો પ્રયાસ કરાયા છે. ૧૯૭૧નું યુદ્ધ હોય કે પછી ૧૯૭૨નું યુદ્ધ હોય કે ત્યારબાદ પણ પાકિસ્તાન અને ચીન સાથે થયેલા યુદ્ધ અથવા સૈન્ય અથડામણો હોય દર વખતે અમેરિકાએ ભારતને ઝાટકો જ આપ્યો છે. ત્યાં સુધી કે, પહલગામ હુમલાને વખોડનારા ટ્રમ્પે ઓપરેશન સિંદુરને નિષ્ફળતા ગણાવી હતી. પાકિસ્તાનનો તેમાં વિજય થયો અને પાકિસ્તાને બહાદુરીપુર્વક કામ કર્યું તેવા બેફામ નિવેદનો આપી દીધા હતા. અમેરિકા કાયમ ઈચ્છે છે કે, ભારત અટવાયેલું રહે. તે પાકિસ્તાન જોડે અથવા તો ચીન જોડે ઝઘડયા કરે અને તેમનો વિવાદ ચાલતો રહે તેમાં અમેરિકાને વધારે રસ છે.
બીજી તરફ રશિયા વિશે જાણકારો માને છે કે, તેણે કાયમ ભારતને મદદ કરી છે. ભારતે જ્યારે પણ તેની પાસે મદદ માગી ત્યારે રશિયાએ નિરાશ કર્યા નથી. ૧૯૭૧ના યુદ્ધમાં કે પછી ૭૨ના યુદ્ધમાં કે ત્યારબાદની સૈન્ય અથડામણોમાં પણ રશિયા દ્વારા સતત ભારતનો જ સાથ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બદલાતા સમયની માગ વચ્ચે પણ રશિયાએ ભારત સાથેની પોતાની મિત્રતા અકબંધ જ રાખી છે. ભારતમાં અને રશિયામાં નેતૃત્વ બદલાયા પણ બંને દેશોના વેપાર અને મિત્રતામાં ફેર નથી આવ્યો. હવે સ્થિતિ બદલાઈ છે.
રશિયા હવે યુરોપની સાથે સાથે એશિયામાં પણ પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. સૂત્રોના મતે રશિયાએ થોડા સમય પહેલાં પાકિસ્તાન સાથે પણ કેટલાક મુદ્દે જોડાણ કર્યું હતું. લોકોમાં ચર્ચા છેકે, તેના દ્વારા રશિયા ખરેખર તો ભારતનું નાક દબાવવા માગે છે. ભારત જો રશિયા સામે કોઈ આકરું વલણ અપનાવે ત્યારે આ મુદ્દે તેનું નાક દબાવી શકાય.
વિદેશનીતિ અંગે જાણકારો માને છે કે, ભારતે જે વલણ અપનાવ્યું છે તે સારું છે પણ તેનાથી પોતાના દેશને મજબૂત સાબિત કરી શકાતો નથી. તમે વિશ્વગુરુ થવાની વાત કરો છો પણ બીજો દેશ આવીને તમને ડરાવી જાય છે, દબડાવી જાય છે અને તમે પ્રતિકાર કરવા જેટલા પણ સક્ષમ નથી તો તમારી વિદેશનીતિ કાચી પડી રહી છે. અમેરિકાએ ટેરિફ લાદ્યા તેની પહેલાં વીઝા નીતિ અપનાવી તેમાં પણ ભારતને ઘણું ભોગવવાનું આવ્યું હતું. માઈગ્રેશન પોલિસી લાગુ કરવા દરમિયાન અમેરિકાએ ભારતીયોનું ભયાનક અપમાન કર્યું, તેમને કેદીઓની જેમ સાંકળો બાંધીને ભારત મોકલાવ્યા, તેમની સાથે અમાનવીય વ્યવહાર કર્યા, ઈમિગ્રન્ટ્સને તેમના કેમ્પોમાં સબડાવ્યા છતાં ભારત તેનો વિરોધ કરી શક્યો નહીં. તે ઉપરાંત વિદ્યાર્થીઓને અને સ્કોલરોને જે વીઝા આપવામાં આવે છે તેમાં પણ અમેરિકાએ ઘટાડો કરી દીધો.
અમેરિકીમાં જ ૫૨ લાખથી વધારે ભારતીયો વસે છે, ત્યાંની ઈકોનોમી, પોલિટિક્સ અને બીજી વ્યવસ્થામાં તેમનું પ્રબળ યોગદાન છે છતાં અમેરિકાના દબાણમાં ભારત આવી જાય છે. બીજી તરફ રશિયાને મિત્ર તરીકે ખુશ રાખવું છે પણ સાથે સાથે યુક્રેનને તકલીફ ન પડે તેના માટે પણ ટકોર કરતા રહેવું છે. ઈઝરાયેલને મિત્ર ગણાવવું છે પણ તેના હિંસક વલણ અંગે મૌન રહીને શાંતિની વાતો કરવી છે. ગાઝામાં શાંતિ સ્થપાય તેની વાત કરવી છે. જાણકારો માને છે કે, દરેકને ખુશ રાખવા મથતા અને દરેકને મિત્ર ગણાવવા મથતા ભારતની આ નીતિ જોખમી સાબિત થઈ રહી છે. તેનાથી ભવિષ્યમાં જે જિયોપોલિટકલ વિસંગતતાઓ આવશે તેનો સામનો કરવો ભારત માટે મુશ્કેલ થશે.
ભારત દુધમાં અને દહીંમાં પગ રાખવા માગે છે પણ તે વિદેશનીતિની અસ્થિરતા દર્શાવે છે અને તેનાથી ભારતની મુશ્કેલી વધશે. સુપર પાવરના શક્તિ પ્રદર્શનમાં ભારત પિસાઈ રહ્યું છે.
યુરોપને મોંઘુ ઓઈલ વેચતી ભારતીય કંપનીમાં રશિયાના રોકાણથી અમેરિકાને વાંધો
અમેરિકા અને પશ્ચિમના દેશોનો સૌથી મોટો વાંધો એ છે કે, ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવામાં આવે છે. ભારત પ્રતિબંધો હોવા છતાં રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઈલ ખરીદે છે. ત્યારબાદ તેના ઉપર પ્રોસેસિંગ કરીને આ ઓઈલને યુરોપમાં વેચે છે. તે પશ્ચિમના દેશોને તેની સામે વાંધો છે. ભારતની નયારા એનર્જી અને રિલાયન્સ દ્વારા લાખો બેરલ ઓઈલ દરરોજ ખરીદવામાં આવે છે. તેને ત્યારબાદ યુરોપને વેચવામાં આવે છે. અમેરિકા અને પશ્ચિમી દેશોને વાંધો છે કે, યુક્રેન સાથે યુદ્ધ કરનારા દેશની જોડેથી સસ્તુ ઓઈલ લઈને ત્યારબાદ તેને મોંઘુ કરીને કેમ વેચવામાં આવે છે. બીજો સૌથી મોટો વાંધો એ છે કે, રશિયાની રોસનેફ્ટ દ્વારા નયારા એનર્જીમાં ૪૯ ટકા રોકાણ કરવામાં આવેલું છે. અમેરિકા અને યુરોપને વાંધો છે કે, ભારત પોતાની કંપનીના નામે વેપાર કરે છે પણ હકિકતે તેની માલિકી રશિયન કંપનીની છે. રશિયા પોતાના જ દેશમાંથી ભારતમાં આવેલી પોતાની કંપનીને સસ્તામાં ક્ડ આપીને દુનિયાના બીજા દેશોમાં મોંઘુ વેચે છે. ઉલ્લેખનીય છે કે, ભારતે સપ્ટેમ્બરમાં ૨ મિલિયન બેરલ ઓઈલ રશિયાથી આયાત કર્યું હતું. તેની પહેલાંના મહિને ૧.૬૭ મિલિયન બેરલ ઓઈલ આયાત કર્યું છે. તેવી જ રીતે ભારત અહીંયા આ ક્રૂડને પ્રોસેસ કરીને પ્યોર કરેલું ઓઈલ બીજા દિશોમાં જઈને વેચે છે. તેના કારણે તેને મોટો નફો થઈ રહ્યો છે. આ ઉપરાંત યુક્રેનને દબાવીને પચાવી પાડવાની વૃત્તિ રાખનારા રશિયા સાથે સંબંધ રાખવા મુદ્દે પણ અમેરિકા ભારે નારાજ છે. તેના કારણે તે ભારતને દબાવે છે.


