- ભારતમાં ઊર્જાનીતિ અને વિદેશનીતિ સાવ ખાડે ગયેલી છે અને તેમાંય ક્રૂડનો સંગ્રહ કરવાનું ચીન પાસેથી શીખવું જોઈએ જે 4 મહિનાનો સ્ટોક રાખે છે
- એક દાયકા પહેલાં ભારતની સરકાર વિશ્વગુરુ બનવાના ઢોલ પીટી રહી હતી ત્યારે અને પોસ્ટરો છપાવી રહી હતી પણ લાંબાગાળાના આયોજનો કર્યા નહોતા. બીજી તરફ ચીને ખાડી દેશોમાં અબજો રૂપિયાનું રોકાણ કરી દીધું હતું અને ભવિષ્યની તૈયારીઓ શરૂ કરી લીધી
હતી : છેલ્લાં એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે પણ ચીનની માલિકીના અથવા તો તેણે રોકાણ કર્યા હોય તેવા એકપણ ઠેકાણા ઉપર અમેરિકાએ કે ઈઝરાયેલે બોમ્બ નાખ્યો નથી. ચીની રોકાણ ધરાવતા એકપણ કામ રોકાયા નથી. બીજી તરફ ભારતે જે ચાબહાર બંદર ઉપર દાયકાઓ સુધી રોકાણ કર્યા કર્યું તેને હાલ બંધ કરી દેવાયું છે : ચીને ૨૦૨૫માં ૪,૩૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ ક્રૂડનો સ્ટોરેજ કર્યો હતો જે તેની આયાતમાં થયેલા વધારાના ૮૩ ટકા જેટલું થાય છે. ચીને ૨૦૨૪-૨૫ અને ૨૦૨૬ સુધીમાં પોતાની ક્રૂડની સ્ટોરેજ ક્ષમતા ઉપર પણ વ્યાપક કામ કર્યું છે. તેણે ૧૧ સ્થળોએ ૧૬૯ મિલિયન બેરલ સ્ટોર કરવાની નવી ક્ષમતા વિકસાવી છે
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલના યુદ્ધના કારણે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે દુનિયાભરમાં મોંઘવારી, ફુગાવો અને અછતની સ્થિતિ ઊભી થયેલી છે. તેમાંય ક્રૂડ અને ગેસના સપ્લાયનો મુદ્દો હજી પણ અટવાયેલો જ છે. દુનિયાના અનેક દેશોમાં ક્રૂડ અને ગેસને સપ્લાય ઘટી જવાથી ત્યાં જનજીવન ખોરવાયું છે. ઘણા દેશોએ રેશનિંગના ધોરણે પેટ્રોલ-ડીઝલનું વેચાણ શરૂ કર્યું છે તો ઘણા દેશોમાં કોરોનાકાળ જેવા લોકડાઉન લાગુ કરાયા છે. વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરાયું છે. આ બધા વચ્ચે ભારતમાં પણ સ્થિતિ ગમે ત્યારે ડામાડોળ થઈ શકે તેમ છે. થોડા દિવસ પહેલાં જ એક નાનકડી ઘટનાએ પેટ્રોલ-ડીઝલ ખૂટી પડયાની વાતે લોકોને દોડતા કરી મૂક્યા હતા. ચારેકોર પેટ્રોલ લેવા નાશભાગ મચી ગઈ હતી. આ સ્થિતિ આવી નથી પણ આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ પણ નથી.
ભારતમાં ક્રૂડની ગમે ત્યારે અછત સર્જાઈ શકે તેમ છે. તેના મુખ્ય કારણો જોઈએ તો ભારતની ઊર્જા નીતિ અત્યંત નબળી છે અને તેમાં ક્યાંય લાંબાગાળાના આયોજન કરવામાં આવ્યા નથી. બીજી તરફ વિદેશનીતિ પણ નબળી છે જે ઈરાન અને અન્ય ગલ્ફ દેશો ઉપર દબાણ જન્માવી શકતી નથી. બીજી તરફ ચીન કે જેને ભારતીય રાજકારણીઓ અને નેતાઓ ગાળો ભાંડે છે તેણે પોતાની પ્રજા માટે તો યોગ્ય વ્યવસ્થા કરેલી જ છે.
છેલ્લાં ૪૦ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને દુનિયાભરમાં ક્રૂડની બુમરાણ મચેલી છે પણ ચીનના પેટનું પાણી હાલતું નથી. તે ધારે ત્યારે ઈરાન પાસેથી ક્રૂડ લઈ શકે છે. તેના કરતા પણ વિશેષ તેની પાસે ક્રૂડનો જથ્થો જ એટલો વિશાળ છે કે, તેને હાલમાં કોઈના દબાણમાં પણ આવવું પડે તેમ નથી. હજી જો આ યુદ્ધ આગળ ચાલ્યું તો ભારતમાં તો ક્રૂડ મુદ્દે મુશ્કેલી ઊભી થવાની છે તે વાત નક્કી છે. જો આવી સ્થિતિ ન લાવવી હોય તો વર્તમાન સરકારે પોતાની ઊર્જા નીતિમાં સુધારા કરીને તેને મજબૂત બનાવવા કામ કરવું જ પડશે.
અમેરિકા અને ઈરાનના યુદ્ધમાંથી ખરેખર બોધપાઠ લઈને દેશી નીતિઓને નવું સ્વરૂપ આપવાની જરૂર છે. આપણો પાડોશી દેશ ચીન આપણા કરતા અનેક દાયકા આગળના કામ કરી રહ્યો છે. ત્યાં વિકાસની કે ડેવલપમેન્ટની વાતો થતી નથી, પોસ્ટરો લાગતા નથી પણ ખરેખર પાયાગત રીતે કામ થાય છે અને તેના પરિણામો સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. વિશ્વગુરુ બનવા નીકળેલા ભારતની સ્થિતિ એવી છે કે, વિકાસની વાતો અને વચનો વચ્ચે માત્ર મોંઘવારી, બેરોજગારી, ફુગાવો અને મજબૂરી જ વધ્યા છે. વસતીની દ્રષ્ટીએ જોઈએ તો ભારત અને ચીન સમાંતર છે. તેમ છતાં ચીન પાસે એટલી વ્યવસ્થા અને એવું આયોજન છે કે, તે ચાર મહિના સુધી પોતાના દેશને ક્રૂડનો સંગ્રહ કરેલો જથ્થો આપી શકે છે. તેની પાસે અખૂટ સંસાધનો છે. ચીનમાં ઈલેક્ટ્રિક વાહનોની ભરમાર છે, ત્યાં વસ્તુઓ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે.
ભૌગોલિક રીતે વિચારીએ તો ઈરાન અને તેની આસપાસના ખાડી દેશો પાસે ક્રૂડ અને ગેસના અખૂટ ભંડારો છે. ત્યાં ભોજન સામગ્રી મળતી નથી. તેના માટે તેમને દુનિયાના બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. બીજી બાજુ સમગ્ર વિશ્વને ક્રૂડ અને ગેસ માટે તેમના ઉપર આધારિત રહેવું પડે છે. તેના કારણે આ દેશો પાસે અખૂટ સંપત્તી પણ છે. તેના કારણે તેમને આવી સ્થિતિમાં ખાસ ફરક પડયો નથી. તેઓ ગમે તેટલા નાણા ખર્ચીને પણ પ્રજાનું ધ્યાન રાખી શકે છે. બીજી તરફ ચીને જિયોપોલિટિક્સ બાબતે વર્ષો પહેલાં મજબૂત રણનીતિ બનાવીને કામ શરૂ કરી દીધું હતું. એક દાયકા પહેલાં ભારતની સરકાર વિશ્વગુરુ બનવાના ઢોલ પીટી રહી હતી ત્યારે અને પોસ્ટરો છપાવી રહી હતી પણ લાંબાગાળાના આયોજનો કર્યા નહોતા. બીજી તરફ ચીને ખાડી દેશોમાં અબજો રૂપિયાનું રોકાણ કરી દીધું હતું અને ભવિષ્યની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચીન અને અમેરિકા પણ પાછલા બારણે ભેગા જ છે. તેઓ પોતપોતાના હીતો સાધીને કામ કરી રહ્યા છે. છેલ્લાં એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે પણ ચીનની માલિકીના અથવા તો તેણે રોકાણ કર્યા હોય તેવા એકપણ ઠેકાણા ઉપર અમેરિકાએ કે ઈઝરાયેલે બોમ્બ નાખ્યો નથી.
ચીની રોકાણ ધરાવતા એકપણ કામ રોકાયા નથી. બીજી તરફ ભારતે જે ચાબહાર બંદર ઉપર દાયાકાઓ સુધી રોકાણ કર્યા કર્યું તેને હાલ બંધ કરી દેવાયું છે. તેના ઉપરના ડેવલપમેન્ટ અટકાવી દેવાયા છે. સરવાળે ભારતે જ ગુમાવવાનું આવ્યું છે પણ ઉન્માદ અને ઉત્સવના કલરફુલ ચશ્મા પહેરીને ફરતી ભારતીય પ્રજાને સરકારની નિષ્ફળતા દેખાતી નથી.
જાણકારોના મતે ભારતની હાલની ક્રૂડની ચેઈન જોઈએ તો ખાડી દેશોમાંથી દરરોજ લાખો બેરલ તેલ મંગાવવામાં આવે છે પણ તે હાલ સીધું પહોંચતું નથી. હાલમાં ૨૭ દિવસે ક્રૂડના જહાજો ભારતીય બંદરો ઉપર આવે છે. ત્યારબાદ આ ક્રૂડ રિફાઈનરીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં પ્રોસેસિંગ થાય છે અને ત્યાંથી ઓઈલ ડેપો અને ત્યારબાદ પેટ્રોલપંપ સુધી આ પેટ્રોપેદાશો પહોંચે છે. આ સમગ્ર પ્રોસેસમાં એક મહિના જેટલો સમય લાગે છે. આવા યુદ્ધ જેવા માહોલમાં આ સમગ્ર ચક્ર ખોટકાઈ રહ્યું છે. હાલમાં તેમાં એક મહિનો વધારે ઉમેરાઈ ગયો છે. જે પ્રોસેસ કુલ એક મહિનામાં થતી હતી તેમાં બીજા ૨૦થી ૨૫ દિવસ ઉમેરાયા છે. આ તો માત્ર પેટ્રોલિયમ પેદાશોની વાત થઈ. ગેસની સમસ્યા તો તેનાથી પણ મોટી છે. હાલમાં ગેસના અભાવને પગલે અનેક નાના-મોટા ખાણીપીણીના વ્યવસાયો બંધ થઈ ગયા છે. તે ઉપરાંત શ્રમજીવીઓ પાસે પણ ગેસનો અભાવ હોવાથી તેઓ વતન વાપસી કરી રહ્યા છે. ભારતના શહેરોમાં ગેસના સિલિન્ડરની અછતની બુમરાણ ચાલે છે.
ભારતમાં ગેસની વાત કરીએ તો હાલમાં આપણે માત્ર ૪૦ ટકા જેટલું જ ઘરેલું ઉત્પાદન કરીએ છીએ. બાકીનો ૬૦ ટકા જથ્થો આપણે અન્ય દેશો પાસેથી મગાવવો પડે છે. તેમાં કુવૈત, બ્રાઝિલ અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. દેશમાં હાલમાં અંદાજે ૩૩ કરોડથી વધારે લોકો એલએનજીનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે ભારતમાં દરરોજ અંદાજે ૫૭ લાખ બેરલ ક્રૂડનો વપરાશ થાય છે. તેની સામે આવક ૫૨ લાખ બેરલ ક્રૂડ છે. તેમાંથી પણ ૯૩ ટકા ક્રૂડ વિદેશી જહાજોમાં આયાત કરવામાં આવે છે. તેના પરિવહનનો ખર્ચ પણ ભારતે જ ભોગવવાનો હોય છે. ભારતે થોડુંઘણું રોકાણ કરીને રશિયામાં કેટલાક ક્રૂડના કુવા ખરીદ્યા છે પણ તેનાથી ખાસ સપ્લાય થતો નથી. તેમાંય અમેરિકાએ જે રીતે ફાંસ મારી છે તે રીતે ભારત હાલમાં રશિયા પાસેથી પણ વધારે ક્રૂડ ખરીદી શકે તેમ નથી. ભારત જે વિદેશથી ક્ડનો જથ્થો આયાત કરે છે તેમાંથી માત્ર ૭ ટકા જથ્થો જ ભારત પોતાના જહાજો થકી લાવે છે જ્યારે બાકીનો ૯૩ ટકા જથ્થો વિદેશી જહાજો દ્વારા આવે છે. તેની પાછળ પણ અધધ ખર્ચ કરવો પડે છે. ભારતે પોતાના ઓઈલ કેરિયર વધારવા અને વિકસાવવા ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.
આપણી પાસે હાલમાં જે ક્રૂડનો પ્રોસેસિંગ માટેનો જથ્થો છે તે માત્ર ૨૫ દિવસ જેટલો જ છે. તેના કારણે પ્રોસેસિંગની કડી તૂટી રહી છે. તેને મજબૂત કરવા તાકીદે પગલાં લેવા પડશે.
ચીન પાસે 1.3 અબજ બેરલ ક્રૂડનો સ્ટ્રેટેજિક અને કોમશયલ જથ્થો સ્ટોર કરેલો છે
ચીને છેલ્લાં પાંચ વર્ષમાં પોતાની ઊર્જા નીતિમાં વ્યાપક ફેરફાર કરીને દૂરોગામી અસરો ઊભી કરી છે. એક તરફ તેણે રેર અર્થ મિનરલ્સમાં ઈજારાશાહી ઊભી કરી લીધી. બીજી તરફ તેણે ક્રૂડ માટે ખાડી દેશોમાં અબજો ડોલરનું રોકણ કરીને અનેક કુવાઓ ખરીદી લીધા અથવા તો તેના વિકાસમાં ભાગીદાર બની ગયું. તેણે પોતાની રોજિંદી આયાત ૧૧.૬ મિલિયન બેરલ પ્રતિ દિવસ કરી દીધી. જાણકારોના મતે ચીને ૨૦૨૫માં ૪,૩૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ ક્ડનો સ્ટોરેજ કર્યો હતો જે તેની આયાતમાં થયેલા વધારાના ૮૩ ટકા જેટલું થાય છે. ચીને ૨૦૨૪-૨૫ અને ૨૦૨૬ સુધીમાં પોતાની ક્રૂડની સ્ટોરેજ ક્ષમતા ઉપર પણ વ્યાપક કામ કર્યું છે. તેણે ૧૧ સ્થળોએ ૧૬૯ મિલિયન બેરલ સ્ટોર કરવાની નવી ક્ષમતા વિકસાવી છે. જાન્યુઆરીમાં આવેલા અહેવાલોએ જણાવ્યું હતું કે, ૨૦૨૬માં ચીનની ક્રૂડ સ્ટોરેજ ક્ષમતા ૧.૩ અબજ બેરલથી વધારે છે. તેની પાસે ૧.૩ અબજ બેરલ જેટલો ક્રૂડનો સ્ટ્રેટેજિક અને કોમર્શિયલ જથ્થો સચવાયેલો પડયો છે. તેમાંથી ૯૦૦ મિલિયન બેરલ સરકારી નિયંત્રણ ધરાવતા સ્ટોરેજમાં છે જ્યારે ૪૦૦ મિલિયન બેરલ ખાનગી કંપનીઓ પાસે છે. જાણકારો સ્પષ્ટ રીતે માને છે કે, આ જથ્થો આરામથી અંદાજે ૪ મહિના સુધી ચાલે તેટલો છે. તેના કારણે જ વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છતાં ચીનના પેટનું પાણી હાલ્યું નથી. બીજી તરફ ભારતની વાત કરીએ તો તેની પાસે ૪૦ દિવસ ચાલે તેટલો જ ક્રૂડનો જથ્થો છે. તેમાંય તેણે હાલમાં ૪૧ દેશો પાસેથી ક્રૂડ ખરીદવાની શરૂઆત કરી છે. નબળી ઊર્જાનીતિ અને વિદેશનીતિની મજબૂરીને વિશ્વગુરુની વાર્તાઓના નામે મજબૂતી બતાવીને પ્રજાને ભોળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


