ઝોહરાન મમદાની : ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને સાર્થક કરી જીતેલા યુવા નેતા

- ભારતીય ફિલ્મ મેકર મિરા નાયર અને જાણીતા લેખક મહમૂદ મમદાનીના પુત્ર ઝોહરાને ચૂંટણી પ્રચારમાં ભારતીયતાની ઝાંખી કરાવી લોકોના દિલ જીતી લીધાં
- મમદાની ભારતીય મૂળ સાથે મજબૂત રીતે જોડાયેલા નેતા છે. તેમના ઘર અને પરિવારમાં આજે પણ ભારતીય પરંપરાઓનું અનુસરણ થાય છે અને ભારતીય સંસ્કૃતિની તેમની અસર અને ઝાંખી જ ન્યૂયોર્કવાસીઓને પસંદ પડી ગઈ ઃ નવાઈની વાત એ હતી કે, ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેમણે ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આઈકોનિક ભાષણ ટાયરિસ્ટ વિથ ડેસ્ટિનીનો આધાર લઈને પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું. ભારતની આઝાદી સમયે પંડિતજીએ જે ભાષણ કર્યું હતું તેની અસર મમદાનીના ભાષણમાં જોવા મળી હતી ઃ ન્યૂયોર્કના ક્વીન્સ ખાતે આવેલા સૌથી જૂના હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન તેણે પોતાના માતા તરફથી મળેલા તમામ હિન્દુ સંસ્કારોનું પાલન કર્યું હતું અને તેને યાદ કર્યા હતા. મમદાનીએ જણાવ્યું કે, મને ગર્વ છે કે, હું પહેલો ઈન્ડિયન-અમેરિકન મેયર છું. મને ગર્વ છે કે મારી માતા હિન્દુ છે
અમેરિકી રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેનો સતત વિરોધ કરતા હતા તેવા ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીની ચૂંટણી જીતી ગયા છે. તેઓ મેયરપદની ચૂંટણીમાં વિજેતા બનતાની સાથે જ અનેક ઈતિહાસ બનાવી ગયા છે. અમેરિકી મેયર ચૂંટણીના છેલ્લી સદીના ઈતિહાસમાં મમદાની સૌથી યુવાન વયના મેયર બન્યા છે. માત્ર ૩૪ વર્ષના ડેમોક્રેટ મમદાનીએ ત્રિકોણિય જંગમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુમો કે જેઓ આ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે રેસમાં જોડાયા હતા તથા રિપબ્લિકન નેતા કર્ટિસ સ્લિવા કે જેઓ મજબૂત પીઠબળને કારણે સક્ષમ નેતા ગણાતા હતા તેમની સાથે મમદાનીએ ટક્કર લીધી હતી અને ભવ્ય વિજય મેળવ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે, મમદાની ચૂંટણીમાં તો જીતી ગયા છે પણ હજી તેઓ મેયરપદ ઉપર હાલમાં આવશે નહીં. તેઓ ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પદ સંભાળશે. મમદાનીના વિજય સાથે ઘણા નવા રેકોર્ડ બન્યા છે. તેઓ પહેલાં સૌથી યુવા ભારતીય-અમેરિકન નેતા છે જેઓ ન્યૂયોર્કના મેયર બન્યા છે. તેઓ પહેલાં મુસ્લિમ નેતા છે જેઓ ન્યૂયોર્કના મેયર બન્યા છે. તેઓ સૌથી પહેલાં સાઉથ એશિયન મૂળ ધરાવતા નેતા છે જેમનો આ પદ ઉપર વિજય થયો છે. સૌથી મોટી વાત તો એ છે કે, તેઓ પહેલાં એવા નેતા છે જે ભારતીય મૂળ ધરાવે છે, સાઉથ આફ્રિકામાં જન્મ્યા હતા અને ઈદી અમિનના ત્રાસથી અમેરિકા આવેલા સમુદાયનો ભાગ છે. આવી વ્યક્તિ અમેરિકા આટલા મોટા શહેરના મેયર બને તે મોટી ઘટના છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીયમૂળના મમદાનીએ જે સમયે ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારથી જ તેઓ મેયર બનવા માટે પ્રબળ દાવેદાર ગણાતા હતા. આ વર્ષની શરૂઆતમાં જ ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઈમરી પસંદગી દરમિયાન જ ૧૨ પોઈન્ટની સરસાઈ સાથે તેઓ સૌથી આગળ ચાલતા હતા. હવે તેઓ ન્યૂયોર્કના તત્કાલિન મેયર એરિક એડમ્સના અનુગામી તરીકે પદ સંભાળશે. રાજકીય નેતા તરીકે પ્રસિદ્ધિ મેળવેલા અને યુવા નેતા તરીકે ન્યૂયોર્કવાસીઓના દિલમાં વસી ગયેલા મમદાનીનું બીજું એક પાસું પણ છે જેના કારણે તેમની લોકપ્રિયતા વધી છે. ન્યૂયોર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં ભારતીયો અને ગુજરાતીઓની વસતી ખૂબ જ છે. મમદાની ભારતીય મૂળ સાથે મજબૂત રીતે જોડાયેલા નેતા છે. તેમના ઘર અને પરિવારમાં આજે પણ ભારતીય પરંપરાઓનું અનુસરણ થાય છે અને ભારતીય સંસ્કૃતિની તેમની અસર અને ઝાંખી જ ન્યૂયોર્કવાસીઓને પસંદ પડી ગઈ અને તેઓ મેયરપદના પ્રબળ દાવેદાર બની ગયા.
ઝોહરાન મમદાનીના ભારત કનેક્શનની વાત કરીએ તેમના માતા-પિતા બંને ભારતીય મૂળના છે. મમદાનીના માતે મિરા નાયર ભારતીય-અમેરિકન ફિલ્મ મેકર છે. તેઓ સલામ બોમ્બે, મોનસુન વેડિંગ અને ધ નેમસેક જેવી ફિલ્મોના કારણે દુનિયાભરમાં વખણાયા હતા. બીજી તરફ મમદાનીના પિતા મહમૂદ મમદાની પણ વૈશ્વિક ધોરણે જાણીતા લેખક છે. તેમનો પરિવાર પણ એક સમયે ભારતથી સાઉથ આફ્રિકા ગયો હતો અને ત્યાંથી તેઓ અમેરિકા આવ્યા હતા. મહમૂદ મમદાની પોતાના પરિવાર સાથે કેપ ટાઉનથી ન્યૂયોર્ક આવ્યા અને તેમની સાથે સાત વર્ષનો ઝોહરાન પણ હતો.
આ દરમિયાન મિરા નાયર ૧૯૯૧માં મિસિસિપી મસાલા નામની એક ક્રોસ કલ્ચર લવસ્ટોરી થીમની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમાં ડેનઝેલ વોશિંગ્ટન અને સરિતા ચૌધરી મુખ્ય ભુમિકમાં હતા. આ બંને પાત્રો પણ ભારતથી સાઉથ આફ્રિકા અને આસપાસના દેશોમાં ગયા હતા અને ત્યાં યુગાન્ડામાં ઈદી અમિનના શાસન દરમિયાન ભાગીને અમેરિકા આવી ગયા હતા તે વાર્તાને રજૂ કરતા હતા. આશ્ચર્યની વાત એ હતી કે, મીરા નાયર અને મહમૂદ મમદાની સંપર્કમાં આવ્યા ત્યારે મીરા નાયરને જાણ થઈ કે તેઓ જે વાર્તા પર કામ કરે છે તે વાર્તા તો મહમૂદ જીવીને આવ્યા છે. ત્યારબાદ તેમની મુલાકાતો વધતી ગઈ અને આખરે તેમણે લગ્ન કરી લીધા. ત્યારબાદ કામગીરીની સગવડતા માટે બંને જણા ન્યૂયોર્કમાં જ સેટલ થઈ ગયા.
ઝોહરાનનો ઉછેર ન્યૂયોર્કમાં જ થયો હતો અને તેમણે બ્રોન્ક્સ હાઈસ્કુલ ઓફ સાયન્સ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આફ્રિકાના સ્ટડીઝ બોડોઈન કોલેજ ખાતેથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. અહીંયા અભ્યાસ કરવા દરમિયાન તેમણે જસ્ટિસ ફોર પેલેસ્ટાઈન નામનું વિદ્યાર્થીઓનું એક જૂથ શરૂ કર્યું હતું જે સામાજિક ન્યાય માટે કામ કરતું હતું. ઝોહરાને તેમની માતાના પણ ઘણા પ્રોજેક્ટમાં મદદ કરી હતી. મિરા નાયર જ્યારે ક્વીન ઓફ કોટે (૨૦૧૬) ઉપર કામ કરતા હતા ત્યારે ઝોહરાને કાસ્ટિંગ અને ડાયરેક્શનમાં ઘણી મદદ કરી હતી. મમદાની હાલમાં સિરિયન-અમેરિકન આર્ટિસ્ટ રમા દુવાજી સાથે જીવન પસાર કરી રહ્યા છે. બંનેએ ઓક્ટોબર ૨૦૨૪માં જ સગાઈ કરી હતી અને આ વર્ષે ફેબુ્રઆરીમાં જ બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધા હતા.
મમદાની માત્ર પોતાના ભારતીય મૂળથી જ જાણીતા હતા તેવું નહોતું. તેમની કામગીરી, તેમની વાતો, તેમના ભાષણ અને તેમના આચાર-વિચારમાં પણ ભારતીયતાનો પડઘો પડતો હતો. તેઓ ક્યારેય પોતાના ભારતીય મૂળ, ભારતીય પરંપરા અને સંસ્કારોથી વિમુખ થયા જ નથી. નવાઈની વાત એ હતી કે, ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેમણે ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આઈકોનિક ભાષણ ટાયરિસ્ટ વિથ ડેસ્ટિનીનો આધાર લઈને પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું. ભારતની આઝાદી સમયે પંડિતજીએ જે ભાષણ કર્યું હતું તેની અસર મમદાનીના ભાષણમાં જોવા મળી હતી.
પંડિત જવાહરલાલ નહેરુની જેમ જ તેમણે જણાવ્યું કે, ઈતિહાસમાં ભાગ્યેજ એવી ક્ષણો આવતી હોય છે જેમાં આપણે જૂની તમામ ઘરેડમાંથી બહાર આવીને નવી બાબતો તરફ આગળ વધતા હોઈએ છીએ, એક એવી પળ જેમાં સમગ્ર દેશ લાંબા સમયથી દબાયેલો હોય, કચડાયેલો હોય અને એકાએક આગળ વધીને નવી સવાર તરફ પ્રયાણ કરે. આજની રાત પણ તેવી જ છે. આપણે એક જૂની માનસિકતામાંથી આગળ વધીને નવા તરફ આવી ગયા છીએ. મમદાનીના આ ભાષણે સભામાં હાજર લોકોનો ઉત્સાહ બમણો કરી નાખ્યો હતો. મમદાનીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ધૂમ ફિલ્મના ટાઈટલ ગીત ધૂમ મચાલેનો પણ ખૂબ જ ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત સમયાંતરે બોલિવૂડના વિવિધ ગીતો અને ડાયલોગ્સ દ્વારા તથા હિન્દી વીડિયો થકી લોકોનો વિશ્વાસ અને દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો.
મમદાનીએ ભૂતકાળમાં પણ પોતાના પરિવારની ધાર્મિક અને સામાજિક પરંપરાઓ તથા સંસ્કૃતિનો પરિચય આપ્યો જ છે. તેના પરિવારમાં રહેલા ધાર્મિક વૈવિધ્ય અને સાયુજ્યનો પરિચય આપ્યો જ છે. ન્યૂયોર્કના ક્વીન્સ ખાતે આવેલા સૌથી જૂના હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન તેણે પોતાના માતા તરફથી મળેલા તમામ હિન્દુ સંસ્કારોનું પાલન કર્યું હતું અને તેને યાદ કર્યા હતા. મમદાનીએ જણાવ્યું કે, મને ગર્વ છે કે, હું પહેલો ઈન્ડિયન-અમેરિકન મેયર છું. મને ગર્વ છે કે મારી માતા હિન્દુ છે અને હું મુસ્લિમ છું. હું હિન્દુત્વને જોતો, સમજતો અને જીવનમાં ઉતારતો આવ્યો છું. મારો ઉછેર એવી રીતે થયો છે કે, હિન્દુ સંસ્કૃતિ, વાર્તાઓ, તહેવારો, માન્યતાઓ અને તેની પાછળ રહેલી શ્રદ્ધા અને આસ્થાને હું સમજી શકું છું. રક્ષાબંધન હોય કે, દિવાળી કે પછી હોળી તેની પાછળ રહેલા સંસ્કારો અને મૂલ્યોને હું આજે પણ મારા જીવનમાં સાંકળીને ચાલી રહ્યો છું. અહીંયા રહેતા તમામ ગુજરાતીઓ, પંજાબીઓ અને મારા તમામ ભારતીયોને જણાવવા માગું છું કે, હું અહીંયા માત્ર મારા પરિવારની વાત નથી કરતો, હું એ તમામ વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિનો પ્રતિનિધિ છું અને તેની વાત કરું છે જેના થકી હું ગર્વ સાથે પોતાની
જાતને ભારતીય-અમેરિકન કહી શકું છું.
- ન્યૂયોર્કમાં સામાન્ય માણસની જિંદગી વધારે સરળ કરવાના મમદાનીના આયોજનો
મમદાની દ્વારા ન્યૂયોર્કના મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવવા સાથે જ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ચૂંટણીના મુદ્દા અને એજન્ડા તૈયાર કરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કમાં વસતા સામાન્ય લોકોને અસર થાય તેવી બાબતોના વાયદા કરવામાં આવ્યા હતા.
તે ન્યૂયોર્ક શહેરની વર્તમાન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવીને લોકોને સરળ અને સહજ જીવન આપવા માગી રહ્યા છે. તેમના આયોજનોમાં મકાનોના ભાડા સ્થિર કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે ઉપરાંત લોકો માટે વધારાની બસો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની યોજના છે. ૨૦૨૭ સુધીમાં જ ફ્રી બસ સેવા શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે સિવાય ફ્રી ચાઈલ્ડકેર સેવાઓ આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટિ સેફ્ટી બનાવવાની યોજના કરાઈ છે.
તે ઉપરાંત શહેરની તમામ સ્કૂલ અને પબ્લિક કોલેજમાં ફ્રી ભોજન આપવાની યોજના વ્યક્ત કરાઈ છે. તે સિવાય શહેરમાં ઘણા સ્થળે સરકાર સંચાલિત ગ્રોસરી સ્ટોર બનાવવામાં આવશે જે ગરીબો અને ઘરવિહોણા લોકોને સસ્તા દરે અને રાહત દરે ખાદ્ય સામગ્રી આપે છે. તે ઉપરાંત ઘરવિહોણા અને અનાથ લોકો માટે ભોજનની વ્યવસ્થા થાય તેવા સેન્ટરો અને અન્ય સેવાઓ વધારવાની યોજના કરાઈ છે. આગામી એક દાયકામાં ૨ લાખ જેટલા અફોર્ડેબલ મકાનો બનાવવાની યોજના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત ન્યૂયોર્ક શહેરમાં કામ કરતા લોકોનું લઘુત્તમ ભથ્થુ ૨૦૩૦ સુધીમાં ૩૦ ડોલર સુધી લઈ જવાની યોજના વ્યક્ત કરાઈ છે. તે સિવાય કોર્પોરેટ ટેક્સ જે હાલમાં ૭.૨૫ ટકા છે તેને વધારીને ૧૧.૫૦ ટકા કરવાની ગણતરી વ્યક્ત કરી છે. તેઓ ૧ મિલિયન ડોલરથી વધુ કમાણી કરતા લોકો ઉપર ૨ ટકા વેલ્થ સરચાર્જ લગાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.
વૈશ્વિક બાબતોની વાત કરીએ તો, તેઓ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધને અટકાવવાના અને ખાસ કરીને પેલેસ્ટાઈનમાં રાહત અને દાક્તરી સેવાઓ શરૂ કરવાની તરફેણમાં છે. ગાઝામાં સિઝફાયર યથાવત રહે તેવી તેમની લાગણી છે. તેઓ સ્થાનિક સ્તરે પણ ભેદભાવ કરતા વલણ સામે મજબૂત કાયદા લાવવા અને હેસ્થ કેરમાં ચાલતા જાતીભેદ અને લિંગભેદના દુષણને દૂર કરવાના પ્રખર હિમાયતી છે. તેઓ આ દિશામાં પણ પગલાં લેવા માગે છે.

