Get The App

યુવા ભારત ઉપર જોખમ : ડિગ્રી હોવા છતાં રોજગારી નથી

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
યુવા ભારત ઉપર જોખમ : ડિગ્રી હોવા છતાં રોજગારી નથી 1 - image

- દેશમાં ઉચ્ચ શિક્ષણમાં વધારો થયો છે પણ યુવાનોને શિક્ષણના પ્રમાણમાં રોજગારી મળતી નથી જેથી વ્યાપક અસંતોષ છે 

- તાજેતરમાં આવેલો અહેવાલ સ્પષ્ટ જણાવે છે કે, 20 થી 29 વર્ષની વયના 6.3 કરોડ સ્નાતક યુવાનોમાંથી અંદાજે 1.20 કરોડ યુવાનો બેરોજગાર છે. ભારત જેવા દેશ માટે ખરેખર આ ચિંતાજનક અને નિરાશાજનક પરિસ્થિતિ છે. યુવાનો વર્ષો ખર્ચીને અભ્યાસ કરે છે અને છતાં તેમની પાસે રોજગારીના અવસરો નથી : ઉચ્ચ શિક્ષણમાં છોકરાઓના રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2017માં છોકરાઓનું કુલ રજિસ્ટ્રેશન 38 ટકા હતું જે 2024માં 34 ટકા થઈ ગયું છે. તેની પાછળ મુખ્ય કારણ એવું છે કે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે નોકરી અને રોજગારીના અવસરો શોધવા પડે છે અને તેના કારણે ઉચ્ચ શિક્ષણ શક્ય બનતું નથી : યુવાનોને સ્નાતક થયાના એક વર્ષની અંદર જે નોકરીઓ મળે છે તેમાંથી માત્ર 7 ટકા યુવાનોને જ સ્થાયી પગારવાળી નોકરી મળે છે. એક સમયે કહેવાતું હતું કે, શિક્ષણ જ બેરોજગારીનો ઉકેલ છે પણ હાલમાં સ્થિતિ કંઈક અલગ જ ચાલી રહી છે. તેના કારણે તેમને પોતાના કૌશલ્યથી ઉતરતી કક્ષાની, ઓછા પગારની નોકરી સ્વીકારવી પડે છે 

ભારતમાં કામકાજની સ્થિતિ અંગે, રોજગારી અંગે તાજેતરમાં જ એક અહેવાલ સામે આવ્યો છે. દુનિયાના સૌથી વધારે યુવાન દેશમાં સ્થાન ધરાવતા ભારતમાં યુવાનોની સંખ્યા વધારે પણ સ્થિતિ થોડી ચિંતાનજક છે. ભારતની વસતીનો મોટો ભાગ યુવાનોનો છે અને તેઓ કાર્ય કરી શકે તેવી વસતીમાં સ્થાન ધરાવે છે પણ જ્યારે તેમની વાસ્તવિક સ્થિતિ જોઈએ ત્યારે ખ્યાલ આવશે કે તે તદ્દન વિપરિત છે. ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે, તેમની પાસે ડિગ્રી છે, તેમની પાસે કૌશલ્ય છે પણ તેમની પાસે રોજગારી નથી. દેશના યુવાનોના શિક્ષણ, રોજગાર અને શ્રમ બજારની વાસ્તવિકતા ઉપર આ અહેવાલો પ્રકાશ પાડયો છે જે ભારત માટે ચિંતાજનક છે. 

જાણકારોના મતે ભારતના યુવાનો શિક્ષિત છે, તેમની પાસે કૌશલ્ય છે પણ અવસર ઓછા છે. છેલ્લાં ચાર દાયકામાં ભારતમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ મોટાપાયે વધ્યું છે. ભારતમાં વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાપાયે વધારો થયો છે. તેના કારણે હવે હાયર એજ્યુકેશનમાં એનરોલમેન્ટ રેશિયો ૨૮ ટકા પહોંચી ગયો છે. તેમાં છોકરીઓની ભાગીદારી પણ મોટાપાયે વધી છે. બીજી તરફ છોકારઓના રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦૧૭માં છોકરાઓનું કુલ રજિસ્ટ્રેશન ૩૮ ટકા હતું જે ૨૦૨૪માં ૩૪ ટકા થઈ ગયું છે. તેની પાછળ મુખ્ય કારણ એવું છે કે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે નોકરી અને રોજગારીના અવસરો શોધવા પડે છે અને તેના કારણે ઉચ્ચ શિક્ષણ શક્ય બનતું નથી. 

આ પરિવર્તન જણાવે છે કે સમાજ એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં ભણતર જરૂરી છે પણ સાથે સાથે પરિવાર ચલાવવો પણ એટલો જ મહત્ત્વનો છે. શિક્ષણ હવે સમાજના વ્યાપક વર્ગ સુધી પહોંચ્યું છે પણ જ્યારે રોજગારીના અવસરો જોવામાં આવે ત્યારે તેનું પ્રમાણ ઘણું ઓછું છે. તાજેતરમાં આવેલો અહેવાલ સ્પષ્ટ જણાવે છે કે, ૨૦થી ૨૯ વર્ષની વયના ૬.૩ કરોડ સ્નાતક યુવાનોમાંથી અંદાજે ૧.૨૦ કરોડ યુવાનો બેરોજગાર છે. ભારત જેવા દેશ માટે ખરેખર આ ચિંતાજનક અને નિરાશાજનક પરિસ્થિતિ છે. યુવાનો વર્ષો ખર્ચીને અભ્યાસ કરે છે અને છતાં તેમની પાસે રોજગારીના અવસરો નથી. તેના કારણે તેમને પોતાના કૌશલ્યથી ઉતરતી કક્ષાની, ઓછા પગારની નોકરી સ્વીકારવી પડે છે. અહેવાલ જણાવે છે કે, યુવાનોને સ્નાતક થયાના એક વર્ષની અંદર જે નોકરીઓ મળે છે તેમાંથી માત્ર ૭ ટકા યુવાનોને જ સ્થાયી પગારવાળી નોકરી મળે છે. એક સમયે કહેવાતું હતું કે, શિક્ષણ જ બેરોજગારીનો ઉકેલ છે પણ હાલમાં સ્થિતિ કંઈક અલગ જ ચાલી રહી છે. 

ભારતમાં આજે નજર કરીએ તો ખ્યાલ આવશે કે ૧૫ થી ૨૫ વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દર ૪૦ ટકા છે જ્યારે ૨૫ થી ૨૯ વર્ષના યુવાનોમાં અંદાજે ૨૦ ટકા બેરોજગારી જોવા મળે છે. જેમની પાસે રોજગાર છે તેમને પણ પોતાના શિક્ષણ, લાયકાત અને ઈચ્છિત પગારધોરણ પ્રમાણે નોકરી મળી નથી. આ બાબત સ્પષ્ટ જણાવે છે કે, ભારતમાં શિક્ષણ અને રોજગાર વચ્ચેનો સેતુ અત્યંત નબળો છે. ડિગ્રી હોવા છતાં નોકરી ન મળવાના કારણે યુવાનો નિરાશમાં ધકેલાઈ રહ્યા છે. તેમનામાં અસંતોષ વધી રહ્યો છે. આજના યુવાનો સામે બેરોજગારી ઉપરાંત અધૂરી રોજગારી પણ સૌથી મોટી સમસ્યા છે. દેશણાં મોટી સંખ્યામાં એવા યુવાનો કામ કરી રહ્યા છે જેમને પોતાના અભ્યાસ અને કૌશલ્ય પ્રમાણે રોજગારી મળી જ નથી. જાણકારો માને છે કે, આ માત્ર આર્થિક નુકસાન નહીં પણ વ્યક્તિગત ક્ષમતાઓને નુકસાન છે અને રાષ્ટ્રીય સંસાધનોના વેડફાટ સમાન છે. જે શિક્ષણમાં વ્યાપક રોકાણ કરવામાં આવ્યું છે તેમાંથી અપેક્ષિત ઉત્પાદકતા આવે નહીં તો તેનો કોઈ અર્થ સરતો નથી. 

જાણકારો માને છે કે, દેશમાં માત્ર શિક્ષણનો વિકાસ અને વિસ્તાર થાય તે જરૂરી નથી. તેની સાથે સાથે શિક્ષણની ગુણવત્તા અને તેની ઉપયોગીતમાં પણ વધારો થવો જોઈએ. જો ૨૦૧૦થી ૨૦૨૧ વચ્ચેના સમયગાળાની નોંધ લેવામાં આવે તો પ્રત્યેક લાખ યુવાન વચ્ચે યુનિવર્સિટીઓની સંખ્યા ૨૯થી વધીને ૪૫ સુધી પહોંચી ગઈ છે. આઈટીઆઈ જેવી સંસ્થાઓની સંખ્યામાં પણ અનેકગણો વધારો નોંધાયો છે. તેમ છતાં રોજગારીના વાત આવે ત્યારે ક્ષેત્રીય સ્તરે અસમાનતાઓ રહેલી છે. બીજી તરફ શિક્ષકોનો અભાવ પણ એટલો જ ગંભીર છે. સરકારી કોલેજો અને ખાનગી કોલેજો અને શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકની સરાસરી ખૂબ જ વધારે છે. તેમ છતાં આ કોલેજોમાંથી અભ્યાસ કરીને નીકળતા યુવાનોના કૌશલ્યમાં વિકાસ થયો હોતો નથી. 

આ પરિસ્થિતિ જ જણાવે છે કે, આજે પણ આપણી શિક્ષણ વ્યવસ્થા માત્ર ડિગ્રી પૂરતી જ મર્યાદિત છે. અહીંયા ડિગ્રી ઉપર ભાર મુકવામાં આવે છે પણ કૌશલ્ય ઉપર ભાર મુકવામાં આવતો નથી અને તેના પગલે રોજગારનું યોગ્ય સર્જન થતું નથી. બીજી તરફ ઉચ્ચ શિક્ષણ માટે ગરીબ પરિવારોના યુવાનો પણ આગળ વધી રહ્યા છે. તેઓ કોઈપણ રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. ૨૦૦૭માં ઉચ્ચ શિક્ષણમાં ગરીબ પરિવારોના યુવાનોનું પ્રતિનિધિત્વ પરાણે આઠ ટકા હતું જે ૨૦૧૭માં પંદર ટકા અને અત્યારે અંદાજે તેનાથી પણ વધારે થઈ ગયું છે. અભ્યાસના અંતે જોવા જઈએ તો આ યુવાનોને રોજગારી પૂરતા પ્રમાણમાં મળતી નથી. 

ભારતના અર્થતંત્રમાં વ્યાપક ફેરફાર આવી રહ્યો છે. બીજી તરફ યુવાનો હવે ખેતી છોડીને સર્વિસ સેક્ટર અને અન્ય સેક્ટરમાં એક્ટિવ થઈ રહ્યા છે. 

આઈટી, ઓટોમોબાઈલ અને વ્યાવસાયિક સેવાઓમાં મહિલાઓની ભાગીદારી પણ વધી રહી છે. પ્રોફેશનલ સેક્ટરમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે જે ભેદભાવ હતો તે ઓછો થયો છે. આ ક્ષેત્રોમાં રોજગાર સર્જનની જે ગતિ છે તે ખૂબ જ ધીમી છે. એક તરફ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યાં બીજી તરફ સામાન્ય કૌશલ્ય ધરાવતી નોકરીઓમાં પગારધોરણ ખૂબ જ ઓછા છે. તે ઉપરાંત તેમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા વધારે છે. આ અસંતુલનના કારણે યુવાનો સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. તેઓ પોતાના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી અને બીજી તરફ તેમને યોગ્ય વેતન પણ મળતું નથી. 

ચિંતાજનક બાબત એ છે કે, જાણકારો માને છે કે, ભારત પાસે વિકસવા માટે અને યોગ્ય અર્થતંત્ર બનાવવા માટે ૨૦૩૦ સુધીનો જ સમય છે. ત્યારબાદ કામકાજી યુવાવર્ગની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થવા લાગશે. હાલમાં જે દેશ ઘણા સમયથી યુવાનોનો દેશ કહેવાય છે તેમાં પરિવર્તન આવવા લાગશે. 

તેનો સીધો અર્થ એ છે કે આગામી કેટલાક વર્ષોમાં જો રોજગારીના યોગ્ય વિકલ્પો આપવામાં નહીં આવે અને પૂરતા પ્રમાણમાં રોજગારી સર્જન નહીં થાય તો સમસ્યા વકરી જશે. આગામી પાંચ વર્ષમાં રોજગાર સર્જનની ગતિ વધારી દેવી પડશે. બેરોજગારી કે અધૂરી રોજગારી અસંતુષ્ટ યુવાનો થકી સામાજિક અને આર્થિક પડકારો અને મુશ્કેલીઓનું કારણ બને છે. આગામી સમયમાં એવું થશે તો દેશ માટે મોટો પડકાર સાબિત થશે.

બેરોજગારી માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સંકટ 

રોજગારી અને શિક્ષણ સાથે સંકળાયેલા જાણકારો માને છે કે, માત્ર એકાદ સેક્ટરમાં સુધારો કરવાથી સ્થિતિ સુધરી જવાની નથી કે પરિવર્તન આવવાનું નથી. તેમના માટે વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. સૌથી પહેલાં તો શિક્ષણ, ઉદ્યોગો અને વ્યવસાયો તથા નોકરીઓ મળે તેવી વ્યવસ્થા વચ્ચે મજબૂત તાલમેલ સાધવો પડશે. શિક્ષણ, અભ્યાસક્રમો અને અભ્યાસ પદ્ધતિઓને વાસ્તવિક જરૂરિયાત પ્રમાણે વિકસાવવા પડશે. શિક્ષણની સાથે સાથે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપવું પડશે. તે ઉપરાંત તાલિમી કાર્યક્રમોની ગુણવત્તા સુધારવી પડશે. શિક્ષણની સાથે રોજગાર સર્જનને પણ સરકારી નીતિઓના કેન્દ્રમાં રાખવું પડશે. માત્ર વિકાસદર વધી જવાથી દેશનો વિકાસ થતો નથી કે દેખાતો નથી. રોજગાર આધારિત વિકાસની દિશામાં પગલાં લેવા પડશે અને તેના દ્વારા જ નક્કર વિકાસ તરફ આગળ વધી શકાશે. તે ઉપરાંત એન્ટરપ્રિન્યોરશિપને પણ પ્રોત્સાહન આપવું પડશે. યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા પણ બનાવવા પડશે. તેઓ રોજગાર સર્જનના ક્ષેત્રમાં એક્ટિવ થાય અને બીજાને પ્રોત્સાહિત કરે તે વધારે જરૂરી છે. તે ઉપરાંત ક્ષેત્રીય અને સામાજિક અસમાનતાઓને ઓછી કરવાની નીતિઓ બનાવવી પડશે. ભારતના યુવાનોની હાલમાં જે સ્થિતિ છે તે માત્ર આર્થિક સમસ્યા નથી પણ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સંકટ છે. સૌથી પહેલાં તો સમજવું પડશે કે ડિગ્રી લઈ લેવાથી શિક્ષણ મેળવી લીધાનું સાબિત થઈ જતું નથી. તે ઉપરાંત તેના થકી કૌશલ્ય વિકાસ થશે જ તે નક્કી નથી.તે ઉપરાંત તેના દ્વારા રોજગારીનું પણ સર્જન થશે તે પણ નક્કી નથી. શિક્ષણ માત્ર રોજગારી માટેનું એક સાધન છે, એક તૈયારી છે. જો આ તૈયારીના અંતે રોજગારી મળતી નથી તો સામાજિક અસંતોષ અને અસંતુલન સધાશે અને યુવાનોમાં નિરાશા વ્યાપી જશે. શિક્ષણ થકી લોકો પાસે જે અપેક્ષાઓ હોય છે જો તે પૂરી ન થાય તો તેની અસર સમગ્ર સમાજ ઉપર જોવા મળે છે. જો શિક્ષણ અને રોજગારી વચ્ચેના આ અંતરને ઘટાડવામાં નહીં આવે તથા યોગ્ય રોજગાર સર્જન નહીં કરવામાં આવે તો દેશનું સૌથી મોટું સંસાધન જ તેના માટે સૌથી મોટો પડકાર બની જશે.