Get The App

માણસોના લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું સ્તર વધી રહ્યું છે

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
માણસોના લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું સ્તર વધી રહ્યું છે 1 - image

- વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધવાના કારણે માણસોના લોહીનું રસાયણ પણ બદલાઈ રહ્યું છે જે સ્વાસ્થ્ય માત્ર અત્યંત જોખમી છે

- સંશોધકોએ ચેતવણી આપી છે કે, 2024થી કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં ૩.૫ પીપીએમના દરે વધારો થઈ રહ્યો છે. આપણા શરીરના આંતરિક અંગે આટલા મોટા અને ઝડપી ફેરફાર માટે જરાય તૈયાર નથી. તેના કારણે વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. નાના બાળકો અને કિશોરોના શારીરિક વિકાસને ખુબ જ નુકસાન થઈ શકે તેમ છે : શરીરમાં જેમ જેમ બાયકાર્બોનેટનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ કેલ્શિયમ અને ફોસ્ફરસના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ બંને તત્ત્વો આપણા હાડકાં અને દાંતની મજબૂતી માટે અત્યંત જરૂરી છે. જો કાર્બન ડાયોક્સાઈડ અને તેને પગલે બાયકાર્બોનેટનું સ્તર વધતું જશે તો ફોસ્ફરસ અને કેલ્શિયમની ઉણપ ગંભીર થતી જશે : હવે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને માત્ર હવે પૃથ્વીના વાતાવરણ કે હવામાન સાથે ન જોડવું જોઈએ. તેનાથી માત્ર ગરમી વધશે કે ચોમાસામાં ફેરફાર આવશે કે પછી વાવાઝોડા અને પૂર આવશે માત્ર તેવું વિચારવાના બદલે માણસોની જિંદગી પણ દાવ ઉપર લાગી છે તે વિચારવું પડશે

સમગ્ર વિશ્વમાં વધી રહેલા પ્રદુષણના કારણે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વકરી રહી છે. તે ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ માટે પણ આપણે તેને જ જવાબદાર ઠેરવીએ છીએ. તેના કારણે ગરમી સતત વધી રહી છે. હવામાનમાં આકસ્મિક પલટા આવી રહ્યા છે. પ્રદુષણને કારણે વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોના કારણે તો દુનિયાભમાં ચિંતા છે પણ આ પ્રદુષણની અન્ય એક જીવલેણ અસર સામે આવી છે. તેના કારણે વૈજ્ઞાાનિકો વધારે ચિંતામાં મુકાયા છે. ધ કિડ્સ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઓસ્ટ્રેલિયા અને કર્ટિન યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં નોંધ્યું છે કે, વાતાવરણમાં પ્રદુષણના કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ભયાનક સ્તરે વધી રહ્યું છે. આ કાર્બન ડાયોક્સાઈડ હવે આપણા શરીરમાં અંદર સુધી પહોંચી રહ્યો છે. 

જાણકારોના મતે કાર્બન ડાયોક્સાઈડનું વધી રહેલું પ્રમાણ હવે માણસના શરીરમાં અંદર સુધી પહોંચ્યું છે. તે માણસના લોહીમાં જમા થઈ રહ્યું છે. સંશોધકોએ છેલ્લાં ૨૦ વર્ષના ડેટાનો અભ્યાસ કરીને આ તારણ કાઢયું છે. તેઓ જણાવે છે કે, માણસના શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ ભરાઈ રહ્યો છે અને તેના કારણે માણસોની બ્લડ કેમિસ્ટ્રીમાં પણ ફેરફાર થયો છે. આ પરિવર્તન એટલું ધીમે ધીમે થયું છે કે, માણસોને તેની જાણ થઈ નથી. સંશોધકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જે રીતે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે તે યથાવત્ રહેશે તો આગામી દાયકામાં આપણા શરીરનું બ્લડ માર્કર પોતાની હેલ્ધી લિમિટ પાસ કરી જશે. તેની સૌથી વધારે ખરાબ અસર બાળકો, કિશોરો અને વૃદ્ધો ઉપર પડી રહી છે. વૃદ્ધોની સ્થિતિ કથળી રહી છે ત્યારે બાળકો અને કિશોરોનો વિકાસ કુંઠિત થઈ રહ્યો છે. લાંબા સમય સુધી આ લોકો ઝેરી હવાના સંપર્કમાં રહેશે તો તેમનું શરીર વધારે નુકસાન ભોગવશે તે સ્વાભાવિક છે. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સંશોધકો દ્વારા ૧૯૯૯થી ૨૦૨૦ સુધીના હજારો લોકોના લોહીના સેમ્પલ લઈને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. સંશોધકોએ નોંધ્યું કે, માણસોના લોહીમાં સીરમ બાયકાર્બોનેટનું સ્તર સતત વધી રહ્યું છે. બાયકાર્બોનેટ એક એવું માર્કર છે જે શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ દર્શાવે છે. ૧૯૯૯ની સરખામણીએ અત્યાર સુધીમાં તેમાં ૭ ટકાનો વધારો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે, માણસોના લોહીમાં જેમ જેમ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ આપણા લોહીના માળખામાં પણ ફેરફાર થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૦માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૩૬૯ પીપીએમ હતું જે અત્યાર વધીને ૪૨૦ પીપીએમથી પણ વધારે થઈ ગયું છે. 

જાણકારોનું માનવું છે કે, આપણા શરીરમાં આ પ્રકારના બદલાઈ હવા વારંવાર અંદર જઈ રહી છે. તેના કારણે હવે શરીર તે પ્રકારની ઝેરીલી હવા સાથે તાલમેલ સાધવા માટે પ્રયાસ કરી રહ્યું છે. સમયાંતરે શરીર તેમાં આંશિક સફળ થયું છે પણ જો આ કામગીરી સતત ચાલતી રહી તો ભવિષ્યમાં માણસો માટે વધારે જોખમ ઊભું કરી શકે તેમ છે. સંશોધકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, શરીરમાં વધી રહેલું સીરમ બાયકાર્બોનેટ અત્યંત જોખમી છે. બાયકાર્બોનેટ આપણા શરીરમાં એસિડ અને બેઝનું બેલેન્સ રાખવાનું કામ કરે છે. જ્યારે આપણે શ્વાસ દ્વારા વધારે કાર્બન ડાયોક્સાઈડ અંદર ખેંચીએ છીએ ત્યારે શરીર લોહીના પીએચને સંતુલિત કરવા માટે વધારે બાયકાર્બોનેટને અટકાવવાનું કામ કરે છે. 

શરીર દ્વારા બાયકાર્બોનેટનું વધતું પ્રમાણ અટકાવવું તે એક પ્રકારનું ડિફેન્સ મિકેનિઝમ છે. લાંબા સમય સુધી આવું સતત થતું રહે તો શરીરનું અંદરનું માળખું ખોરવાઈ જાય છે. શરીર માટે લાંબા સમયે તે વધારે નુકસાનકારક સાબિત થાય છે. સંશોધકો માને છે કે, છેલ્લા બે દાયકામાં જે રીતે બાયકાર્બોનેટનું પ્રમાણ વધ્યું છે તે જોખમી છે. હાલમાં જે રીતે આ સ્તર વધી રહ્યું છે તે આગામી પાંચ દાયકામાં અત્યંત ભયજનક થઈ જશે. તે સમયે બાયકાર્બોનેટ સ્વસ્થ મર્યાદાથી ઘણું આગળ વધી રહ્યું હશે. તેના કારણે માણસના આંતરિક અંગોની કામગીરી ગમે ત્યારે ખોટકાવા લાગશે. જો ખરેખર આંતરિક અંગોની કામગીરી રૃંધાવા લાગશે કે અન્ય સમસ્યાઓ શરૂ થશે તો તે માત્ર વ્યક્તિગત નહીં હોય. લાંબા સમયે આ એક મોટું જાહેર સ્વાસ્થ્ય જોખમ ઊભું થઈ શકે છે. તે જીવલેણ પણ સાબિત થઈ સકે છે. 

આ સંશોધનમાં બીજી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, શરીરમાં જેમ જેમ બાયકાર્બોનેટનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ કેલ્શિયમ અને ફોસ્ફરસના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ બંને તત્ત્વો આપણા હાડકાં અને દાંતની મજબૂતી માટે અત્યંત જરૂરી છે. સંશોધકોએ ચેતવણી આપણી છે કે, જો શરીરમાં આ રીતે જ કાર્બન ડાયોક્સાઈડ અને તેને પગલે બાયકાર્બોનેટનું સ્તર વધતું જશે તો ફોસ્ફરસ અને કેલ્શિયમની ઉણપ ગંભીર થતી જશે. આગામી સદીમાં માણસોના શરીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ સૌથી નીચલા સ્તરે પહોંચી જશે. ગંભીર બાબત એ છે કે, માણસનો વિકાસ અને તેના શરીરનો વિકાસ જે હવામાં થયો છે તેમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૨૮૦ પીપીએમની આસપાસ રહેતું હતું. છેલ્લાં એક દાયકામાં આ સ્તરમાં ૨.૬ પીપીએમ પ્રતિ વર્ષના દરે વધારો થયો છે. હાલમાં તે ૪૨૦ પીપીએમને પાર કરી ગયું છે. તેમાંય છેલ્લાં બે વર્ષથી તો આ સ્તર ભયાનક રીતે વધી રહ્યું છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે, ૨૦૨૪થી કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં ૩.૫ પીપીએમના દરે વધારો થઈ રહ્યો છે. આપણા શરીરના આંતરિક અંગે આટલા મોટા અને ઝડપી ફેરફાર માટે જરાય તૈયાર નથી. તેના કારણે વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આપણું શરીર બદલાતા વાતાવરણ અને આ ઝેરીલી હવા પ્રમાણે અનુકુળ થઈ રહ્યું નથી. શરીર પોતાની રીતે અનુકુલન સાધવા પ્રયાસ કરી રહ્યું છે પણ તેમાં સફળતા મળી રહી નથી. હકિકતે શરીરનું સંતુલન ખૂબ જ નાજુક હોય છે તે હવા, બ્લડ પીએચ, બ્રિધિંગ રેટ વચ્ચે સંકલન સાધીને કામ કરે છે. હવે વાતાવરણમાં જેમ જેમ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે જે શરીર માટે અસહ્ય છે. ભૂતકાળમાં અને કદાચ એમ કહીએ કે ઈતિહાસમાં ક્યારેય માનવ શરીરે હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ આટલા વ્યાપક પ્રમાણમાં અનુભવ્યું જ નથી. હવે આ ઝેરી ગેસ શરીરમાં અને ખાસ કરીને લોહીમાં જમા થઈ રહ્યો છે. આપણે એ સમજવું પડશે કે આપણું શરીર આ મોટા પરિવર્તનને સહન કરી શકે કે પછી તેની સાથે તાલમેલ સાધી શકે તેમ નથી. માણસોએ હવે માત્ર પૃથ્વીને બચાવવા નહીં પણ પોતાની જાતને બચાવવા માટે પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવું પડે તેમ છે. માણસે જીવતા રહેવું હશે તો કાર્બન ડાયોક્સાઈડનું ઓછું સ્તર હોવું ખૂબ જ જરૂરી છે.

સંશોધકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, હવે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને માત્ર હવે પૃથ્વીના વાતાવરણ કે હવામાન સાથે ન જોડવું જોઈએ. તેનાથી માત્ર ગરમી વધશે કે ચોમાસામાં ફેરફાર આવશે કે પછી વાવાઝોડા અને પૂર આવશે માત્ર તેવું વિચારવાના બદલે માણસોની જિંદગી પણ દાવ ઉપર લાગી છે તે વિચારવું પડશે. 

જાણકારો માને છે કે, આગામી વર્ષોમાં માણસોની હેલ્થ પેલિસીમાં એર ક્વોલિટીની સાથે સાથે લોકોના બ્લડમાં બાયોમાર્કર્સને પણ સ્થાન આપવું પડશે. લોકોએ સમજવું એ પણ પડશે કે શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધશે તો લોકો તાત્કાલિક બીમાર પડશે કે ગંભીર બીમારીઓ થશે તેવું નથી. ધીમે ધીમે શરીરમાં જે ફેરફાર આવી રહ્યા છે અને કાર્બનનું સ્તર વધી રહ્યું છે તે નવી અને ગંભીર બિમારીઓ લાવશે તે નક્કી છે. 

આગામી પેઢીને સ્વસ્થ રાખવા માટે પણ આપણે હવે કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં તાકીદે ઘટાડો કરવો પડશે અને તેના ઉપર લગામ ખેંચવી પડશે.

ઝેરી હવા શરીરમાં જવાથી શ્વાસને લગતી બીમારીઓ પણ વ્યાપક સ્તરે વધશે 

સંશોધકોએ ચેતવણી આપી છે કે, હવામાં પીએમ૨.૫નું સ્તર છે તે મોટાપાયે વધ્યું છે. તેમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો થયો છે અને હજી થઈ રહ્યો છે. તેના કારણે શ્વસનતંત્રને લગતી બીમારીઓમાં વધારો થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. 

બાળકોમાં પણ બ્ર્રોન્કાઈટિસ અને વ્હીઝિંગ જેવી બિમારીઓ આગામી સમયમાં સામાન્ય થઈ જાય તેવી સ્થિતિ છે. સંશોધકો એવું પણ માને છે કે, હાલમાં જે પીએમ૨.૫નું સ્તર છે તે જ સ્તર સતત વધતું રહેશે તો લોકોમાં આગામી સમયમાં અલ્ઝાઈમર જેવી ગંભીર બિમારી થવાની પણ શક્યતાઓ વધી જશે. આ સિવાય ફેફસાંના કેન્સર, શ્વાસનળીના કેન્સરમાં પણ વધારો થવાની શક્યતાઓને પણ જોવામાં આવે છે. 

સંશોધકોએ નોંધ્યું કે, જ્યારે પીએમ૨.૫નું સ્તર ઓછું હોય છે ત્યારે જીવલેણ રોગો ઓછા થાય છે. ૧૯૯૦ થી ૨૦૧૦ દરમિયાન જ્યારે પીએમ૨.૫નું સ્તર ઘટયું હતું તો હૃદયરોગ, શ્વાસના રોગો, ફેફસાંના કેન્સર અને સ્ટ્રોક જેવી બિમારીઓમાં થતા મોતમાં ૫૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેવી જ રીતે તે સમયે ઓઝોન સ્તર પણ જળવાયેલું હતું. તેના કારણે ઓઝોન વાયુઓના લીધે થતાં રોગોમાં પણ ૧૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોગમાં ઘટાડો થવાના કારણે લોકોના સારવાર ખર્ચમાં પણ ઘટાડો થયો હતો.

 સંશોધકોએ જણાવ્યું કે, પ્રદુષણનું સ્તર વધ્યું તેના કારણે અસ્થમાના રોગમાં વ્યાપક વધારો થયો છે. તેના કારણે અસ્થમાના દર્દીઓમાં પંપ લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેના કારણે આ બે દાયકામાં લોકોને ૩૫૦ મિલિયન ડોલર જેટલો ખર્ચ કરવો પડયો છે. હવે આ સ્તર ઘટાડવામાં નહીં આવે તો લોકોને પૈસા ખર્ચવાની સાથે સાથે જીવ પણ જોખમમાં મુકવાની સ્થિતિ આવશે.