FOLLOW US

લોભે લખ્ખણ જાય, અબજોમાં આળોટતો ઈમરાન મફતની ભેટોમાં ભેરવાયો

Updated: Mar 5th, 2023


ઇસ્લામાબાદની કોર્ટે ઇમરાન સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડતા તેની ધરપકડ નિશ્ચિત બની છે

ઈમરાને જે ચીજો ઘરભેગી કરી તેની બજાર કિંમત લગભગ ૧૧ કરોડ રૂપિયા હતી. ઈમરાને બે કરોડ ચૂકવીને સરકારની તિજોરીને ૯ કરોડ રૂપિયાનો ચૂનો લગાડી દીધો હોવાનો આરોપ છે.  આ કેસમાં ચૂંટણી પંચે ઈમરાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યો છે ને ઈમરાન સામે ફોજદારી કેસ નોંધવા આદેશ આપ્યો છે

ગુજરાતીમાં કહેવત છે કે, લોભે લખ્ખણ જાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કેસમાં એવુ જ થયું છે. જમીનદાર પરિવારનો નબિરો ઇમરાન દોમ દોમ સાહ્યબીમાં ઉછર્યો છે અંગ્રેજીમાં જેને બોર્ન વિથ સિલ્વર સ્પૂન કહે છે એવો ઈમરાન ક્રિકેટર તરીકે પણ અભૂતપૂર્વ નામના કમાયો ને અબજો રૂપિયા પણ કમાયો.  ઈમરાન કોઈને પણ ઈર્ષા આવે એવી સેલિબ્રિટી લાઈફ જીવે છે પણ વડાપ્રધાન તરીકે મળેલી ભેટોમાં જીવ ભરાયો તેમાં જેલમાં જવાની નોબત આવી ગઈ. 

ઈમરાને વડાપ્રધાન તરીકે મળેલી કેટલીક ભેટો તોશખાનામાં જમા કરાવવાના બદલે ઘરે રાખી તેમાં દોષિત ઠરેલો છે. 

તોશખાના કેસમાં ઈસ્લામાબાદની કોર્ટે ઈમરાન સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડતાં પોલીસ વોરંટની બજવણી કરીને ઈમરાનની ધરપકડ માટે ગઈ હતી. આ વાત ફેલાતાં ઈમરાનના હજારો સમર્થકો તેના ઘરની બહાર ભેગા થઈ ગયા. એ જોઈને ડરી ગયેલી પોલીસ ઈમરાનને લીધા વિના ઠાલા હાથે પાછી ફરી ને જાહેર કર્યું કે, ઈમરાન ઘરે નથી.

મજાની વાત એ છે કે, ઈમરાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના નેતા ફવાદ ચૌધરીએ એલાન કરેલું કે, ઈમરાનની ધરપકડ કરવા પોલીસ નિકળી છે તેથી તાત્કાલિક ઝમાન પાર્ક પહોંચો. ફવાદે ચીમકી આપેલી કે, ઈમરાનની ધરપકડ થઈ તો પાકિસ્તાન ભડકે બળશે. આ ધમકી કામ કરી ગઈ ને પોલીસ ધોયેલા મૂળાની જેમ ઈમરાનને લીધા વિના પાછી જતી રહી. 

ઈમરાન ટોળાંશાહીનું પ્રદર્શન કરીને પોતાના હજારો સમર્થકોને ઘરની બહાર ભેગા કરીને અત્યારે તો બચી ગયો પણ તોશખાના કૌભાંડની વાતો આખી દુનિયામાં ફરતી થઈ તેમાં ઈમરાનની આબરૂનો ફજેતો તો થયો જ છે.  ઈમરાન સામેનો કેસ બહુ જૂનો છે. તેની સામેનું વોરંટ પણ જૂનું છે પણ અત્યારે તેની ધરપકડ કરવા પાછળ ઈમરાનુનું નાક દબાવવનાનો ઈરાદો છે એ સ્પષ્ટ છે. 

પાકિસ્તાન ભિખારી થઈ ગયું છે ને નાદારીના આરે આવીને ઉભું છે. ઈમરાનની પાર્ટીએ તેની સામે મોરચો માંડીને જબરદસ્ત આંદોલન છેડી દીધું છે. શનિવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાનમાં ઠેર ઠેર ઉગ્ર દેખાવો કરેલા. શરીફ સરકારે સખ્તી બતાવીને તેમને ઉઠાવીને જેલમાં નાંખી દીધેલા પણ પંજાબ પ્રાંતની પોલિસના આદેશના પગલે બધાંને છોડી દેવા પડેલા. 

આ આંદોલન ઉગ્ર બને તો શાહબાઝ શરીફ સરકારની હાલત વધારે ખરાબ થાય તેથી પાકિસ્તાન સરકારે ઈમરાન પોતાના સમર્થકોને શાંત રાખે તો સામે તોશખાના કેસમાં ઢીલ મૂકવાની ઓફર કરેલી એવું કહેવાય છે. ઈમરાને ઓફર ના સ્વીકારતાં તેને બિવડાવવા પોલીસ મોકલાઈ પણ ઈમરા ના ગાંઠયો. ઇમરાન દોષિત ઠર્યો તોશખાના કેસનાં મૂળ ૨૦૨૧માં ઈસ્લામાબાદના પત્રકાર રાણા અબ્રાર ખાલિદે પાકિસ્તાન ઇન્ફર્મેશન કમિશન (પીઆઈસી)ને કરેલી અરજીમાં છે. ખાલિદે રાઈટ ટુ ઈન્ફર્મેશન કાયદા હેઠળ ઈમરાનને વડાપ્રધાન તરીકે મળેલી ભેટોની વિગતો માંગી હતી. પીઆઈસીએ ઈમરાન સરકારને આ વિગતો પૂરી પાડવા આદેશ આપ્યો. કેબિનેટ ડિવિઝને પીસીઆઈને દસ દિવસમાં અબ્રારને બધી વિગતો આપી દેવાશે અને  સરકારી વેબસાઈટ પર મૂકવાની ખાતરી પણ આપેલી પણ પછી ઈમરાનના ફરમાનને કારણે ફસકી ગયું.  કેબિનેટ ડિવિઝને પીઆઈસીના આદેશને ગેરકાયદેસર ગણાવીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આદેશ રદ કરાવવા અરજી કરી નાંખી. ઈમરાન સરકારની દલીલ હતી કે, બીજા દેશોના વડાઓએ આપેલી ભેટની વિગતો તેમનું અપમાન કરવા બરાબર હશે તેથી આ વિગતો જાહેર ના કરી શકાય. 

પાકિસ્તાનમાં ભારત જેવી જ હાલત છે ને ન્યાયતંત્ર સત્તધીશોને અનુકૂળ થઈને વર્તે છે તેથી ઈમરાન સત્તામાં હતો ત્યાં લગી તો કંઈ ના થયું પણ ૨૦૨૨ના એપ્રિલમાં શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા એ પછી સરકારના દબાણ હેઠળ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનની દલીલનો ડૂચો કરીને કેબિનેટ ડિવિઝનને ફરમાન કર્યું કે, ઈમરાન ગાદી પર બેઠો ત્યારથી માંડીને સત્તા છોડી ત્યા સુધી મળેલી બધી ભેટોની વિગતો આપો. આ પૈકી કેટલી ભેટ તોશખાનામાં જમા કરાવાઈ ને કેટલી નથી કરાવાઈ તેની પણ વિગતો આપો. સત્તા જતાં ઢીલા પડેલા ઈમરાને કબૂલ્યું કે, પોતે ચાર ભેટ તોશખાનામાં જમા કરાવી નહોતી ને બારોબાર વેચીને રોકડી કરી લીધી હતી. ઈમરાનની કબૂલાતના પગલે શાહબાઝની પાર્ટી મુસ્લિમ લીગે ભ્રષ્ટાચાર બદલ ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની અરજી કરી નાંખેલી. હાઈકાર્ટે ચૂંટણી પંચને નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા ફરમાન કરી દીધું. પાકિસ્તાનમાં નિયમ છે કે, વડાપ્રધાન કે બીજા ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ તેને મળેલી ભેટ પચાસ ટકા સુધીની કિંમત ચૂકવીને પોતાની પાસે રાખી શકે છે. ઈમરાન પાસે એ વિકલ્પ હતો પણ ઈમરાને લોભ કરીને સાવ પાણીના ભાવે આ ચીજો ઘરભેગી કરી દીધેલી. ઈમરાને એક ક્રાફ્ટ વોચ, કેટલાક સોનાના કફલિંક્સ, એક વીંટી અને મોંઘી પેન એ ચાર વસ્તુ ૨.૧૫ કરોડ રૂપિયામાં ખરીદી હોવાનું કબૂલ્યું. આ ચીજો પાછી તોશખાનમાં જમા કરાવવાનો આદેશ અપાયો ત્યારે ઈમરાને કબૂલ્યું કે, પોતે આ ચીજો વેચીને રોકડી કરી લીધી છે. વેચાણમાંથી માત્ર ૫૮ લાખ ઉપજ્યા હોવાનો હાસ્યાસ્પદ દાવો પણ ઈમરાને કર્યો. ઇમરાન લાખના બાર હજાર કરે એવો મૂરખ નથી જ એ વાત સમજતા ચૂંટણી પંચે કોને ચીજો વેચી તેની વિગતો માંગી તો ઈમરાન એ વિગતો ના આપી શક્યો. બીજી તરફ શાહબાઝ સરકારે પંચને રીપોર્ટ આપ્યો કે, ચાર મોંઘીદાટ રોલેક્સ ઘડિયાળો પણ તોશખાનામાં જમા કરાવાઈ નથી. ઈમરાને જે ચીજો ઘરભેગી કરી તેની બજાર કિંમત લગભગ ૧૧ કરોડ રૂપિયા હતી. ઈમરાને બે કરોડ જ ચૂકવીને સરકારની તિજોરીને ૯ કરોડ રૂપિયાનો ચૂનો લગાડી દીધો હોવાનો રીપોર્ટ પણ અપાયો. મુસ્લિમ લીગે ઈમરાને કરેલી ગરબડના દસ્તાવેજી પુરાવા પણ આપતાં ઈમરાનને બૂચ વાગી ગયો. ચૂંટણી પંચે ઈમરાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યો ને ઈમરાન સામે ફોજદારી કેસ નોંધવા આદેશ આપેલો. ચૂંટણી પંચે ઈમરાન ખાન સામે હુનાઈત કૃત્યનો કેસ ચલાવવા માટે ટ્રાયલ કોર્ટને જરૂરી દસ્તાવેજો અના પુરાવા મોકલી આપેલા. તેના આધારે ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને દોષિત ઠેરવેલો. ઈમરાન ખાને તેની સામે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરેલી છે. આ અપીલનો નિકાલ થયો નથી પણ ઈમરાનના વિરોધી શાહબાઝ શરીફની સરકારને ઈમરાનને ઠેકાણે પાડવાની ઉતાવળ હોવાથી ટ્ર્રાયલ કોર્ટમાં ઈમરાન હાજર થતો નથી એવી ફરિયાદ કરેલી. ટ્રાયલ કોર્ટે ઈમરાન સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડેલું પણ ઈમરાન તેને ઘોળીને પી ગયો ને હાજર ના થયો એટલે કોર્ટે પોલીસને ઈમરાનના ઘરે મોકલી દીધી.  ઈમરાન ખેલાડી સાબિત થયો તેથી અત્યારે બચી ગયો છે પણ શાહબાઝ સરકાર તેની પાછળ આદુ ખાઈને પડી છે એ જોતાં ક્યાં સુધી બચશે એ ખબર નથી.

બુશરા બીબીના લોભે ઈમરાન ફસાયાની શક્યતા 

ઈમરાન ખાન માટે મોંઘીદાટ ચીજોની નવાઈ નથી તેથી તોશખાનાની ચીજોમા તેને બહુ રસ નહોતો પણ તેની પત્ની બુશરા બીબીના કારણે ઈમરાન ફસાયો હોવાનું કહેવાય છે. બુશરા બીબીએ તોશખાનામાંથી મોંઘીદાટ ચીજો મંગાવીને પોતાનાં સગાંને ભેટમાં આપી તેમાં ઈમરાનને બૂચ વાગી ગયો. 

થોડા સમય પહેલાં બુશરા બીબીની ઓક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ક્લિપમાં તોશખાનામાંથી ઈમરાનના ઘરે મોકલાયેલી ચીજોના ફોટા પાડી લેવાતાં ભડકેલાં બુશરાઈનામ નામના માણસને ખખડાવતાં સંભળાય છે. 

બુશરા બીબી એવું પણ કહે છે કે, તોશખાનામાંથી ઘરમાં આવતી કોઈ પણ ચીજ મારી પાસે આવે છે તેથી તેના ફોટા પાડવા નહીં. આ ઉપરાંત બુશરા ઈમરાનની પાર્ટીના નેતા ઝુલ્ફી બુખારી સાથે તોશખાનાની ઘડિયાલો વેચવા અંગે ચર્ચા કરી રહ્યાં હોય એવી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ઈમરાન ખાન એકદમ અય્યાશ છે અને વડાપ્રધાન તરીકે પણ તેના ઘણી યુવતીઓ સાથે સંબંધો હોવાની વાતો બહાર આવી છે. બલ્કે ઇમરાન યુવતીઓ સાથે સેક્સ ચેટ કરતો હોય એવી ઓડિયો ક્લિપ્સ પણ વાયરલ થઈ છે. ઈમરાન પોતાની માશૂકાઓને તોશખાનાની ચીજો ભેટમાં આપતો હતો એવું પણ કહેવાય છે. આ કારણે જ ઈમરાને પોતાને ભેટમાં મળેલી ચીજોનો રેકોર્ડ નહીં રાખવાનું ફરમાન કરેલું. જો કે કેબિનેટ ડિવિઝન તેની વાત માની શકે તેમ નહોતું તેથી આ આદેશનું પાલન નહોતું થયું.

પોલીસે ઘરે હતી ને ઈમરાને શાહબાઝ વિરોધી ટ્વિટ કરી 

પોલીસ ઈમરાનના ઘરે પહોંચી એ પછી ઈમરાને શાહબાઝ શરીફ વિરોધી ટ્વિટ કરીને આકરા તેવર બતાવ્યા હતા.

ઈમરાને લખ્યું કે, જે દેશના શાસકો તરીકે લૂંટારાઓને થોપી બેસાડાય એ દેશનું ભાવિ શું હોઈ શકે ? શાહબાઝ શરીફ ૮ અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એનએબી દ્વારા દોષિત ઠરવાનો જ હતો ને બીજા ૧૬ અબજ રૂપિયાના કેસમાં એફઆઈએ દ્વારા દોષિત ઠરવાનો હતો ત્યારે જ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાએ તેને બચાવી લીધો. 

જનરલ બાજવાએ એનબીએના કેસોની સુનાવણી વારંવાર મોકૂફ રખાવી અને તેની સામે કે ચાલતો હતો ત્યારે જ વડાપ્રધાનપદે બેસાડી દેવાયો. એ પછી શાહબાઝ શરીફે પહેલાં એફઆઈએ અને પછી એનબીએના વડાઓને બદલવાની ક્વાયત શરૂ કરી છે કે જેથી ભ્રષ્ટાચારના કેસમાં તેને ક્લીન ચીટ મળે. આ રીતે જ કોઈ દેશ બનાના રીપબ્લિક બની જતો હોય છે.  


Gujarat
News
News
News
Magazines