- કોંગ્રેસનો કટકો કરી ટીએમસી બનાવનારા મમતાને કિનારે કરી દેવાયા, તૃણમુલમાં જૂના અને નવા વચ્ચેનો જંગ છડેચોક આવી ગયો
- વિધાનસભામાં પરાજય મળ્યા બાદ ટીએમસી દ્વારા ત્રણ વખત મંથન બેઠક બોલાવવામાં આવી હતી. ૬ મેના રોજ પરિણામ બાદ બેઠક બોલવાઈ ત્યારે 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમાં સામાન્ય ચર્ચા બાદ ૧૯ મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી તેમાં ૩૫ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. મમતા તેનાથી વધારે અકળાયા હતા. ત્યારબાદ 31મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં મમતાના 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા : ચૂંટણીમાં પરાજય બાદ ટીએમસીમાં રાજીનામાઓની પણ વણઝાર શરૂ થઈ હતી. ટીએમસી પ્રવક્તા બિસ્વજીત દેબે રાજીનામું આપી દીધું. શાંતનુ સિંહ, અભિજીત મજૂમદાર, કાકોલી ઘોષ અને અરુપ ચક્રવર્તીએ પણ પોતાના પદ છોડી દીધા હતા. તે ઉપરાંત ડાયમંડ હાર્બરથી 8, ચંદનનગરથી 30, ભાટપાડાથી 30, ગારુલિયાથી 18, હલિશહરથી 16, ઉત્તર બૈકરપુરથી ૧૫ અને કાંચરાપાડાથી 14 નગરસેવકોએ રાજીનામા આપી દીધા: મમતા બેનરજીએ ઉલુબેરિયા ખાતેથી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીઅને એંટાલીથી ધારાસભ્ય સંદીપન સાહાને પક્ષ વિરોધી કામગીરીમાં સંડોવાયેલા હોવાનું જણાવીને પક્ષમાંથી હાંકી કાઢયા હતા.
પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને મમતા બેનર્જીના શાસનનો અંત આણ્યો હતો. આ વખતની બંગાળની વિધાનસભા ચૂંટણી ઘણા મોરચે અદ્વિતિય સાબિત થઈ છે. સૌથી પહેલાં તો ભાજપનો અહીંયા વિજય થયો છે. તેણે જંગી બહુમતી સાથે વિજય મેળવીને પોતાની સરકાર બનાવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૨૦૮ બેઠકો મળી છે જ્યારે ટીએમસીના ફાળે માત્ર ૮૦ બેઠકો આવી છે. આ પરાજય બાદ ટીએમસીમાં ભંગાણ ચાલુ થઈ ગયું હતું. એક તરફ મમતા સીએમ પદ જવાથી ગિન્નાયેલા હતા અને બીજી તરફ પક્ષમાં તડા પડવા લાગ્યા હતા. ટીએમસીમાં મમતા વિરુદ્ધ મોટાપાયે મોરચો મંડાઈ ગયો હતો અને મોટી તડાફડીના સંકેત આવી રહ્યા હતા.
વિધાનસભામાં પરાજય મળ્યા બાદ ટીએમસી દ્વારા ત્રણ વખત મંથન બેઠક બોલાવવામાં આવી હતી. ૬ મેના રોજ પરિણામ બાદ બેઠક બોલવાઈ ત્યારે ૧૦ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમાં સામાન્ય ચર્ચા બાદ ૧૯ મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી તેમાં ૩૫ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. મમતા તેનાથી વધારે અકળાયા હતા. ત્યારબાદ ૩૧મેના રોજ ફરીથી બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં મમતાના ૮૦માંથી ૬૦ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આટલેથી જ બધું અટક્યું નહોતું. ચૂંટણીમાં પરાજય બાદ ટીએમસીમાં રાજીનામાઓની પણ વણઝાર શરૂ થઈ હતી. ટીએમસી પ્રવક્તા બિસ્વજીત દેબે રાજીનામું આપી દીધું. શાંતનુ સિંહ, અભિજીત મજૂમદાર, કાકોલી ઘોષ અને અરુપ ચક્રવર્તીએ પણ પોતાના પદ છોડી દીધા હતા. તે ઉપરાંત ડાયમંડ હાર્બરથી ૮ નગરસેવકોએ રાજીનામા આપ્યા. ચંદનનગરથી ૩૦ નગરસેવકો, ભાટપાડાથી ૩૦, ગારુલિયાથી ૧૮, હલિશહરથી ૧૬, ઉત્તર બૈકરપુરથી ૧૫ અને કાંચરાપાડાથી ૧૪ નગરસેવકોએ રાજીનામા આપી દીધા.
મહત્ત્વની વાત એ છે કે, આ રાજીનામાઓ વચ્ચે મમતા બેનરજીએ ઉલુબેરિયા ખાતેથી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી અને એંટાલીથી ધારાસભ્ય સંદીપન સાહાને હાંકી કાઢયા હતા. બંને પક્ષ વિરોધી કામગીરીમાં સંડોવાયેલા હોવાનું જણાવીને તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ હકિકત એવી હતી કે, આ બંને ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં વિપક્ષના નેતા સાથે જોડાયેલા પ્રસ્તાવ અને તેના ઉપર થયેલા હસ્તાક્ષરો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે તેની કાયદેસરતા અંગે સવાલ કર્યા હતા. સંદીપન સાહાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, આ પ્રસ્તાવમાં જે ધારાસભ્યોના હસ્તાક્ષર છે તેઓ બેઠકમાં પણ જોડાયા નહોતા. આ વિવાદ બાદ બંનેને કાઢી મુકાયા. આ રાજીનામા અને પક્ષમાંથી હાંકી કાઢવાની ઘટનાએ જણાવી દીધું કે હવે ટીએમસીમાં દીદીની મમતા રહી નથી. નેતાઓ ખલ્લેઆમ બંડ પોકરાવા લાગ્યા છે.
જાણકારોના મતે આ ઘટનાઓએ પશ્ચિમ બંગાળમાં મહારાષ્ટ્રવાળી કરી નાખી. કોલકાતામાં ધારાસભ્યોની હોસ્ટેલમાં એક સિક્રેટ મિટિંગ કરવામાં આવી. તેમાં રાજીનામુ આપી ચુકેલા નેતાઓ, હાંકી કઢાયેલા નેતાઓ અને અસંતુષ્ટો વચ્ચે જોડાણ થઈ ગયું. તેમણે ટીએમસીની બાગડોર પોતાના હાથમાં લેવાનું નક્કી કરી દીધું. તેમણે પક્ષને નવી વિચારસરણી અને નવી નીતિઓના આધારે ચલાવવાનું નક્કી કરી લીધું. તેનું પરિણાણ એવું આવ્યું કે, મહારાષ્ટ્રમાં જેમ શિવસેનાના ભાગ પડી ગયા તેમ અહીંયા પણ ટીએમસીના ટુકડા થઈ ગયા. ટીએમસીના ૮૦માંથી ૫૮ ધારાસભ્યોનું સમર્થન લઈને ઋતબ્રત બેનરજી ટીએમસીના વડા બની ગયા. બીજી તરફ તેમણે વિધાનસભામાં અરજી કરીને પોતાને વિપક્ષના નેતાનું પદ આપવા માટે અરજી કરી અને સ્પીકરે તેનો સ્વીકાર પણ કરી લીધો. આમ કોંગ્રેસનો કટકો કરીને ટીએમસીની રચના કરનારા મમતા બેનર્જીના તૃણમુલના બે ભાગ થઈ ગયા અને ઋતબ્રત ટીએમસીના શિંદે સાબિત થયા. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના સ્પીકરે ઋતબ્રતને વિપક્ષના નેતા પણ જાહેર કરી દીધા છે. જેને પગલે મમતા બેનરજીને હાર બાદ આ બીજો મોટો ફટકો પડયો છે. એવા પણ અહેવાલો છે કે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો ઋતબ્રત બેનરજીને જો વિપક્ષના નેતા બનાવવા માગે છે પરંતુ મમતાનો સાથ છોડવા નથી માગતા અને તેમને પક્ષના અધ્યક્ષ તરીકે જોવા માગે છે. બીજી તરફ આ નિર્ણય બાદ મમતા બેનરજીએ તૃણમુલ કોંગ્રેસની તમામ કમિટીઓને વિખેરી નાખી છે, હાલ તૃણમુલ કોંગ્રેસની પરિસ્થિતિ ડામાડોળ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચૂંટણી પરિણામો બાદ મમતા બેનરજીએ ઋતબ્રત અને સંદીપન શાહને ટીએમસીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે મમતાનું આ પગલુ તેમને જ નડી ગયું.
જાણકારો માને છે કે, ઋતબ્રતે હવે મમતાને જ પક્ષમાં હાંસિયામાં ધકેલી દીધા છે અને ટીએમસીને પોતાના હાથમાં લઇ લીધી છે. હું પક્ષને બચાવવા માટે આ પગલા લઇ રહ્યો છું. એક તરફ ઋતબ્રત મમતાને પોતાના નેતા ગણાવી રહ્યા છે જ્યારે બીજી તરફ ૫૮ જેટલા ધારાસભ્યોની સહી સાથે વિધાનસભાના સ્પીકર પાસે પહોંચી ગયા હતા અને વિપક્ષના નેતાનું પદ લઇ લીધુ હતું. વિધાનસભામાં ૮૦ જેટલી બેઠકો ધરાવતા ટીએમસીમાંથી ૬૦ જેટલા ધારાસભ્યો ઋતબ્રતના સમર્થનમાં આવી ગયા હોવાથી હવે મમતા પાસે મુઠ્ઠીભર ધારાસભ્યો જ બચ્યા હોવાના અહેવાલો છે.
મોટી બાબત એ છે કે, મમતાએ પોતાના જ નેતાઓ અને સાથીઓ ઉપર પક્ષને નબળો પાડવાના આરોપો મુકી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષના જ કેટલાક લોકો પક્ષને તોડવા અને નબળો પાડવા માટે પડદા પાછળ કામ કરી રહ્યા છે. મમતાના આ આરોપો અને ઋતબ્રત સહિત ૫૮ ધારાસભ્યોની કામગીરી જ સંકેત આપે છે કે, ટીએમસીના પાયા હાલી રહ્યા છે. ટીએમસી તૂટવાનો ભય હવે મમતાને પણ લાગી રહ્યો છે. હાલમાં ટીએમસીના ભવિષ્ય, સંગઠનાત્મક ફેરફારો અને નવા રાજકીય વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
જાણકારોનું માનવું છે કે, ટીએમસીમાં હવે જૂના નેતાઓ અને નવા નેતાઓ વચ્ચે જંગ ચાલી રહી છે. હાલમાં તો કોલ્ડ વોરની સ્થિતિ છે પણ ગમે ત્યારે ભડકો થઈ શકે છે. તેના કારણે હાલમાં રાજીનામા અને હકાલપટ્ટીની સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં પણ ૨૦૨૨માં આવું જ થયું હતું. એકનાથ શિંદેએ મોટો ઉલટફેર કરી દીધો હતો. તેના કારણે શિવસેનાના બે તડા પડી ગયા હતા. તેમણે ઘણા ધારાસભ્યોને સાથે લઈને પોતાની પાર્ટી બનાવી લીધી અને શિવસેના ઉપર કબજો કરી લીધો.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સીએમ બનવા માટે ઉદ્ધવ ઠાકરેએ ભાજપને છોડીને કોંગ્રેસનો હાથ પકડયો અને તેમાં તડા પડવાની શરૂઆત થઈ. ત્યારબાદ શિંદે પક્ષથી દૂર અને નારાજ રહેવા લાગ્યા અને ૨૦૨૨ સુધીમાં તો શિવસેના વેરવિખેર થઈ ગઈ. ૩૦ જૂન ૨૦૨૨ના રોજ શિંદે શિવસેનાને પોતનો પક્ષ ગણાવીને સીએમ થઈ ગયા. ધારાસભ્યોની બહુમતી પણ તેમની સાથે હતા. ત્યારબાદ સુપ્રીમમાં પણ પક્ષનો સિમ્બોલ અને પક્ષના વારસા અંગે જંગ ચાલ્યો. આખરે કોર્ટ અને ચૂંટણી પંચે શિંદે જૂથને જ ઓરિજિનલ શિવસેના જાહેર કરી અને બધું જ તેમને આપી દીધું.
ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે પાસે કશું જ વધ્યું નહીં અને શિંદે જ બાલાસાહેબને શિવસેનાના વારસદાર ગણાવા લાગ્યા. તેમની પાસે રાજકીય અને પક્ષનો પાવર આવી ગયો.
મમતાની નીતિ અને અભિષેકની રીતિ સામે ઘણા સમયથી આક્રોશ હતો
મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સ્થિતિ હવે પશ્ચિમ બંગાળમાં ઊભી થઈ છે. જાણકારોના મતે ટીએમસીમાં ઘણા વખતથી આક્રોશ ઊભો થયેલો હતો. મમતા દ્વારા જે રીતે પક્ષના આંતરિક માળખાની રચના કરાઈ હતી. તેનું સંચાલન જે રીતે ચાલતું હતું તેની સામે ઘણા નેતાઓને વાંધો હતો. આ ઉપરાંત અભિષેક બેનરજીની રીતિ અને નીતિથી પણ આંતરિક રીતે મોટો આક્રોશ હતો. તેમની કામગીરી અને વ્યવહાર તથા બેફામ રીતે કામ કરવાની પદ્ધતિથી નેતાઓ નારાજ હતા પણ મમતા સામે બોલી શકતા નહોતા. આ વખતના પરિણામોએ બધા જ સમીકરણો ફેરવી કાઢયા. મમતાનો જાદુ ચાલ્યો નહીં અને અભિષેકની જે કામગીરીઓ હતી તેની પણ પોલ ખુલ્લી પડવા માંડી. તેમાંય પરાજબાદ ગિન્નાયેલા મમતાએ જે રીતે પક્ષના જ નેતાઓ સામે બળાપો કાઢવાનું અને પગલા લેવાનુ શરૂ કર્યું તેના પગલે નારાજગીનો ઉકળતો જ્વાળામુખી ફાટી ગયો. ઋતબ્રત અને સંદીપનને હાંકી કાઢવામાં આવ્યા બાદ તેમના જ નેજા હેઠળ પક્ષના બાકીના નેતાઓ સંગઠિત થવા લાગ્યા. જે લોકોને મમતા સામે અને અભિષેક સામે વિરોધ હતો તેઓ ખુલીને બોલવા લાગ્યા. આ ઉપરાંત મમતાએ ત્રણ ત્રણ વખત મંથન બેઠક બોલાવી પણ નેતાઓ અને ધારાસભ્યો જે રીતે ગેરહાજર રહ્યા તેણે સાબિત કરી દીધું કે, ટીએમસીમાં બધું બરાબર નથી. ટીએમસી હવે ભંગાણના આરે આવી ગઈ છે. હજી ઋતબ્રત પોતાના નેતા તરીકે મમતાને જ ગણાવે છે અને મમતા પણ વિપક્ષના નેતા તરીકે ઋતબ્રતનું નામ લે છે પણ રાજકીય જાણકારોને દેખાય છે કે, સ્થિતિ ખૂબ જ કફોડી છે. ૮૦માંથી ૬૦ ધારાસભ્યો નારાજ થઈને ઋતબ્રતનો સાથ આપતા હોય તે સીધો સંદેશ છે કે, મમતાનો પક્ષ તૂટી રહ્યો છે અને ગમે ત્યારે તે વેરવિખેર થઈ જશે અને ઋતબ્રત બંગાળના શિંદે સાબિત થશે.


