Get The App

ડિજિટલ આત્મનિર્ભરતાની વચ્ચે ગ્રોકની નગ્નતા અંગે મૌન

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
ડિજિટલ આત્મનિર્ભરતાની વચ્ચે ગ્રોકની નગ્નતા અંગે મૌન 1 - image

- ડીપફેક અને એઆઈ માધ્યમોનો ઉપયોગ કરીને મહિલાઓની ગરીમાને હાની પહોંચાડનારા સામે પગલાં લેવા દેશમાં કોઈ કાયદા જ નથી!!

- ભારતની વાત કરીએ તો અહીંયા ડીપફેક અને અન્ય એઆઈ માધ્યમો દ્વારા ગુનાખોરી વધી છે. એક અહેવાલ પ્રમાણે 2019થી અત્યાર સુધીમાં ભારતમાં ડીપફેક અને એઆઈ સાથે જોડાયેલા સાઈબર ગુનાઓમાં 550 ટકાનો વધારો થયો છે, છતાં કોઈ નક્કર કાયદા નથી: અમેરિકામાં ટેક ઈટ ડાઉન એક્ટ હેઠળ જો કોઈની સહમતી વગર સેક્શ્યુઅલ કે ઈન્ટિમેટ ઈમેજ અથવા તો ન્યૂડ કે ડીપફેક ઈમેજ કે વીડિયો બનાવીને ફરતા કરવામાં આવે તો તે ગંભીર ગુનો છે. આ ગુનો સાબિત થાય તો મોટી રકમનો દંડ અને જેલની સજા ફટકારવામાં આવે છે: યૂરોપિયન યૂનિયન, બ્રિટન અને ફ્રાન્સમાં પણ એઆઈ અને ડીપફેક મુદ્દે કડક કાયદા તૈયાર કરવામાં આવેલા છે. ચીનમાં પણ આવા ગુનામાં તોતિંગ રકમનો દંડ, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ અને ગંભીર ગુનામાં જેલની સજા પણ થાય છે. કન્ટેન્ટ ક્રિએટર અને પ્લેટફોર્મ બંનેને આ પ્રકારે સજા કરવામાં આવે છે 

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી એક્સ પર ઘણા યુઝર્સ ગ્રોક છૈંનો દુરુપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદો વધી ગઈ છે. કોઈ પણ યુઝરની તસવીરોમાંથી છૈંની મદદથી વસ્ત્રો હટાવવા જેવી અશ્લિલ હકરતો કરવામાં આવે છે. આ મામલે સરકાર સામે પણ ફરિયાદો થઈ રહી હતી. આ મુદ્દે વધારે વિરોધ થતાં અને મામલો રાજકીય રીતે વણસતા સરકારે એકાએક એક્સને નોટિસ ફટકારી કન્ટેન્ટ હટાવવા આદેશ આપ્યા છે. સરકારના આદેશ બાદ કંપનીએ શું કાર્યવાહી કરી અને પગલાં લીધાં તેની પણ સમીક્ષા કરવામાં આવશે. કંપનીએ ૭૨ કલાકમાં કાર્યવાહીનો રિપોર્ટ પણ આપવાનો રહેશે તેવું પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયામાં એઆઈ દ્વારા અશ્લિલ કામગીરીઓ કરવાના કિસ્સામાં મોટાપાયે વધારો થયો છે. તેમાંય ભારતની વાત કરીએ તો અહીંયા ડીપફેક અને અન્ય એઆઈ માધ્યમો દ્વારા ગુનાખોરી વધી છે. અહીંયા એઆઈનો ઉપયોગ કરીને જાણીતા લોકોના, સેલેબ્સના અને અન્ય લોકોના ચહેરા દ્વારા અથવા તો વીડિયો તૈયાર કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મહિલાઓના ડીપફેક બનાવીને તેમને બદનામ કરવાના અને તેમના અશ્લિલ વીડિયો ફેલાવવાના પણ ધંધા કરાય છે. થોડા સમય પહેલાં જ રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ જેવી બોલીવુડની અભિનેત્રીઓના ડીપફેક વીડિયો વાઈરલ થયા હતા. એક અહેવાલ પ્રમાણે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ભારતમાં ડીપફેક અને એઆઈ સાથે જોડાયેલા સાઈબર ગુનાઓમાં ૫૫૦ ટકાનો વધારો થયો છે. 

નોંધનીય છે કે, ગત વર્ષના અંતમાં એક્સ ઉપર એક ટ્રેન્ડ અત્યંત વાઈરલ થયો હતો. કોઈપણ મહિલાની તસવીરો એક્સ ઉપર પોસ્ટ થઈ હોય તો તેના જવાબમાં કે તેની કોમેન્ટમાં મહિલાઓની નગ્ન અથવા તો બિકિનીમાં કે પછી સાવ બિભત્સ તસવીરો એઆઈની મદદથી બનાવીને મુકવામાં આવતી હતી. ખાસ કરીને એક્સના જ એઆઈ ગ્રોક દ્વારા રીમુવ ક્લોથ્સ જેવા પ્રોમ્પટનો ઉપયોગ કરીને અશ્લિલ તસવીરોની થ્રેડ પોસ્ટ કરવામાં આવતી હતી. જોતજોતામાં મહિલાઓની લાખો તસવીરો આ રીતે પોસ્ટ થવા લાગી હતી. ત્યાં સુધી કે કેટલાક કિસ્સામાં તો સગીર છોકરીઓની તસવીરો પણ પોસ્ટ થવા લાગી હતી. ૨૮ ડિસેમ્બરે આવી બે છોકરીઓની નગ્ન તસવીરો અને અશ્લિલ તસવીરો પોસ્ટ થયા બાદ ગ્રોકનો મોટાપાયે વિરોધ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે ગ્રોક દ્વારા જાહેર પોસ્ટ કરીને માફી માગવામાં આવી હતી.

આશ્ચર્યની વાત એ છે કે, કંપની દ્વારા વિવિધ ફિચર્સ અને સેફ્ટિ મામલે ધ્યાન આપવામાં આવ્યું નથી અને તેના પગલે જે વિવાદ થયો તેમાં માત્ર માફી માગીને વાત પૂરી કરવાની નીતિ બતાવાઈ હતી. એક્સ એઆઈએ જણાવ્યું કે, ગ્રોકની મિનિમલ સેન્સરશિપ પોલિસીથી કાચુ કપાઈ ગયું અને મુશ્કેલી થઈ. હવે ઈમેજ જનરેશનમાં કડક સેફગાર્ડ્સ રાખવામાં આવ્યા છે. નોન કન્સેશ્યુઅલ, સેક્શ્યુઅલ, ન્યૂડ અથવા તો કોઈપણ પ્રકારના નુકસાનકારક કન્ટેન્ટ સીધા જ બ્લોક થઈ જશે. એલન મસ્કે પણ જાહેરમાં આ ભુલ સ્વીકારીને જણાવ્યું કે, અનફિલ્ટર્ડ ટ્રુથના નામે એઆઈને મુક્ત છોડી દેવું ભુલ હતી. તેનાથી અસંતુલન સર્જાય છે. હવે કંપનીએ સુરક્ષા મુદ્દે વધારે ચોકસાઈ રાખવાની શરૂઆત કરી દીધી છે. મૂળ મુદ્દે વાત એ છે કે, એઆઈનો આટલો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે અને તેના માટે કોઈ નક્કર કાયદા નથી કે પછી આ કેસમાં પણ ઢાંકપીછોડ કરીને ભીનું સંકેલવાની જ નીતિ અપનાવાઈ છે. દુનિયાના દેશોમાં પણ આ મુદ્દે શું સ્થિતિ છે તે ખરેખર સમજવા જેવું છે. 

જાણકારો માને છે કે, દુનિયાના ઘણા દેશોમા ટેક્નોલોજીના દૂરુપયોગ મુદ્દે કડક કાયદા છે. તેના દૂરુપયોગને ગંભીર ગુનો માનીને કડક સજા કરવામાં આવે છે. તેમાંય મહિલાઓ જોડે સંકળાયેલા ગુનામાં તો વધારે કડક સજા થાય છે. અમેરિકામાં ટેક ઈટ ડાઉન એક્ટ હેઠળ જો કોઈની સહમતી વગર સેક્શ્યુઅલ કે ઈન્ટિમેટ ઈમેજ અથવા તો ન્યૂડ કે ડીપફેક ઈમેજ કે વીડિયો બનાવીને ફરતા કરવામાં આવે તો તે ગંભીર ગુનો છે. આ ગુનો સાબિત થાય તો મોટી રકમનો દંડ અને જેલની સજા ફટકારવામાં આવે છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા માધ્યમોને પણ આ કેસમાં ફરિયાદ મળવાના ૪૮ કલાક પહેલાં આ તમામ સામગ્રી દૂર કરવાનો આદેશ અપાયો છે. જો કોઈ માધ્યમ દ્વારા આવી સામગ્રી દૂર કરવામાં નથી આવતી તો તે માધ્યમ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને દંડ વસુલવા ઉપરાંતની સજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઘણા રાજ્યોમાં ચૂંટણી આધારિત પણ ડીપફેક વીડિયો અને ફોટો ફરતા કરવા મામલે પણ આવી જ સજાઓની જોગવાઈ કરવામાં આવી છે.

યૂરોપિયન યૂનિયનમાં પણ એઆઈ અને ડીપફેક મુદ્દે કડક કાયદા તૈયાર કરવામાં આવેલા છે. આ કાયદા હેઠળ એઆઈથી કે ડીપફેક દ્વારા કોઈ કન્ટેન્ટ તૈયાર થાય છે તો તેને લેબલિંગ કરવું ફરજિયાત છે. જો આ કન્ટેન્ટ કોઈની સહમતી વગર તૈયાર કરવામાં આવ્યું હોવું ન જોઈએ. કોઈપણ વ્યક્તિનો તેની સહમતી વગર એઆઈ કે ડીપફેક દ્વારા વીડિયો બનાવવામાં આવે કે તસવીરો બનાવવામાં આવે અથવા તો તેને સેક્શ્યુઅલ, ભ્રામક કે પછી તેની ગરીમાને નુકસાન પહોંચાડનારી હોય તો તેને કાયદાનો ભંગ માનવામાં આવે છે. આ સંજોગોમાં એઆઈ પ્લેટફોર્મને તેના ટર્ન ઓવરના છ ટકા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. વ્યક્તિગત રીતે આવું કરનારને પણ મોટી રકમનો દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. પ્લેટફોર્મની પણ જવાબદારી નક્કી કરીને આવી સામગ્રી તાકીદે દૂર કરવાની નહીંતર તેને પણ સજા કરવાની જોગવાઈ છે. 

ચીન તો આવા કન્ટેન્ટ મુદ્દે પહેલેથી જ સજ્જ અને કડક કાયદા લાવનારો દેશ છે. ત્યાં એઆઈ દ્વારા સર્જાતા દરેક કન્ટેન્ટને લેબલિંગ કરવું ફરજિયાત બનાવાયું છે. લેબલિંગ વગર એઆઈ દ્વારા કે ડીપફેક દ્વારા કોઈપણ તસવીરે કે વીડિયો ફરતા કરવામાં આવે તો ક્રિએટર અને પ્લેટફોર્મ બંનેની સામે પગલા લેવામાં આવે છે. જો ડીપફેક દ્વારા કોઈની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવે કે તેની ગરીમાને નુકસાન પહોંચાડવામાં આવે તો તેને ગંભીર ગુનો ગણાય છે. તેના માટે તોતિંગ રકમનો દંડ, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ અને ગંભીર ગુનામાં જેલની સજા પણ થાય છે. કન્ટેન્ટ ક્રિએટર અને પ્લેટફોર્મ બંનેને આ પ્રકારે સજા કરવામાં આવે છે.

બ્રિટનની વાત કરીએ તો ત્યાં પણ કોઈપણ વ્યક્તિની સહમતી વગર ડીપફેક તસવીરો કે વીડિયો બનાવવો તે જાતીય ગુનાખોરીની શ્રેણીમાં આવે છે. કોઈની પણ સહમતી વગર ઈન્ટિમેટ ડીપફેક ઈમેજ કે વીડિયો બનાવીને શેર કરવી ગંભીર ગુનો છે. તેમાં જેલની સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ આવા જ કડક કાયદા છે. મહિલાઓની ગરીમાને હાની પહોંચાડીને ડીપફેક કન્ટેન્ટ બનાવવાની કામગીરીને ગંભીર ગુનો ગણીને કેસ દાખલ કરવામાં આવે છે. આ કેસમાં દોષિતને લાંબા સમય સુધી જેલની સજા અને આર્થિક દંડ ફટકારવામાં આવે છે. તેવી જ રીતે ફ્રાન્સમાં ડીપફેક દ્વારા કોઈ વ્યક્તિની ઓળખ અથવા તો ગરીમાને નુકસાન પહોંચાડવું ગંભીર ગુનો ગણાય છે. ફ્રાન્સમાં પણ આવી કામગીરી કરનારને જેલની સજા અને દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત ડેનમાર્કમાં પણ સહમતી વગર ડીપફેક થકી વીડિયો કે ઈમેજ બનાવવા તે ગુપ્તતાનો ભંગ અને જાતીય ગુનો ગણવામાં આવે છે. તેના હેઠળ આકરી સજા કરવામાં આવે છે. 

ભારતમાં ડીપફેક કે એઆઈ દ્વારા થતા ગુના માટે કોઈ નક્કર કાયદા નથી

ભારતમાં હાલમાં સાઈબર ગુનાખોરી માટે કેટલાક કાયદા છે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક દ્વારા જે ગુનાખોર આચરવામાં આવી રહી છે તેના માટે કોઈ નક્કર કાયદા નથી. હાલના સમયે પણ આઈટી એક્ટ હેઠળ જ ગુના દાખલ કરવામાં આવે છે. તેમાં ૬૬ડી હેઠળ કમ્પ્યૂટરના દૂરુપયોગની કલમ લગાડાય છે. તે ઉપરાંત ૬૭, ૬૭છ, ૬૭મ્ હેઠળ અશ્લીલ સામગ્રી ફેલાવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત આઈપીસીની ૪૯૯-૫૦૧ દ્વારા માનહાનીનો કેસ, કલમ ૫૦૯ હેઠળ મહિલાઓની ગરિમનાને ઠેસ પહોંચાડવાનો અને અપમાન કરવાનો કેસ તથા ૪૬૯ હેઠળ છેતરપિંડીના આશયથી ફસાવવાનો ગુનો નોંધાય છે. જાણકારોના મતે ડીપફેક અને એઆઈના સ્પષ્ટ પરિભાષા ન હોવાથી ભારતમાં આ દિશામાં કાયદા હજી જોઈએ તેવા નક્કર નથી. હાલમાં સાઈબર ક્રાઈમના પોર્ટલ ઉપર અને નંબર ઉપર ફરિયાદ કરાય છે. ૨૦૨૪ સુધીમાં ૧૪ કરોડ લોકોએ આ સાઈટ ઉપર ફરિયાદ નોંધાવી છે. તેવી જ રીતે ડીપફેકના એનાલિસિસ માટે એક યુનિટ બનાવાયું છે. અહીંયા શંકાસ્પદ વીડિયો અને ઓડિયોની તપાસ કરાય છે. મુળ મુદ્દે વાત એટલી જ છે કે, ભારતમાં જે સ્તરે સાઈબર ગુનાખોરી વધી રહી છે તેની સામે નક્કર કાયદા અને આકરી સજાની કોઈ જોગવાઈ નથી. લોકો આ રીતે જે પૈસા ગુમાવે છે તેના ૧૦ ટકા પણ પરત મેળવી શકતા નથી. તેનાથી પણ ગંભીર બાબત એ છે કે, મહિલાઓને સરાજાહેર નગ્ન તસવીરો પોસ્ટ કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા માત્ર પ્લેટફોર્મને આ તસવીરો હટાવવાના આદેશ અપાયા છે. આવા ગુના આચરનારાને પકડવાની અને તેને પકડીને કડક સજા કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. આ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ડીપફેક હોય કે ડિજિટલ અરેસ્ટ કે પછી ગ્રોક એઆઈની નગ્નતા બધું જ આઈટી એક્ટની એક જ લાકડીએ હાંકવામાં આવે છે. ડિજિટલ આત્મનિર્ભરતાની વાતો કરનારી સરકારને ગ્રોકની નગ્નતાની ગંભીરતા દેખાતી નથી.