- ઉડાન યોજનાનો પોકળ ઢોલ ફાટયો, ઈન્ડિગોની હજારો ફ્લાઈટ રદ અને પ્રજાની લાચારી વચ્ચે સરકારના સબસલામતના દાવા
- નવી નિયમો લાગુ કરાવવામાં બે વર્ષનો સમય હતો છતાં ઈન્ડિગોએ કોઈ કામગીરી કરી નહીં અને ડીજીસીએ દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવી નહીં : પાઈલટ્સના આરામના નિયમો સુધારાયા જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે પણ નિયમોનું યોગ્ય અમલીકરણ થયું નહીં અને પ્રજા પીડા ભોગવતી રહી : ભારતના સિવિલ એવિયેશન માર્કેટનો ૬૦ ટકા ભાગ ઈન્ડિગો પાસે છે, નવા નિયમોના અમલીકરણની સાથે જ ફ્લાઈટ્સ ટપોટપ કેન્સલ થવા લાગી અને સરકાર ઉંઘતી રહી
ઈન્ડિગો એરલાઈન્સની હજારો ફ્લાઈટ ટપોટપ કેન્સલ થવા માંડી છે અને તેના કારણે ભારતના સિવિલ એવિયેશન સેક્ટરમાં મોટો ભૂકંપ આવી ગયો છે. તેના કારણે લાખો પ્રવાસીઓ અટવાઈ ગયા છે. મહત્ત્વની વાત એ છે કે, ઈન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઈન કંપની છે. તે ભારતની ડોમેસ્ટિક ફ્લાઈટનો લગભગ ૬૦ ટકા ભાગ સંભાળે છે.
વર્તમાન સમયમાં ડીજીસીએ દ્વારા લાગુ કરાયેલા નવા ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશનના નિયમો અને માપદંડોના કારણે એકાએક પાઈલટ્સની અછત સર્જાઈ છે. બીજી તફ નવા ક્રૂ રેસ્ટ અને ડયૂટી નિયમોના કારણે પણ કામ કરવામાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગયા મહિનાથી જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. ઈન્ડિગો દ્વારા નવા નિયમોના અમલીકરણની કોઈ તૈયારીઓ કરવામાં આવી નહોતી. તેના કારણે ડિસેમ્બરની શરૂઆતથી મોટાપાયે અવ્યવસ્થા સર્જાવા લાગી અને પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો.
લોકોમાં ચર્ચા છે કે, સરકાર દ્વારા નિયમોના નવા ધતિંગ લાવવામાં આવ્યા અને તેના કારણે પાઈલટો એકાએક કામ ઉપર આવતા બંધ થઈ ગયા અને આરામ કરવા લાગ્યા. તેના કારણે ડોમેસ્ટિક એવિયેશનને મોટી અસર થઈ હતી. સરકારની અણઆવડત અથવા તો નિયમોને લાગુ કરવાની ઉતાવળને કારણે પ્રજાને ભોગવવાનું આવ્યું છે.
જાણકારોના મતે સોમવારે ઈન્ડિગોની લગભગ ૫૦ ટકા ફ્લાઈટ ઓપરેટ થઈ શકી નહોતી. ત્યારબાદ મંગળવારે ૩૫ ટકા ફ્લાઈટ જ ઓપરેટ થઈ. બુધવારે આ આંકડો ૧૯.૭ ટકા આવી ગયો અને ત્યારબાદ ગુરુવાર અને શુક્રવારે તો એવિયેશન સેક્ટરમાં ભૂકંપ આવી ગયો. ઈન્ડિગોની લગભગ ૧૫૦૦થી વધારે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. બીજી તરફ અન્ય એરલાઈન્સ દ્વારા આ તકનો લાભ લઈને લોકોને લુંટવાના શરૂ કરી દેવાયા હતા.
સામાન્ય રીતે જ્યાંની સિંગલ રૂટની ફ્લાઈટ આઠથી ૧૦ હજારની થતી હતી ત્યાં ૪૦ થી ૫૦ હજાર સુધીના તોતિંગ ભાડા વસુલવામાં આવ્યા હતા. ઉડાન યોજના ચલાવવાના પોકળ ઢોલ પિટતી સરકારે પ્રજાની પીડાને હવામાં ઉડાડી દીધી.
ઉલ્લેખનીય છે કે, નવા એફડીટીએલ નિયમો હેઠળ પાઈલટને અઠવાડિયે ૩૬ કલાક જ આરામ કરવાની મંજૂરી હતી જે વધારીને ૪૮ કલાક કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત નાઈટ લેન્ડિંગની પહેલા ૬ ફ્લાઈટની મર્યાદાને ઘટાડીને ૨ કરી દેવામાં આવી હતી.
એવું ચર્ચાઈ રહ્યું છે કે, તેના કારણે ઈન્ડિગોના ક્રૂ રોસ્ટર ઉપર મોટી અસર થઈ હતી. નવા નિયમોનો ઉદ્દેશ પાઈલટ્સને થાક ઓછો લાગે, તેને માનસિક શાંતિ મળી રહે તેનો હતો જેથી વિમાનની અને પ્રવાસીઓની સુરક્ષામાં કોઈ ખામી ન આવે અને કોઈ મોટો એક્સિડન્ટ ન થાય.
મહત્ત્વની વાત એ છે કે, ભ્રષ્ટ તંત્ર અને લાંચિયા અધિકારીઓ અને વહિવટીયા નેતાઓ દ્વારા તમામ મુદ્દે બાંધછોડ કરવામાં આવે છે અને તેના કારણે લોકો પરેશાન થાય છે. એરલાઈન્સ અંગેના નવા નિયમો જૂન ૨૦૨૪માં લાગુ થવાના હતા. તે સમયે ઈન્ડિગો અને અન્ય એરલાઈન્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો જેના કારણે નિયમોનું અમલીકરણ પાછું ઠેલાયું હતું.
એલાઈન્સનો તર્ક હતો કે નવા નિયમોના અમલીકરણ માટે તેમને વધારે સ્ટાફ ભરવો પડશે અને તેને તબક્કાવાર કામમાં પ્રવૃત્ત કરવો પડશે. તેના કારણે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ ડિજીસીએ દ્વારા એરલાઈન્સને તૈયારીનો સમય આપીને આ વર્ષે આ નિયમ લાગુ કરવામાં આવ્યા. આ નિયમો બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા હતા. પહેલો તબક્કો જુલાઈમાં લાગુ કરાયો હતો અને બીજો તબક્કો નવેમ્બરમાં શરૂ કરાયો હતો.
જાણકારો માને છે કે, પહેલા તબક્કામાં ખાસ કોઈ સમસ્યા આવી નહોતી. તેમાં એરલાઈન્સ અને પાઈલટ્સ તથા અન્ય ક્રૂ મેમ્બર્સને તેમની સવલતો મળી ગઈ હતી. બીજા તબક્કામાં રેડ આઈ ફ્લાઈટ માટે પાઈલટ્સના ઉપયોગમાં અને તેમની ટીમની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો હતો. તેના કારણે ઈન્ડિગોને અન્ય એરલાઈન્સની સરખામણીએ સૌથી વધારે સમસ્યા થઈ હતી. ઈન્ડિગો મોટાભાગે રાત્રે વધારે ફ્લાઈટ ઓપરેટ કરતી હોય છે. ઈન્ડિગો દ્વારા દરરોજ ૨૩૦૦થી વધારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે. જે ૯૦થી વધારે ડોમેસ્ટિક ડેસ્ટિનેશન અને ૪૫ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને કનેક્ટ કરે છે. ઈન્ડિગો ઓછા કર્મચારીઓ દ્વારા આ કામ પાર પડાતી હતી અને નવા નિયમો આવતા જ તેની પોલ ખુલી ગઈ.
ઉલ્લેખનીય છે કે, દરરોજ સામાન્ય ૧૦ ટકા ફ્લાઈટ પણ રદ થાય તો ઈન્ડિગોની ૨૫૦ ફ્લાઈટ રદ થાય તેમ છે. તેની સરખામણીએ એર ઈન્ડિયાને ખાસ અસર થાય તેમ નથી. તે સિવાયની અન્ય એરલાઈન્સને તો સાવ ઓછી અસર થાય તેમ છે.
ઈન્ડિગોની પાસે જે પ્લેન્સ છે તેમાં મોટાભાગના એરબસ એ૩૨૦ જેવા નેરો બોડી વિમાનો છે. આ વિમાનો દ્વારા એક જ દિવસમાં ઘણી ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે. તેના કારણે સ્થિતિ એવી આવી કે એક ફ્લાઈટ ગ્રાઉન્ડેડ થાય તેના પગલે તેની આગળની બધી જ ઉડાણ પણ રદ કરવાનો વારો આવે. ડીજીસીએના મતે નવા નિયમો લાગુ કવરાના કારણે નવેમ્બરમાં ઈન્ડિગોની ૧૨૩૨ ફ્લાઈટ રદ થઈ હતી. તેમાંથી ૭૫૫ ફ્લાઈટ ક્રૂ અને એફડીટીએલ સાથે સંકળાયેલી સમસ્યાઓના કારણે, ૨૫૮ હવાઈ ક્ષેત્ર અને એરપોર્ટના પ્રતિબંધો તથા ૯૨ ફ્લાઈટ એર ટ્રાન્સપોર્ટેશનના નિયમોના કારણે રદ થઈ હતી. ૧૨૭ ફ્લાઈટ રદ થવાના કોઈ નક્કર કારણ પણ સામે આવ્યા નથી.
હવે સમજવા જેવી વાત એ છે કે, ખરેખર એરલાઈન્સ પાસે પાઈલટ્સની અછત છે. એરલાઈન્સ એવા આરોપ મુકે છે કે, ડીજીસીએના નવા નિયમોના કારણે પાઈલટ્સની અછત સર્જાઈ અને લોકોને ભોગવવાનું આવ્યું છે. બીજી તરફ પાઈલટ્સનું એસોસિયેશન જણાવે છે કે, એરલાઈન્સ કંપનીઓ ખોટું બોલી રહી છે. તેમની અપૂરતી તૈયારીઓ અને આયોજનના અભાવને પગલે આ સ્થિતિ સર્જાઈ છે. ડીજીસીએના કડક નિયમોના કારણે એરલાઈન્સને નવા રોસ્ટર બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમની રોજિંદી ફ્લાઈટ ઓપરેટ કરવા માટે તેમને નવા નિયમો પ્રમાણે વધારે મેનપાવર અને પાઈલટની જરૂર પડે છે. ઈન્ડિગો દ્વારા પહેલેથી જ ઓછા સ્ટાફમાં કામ કરવાની વૃત્તિ અમલમાં મુકાયેલી હતી. તેના પગલે જ ડીજીસીએના નિયમોએ તેની કામચારીઓના શોષણ અને પ્રજાની લૂંટનો ફુગ્ગો ફોડી કાઢયો. એસોસિયેશનનો દાવો છે કે, નવા નિયમોના અમલીકરણ પહેલાં બે વર્ષનો પૂરતો સમય અપાયો હતો પણ ઈન્ડિગો દ્વારા કોઈ નવી ભરતી કરવામાં આવી નહીં, પગાર વધારવામાં આવ્યો નહીં અને ઓછા સ્ટાફ સાથે કામ ચાલુ રાખ્યું.
બીજી તરફ એવી ચર્ચા છે કે નવા નિયમ પ્રમાણે ઈન્ડિગોને ૨૪૨૨ કેપ્ટનની જરૂર પડે છે. તેની સામે કંપની પાસે ૨૩૬૦ની આસપાસ કેપ્ટન્સ છે. આ તો માત્ર કેપ્ટનની વાત થઈ. તેમની સાથે કો પાઈલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સની પણ ગણતરી કરવી પડે જેથી સ્ટાફની અછત ખૂબ જ મોટાપાયે થાય તેમ છે. જાણકારો માને છે કે, ઈન્ડિગો દ્વારા તમામ પ્રકારના ખર્ચ ઉપર કાપ મુકીને લોકોને સસ્તી ફ્લાઈટ આપવામાં આવતી હતી. હવે સ્ટાફ ભરવામાં આવશે તો તેમને વધારે સ્ટાફનો વધારે પગાર ચુકવવો પડશે. તે ઉપરાંત ફ્યૂઅલના ભાવમાં વધારો થતો જ રહે છે. તેના કારણે તેમના ખર્ચા વધી જાય તેમ છે. હવે ઈન્ડિગો જેવા લુંટારા એરલાઈન્સનો પ્રોફિટ જાળવી રાખવા અને વધારવા માટે લોકોની પાસેથી વધારે ભાડા વસુલ કરશે અથવા તો ઓછા કર્મચારીઓમાં જ કામ કરવાની પોતાની વૃત્તિ ચાલુ રાખીને લોકોનું અને પાઈલટ્સનું જીવન જોખમાય તેવા અમાનવીય કામ કરશે.
મહત્ત્વની વાત એ છે કે, હાલમાં ભારતમાં સિવિલ એવિયેશનની વાત આવે તો ઈન્ડિગો અને તાતા પાસે આ સેક્ટરનો અંદાજે ૯૦ ટકા હિસ્સો છે. તેઓ પોતાની રીતે બજારને વહેંચીને કામ કરી રહ્યા છે. તેના કારણે પ્રતિસ્પર્ધાનું આખું વાતાવરણ અને સંતુલન ખોરવાઈ ગયા છે. લોકો માને છે કે, આ સેક્ટરમાં નવી નવી એરલાઈન્સને આમંત્રણ આપવું જોઈએ અને તેના દ્વારા ભાડા ઘટાડવામાં, સારી સેવા આપવામાં અને સ્ટાફને આરામ આપવામાં પણ મોટો ફાયદો થાય તેમ છે.
સરકાર અને કંપનીઓના મેળાપીપણામાં પ્રજાને ભોગવવાનું આવ્યું
ભારતમાં સરકાર સાથે મેળાપીપણા કરીને જો કામ કરતા આવડે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે તેમ નથી. ઈન્ડિગોની તાજેતરમાં સર્જાયેલી સમસ્યા તે વાતનું જીવંત ઉદાહરણ છે. કંપની નવા નિયમો માનતી નથી, તેના અમલીકરણની કોઈ વ્યવસ્થા નથી અને તેની સામે પગલાં લેવાની જગ્યાએ કેન્દ્રીય સિવિલ એવિયેશન મંત્રી નાયડુ પાઈલટ્સને માનવતા દાખવવાનું કહીને ફરજ ઉપર હાજર થવા આડકતરું દબાણ કરી રહ્યા છે. તેઓ ઈન્ડિગો સામે તપાસ કરીને પગલાં લેવાના અને દંડ ફટકારવાના વાયદા કરી રહ્યા છે લગભગ પૂરા થાય તેમ નથી. કોઈપણ દુર્ઘટના કે સમસ્યામાં તપાસ પૂરી થઈને ખરેખર દોષિત વ્યક્તિ, સંસ્થા કે કંપનીને સજા કરાઈ હોય તેવા લગભગ કોઈ દાખલા નથી. શરમજનક બાબત એ છે કે, પ્રજા પાંચ દિવસથી પીડાય છે. ઘણાએ પોતાના લગ્ન ગુમાવ્યા તો કોઈએ પોતાના પરિવારથી વિખુટા રહેવું પડયું, કોઈએ પોતાની પરિક્ષા ગુમાવી તો કોઈએ નોકરીની તક ગુમાવી તો કોઈને બીજી કોઈ સમસ્યા થઈ. પ્રજાની આ તમામ પીડા ઉપર ભ્રષ્ટ અધિકારીઓ પડદો પાડી દેશે અને કંપનીને સવલતો આપીને મુક્ત કરી દેવામાં આવશે. સૂત્રોના મતે ડીજીસીએ દ્વારા નિયમોનું અમલીકરણ હાલ પૂરતું અટકાવીને પાઈલટ્સને કામ ઉપર પાછા ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં પાઈલટ્સ ઉપર દબાણ આવી ગયો, તેના જીવનું જોખમ સર્જાયું કે, તેની માનસિક સમસ્યાના કારણે પ્લેન ક્રેશ થયું તો તેવી જવાબદારી કોણ લેશે એ કોઈને ખબર નથી. થોડા સમય પહેલાં અમદાવાદમાં તૂટી પડેલા પ્લેનની પણ જવાબદારી આખરે તો પાઈલટના માથે નાખીને હાથ ખંખેરી લેવાયા હતા. આવા કિસ્સા વધવા લાગશે તો પ્રજાની સલામતીની શું સ્થિતિ થશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.


