Get The App

ગલ્ફ દેશોમાં અમેરિકી ટેક કંપનીઓ હવે ઈરાનનો નવો ટાર્ગેટ

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
ગલ્ફ દેશોમાં અમેરિકી ટેક કંપનીઓ હવે ઈરાનનો નવો ટાર્ગેટ 1 - image

- ડિજિટલ ક્રાઈસિસ : દુનિયાભરમાં છવાયેલી અમેરિકી કંપનીઓના ડેટા સેન્ટરો અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ડેટા સેન્ટરોને ઈરાન તોડી રહ્યું છે 

- ઈરાને કહ્યું છે કે, તેઓ મેટા, ગુગલ, એપલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવી મોટી કંપનીઓના ડેટા બેઝ પર હુમલો કરશે. બહેરીનમાં કુલ ૧૮ અમેરિકન ટેક કંપનીઓ ઈરાનના ટાર્ગેટ પર હોવાની વિગતો પણ સામે આવી છે. આ ડેટા સેન્ટર પર હુમલો થશે તો માત્ર એમેઝોન જ નહીં, પંરતુ વિશ્વની અનેક વેબ સર્વિસ ઠપ થઈ શકે છે. તેના દ્વારા તેની સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગો અને કાર્યો ખોરવાઈ જશે : અમેરિકી મિલિટરી, એરફોર્સ, નેવી તમામ સેક્ટર એડવાન્સ એઆઈ સિસ્ટમ ઉપર આધારિત છે. તેના દ્વારા ડિસિઝન મેકિંગ સપોર્ટ, ઈન્ટેલિજન્સ એનાલિસિસ, ઓપરેશનલ પ્લાનિંગ જેવી કામગીરીઓ થતી હોય છે. તેમાંય અમેરિકાએ શરૂઆતમાં ક્લોડ એઆઈની મદદથી જ ઈરાનના મહત્ત્વના ઠેકાણાઓ, અધિકારીઓ, નેતાઓના ઠેકાણાઓ શોધીને તેને ધ્વસ્ત કર્યા હતા ઃ ઈરાન દ્રઢપણે માને છે કે, અમેરિકા તેની કંપનીઓના ખાડી દેશોમાં આવેલા ડેટા સેન્ટરો અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ ડેટાનો જ ઉપયોગ કરતું હશે. તેના કારણે જ જો આવા કોમર્શિયલ ડેટા સેન્ટરોને ધ્વસ્ત કરવામાં આવે કે તેમની સિસ્ટમ ખરાબ કરી દેવામાં આવે તો તેનો ઉપયોગ થઈ શકે નહીં. અમેરિકાની મિલિટરી પ્લાનિંગ ખોરવાઈ જાય 

ઈરાન અને અમેરિકાનું યુદ્ધ હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના ડેવલપ થયેલા વિસ્તારો અને શહેરોને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યાં ઈરાને નવા જ પ્રકારે બદલો લેવાની શરૂઆત કરી છે. ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકન કંપનીઓના કોમર્શિયલ સેન્ટરોને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી દીધી છે. ઇરાને ગલ્ફ દેશોમાં કાર્યરત અમેરિકી ટેક કંપનીઓ અને ડેટા સેન્ટર પર હુમલો કરવાની ધમકી આપી છે. તેણે માત્ર ધમકી જ આપી છે તેવું નથી. તાજેતરમાં તેણે આવા ડેટા સેન્ટરો ઉપર હુમલા પણ કર્યા છે. અહેવાલો પ્રમાણ યુએઇ અને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થયો છે. બહેરીનમાં એમેઝોનની કલાઉડ કમ્પ્યૂટિંગ સુવિધાને વ્યાપક નુકસાન થયું છે. 

ઉલ્લેખનીય છે કે, ઇરાને શાહેદ ડ્રોન દ્વારા યુએઇ ખાતે આવેલા બે એમેઝોન વેબ સર્વિસીઝ ડેટા સેન્ટર પર હુમલો કર્યો હતો. ખાસ વાત એ છે કે, ડેટા સેન્ટરોને જાસૂસી અને સાયબર હુમલાઓનું જોખમ હંમેશા રહે છે પરંતુ યુધ્ધ દરમિયાન કોઇ દેશ દ્વારા કોમર્શિયલ ડેટા સેન્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની પ્રથમ ઘટના છે. રશિયા-યુક્રેન લડાઇમાં યુક્રેનિયન હેકર્સે વર્ષ ૨૦૨૪માં રશિયન લશ્કરી સંલગ્ન ડેટા સેન્ટરમાં સંગ્રહિત ડેટાનો નાશ કર્યો હતો. તે એક સાઈબર હુમલો હતો અને ડિજિટલ એટેક કરવામાં આવ્યો હતો. ઈરાન દ્વારા જે કરવામાં આવ્યું છે તે એક ફિઝિકલ હુમલો હતો જેમાં ડ્રોનથી ઇમારતને નુકસાન થયું હતું.

ઈરાને હવે વોરને ડિજિટલ ક્રાઈસિસ તરફ લઈ જવાની શરૂઆત કરી છે. એક તરફ હોર્મુઝની ખાડી અને રાતા સમુદ્ર નીચે આવેલી ઈન્ટરનેટની વિશાળ નેટવર્ક કેબલ્સને કાપવાની અનૌપચારિક ધમકી આપી હતી તો બીજી તરફ અમેરિકી કંપનીઓના સેન્ટરો પણ નષ્ટ કરવાની ઈરાનની ધમકી હતી. તે ક્રૂડ બાદ હવે ડેટાને પણ ધ્વસ્ત કરવા માગે છે. આ રીતે તે સમગ્ર વિશ્વમાં ક્રાઈસિસ ઊભી કરવા માગે છે. 

ઈરાને કહ્યું છે કે, તેઓ મેટા, ગુગલ, એપલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન જેવી મોટી કંપનીઓના ડેટા બેઝ પર હુમલો કરશે. બહેરીનમાં કુલ ૧૮ અમેરિકન ટેક કંપનીઓ ઈરાનના ટાર્ગેટ પર હોવાની વિગતો પણ સામે આવી છે. યુઝર્સ એમેઝોન મુદ્દે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર સતત પોસ્ટ કરી રહ્યા છે. જો એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થશે તો માત્ર એમેઝોન જ નહીં, પંરતુ વિશ્વની અનેક વેબ સર્વિસ ઠપ થઈ શકે છે. તેના દ્વારા તેની સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગો અને કાર્યો ખોરવાઈ જશે. સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવશે. 

જાણકારો માને છે કે, બેહરીન અને યુએઈમાં આવેલા આ ડેટા સેન્ટરો ઉપર જે હુમલા કરવામાં આવ્યા છે તેના કારણે વ્યાપક અસર પડી શકે છે. આ ત્રણે જગ્યાએ જે સેવાઓ આપવામાં આવે છે તેના કારણે વિવિધ સેક્ટરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. ખાસ કરીને બેન્કિંગ સિસ્ટમ, કોમર્શિયલ માર્કેટ લેવલે, સોફ્ટવેર પ્લેટફોર્મમાં અને રોજિંદી કામગીરીમાં પણ સમસ્યા સર્જાઈ શકે છે. તેના કારણે સરકારી કામગીરીઓ, કોર્પોરેટ કામગીરીઓ અને કન્ઝયુમર કામગીરીઓ વ્યાપક પ્રમાણમાં ખોરવાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં મોટાભાગની અમેરિકી સોશિયલ મીડિયા સેવાઓ, કન્ઝયુમર સેવાઓ આપતી કંપનીઓ મલ્ટિનેશનલ થઈ ગઈ છે. તેમના અનેક દેશોમાં કોર્પોરેટ ઓફિસ, ડેટા સેન્ટરો, મોટા મોટા વેરહાઉસ બનેલા છે. આ સંજોગોમાં આવી કંપનીઓ અને ખાસ કરીને અમેરિકી કંપનીઓના ડેટા સેન્ટરોને ટાર્ગેટ કરવામાં આવે તો સિવિલિયન સર્વિસ અને મિલિટરી સર્વિસને વ્યાપક અસર પડે તેમ છે. એમેઝોન, માઈક્રોસોફ્ટ, મેટા જેવી કંપનીઓ માટે ડેટા સેન્ટરો, ક્લાઉડ કમ્પ્યૂટિંગ સાથે જોડાયેલી તમામ બાબતો અત્યંત મહત્ત્વની હોય છે. આ ઉપરાંત તેમના ડેટા સરકારી કામગીરી માટે પણ ઉપયોગી સાબિત થતા હોય છે. તેમાંય વર્તમાન સમયમાં મિલિટરી પ્લાનિંગ અને કામગીરીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં પણ અમેરિકી મિલટરી તેનો ખૂબ જ ઉપયોગ કરી રહી છે.

અમેરિકી મિલિટરી, એરફોર્સ, નેવી તમામ સેક્ટર એડવાન્સ એઆઈ સિસ્ટમ ઉપર આધારિત છે. તેના દ્વારા ડિસિઝન મેકિંગ સપોર્ટ, ઈન્ટેલિજન્સ એનાલિસિસ, ઓપરેશનલ પ્લાનિંગ જેવી કામગીરીઓ થતી હોય છે. તેમાંય અમેરિકાએ શરૂઆતમાં ક્લોડ એઆઈની મદદથી જ ઈરાનના મહત્ત્વના ઠેકાણાઓ, અધિકારીઓ, નેતાઓના ઠેકાણાઓ શોધીને તેને ધ્વસ્ત કર્યા હતા. જાણકારો માને છે કે, આવી એઆઈ સિસ્ટમ સામાન્ય મિલિટરી હાર્ડવેર દ્વારા ઓપરેટ કરી શકાતી નથી. આ ઉપરાંત તેના માટે પૂરતા મિલિટરી ડેટા પણ હોતા નથી. આ સંજોગોમાં કોમર્શિયલ સર્વિસ દ્વારા વિવિધ જગ્યાઓના જિયોલોજિકલ મેપ્સ અને ડેટા ભેગા કરવામાં આવે છે. આ કંપનીઓના ડેટાના આધારે મિલિટરી પ્લાનિંગ કરવામાં આવે છે. ઈરાન દ્રઢપણે માને છે કે, અમેરિકા દ્વારા જે રીતે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે તે ખાડી દેશોમાં આવેલા ડેટા સેન્ટરો અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ ડેટાનો જ ઉપયોગ કરતું હશે. તેના કારણે જ જો આવા કોમર્શિયલ ડેટા સેન્ટરોને ધ્વસ્ત કરવામાં આવે કે તેમની સિસ્ટમ ખરાબ કરી દેવામાં આવે તો તેનો ઉપયોગ થઈ શકે નહીં. અમેરિકાની મિલિટરી પ્લાનિંગ ખોરવાઈ જાય. તેના કારણે જ આ હુમલા કરવામાં આવ્યા. આઈઆરજીસીના અધિકારીઓએ પણ નિવેદન આપ્યા હતા કે, દુશ્મનની મિલિટરીને મદદ કરનારા આવા ડેટા સેન્ટરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ખાડી દેશોમાં આવેલી અમેરિકી કંપનીઓના સેન્ટરોને ઈરાન હવે દુશ્મનું ટેક્નોલોજીકલ માળખું હોવાનું જ માની રહ્યું છે અને તેથી જ તેને નષ્ટ કરવા મથી રહ્યું છે.

બીજી તરફ એક શક્યતા એવી જોવાઈ રહી છે કે, અમેરિકાને મદદ કરનારા ખાડી દેશોની ઈકોનોમીને તોડવા માટે ઈરાન આકરાપાણીએ થયું છે. તે યુએઈ, સાઉદી, બેહરીન, કુવૈત જેવા દેશોને ટાર્ગેટકરી રહ્યું છે. અહીંયા અમેરિકા દ્વારા અને અમેરિકી કંપનીઓ દ્વારા ટેક્નોલોજી સેક્ટરમાં વ્યાપક રોકાણ કરવામાં આવ્યું છે. અહીંયા ૧૮ જેટલા અમેરિકી ટેક જાયન્ટના આટફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગના સેન્ટરો આવેલા છે. ગુગલ, મેટા, એપલ, ઓરેકલ જેવી કંપનીઓ અહીંયા વ્યાપક રીતે કામ કરી રહી છે. અહીંયા તેમણે અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને તેના કારણે આ દેશોની ઈકોનોમીમાં પણ વ્યાપક ઉછાળો આવ્યો છે.

ખાડી દેશોમાં રહીને આ કંપનીઓને ઓછા ખર્ચામાં મોટી જગ્યાઓ મળી જાય છે, સસ્તામાં લેબર મળી જાય છે, એનર્જી રિસોર્સ માટે ક્યાંય જવાની જરૂર પડતી નથી. તે ઉપરાંત આ ખાડી દેશોની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, અહીંયાથી આ કંપનીઓ વિવિધ કોન્ટિનેન્ટમાં કામગીરી ઓપરેટ કરી શકે છે. આ ડેટા સેન્ટરોને ટાર્ગેટ કરીને માત્ર અમેરિકાને જ નહીં જે-તે ખાડી દેશોની ઈકોનોમીને પણ હાનિ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે. તે આડકતરી રીતે અમેરિકાને ધમકી આપી રહ્યું છે કે, તેણે આ દેશોથી અંતર જાળવવું પડશે નહીંતર બધા જ દેશોને ભોગવવું પડશે.

આ દિશામાં ધમકી આપતા આઈઆરજીસીએ ગત અઠવાડિયે જ કહ્યું હતું કે, અમેરિકાની ૧૮ જેટલી કંપનીઓને એક પછી એક ટાર્ગેટ કરવામાં આવશે. ગલ્ફ દેશોમાં તેમનું કામ કરવું દુષ્કર કરી મુકીશું. ઈરાનના સૈન્ય અને તેના સાથી સૈન્યોએ પણ એરોસ્પેસ અને ફાઈનાન્સ સેક્ટરમાં રહેલી અમેરિકી કંપનીઓને પણ હુમલાની ચેતવણી આપી દીધી છે. આ ઉપરાંત અમેરિકી કંપનીઓમાં કામ કરતા લોકોને પણ ધમકી આપી છે કે તેઓ વહેલી તકે કંપની છોડીને અને જે-તે દેશ છોડીને સુરક્ષિત સ્થળે જતા રહે. આ તમામ કંપનીઓની ઈમારતોને તોડી પાડવામાં આવશે.