- એકબીજાના સેટેલાઈટ તોડી પાડવા કે સાઈબર એટેક કરીને નિષ્ક્રિય કરવાનો ઉન્માદ સમગ્ર માનવજાત ઉપર સંટક લાવી શકે છે
- છેલ્લાં ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે, અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરવાની ટેક્નોલોજી કેટલાક દેશો દ્વારા વિકસાવવામાં આવી છે. તેના કારણે જ આ ભય તરફ દુનિયાની નજર જઈ રહી છે. અવકાશમાં જે યુદ્ધ થશે તેની અસર વ્યાપક અને દુરોગામી હશે. માત્ર એક સેટેલાઈટ તોડી પાડવામાં આવે તો તે માત્ર સાધન તોડી પાડવા જેવું નથી : જો ઉપગ્રહો તોડી પાડવામાં આવશે તો તેનો કાટમાળ અવકાશમાં જ અત્યંત ઝડપથી ફર્યા કરશે અને તેની ભ્રમણકક્ષામાં આવનારા અન્ય ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડશે. આ એક એવું વિષચક્ર છે જે શરૂ થયા બાદ ક્યારેય અટકશે નહીં. અંતરિક્ષ જોતજોતામાં એક જ દાયકામાં નષ્ટ થયેલા ઉપગ્રહોના કાટમાળનું ડમ્પયાર્ડ બની જશે : અવકાશમાં થનારા દરેક નુકસાનની અસર પૃથ્વી ઉપર સીધી જ દેખાવાની છે. ઉપગ્રહો તૂટી પડે તો જીપીએસ નષ્ટ થઈ જાય. તેના પગલે હવાઈ જહાજો રસ્તો ભટકી જાય, દરિયામાં જહાજો પોતાના નિયત સ્થાને પહોંચી ન શકે અને ઈમર્જન્સી સેવાઓ પણ ખોરવાઈ જવાનો ભય રહેલો છે. હોસ્પિટલના સાધનો, બેન્કિંગ સિસ્ટમ અને વ્યવસ્થાપન તંત્ર પણ ખોરવાઈ જાય તેમ છે. આ કોઈ એક દેશ કે પ્રદેશની સમસ્યા નથી પણ સમગ્ર માનવજાત માટે આ સમસ્યા ઊભી થાય તેમ છે
ટેક્નોલોજીનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ વિશ્વભરમાં યુદ્ધોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ટેક્નોલોજીનો જે રીતે અવિચારી અને અધધ ઉપયોગ થઈ રહ્યો છે તે જોતાં લાગી રહ્યું છે કે, આવનારા દિવસોમાં માત્ર જમીન, પાણી કે હવા સુધી જ આ યુદ્ધ સિમિત રહેશે નહીં. ધીમે ધીમે દુનિયાભરના દેશો અવકાશ તરફ ગતિ કરવા માંડયા છે. ત્યાં તેઓ પોતાની ઈજારાશાહી સાબિત કરવામાં આક્રમક થઈ રહ્યા છે. તેના પગલે એવું દેખાઈ રહ્યું છે કે, આગામી યુદ્ધ વધારે વિનાશક અને ભયાવહ હશે. હાલમાં મિડલ ઈસ્ટમાં જે રીતે યુદ્ધ લડાઈ રહ્યું છે તે જોતા લાગી છે કે, આગામી વર્ષોમાં યુદ્ધ આકાશ નહીં પણ અવકાશ સુધી પહોંચી જશે. હાલમાં ઘણા દેશો દ્વારા અવકાશમાં યુદ્ધ લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બચાવની રણનીતિઓ પણ બનાવવામાં આવી રહી છે. એક વાત છે કે તેમાં માણસોની ભૂમિકા ઓછી રહેશે અને ઓટોમેટિક હથિયારો અને સાધનોનું મહત્ત્વ વધી જશે.
આજના યુદ્ધ ઉપર જ નજર કરીએ તો તે સરહદે ઊભેલા સૈનિકો કરતા અવકાશમાં બે હજાર કિ.મી ઉપર રહેલા ઉપગ્રહો અને તેની સાથે જોડાયેલા રોકેટ અને મિસાઈલો ઉપર વધારે આધાર રાખે છે. આ ઉપગ્રહો દુનિયાભરની કામગીરીઓની નોંધ લે છે અને ઓટોમેટિક વેપન્સ તેનો ઉપયોગ કરે છે. સૈન્ય રણનીતિઓથી માંડીને મસાઈલો અને ડ્રોન હુમલા સુધી બધું જ ધીમે ધીમે ઓટોમેટિક થઈ રહ્યું છે. આ તમામના ડેટા અને માર્ગદર્શન માટે અવકાશમાં નજર કરવામાં આવી રહી છે. અવકાશમાં રહેલા સેટેલાઈટ્સ દ્વારા તમામ બાબતો ઉપર કન્ટ્રોલ અને કમાન્ડ કરવામાં આવી રહ્યો છે. આ એક જ એવી બાબત છે જે ભવિષ્યમાં અંતરીક્ષમાં યુદ્ધના પડઘમ લાવી શકે છે. જો એક વખત અવકાશમાં યુદ્ધની શરૂઆત થઈ તો સમગ્ર માનવજાત ઉપર તેની ગંભીર અને લાંબાગાળાની અસર પડશે. માણસોએ વિચાર કરવો જ પડશે કે તેના દ્વારા વિકસાવાયેલી ટેક્નોલોજી અને તેની શક્તિઓ ક્યાંક તેના જ વિનાશ માટેનું સાધન ન બની જાય.
છેલ્લાં ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે, અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરવાની ટેક્નોલોજી કેટલાક દેશો દ્વારા વિકસાવવામાં આવી છે. તેના કારણે જ આ ભય તરફ દુનિયાની નજર જઈ રહી છે. અવકાશમાં જે યુદ્ધ થશે તેની અસર વ્યાપક અને દુરોગામી હશે. માત્ર એક સેટેલાઈટ તોડી પાડવામાં આવે તો તે માત્ર સાધન તોડી પાડવા જેવું નથી. તેની સાથે સંકળાયેલું સમગ્ર માળખું તુટી પડે છે. તેની સાથે જોડાયેલું માનવજીવન પણ વેરવિખેર થઈ જાય છે. બીજી તરફ એવો પણ ભય છે કે, જો ઉપગ્રહો તોડી પાડવામાં આવશે તો તેનો કાટમાળ અવકાશમાં જ અત્યંત ઝડપથી ફર્યા કરશે અને તેની ભ્રમણકક્ષામાં આવનારા અન્ય ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડશે. આ એક એવું વિષચક્ર છે જે શરૂ થયા બાદ ક્યારેય અટકશે નહીં. અંતરિક્ષ જોતજોતામાં એક જ દાયકામાં નષ્ટ થયેલા ઉપગ્રહોના કાટમાળનું ડમ્પયાર્ડ બની જશે. તેના કારણે સમગ્ર માનવસભ્યતા ટેકનિકલ મામલે ફરી અંધકાર યુગમાં ધકેલાઈ શકે છે.
હાલમાં જો થોડા સમય માટે પણ ફોનનું નેટવર્ક આવતું નથી કે પછી ડેટા બંધ થઈ જાય છે તો આપણે બેબાકળા થઈ જઈએ છીએ. હવે જો ઈન્ટરનેટ કાયમી બંધ થઈ જાય તો આપણી શું પરિસ્થિતિ થાય. અવકાશમાં થનારા દરેક નુકસાનની અસર પૃથ્વી ઉપર સીધી જ દેખાવાની છે. ઉપગ્રહો તૂટી પડે તો જીપીએસ નષ્ટ થઈ જાય. તેના પગલે હવાઈ જહાજો રસ્તો ભટકી જાય, દરિયામાં જહાજો પોતાના નિયત સ્થાને પહોંચી ન શકે અને ઈમર્જન્સી સેવાઓ પણ ખોરવાઈ જવાનો ભય રહેલો છે. હોસ્પિટલના સાધનો, બેન્કિંગ સિસ્ટમ અને વ્યવસ્થાપન તંત્ર પણ ખોરવાઈ જાય તેમ છે. આ કોઈ એક દેશ કે પ્રદેશની સમસ્યા નથી પણ સમગ્ર માનવજાત માટે આ સમસ્યા ઊભી થાય તેમ છે. તે વખતે પૃથ્વી ઉપર એક ગોળી ચલાવ્યા વગર પણ માનવજાતને નર્કની અનુભુતી કરાવી શકાય છે.
અવકાશમાં થતા હુમલા કે યુદ્ધની અસર સમગ્ર વિશ્વને ભોગવવાની આવશે. તેના દ્વારા વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચી જશે. હાલમાં દુનિયામાં ચાલી રહેલું ડિજિટલ તંત્ર માત્ર એક સુવિધઆ નથી પણ આર્થિક જીવન, સામાજિક જીવન અને માનવજીવનનો પ્રાણ છે. બેન્કિંગ સિસ્ટમ, ઓનલાઈન વ્યવહારો, શેરબજાર, ઈન્ટરનેશનલ વેપાર, ઈમર્જન્સી સેવાઓ, ઈકોમર્સ સેવાઓ અને અભ્યાસ થતા બીજા ઘણી સેવાઓ દરરોજ ઉપગ્રહો આધારિત જ ચાલે છે. હવે તેની માહિતી આવતી બંધ થઈ જાય તેની સાથે જ તમામ માળખા પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ જાય તેમ છે.
હાલની વૈશ્વિક પરિસ્થિતિ જોઈએ તો દુનિયાભરના વેપાર અને ઉદ્યોગો ક્રિપ્ટો કરન્સી તરફ આગળ વધી રહ્યા છે. તે ઉપરાંત રિયલ ટાઈમ ગ્લોબલ ટ્રેડિંગ જેવી વ્યવસ્થાઓ આકાર લઈ રહી છે. આ સંજોગોમાં અંતરિક્ષ યુદ્ધ આ માળખું નષ્ટ કરી દે તેમ છે. તે ઉપરાંત પોર્ટ, એરપોર્ટ અને અન્ય જગ્યાઓના કામકાજ રોકાઈ જાય તેમ છે. જરૂરી વસ્તુઓની અછત સર્જાવા લાગે. તે ઉપરાંત રોજગારી અને મોંઘવારી પણ મોટાપાયે વધી જાય તેમ છે. હાલમાં માનવજાત માટે ડિજિટલ નિર્ભરતા એટલી વ્યાપક થઈ ગઈ છે કે તેમાંથી નીકળવું તેના માટે અસ્તિત્વ ગુમાવવા જેવું થઈ જાય તેમ છે. જાણકારો માને છે કે, ગમે ત્યારે અવકાશમાં યુદ્ધ થવાના એંધાણ છે. જે દિવસે આ યુદ્ધ થશે ત્યારે કોઈ શોરબકોર નહીં થાય પણ પૃથ્વી ઉપર બધું જ પડી ભાંગશે અને અર્થતંત્ર, સમાજતંત્ર અને કદાચ એમ કહીએ કે માનવ અસ્તિત્વ કાટમાળ જેવું થઈ જશે.
ચિંતાજનક બાબત એવી છે કે, દરેક દેશો હવે આક્રમકતાથી જ વ્યવહાર કરી રહ્યા છે. તેમાંય મહાસત્તાઓ પોતાનો દબદબો જાળવવા કોઈપણ હદે જઈ રહી છે. હાલમાં યુદ્ધનો જે માહોલ છે તેમાં તો હવે પરમાણુ ઠેકાણાઓ પણ સુરક્ષિત નથી. જે સ્થાનો ઉપર હુમલા કરવાની મનાઈ હતી આજે તેને જ તોડી પાડવા લોકો આકરા થઈ રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં તેની અસર જોવા મળી જ હતી. તે ઉપરાંત અમેરિકાએ પણ ઈરાનના ન્યૂક્લિયર પ્રોજેક્ટ તોડી પાડવાના ભરપૂર પ્રયાસ કર્યા જ છે. રશિયા આજે પણ કહે છે કે, યૂક્રેનનું સૌથી મોટું ન્યૂક્લિયર રિએક્ટર તેના ટાર્ગેટ ઉપર છે. હવે જો તેને નુકસાન કરવામાં આવે તો માત્ર યૂક્રેન નહીં પણ સમગ્ર યુરોપમાં તેની ઘાતક અસરો થાય તેમ છે. દુનિયાની મહાસત્તાઓ પોતાનો દબદબો જાળવવા માટે મર્યાદાની લક્ષ્મણરેખાઓ ઓળંગી રહી છે. આ સંજોગોમાં ભવિષ્યમાં તો અવકાશમાં જઈને પણ હુમલા ન કરે તો નવાઈ પામવા જેવું છે.
માત્ર રોકેટ કે મિસાઈલ દ્વારા હુમલા જ તેવું જરૂરી નથી. અવકાશમાં સાઈબર યુદ્ધ પણ થઈ શકે છે. દેશો દ્વારા એકબીજા ઉપર સાઈબર હુમલા કરીને સમગ્ર ઉપગ્રહ અને તેની સિસ્ટમને હેક કરવામાં કે ખરાબ કરવામાં આવી શકે છે. થોડા સમય પહેલાં અમેરિકાની પરમાણુ એજન્સીઓમાં હેકિંગનો પ્રયાસ અને તે ઉપરાંત વૈશ્વિક ધોરણે પણ ઘણી કંપનીઓની સિસ્ટમ હેક કરીને તેમના પર કરાયેલા રેન્સમવેર હુમલા એ વાતની સાબિતી છે. હવે માત્ર બોમ્બ નાખવા કે રોકેટ મારવા સુધી જ યુદ્ધ રહ્યું નથી.
સાઈબર એટેક દ્વારા પણ સમગ્ર માળખાને ધ્વસ્ત કરી જ શકાય છે. તેમાંય પરમાણુ રિએક્ટર અને પ્લાન્ટને હેક કરીને તેની કામગીરી ખોરવવી કે તેમાં વિસ્ફોટ કરવા હવે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે અવકાશી યુદ્ધના ખતરાને અવગણી શકાય જ નહીં.
અવકાશી યુદ્ધ શરૂ થશે ત્યારે પરિણામ માત્ર માનવજાતના વિનાશનું આવશે
દુનિયામાં જે રીતે આક્રમકતા વધી રહી છે અને એકબીજાને દબાવવાની કે પોતાનો દબદબો બનાવવાની હોડ જામી છે તેના કારણે સ્થિતિ વધારે તંગ થયેલી છે. તેમાંય ચીન અને અમેરિકા જેવા દેશો તો અવકાશમાં પણ પોતાનું આધિપત્ય સ્થાપવા માટે રીતસર હોડમાં ઉતર્યા છે. ચંદ્ર ઉપર સમાનવ અભિયાન હોય કે મંગળ ઉપર જવાનું અભિયાન હોય કે પછી અવકાશમાં સ્પેસ સ્ટેશન બનાવવાની વાત હોય હાલમાં બંને દેશો એકબીજાને પછાડવા મથી રહ્યા છે. હવે જો આ સ્પર્ધા ક્યાંક દુશ્મની કે કટ્ટરતામાં પરિણમી તો તેની અસર ભયાનક હશે. હાલમાં પણ સમગ્ર વિશ્વ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ગ્લોબલ વોમગ, વારંવાર સાઈબર એટેક, યુદ્ધ અને હવામાનમાં અકલ્પનીય ફેરફારોએ સંકટ જન્માવેલું છે ત્યાં અવકાશમાં યુદ્ધ વધારે મોટી ખાનાખરાબી સર્જી શકે છે. અંતરીક્ષમાં જ કોઈ ઉપગ્રહ તોડી પાડવામાં આવે કે તેના ઉપર સાઈબર હુમલો કરવામાં આવે અને તેને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે તો તેનાથી પણ મોટું નુકસાન થઈ શકે છે. કુદરતી આપત્તીઓની ચેતવણી મળશે નહીં, વાવાઝોડાની સમજ મળશે નહીં, વરસાદ, શિયાળો કે ઉનાળો કેવો રહેશે તેની કોઈમાહિતી નહીં મળે. તે ઉપરાંત શિક્ષણ, જીપીએ, વાહનવ્યવહાર અને કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ જશે. આ એક મોટું નૈતિક સંકટ બની શકે છે. અંતરીક્ષ કે જેને માનવતાનો વારસો માનવામાં આવે છે, ભવિષ્યનું પ્લેટફોર્મ માનવામાં આવે છે તે યુદ્ધનું મેદાન બની જશે. ઉપગ્રહો તોડવાના હથિયારો દ્વારા જે યુદ્ધ થશે તેમાં કોણ જીતશે તે ખબર નથી પણ માનવતાનો પરાજય થશે તેનો વિનાશ થશે તે નક્કી છે.


