ઓટીટી પ્લેટફોર્મના સર્જકો ક્રિએટીવ ફ્રિડમના નામે સેન્સરશીપથી છટકી શકે નહીં
- મનોરંજનના નામે પૈસા કમાવાનો કીમિયો; સેક્સ, બીભત્સ ગાળો, મહિલા અને બાળકોનું અપમાન
- ઓટીટી પ્લેટફોર્મ અને તેના ઉપર આવતા રિયાલિટી શોમાં પ્રસારિત કન્ટેન્ટ સામે અત્યારે પ્રબળ વિરોધ ચાલી રહ્યો છે. સેક્સ, અશ્લીલતા અને ગાળો અત્યારે ક્રિએટીવ ફ્રિડમના નામે ચાલી રહ્યા છે. આવા કન્ટેન્ટના વિડીયો વાયરલ કરી, વિવાદ પ્રબળ બનાવી કમાણી કરવાનો કારસો છે. સરકાર મૌન છે, ધર્મ-જાતિનો ઝંડો લઇ મૂલ્યો, વારસાની વાતો કરનાર પણ મૌન છે. ક્રિએટીવ ફ્રિડમની વાતો કરનારા મુદ્દો ભટકાવી સંસ્કાર અને દેશની સમાજવ્યવસ્થાને ભારે નુકસાન કરી રહ્યા છે જેની ભરપાઈ શક્ય નથી.
ગોવિંદાની એક ફિલ્મ ખુદ્દારમાં હિરોઈન કરિશ્મા કપૂર ઉપર ફિલ્માવેલું એક ગીત હતું, સેક્સી સેક્સી સેક્સી મુજે લોંગ બોલે... વર્ષ ૧૯૯૪માં આ ગીતે મોટો વિવાદ જગાવેલો. આ રીતે કન્યાને સેક્સી ખુલ્લેઆમ કેવી રીતે કહી શકાય, લોકમાનસ ઉપર કેવી અસર પડે. વિવાદ સમાવવા છેલ્લે શબ્દ બદલી બેબી, બેબી, બેબી મુજે લોગ બોલે કરવામાં આવેલા.. મહિલાની સેક્સ્યુઅલ ડિઝાયર અને તે સબંધી ફિલ્માવેલા સીનના કારણે મીરા નાયરની ફિલ્મ કામસૂત્ર ઉપર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો. વર્ષ ૨૦૧૫માં જેમ્સ બોન્ડ સિરીઝની સ્પેક્ટર નામની ફિલ્મ રિલીઝ થયેલી. આ ફિલ્મમાં બોન્ડ અને સાથે સ્ત્રી પાત્રનો કિસિંગ સીન સેન્સર બોર્ડે કાપી નાખેલો. ભારતીય ફિલ્મ સેન્સરના ઇતિહાસમાં આવા કેટલાયે ઉદાહરણ છે. ફિલ્મના લેખકો, ડિરેક્ટર તેનો વિરોધ કરતા આવે છે. ઉદારવાદી અને સ્વતંત્ર મિજાજી લોકો તેને વાણી સ્વતંત્ર્ય કે ક્રિએટિવ ફ્રીડમ સામે હુમલા તરીકે લેખાવે છે.
હવે મનોરંજનનો નવો યુગ આવ્યો છે. થિયેટરના ૭૦ એમએમ પડદા કરતા હવે મોબાઇલના ૭ ઇંચના સ્ક્રીન ઉપર લોકો વધારે ચીટકી રહે છે. આ સ્ક્રીન હવે મનોરંજન, માહિતી અને વિચારોની અભિવ્યક્તિ માટેનું સાધન બની ગઈ છે. આ સ્ક્રીન ઉપર જ ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ કાર્યરત છે અને તેના ઉપર પીરસાતા મનોરંજન ઉપર કોઈ નિયંત્રણ નથી. ડિરેક્ટર, નિર્માતા અને લેખક એમના પોતાના સંસ્કાર, આચાર અને વિચારના આધારે સર્જન કરે છે. વધુને વધુ લોકો આકર્ષાય, તે માણે તો કમાણી વધે એવી પ્લેટફોર્મની ઘેલછા છે. આ આકર્ષણ માટે ગાળો, અભદ્ર ભાષા, હિંસા, સેક્સ, મહિલા અને પુરુષની અંતરંગ પળો (જે પહેલા ખાનગી ગણાતી) કચકડે મઢી હવે જાહેર જનતાને પૂરી પાડવામાં આવે છે. આ સ્થિતિમાં યોગ્ય અને અયોગ્ય નક્કી કરનાર કોઈ નથી. વન - વે કોમ્યુનિકેશનના આ માધ્યમમાં બાળક, કિશોર, યુવાન કે પ્રૌઢ બધા તે સ્ક્રીન ઉપર જોઈ શકે છે, જુએ છે અને વારંવાર જોઈ શકે છે. એટલું જ નહીં તે અન્ય સાથે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ક્લિપ શેર પણ કરે છે. બસ, તકલીફ અહીંથી શરૂ થાય છે. મૂળ કન્ટેન્ટ કરતા પોસ્ટ વધારે ઝડપથી વાયરલ થાય છે. પળવારમાં લાખો લોકો આ કન્ટેન્ટ માણતા થાય છે. ક્યરેક વિવાદ મૂળ કન્ટેન્ટની આગને વધારે પ્રજ્જવલિત કરતી હોય એવું બને એટલે એવી પણ શંકા છે કે વિવાદ થશે તો વાયરલ થશે અને વાયરલ વધુ કમાણી કરાવશે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કે આદર્શ કે ઉછાંછળું વચ્ચે પાતળી ભેદરેખા છે અને આ ભેદરેખાની કોઈ લેખિત, કાયદેસરની કે નિયંત્રિત વ્યાખ્યા નથી. શરમ અને બેશરમ વચ્ચેની હદ હવે વધારે ઝડપે હટી રહી છે. ખૂણે, ખાંચરે તેનો વિરોધ શરૂ થયો છે અને આ પ્લેટફોર્મ ઉપર પણ નિયંત્રણ આવે, તેના કન્ટેન્ટની માર્ગદર્શિકા, નિયમ અને કાયદો હોય, તે રિલીઝ થાય એ પહેલા તેની સ્ક્રૂટિની થાય અને સમીક્ષા પછી જ તેને લોકભોગ્ય બનાવાય એવી માંગ ઉઠી છે.
સરકાર તેના મોરચે સોશિયલ મીડિયામાં આવી રહેલી કન્ટેન્ટ, ચર્ચા અને દલીલને નિયંત્રણમાં લાવવા કાયદો ઘડી રહી છે. વાણી સ્વતંત્રતા કરી પણ સમાજના કે રાષ્ટ્રના ભોગે નહીં એવું સરકાર માને છે અને તે માટે નિયંત્રણ લાવવા કટિબદ્ધ છે. કોઈ સ્ટેન્ડ અપ કોમેડિયન નામ લીધા વગર નેતાની ટીકા કરે તો સમર્થકો તોડફોડ કરે, કોમેડિયન સામે પોલીસ કેસ થઈ શકે છે. કોઈ કાર્ટૂનિસ્ટ રાજકીય નેતા વિરુદ્ધ ટકોર કરે તો તે જેલમાં જઈ શકે પરંતુ, મનોરંજનના નામે આવતા અભદ્ર કન્ટેન્ટ અંગે સરકાર મૌન છે.
ઓહ માય ગોડ ટુ નામની ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાય એવો વિરોધ થયેલો. હકીકતે ફિલ્મ સેક્સ એજ્યુકેશનના સંવેદનશીલ મુદ્દે બની હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત સામે કરણી સેનાએ દેશભરમાં મોરચો માંડેલો, તોડફોડ કરેલી કે આ ફિલ્મ રાણી પદ્માવતી અંગેનો ઇતિહાસ યોગ્ય રીતે દર્શાવતી નથી. જાટ, ફૂલે, છાવા જેવી ફિલ્મો સામે આવો જ વિરોધ વિવિધ જ્ઞાાતી કે સંપ્રદાય કરી રહ્યા છે. પણ સેક્સ, બીભત્સ અને લગભગ પોર્ન કહી શકાય એવા કન્ટેન્ટ મુદ્દે સમાજ પણ મહદ્અંશે મૌન છે.
આ મૌન સામાજિક મૂલ્યના પતનનું પ્રથમ ચરણ લાવી શકે. સમાજ બદલાયો છે. લોકો વધારે આધુનિક વિચારધારા, ખુલ્લી માનસિકતા સાથે બેધડક બનીને વર્તન કરી રહ્યા છે. જે કપડાં લોકો ઘરમાં પણ પહેરવાનું વિચારતા નહીં, તેના કરતા પણ ટૂંકા વસ્ત્રો પહેરી હવે લોકો જાહેરમાં ફરતા થયા છે. જે શબ્દોનો પ્રયોગ ધીમા અવાજે કાનમાં થતો કે બોલતા પહેલા બાર વખત વિચાર કરવો પડતો, હવે એ શબ્દો જાહેરમાં અને વટથી બોલવામાં ગૌરવ અનુભવાય છે.
પણ આ સ્થિતિમાં બેરોકટોક મનોરંજન કે કન્ટેન્ટ હોવું જોઈએ નહીં. શબ્દનો વિરોધ થતો, ફિલ્મમાં બોલ્ડ સીનનો વિરોધ થતો, કિસ સામે વાંધો હતો પણ અત્યારે બધું સ્વીકાર્ય છે. કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. ફિલ્મની વાર્તા ઉપરથી પ્રેરણા લઈ જે રીતે છેતરપીંડી, મારામારી કે મર્ડર થઈ રહ્યા છે એમ સંભવ છે કે સેક્સની આ વાતો, ચિત્રો અને તેનું નિરૂપણ વધારે ગંભીર અધોગતિ આણી શકે છે.
ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શાવવામાં આવતા બિભત્સ, સેક્સી કન્ટેન્ટ ઉપર નિયંત્રણ આવે, ફિલ્મોની જેમ ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટની સમીક્ષા માટે સેન્સર બોર્ડ જેવી વ્યવસ્થા હોય તેવી માંગ કરતી જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો સ્વીકાર કર્યો છે અને કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવી છે. જોકે, અન્ય એક ચુકાદો અને તેનો સરકારી વિરોધ નડી શકે છે. તમિલનાડુ રાજ્યના ગવર્નરની વર્તણુક, તેમણે રાજ્ય વિધાનસભામાં પારિત ખરડાઓને મંજૂરી આપવાના બદલે પોતાની પાસે દબાવી રાખેલા. આ કેસના ઓર્ડરમાં રાજ્યપાલની ભારે ટીકા કરતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. તેની સાથે રાજ્યપાલ, રાષ્ટ્રપતિએ પારિત ખરડા અંગે કેટલા દિવસમાં નિર્ણય લેવો એવી માર્ગદર્શિકા પણ જાહેર કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આ મામલે ગિન્નાયા છે. સુપ્રીમ કોર્ટે સરકારની કામગીરી, સંસદની અને રાષ્ટ્રપતિની સત્તા ઉપર તરાપ મારી રહી છે એવું જાહેર નિવદેન ઉપરાષ્ટ્રપતિ કરી રહ્યા છે. આ નિવેદન સુપ્રીમ કોર્ટને ખટક્યું છે. ઓટીટી પ્લેટફોર્મ વાળી અરજીની સુનાવણીમાં ખંડપીઠે ટકોર કરી કે આ નિયમો બનાવવાનું કામ સરકારનું છે, સુપ્રીમ કોર્ટ આમ પણ દખલ કરવા માટે બદનામ થઇ રહી છે. હવે, આ કેસમાં સરકાર કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.
આ ચર્ચા હજીપૂરી થાય ત્યાં ઉલ્લુ નામના ઓટીટી પ્લેટફોર્મ ઉપરનો એક રિયાલિટી શો ચર્ચામાં આવ્યો છે. આ શોમાં હાજર સ્પર્ધક (તેને મનોરંજનની ભાષામાં મહેમાન કહેવાય)ને કાર્યક્રમનો સુત્રધાર સેક્સ, સેક્સની પોઝીશન કેવી હોવી જોઈએ, કામસૂત્ર પોઝીશન કરી બતાવવા ટાસ્ક આપી રહ્યા હોવાનું દર્શાવાયું છે. સુત્રધાર અને પ્લેટફોર્મ સામે પોલીસ કેસ ફાઈલ થયો છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ પ્લેટફોર્મ સામે પગલાં લેવા, આ શો બંધ કરાવવા માટે રજૂઆત થઇ છે. વિરોધ પક્ષ (અને એક-બે સત્તા પક્ષના પણ ખરા) સાંસદોએ પણ આ અભદ્ર મનોરજનનો વિરોધ કર્યો છે. જોકે, સરકારના પક્ષે સત્તાવાર રીતે સંપૂર્ણ મૌન છે. કેન્દ્રના ઇન્ફર્મેશન ટેકનોલોજી ખાતાનો હવાલો સંભાળતા (ઓટીટી પ્લેટફોર્મનું નિયમન તેમના અંકુશમાં છે) પણ મૌન છે અને ગૃહ વિભાગ પણ. સંસ્કાર, ધર્મ અને સનાતનના હિમાયતીઓન ચૂપ જ છે.
ઓટીટી ઉપર સ્વૈચ્છિક નિયમ પાલનથી સમસ્યા ઉકેલાઈ નથી
કેન્દ્ર સરકારના આઈટી વિભાગની મંજૂરી બાદ, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય પાસેથી લાયસન્સ લઇ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં કાર્ય કરી શકે છે. એમેઝોન, નેટફ્લીક્સ, હોટસ્ટાર, લાયન્સગેટ જેવા વૈશ્વિક દિગ્ગજો સામે ઝી, સોની, ઓલ્ટબાલાજી, ઉલ્લુ સહીત સેંકડો ઓટીટી પ્લેટફોર્મ કાર્યરત છે. વર્ષ ૨૦૨૦માં ઓટીટી પ્લેટફોર્મ ઉપરના કન્ટેન્ટ અને પ્લેટફોર્મ પોતે જ કન્ટેન્ટના નિયમોનું પાલન કરે, કાર્યક્રમ કઈ વયજૂથના લોકો જોઈ શકે એ નક્કી કરે, ધર્મ,જાતિ કે સમાજમાં વૈમનસ્ય ફેલાય નહીં એ પ્રકારની રૂપરેખા સાથેની માર્ગદર્શિકા આપી હતી. આનું પાલન સેલ્ફ રેગ્યુલેટરી (સ્વૈચ્છિક નિયમપાલન) હતું. અત્યારે જે વિવાદ ચાલી રહ્યા છે અને કન્ટેન્ટ આવી રહ્યા છે તેમાં આ નિયમો કરગર નહીં નીવડે અને તેના માટે સેન્સરબોર્ડ જેવી વ્યવસ્થા ઉભી કરવી પડે એવી માંગ પ્રબળ બની રહી છે.
સલામતી, સેન્સરશીપ અને સોશિયલ મીડિયા
રણવીર અલાહાબાદિયા નમના સ્ટેન્ડ અપ કોમેડિયને એક ઓટીટી પ્લેટફોર્ર્મના રિયાલિટી શોમાં સ્પર્ધક સાથે કરેલી જીભાજોડીનો કેસ જૂનો નથી. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો. આ સમયે જ સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ હોવા જોઈએ, વાણી સ્વતંત્રતાના નામે બફાટ ચલાવી લેવાય નહીં એવી માંગ થઇ રહી છે. સરકાર ઉપર દબાણ છે, સંસદની સ્ટેન્ડિંગ કમિટી પણ સ્વીકારે છે કે મહિલા, બાળકોની અસ્મિતા અને સન્માન જાળવવા અને સમાજ, વ્યક્તિના નૈતિક મૂલ્યોના સિંચન માટે એક ચોક્કસ માર્ગદર્શક નિયમો, રૂપરેખા તો હોવા જ જોઈએ.
એક નિશ્ચિત બાઉન્ડ્રીની અંદર રહી કન્ટેન્ટ બનાવવું જોઈએ. સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારે છે કે સોશિયલ મીડિયા અને તેના કન્ટેન્ટ ઉપર નિયંત્રણનો મતલબ સેન્સરશીપ નહીં પણ બંધારણના માળખાને ધ્યાનમાં રાખો માર્ગદર્શિકા તો હોવી જ જોઈએ જેથી બેરોકટોક બકવાસ બંધ કરી શકાય.