Get The App

ટ્રમ્પના ઈગોબોમ્બથી ઈઝરાયેલની દોસ્તીમાં ગાબડું પડયું

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના ઈગોબોમ્બથી ઈઝરાયેલની દોસ્તીમાં ગાબડું પડયું 1 - image

- ઈઝરાયેલ લેબેનોનમાં હુમલા કરી હિઝબુલ્લાનો નાશ ઈચ્છે છે અને ટ્રમ્પ સંધિ કરીને ઈરાનને કાયમી શાંત કરવા માગે છે પણ બંને એકબીજાને સ્પષ્ટ કહી શકતા નથી 

- જાણકારોના મતે ટ્રમ્પે ફોન ઉપર નેતન્યાહુને સનકી અને પાગલ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેતન્યાહુ અહંકારી છે અને કોઈની વાત માનતા નથી. તેના કારણે જ ઈઝરાયેલના લોકો તેમને પસંદ કરતા નથી. નેતન્યાહુના અયોગ્ય વર્તનને અને નિર્ણયોના લીધે લોકો દુનિયાભારમાં ઈઝરાયેલને પસંદ કરતા નથી. જો ટ્રમ્પ ન હોત તો નેતન્યાહુ જેલમાં હોત. ટ્રમ્પ હાલમાં નેતન્યાહુને બચાવી રહ્યા છે: અમેરિકી મીડિયાના અહેવાલો જણાવે છે કે, નેતન્યાહુએ અમેરિકા અને ટ્રમ્પનો ઉપયોગ કરી લીધો અને ટ્રમ્પને ફસાવી દીધા. અહેવાલો જણાવે છે કે, ટ્રમ્પ યુદ્ધ સમયે પણ ઘણી વખત નેતન્યાહુના દબાણમાં આવી ગયા હતા. તેમને મજબૂરીમાં આક્રમક હુમલા કરવા પડયા હતા. હાલમાં તેઓ શાંતિ સ્થાપવા ઈચ્છે છે પણ નેતન્યાહુ તેમને યુદ્ધ માટે દબાવી રહ્યા છે: અમેરિકા અને ઈઝરાયેલના લક્ષ્ય હવે અલગ અલગ થઈ ગયા છે. યુદ્ધમાં અબજો ડોલરનું આંધણ થયા બાદ અમેરિકા હવે ફિક્સમાં મુકાયું છે. 

ઈરાનનો સોથ વાળવા માટે ભેગા થયેલા અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે જ અત્યારે ચકમક ઝરી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સાથે ફોન ઉપર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે નેતન્યાહુને ધધડાવ્યા હતા અને તેમને અપશબ્દો પણ કહ્યા હતા. જાણકારોના મતે ટ્રમ્પે ફોન ઉપર નેતન્યાહુને સનકી અને પાગલ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેતન્યાહુ અહંકારી છે અને કોઈની વાત માનતા નથી. તેના કારણે જ ઈઝરાયેલના લોકો તેમને પસંદ કરતા નથી. નેતન્યાહુના અયોગ્ય વર્તનને અને નિર્ણયોના લીધે લોકો દુનિયાભારમાં ઈઝરાયેલને પસંદ કરતા નથી. જો ટ્રમ્પ ન હોત તો નેતન્યાહુ જેલમાં હોત. ટ્રમ્પ હાલમાં નેતન્યાહુને બચાવી રહ્યા છે. નેતન્યાહુ અને ટ્રમ્પ વચ્ચે થયેલા આ વાત સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ છે અને ચર્ચાનો વિષય બની છે. 

જાણકારોના મતે ઈઝરાયેલ દ્વારા થોડા દિવસથી લેબેનોન ઉપર બેફામ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના આ હુમલા અને જક્કી વલણના લીધે ઈરાન સાથેની અમેરિકાની વાટાઘાટો અટકી ગઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઈરાને વાટાઘાટો મુદ્દે અમેરિકાને સ્પષ્ટ ધમકી આપી છે કે, ઈઝરાયેલ જો લેબેનોનો ઉપર હુમલા બંધ નહીં કરે તો કોઈ ચર્ચા નહીં થાય. આ કારણે હવે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેની સૌથી મજબૂત રાજકીય દોસ્તીમાં ભંગાણ પડયું છે. નેતન્યાહુને અભિમાની કહેનારા ટ્રમ્પનું જ અભિમાન ઈરાને ચૂરચૂર કરી દેતા તેણે ઈગોબોમ્બ ઈઝરાયેલ ઉપર ઝીંક્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયેલા વડાપ્રધાન નેતન્યાહુ સૌથી મજબૂત રાજકીય મિત્રો માનવામાં આવતા હતા. તેમની જોડીના લોકો વખાણ કરતા હતા. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં બંનેએ સાથે રહીને ઘણા કાર્યો કર્યા હતા. ખાસ કરીને જેરુસલેમમાં યુએસ એમ્બેસીને ખસેડવી, ગોલાન હાઈટ્સને માન્યતા આપવી અને અન્ય રાજકીય નિર્ણયો લીધા હતા. તે ઉપરાંત બંને દેશો વચ્ચે જે અબ્રાહમ કરાર થયા હતા તેના કારણે સમગ્ર વિશ્વ આશ્ચર્યમાં મુકાયું હતું. ઈરાન ઉપર હુમલા કરીને તેને લાચાર કરી દેવાની યોજના પણ આ મિત્રો જ બનાવી હતી.

 ટ્રમ્પને આશા હતી કે બીજા કાર્યકાળમાં પણ નેતન્યાહુ તેમને સાથ આપશે અને તેમના આદેશો માનશે પણ નેતન્યાહુએ પોતાની મનમાની કરતા હવે આ દોસ્તીમાં ભંગાણ પડયું છે. 

વાત એવી છે કે, હિઝબુલ્લાહના રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં ઈઝરાયેલે લેબેનોનમાં ભીષણ હુમલા શરૂ કરી દીધા છે. તેમાંય બેરૂત અને દક્ષિણના વિસ્તારોમાં પણ હુમલા કરવાની યોજના બનાવી લીધી હતી. ઈરાનને આ વાતની જાણ થતાં જ તેણે અમેરિકાને ભીંસમાં લેતા શાંતિ મંત્રણા રોકવાની ધમકી આપી દીધી. ટ્રમ્પ અત્યારે મથી રહ્યા છે કે, ઈરાન સાથે સંધિ થાય જેમાં ન્યૂક્લિયર હથિયારો નષ્ટ થાય, સમગ્ર ન્યૂક્લિયર કાર્યક્રમ જ રદ થાય, હોર્મુઝની ખાડી ખુલ્લી મુકાય અને સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિરતા આવે. ઈઝરાયેલની વધતી સૈન્ય કામગીરીને કારણે આ મંત્રણા અટકી ગઈ છે. તેના પગલે ગિન્નાયેલા ટ્રમ્પે ફોન કરીને નેતન્યાહુને ધમકાવ્યા અને કહી દીધું કે શાંતિ રાખજો નહીંતર દુનિયાભરમાં એકલા પડી જશો.

બીજી તરફ અમેરિકી મીડિયાના અહેવાલો જણાવે છે કે, નેતન્યાહુએ અમેરિકા અને ટ્રમ્પનો ઉપયોગ કરી લીધો અને ટ્રમ્પને ફસાવી દીધા. અહેવાલો જણાવે છે કે, ટ્રમ્પ યુદ્ધ સમયે પણ ઘણી વખત નેતન્યાહુના દબાણમાં આવી ગયા હતા. તેમને મજબૂરીમાં આક્રમક હુમલા કરવા પડયા હતા. હાલમાં તેઓ શાંતિ સ્થાપવા ઈચ્છે છે પણ નેતન્યાહુ તેમને યુદ્ધ માટે દબાવી રહ્યા છે. નેતન્યાહુ હજી પણ આક્રમક વલણ સાથે જ વર્તી રહ્યા છે. 

ટ્રમ્પે ઘણી વખત નેતન્યાહુને બાયપાસ કરીને અરબ દેશો સાથે સમાધાન કરવાનો અને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો જેના કારણે ઈઝરાયેલ નારાજ છે. 

રાજકીય જાણકારો માને છે કે, અમેરિકા અને ઈઝરાયેલના લક્ષ્ય હવે અલગ અલગ થઈ ગયા છે. યુદ્ધમાં અબજો ડોલરનું આંધણ થયા બાદ અમેરિકા હવે ફિક્સમાં મુકાયું છે. ખાસ કરીને ટ્રમ્પ હવે આ યુદ્ધ અટકાવવા અને શાંતિ સ્થાપવા માગે છે. બીજી તરફ ઈઝરાયેલ અને નેતન્યાહુ ઈરાન અને તેના માટે પ્રોક્સિવોર કરતા હિઝબુલ્લાનો જડમૂળથી સફાયો ઈચ્છે છે. જાણકારો એવો પણ દાવો કરે છે કે, અમેરિકા ક્યારેય ઈરાન ઉપર સીધો હુમલો કરવા કે યુદ્ધ કરવાની તરફેણમાં નહોતું. ટ્રમ્પને નેતન્યાહુ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને તેઓ યુદ્ધમાં જોડાયા હતા. નેતન્યાહુના લીધે અમેરિકાને યુદ્ધમાં ઉતરવું પડયું. હવે અમેરિકા ડીલ કરવા માગે છે પણ ઈઝરાયેલને આ બાબતની કોઈ ચિંતા જ નથી.તે પોતાની રીતે હુમલા કર્યા કરે છે. તેના લીધે હવે આ દોસ્તીના કિલ્લાના કાંગરા ખરવા લાગ્યા છે.

ચર્ચા એવી પણ છે કે, અમેરિકાને યુદ્ધ રોકવામાં, હોર્મુઝની ખાડી ખોલવામાં કે પછી ઈરાનને ડીલ કરીને દબાવવાના કામમાં ઈઝરાયેલ દ્વારા કોઈ મદદ કરવામાં આવતી નથી. નેતન્યાહુનો કોઈ સાથ મળતો ન હોવાથી ટ્રમ્પ ગિન્નાયા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે, હવે કોઈપણ રીતે કૂટનીતિક સમાધાન આવવું જોઈએ જ્યારે નેતન્યાહુ માને છે કે, ઈરાન ઉપર ફરીથી હુમલા કરવા જોઈએ અને તેને ધ્વસ્ત કરી દેવું જોઈએ. તેના કારણે જ ટ્રમ્પ હવે નેતન્યાહુને વિશ્વાસપાત્ર નહીં હોવાના મેણા મારી રહ્યા છે. તે ઉપરાંત તેને ઉપકારો ભુલી જનારા પણ કહી રહ્યા છે. આ પહેલી વખત નથી થયું. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં આ ત્રીજી વખત બન્યું છે કે, બંને વચ્ચે ખેંચતાણ થઈ ગઈ છે. ગત મહિને પણ બંને વચ્ચે ફોન ઉપર લાંબી વાતચીત થઈ હતી પણ કોઈ સમાધાન આવ્યું નહોતું. તે ઉપરાંત ગત મહિનાના અંતે પણ ટ્રમ્પ અને નેતન્યાહુઓ વાત કરી હતી પણ નેતન્યાહુ કોઈ રીતે માનવા તૈયાર નહોતા અને ટ્રમ્પ અકળાઈ ગયા હતા. બંને નેતાઓએ એકબીજા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ઈરાન કે લેબેનોન જ મુદ્દા નથી. ગાઝા પણ આ બંનેના સંબંધોમાં ભંગાણનો મોટો મુદ્દો છે. નેતન્યાહુએ ગાઝા ઉપર સંપૂર્ણ કબજો કરવાની અને હમાસનો નાશ કરવાની યોજના બનાવી હતી અને વ્યાપક અભિયાન ચલાવ્યા છે. આ કામમાં વધુ પડતા આક્રમક થઈને તેમણે ગાઝામાં માનવીય સહાયતા અભિયાન પણ અટકાવી દીધું. તેણે મદદ કરવાની બંધ કરી દીધી અને બીજે ક્યાંથી મદદ ન આવે તેના માટે પણ પહેરો વધારી દીધો. તેના પગલે લાખો બાળકો, મહિલા, વૃદ્ધો ભુખમરાની સ્થિતિમાં આવી ગયા છે. અનેક લોકો ભુખમરાના લીધે જીવ ગુમાવી રહ્યા છે. અમેરિકાએ પણ નેતન્યાહુને સમજાવ્યા હતા કે, ૭૦ ટકા ગાઝા ઉપર કબજો કરીને કામ કરવામાં આવે. અહીંયા ટુ સ્ટેટ સોલ્યુશન લાવીને એક તરફ ઈઝરાયેલ અને બાકીના ભાગ ઉપર પેલેસ્ટાઈનની નવી ઓથોરિટીને શાસન આપી દેવામાં આવે. નેતન્યાહુએ અમેરિકાની આ ઈચ્છા અને સલાહ ફગાવી દીધી અને યુદ્ધ ચાલું જ રાખ્યું છે. હુમલા ચાલુ જ રાખ્યા છે. તેના કારણે પણ બંને વચ્ચે હવે ચકમક ઝરી રહી છે. ગાઝા મુદ્દે અમેરિકા જ નહીં પણ દુનિયાભરના દેશો તેનાથી નારાજ છે.

ટ્રમ્પનો વેપાર જાય છે અને નેતન્યાહુને સત્તા ટકાવવી છે, હવે જવું ક્યાં... 

જાણકારો માને છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ એક રાજનેતા હોવા કરતા પહેલાં વેપારી છે. તેઓ યુદ્ધાના સમયે યુદ્ધ કરીને પછી ઝડપથી બધું કબજે કરીને શાંતિ સ્થાપવા અથવા તો વાટાઘાટો કરીને વેપાર શરૂ કરી દેવામાં માનનારી વ્યક્તિ છે. 

અર્થતંત્રને નુકસાન થાય, વેપાર અટકી જાય અને ઘરઆંગણે ફજેતી થાય તેવું ટ્રમ્પને પોસાય તેમ નથી. તેઓ ઈરાન સાથે વાટાઘાટો કરીને તેની પાસે કામ કઢાવવા માગે છે. તે ક્રૂડ પણ લેશે, હોર્મુઝની ખાડી ખોલીને કર વસુલવાનો પેંતરો પણ કરશે અને પરમાણુ કાર્યક્રમ બંધ પણ કરાવશે. આ ઉપરાંત અરબ દેશોની સાથે પણ ફરીથી જોડાણ કરીને, પૈસા આપીને, હથિયારો આપીને જૂની પીડા દૂર કરી દેશે. તેમના રિસામણા દૂર કરી દેશે. તે સાઉદી અને ઈઝરાયેલ વચ્ચે પણ સોદો કરાવવા માગે છે જેથી ગાઝામાં કાયમી શાંતિ આવી જાય. તેઓ કોઈપણ ભોગે વેપાર શરૂ થઈ જાય અને ડોલર મજબૂત રહે તેવું ઈચ્છી રહ્યા છે. બીજી તરફ નેતન્યાહુની સ્થિતિ જુદી છે. તેના માટે તો યુદ્ધ એ જ કલ્યાણ જેવી સ્થિતિ છે. તે ગાઝા ઉપર કબજો ન કરે, ઈરાનને જવાબ ન આપે, હિઝબુલ્લા અને હમાસનો નાશ ન કરે તો પોતાના સાથી પક્ષો, વિપક્ષો બધા જ તેની વિરુદ્ધમાં જતા રહેલા. હાલમાં પણ યુદ્ધ અટક્યું છે તેના કારણે નેતન્યાહુના જ મંત્રીઓ અને સાથીઓ તેમને ટોણા મારી રહ્યા છે. જો નેતન્યાહુ સમાધાન માટે રાજી થઈ જાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેમની સત્તા જતી રહે અને ઈઝરાયેલમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ જાય તેમ છે. તેના કારણે તેઓ કોઈપણ ભોગે યુદ્ધ કરવા મથી રહ્યા છે. ખાસ કરીને ગાઝાનો કબજો ન મળે તો અત્યાર સુધીની મહેનત એળે જાય. તે હિઝબુલ્લા અને હમાસના નામે જ યુદ્ધ લડીને સત્તા ટકાવી શક્યા છે. હવે સ્થિતિ એવી છે કે, ટ્રમ્પ અને નેતન્યાહુના મનસુબા પાર પડતા નથી અને બંને ફિક્સમાં મુકાયા છે. એકની સંપત્તી અને શાખ જાય તેમ છે જ્યારે બીજાની સત્તા જાય તેમ છે.