ટ્રમ્પના સૌથી સબળ ટેકેદાર મસ્ક હવે બન્યા સૌથી ઉગ્ર ટીકાકાર
- વ્હાઈટ હાઉસમાંથી વિદાય સાથે જ ધંધે વળગેલા મસ્કે ટ્રમ્પના બજેટને ધૃણાસ્પદ ગણાવ્યું
- વેપારી, ઉદ્યોગપતિ અને સાહસિક તરીકે ઈલોન મસ્ક સામે વિશાળ પડકારો છે. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના સૌથી શક્તિશાળી સાથીદાર તરીકે કામ કર્યા પછી નિવૃત્ત થયા બાદ હવે તે ધંધે ચડી રહ્યા છે. પરંતુ, તેની સાથે ટ્રમ્પના તીખા ટીકાકાર તરીકે પણ ઉભરી આવ્યા છે. ટ્રમ્પની બજેટ દરખાસ્તને તેમણે ધુ્રણાસ્પદ લેખાવી છે, એટલું જ નહીં પણ આવતા નવેમ્બરમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પરત બોલાવી લેવા માટે મતદાન કરવા અને ટ્રમ્પના પ્રસ્તાવિત ખરડા ઉપર સહી કરનાર રીપબ્લીકનને મસ્કે મુર્ખ લેખાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ અને મસ્કની દોસ્તીનો અંત આવી ગયો છે.
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંબંધો જેટલી ઝડપથી એકસૂત્રતાએ બંધાયા હતા એના કરતા વધારે ઝડપથી વણસી રહ્યા છે. ટેસ્લા, સ્પેસલિંક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ખુલ્લેઆમ ટ્રમ્પની બજેટ દરખાસ્તનો વિરોધ કરી રહ્યા છે.
મસ્કે વ્હાઈટ હાઉસના પગાર વગરના સલાહકાર તરીકે સત્તાવાર વિદાય લીધી એ પહેલા જ ટ્રમ્પની દરખાસ્તને 'નિરાશાજનક' ગણાવી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ બજેટથી અમેરિકા ઝડપથી નાદાર થશે એટલું જ નહી તેનાથી અમેરિકાની ખાધ ઘટવાના બદલે વધશે એવી ચેતવણી ઉચ્ચારી હતી. ટ્રમ્પના ચુંટણી પ્રચાર અભિયાનમાં કરોડો ડોલરનું દાન આપી, મોટાભાગની સભામાં મેઇક અમરિકા ગ્રેટ અગેઇન એવા સૂત્રને ટેકો આપનાર મસ્ક હવે ટ્રમ્પ માટે સિરદર્દ બની શકે એમ છે. મસ્ક ક્રાંતિકારી બિઝનેસમેન છે અને તેની કંપનીઓ એટલી જ નવી પ્રોડક્ટ બજારમાં લઇ દુનિયા સર કરવા નીકળી પડી છે. જોકે, ટ્રમ્પ સાથેના જોડાણ બાદ વિશ્વની સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની તરીકે મસ્કની ટેસ્લા હવે ચીનની બીવાયડી કરતા પાછળ પડી ગઈ છે.
ટેસ્લાનું વેચાણ અમેરિકા અને યુરોપમાં ઘટયું છે એટલું જ નહીં નિષ્ણાતો જણાવે છે કે ટેસ્લા કોઈ નવી પ્રોડક્ટ બજારમાં નહીં મૂકે તો સ્થિતિ વધારે નબળી પડશે. બીજી તરફ, મસ્કની સ્પેસએક્સ કંપનીનું વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપ સતત ત્રીજી વખત અવકાશગમનના પ્રયોગમાં નિષ્ફળ રહ્યું છે. કંપનીના ફાલ્કન ૯ રોકેટની સફળતા પછી મસ્કે સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપ માટે જાહેરાત કરી હતી. આ રોકેટ મંગળ ગ્રહ ઉપર પ્રવાસન માટેની મસ્કની યોજનાના ભાગ છે. એરબસ એ૩૨૦ નીઓ એરક્રાફ્ટ કરતા ૭૦૦ ગણી ક્ષમતા સાથેનું આ રોકેટ જાન્યુઆરી, માર્ચ અને મે એમ ત્રણ પ્રયોગમાં નિષ્ફળ રહ્યું છે. અને તેનાથી મસ્કના સ્પેસ પ્રોગ્રામને મોટો ધક્કો લાગ્યો છે.
ટ્રમ્પ સાથે જોડાણ બાદ અમેરિકામાં નવી સરકાર સત્તારૂઢ થતા મસ્કને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસીયન્સી (ડોજ)ના વડા તરીકે કામ સોંપવામાં આવ્યું હતું. આ વિભાગે અમેરિકન સરકારના બિનજરૂરી ખર્ચ ઘટાડી સરકારની કાર્યક્ષમતા વધારવાની હતી. સત્તા ઉપર આવતાની સાથે જ અમેરિકાએ ડોજ થકી વિશ્વના દેશોને મળતી સહાય બંધ કરી, સરકારી નોકરોને ઘરભેગા કરી દીધા, અમેરિકન સરકારના અન્ય કેટલાક કાર્યક્રમ પણ રાતોરાત બંધ કરી દેવામાં આવ્યા હતા. બે ટ્રીલીયન ડોલરનો ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ પછીથી એક ટ્રીલીયન ડોલર કરવામાં આવ્યો. મસ્કના પગલાંનો ભારે વિરોધ જોવા મળ્યો, કોર્ટમાં કેસ થવા માંડયા, કેટલાક ચાલુ છે અને કેટલાકમાં નોકરો જીત્યા છે. ટ્રમ્પ સરકાર વતી ધડાધડ નિર્ણય લઇ રહેલા મસ્કને કેટલાક લોકોએ 'ચૂંટાયા વગરના વિશ્વના સૌથી શક્તિશાળી નેતા' તો કોઈએ ટ્રમ્પ નહીં ઈલોન મસ્ક રાષ્ટ્રપતિ છે એવા બિરુદ પણ આપ્યા!
આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની રીતે વિવિધ દેશો ઉપર ટેરિફ લાદવા શરૂ કર્યા. કેનેડા, મેક્સિકો, ચીન બાદ લીબરેશન ડેના નામે તા. ૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિશ્વના દરેક દેશો ઉપર પારસ્પરિક (રેસીપ્રોક્લ) ટેરિફની જાહેરાત કરવામાં આવી. રશિયા - યુક્રેન યુદ્ધ બંધ કરાવવામાં ટ્રમ્પ હજી નિષ્ફળ રહ્યા છે, ઇઝરાયેલ દરેક વિરોધ વચ્ચે આજે પણ ગાઝા ઉપર બોમ્બવર્ષા કરી રહ્યું છે અને લાખો પેલેસ્ટાઈની ભૂખમરામાં ટળવળી રહ્યા છે. હજારો મોતને ભેટયા છે. ટ્રમ્પ અને મસ્કની દોસ્તીના અંતની હવે શરૂઆત થઇ ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વન, બીગ બ્યુટીફૂલ બિલના નામે સેનેટ સમક્ષ બજેટની દરખાસ્ત મૂકી છે. આ બિલમાં દેવાની મર્યાદા વધારી પાંચ ટ્રીલીયન ડોલર કરવાની ભલામણ છે.
આ ઉપરાંત, અમેરિકામાં નોંધાયેલી પણ વિદેશમાં કાર્યરત કંપનીઓ ઉપર ટેક્સ લડવાની ભલામણ છે, રીન્યુએબલ એનર્જી અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે મળતી ટેક્સ ક્રેડીટ નાબૂદ કરવાની ભલામણ છે. આ ત્રણેય મામલે મસ્ક નરાજ છે. ઘટી રહેલા ટેસ્લાના વેચણમાં જો ઈવી ઉપર ટેક્સ નાબૂદ કરવામાં આવે તો મરણતોલ ફટકો પડી શકે. મસ્કની કંપનીઓ યુરોપ અને ચીનમાં જંગી ઓપરેશન ધરાવે છે અને ત્રીજું કારણ છે કે મસ્ક અમેરિકન સરકારનો ખર્ચ ઘટાડી દેવું ઘટાડવાના હિમાયતી છે નહીં કે સરકારનું દેવું વધારવાના...
બીગ બ્યુટીફૂલ બિલને મસ્કે તિરસ્કૃત કરી ધૃણાસ્પદ લેખાવ્યું છે. મસ્કના સ્વભાવ અને વિચારધારાથી પરિચિત સત્તાધારી રીપબ્લીકન પાર્ટીના સાંસદો પણ અવાચક થઇ ગયા છે. મસ્ક આટલી આકરી ટીકા કરશે કે કોઈ સ્વીકારી શકે એમ નથી.
બજેટ ઉપર હજી સેનેટમાં ચર્ચા થશે, ફેરફાર પણ શક્ય છે. ટ્રમ્પ તા. ૪ જુલાઈ - અમેરિકન ઈન્ડીપેન્ડેન્સ ડે -ના દિવસે આ બજેટ ઉપર હસ્તાક્ષર કરવાની ઈચ્છા ધરાવે છે.
મસ્કના બજેટ અને દરખાસ્ત સામે ચાર મુખ્ય વાંધા છે. અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર ટેક્સ ક્રેડીટ આપવામાં આવે છે. મસ્કની ટેસ્લાની ખરીદી ઉપર સરેરાશ ૭૫૦૦ ડોલરની રાહત મળે છે. ટ્રમ્પના બજેટમાં આ ક્રેડીટ બંધ કરી દેવાની દરખાસ્ત છે. મસ્કે આ ક્રેડીટ ચાલુ રહે એ માટે એપ્રિલમાં અઢી લાખ ડોલર ખર્ચ લોબીઈંગ કર્યું હોવાનું અમેરિકન અખબારો જણાવે છે.
બીજું, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અમેરિકાના નિયમનકાર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) તેની સુચના પ્રણાલી અને નેટવર્ક અપગ્રેડ કરી રહ્યા છે. મસ્કની સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક એફએએની પ્રણાલીનો કોન્ટ્રાકટ મેળવવા પ્રયત્ન કરી રહી છે. ત્રીજું, સ્પેસ એજન્સી નાસાના વડા તરીકે જરેડ ઇસાકમેનના નામ ઉપર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચોકડી મારી દીધી છે.
ઇસાકમેન અને મસ્ક મિત્રો છે અને કેટલીક કંપનીઓમાં સહયોગી તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરંત, ડોજના વડા તરીકે અને સરકારના સલાહકાર તરીકે ૧૨૦ દિવસની મુદ્દત પછી પણ મસ્ક ટકી રહેવા માંગતા હતા, વ્હાઈટ હાઉસે આ પ્રસ્તાવ નામંજૂર કરતા મસ્ક ગિન્નાયા છે અને ખાધના નામે ટ્રમ્પની આકરી અને ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે.જોકે, વ્હાઈટ હાઉસ સત્તાવાર મસ્કની ટીકાને ખાળી રહ્યું છે. વ્હાઈટ હાઉસ પ્રવક્તા કેરોલીન લેવિટે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે મસ્કની વિચારધારા અંગે ટ્રમ્પ વાકેફ છે અને રાષ્ટ્રપતિ પોતાના બજેટ ખરડા અંગે પણ મક્કમ છે. આ અંગે બીજી કોઈ ચર્ચા થઇ રહી નથી. ગત શુક્રવારે જયારે મસ્કે સરકારમાંથી વિદાય લીધી ત્યારે ટ્રમ્પે જણાવેલું કે મસ્ક હંમેશા સરકાર સાથે જોડાયેલા રહેશે. જોકે, ત્યારે મસ્કની ટીપ્પણીઓ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે નાલેશી આણી રહી છે.
ઇલોન મસ્કના વિવાદિત નિર્ણયો અને નિષ્ફળ ડોજ
અમેરિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે ડોજના કર્તા-હર્તા તરીકે મસ્કને સંપૂર્ણ સત્તા આપવામાં આવી હોવા છતાં નિષ્ફળ રહેતા તેમની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો ન હતો. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પહેલા ડોજ વર્ષે બે ટ્રીલીયન ડોલરનો ખર્ચ ઘટાડશે એવી જાહેરાત થઇ હતી જે ડોજની સ્થપના પછી ઘટાડી અડધી કરી નાખવામાં આવી હતી. ડોજના વિવાદિત નિર્ણયમાં સૌથી પહેલા લાખો લોકોને નોકરી છોડવા માટે રાતોરાત ઈમેઈલ કરવામાં આવ્યા હતા, વિદેશી સહાયની યુએએઇડ બંધ કરવી, સરકારી કર્મચારીઓ ગુનાઈત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એવા મસ્કે અનેક નિવેદન કર્યા પણ કોઈ પુરાવા હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એક ટ્રીલીયન ડોલર સામે અત્યારે ડોજના પગલાંથી ૧૭૫ અબજ ડોલરનો સરકારી ખર્ચ ઘટયો હોવાની વાત વેબસાઈટ ઉપર છે. આ દર્શાવે છે કે વિવાદિત નિર્ણયો વચ્ચે ટ્રમ્પ સામે સામાન્યજન નારાજ થઇ રહ્યા હતા, ડોજ કાર્યક્ષમતા વધારવામાં નિષ્ફળ રહ્યું હોવાથી મસ્કને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.