નવા દલાઈ લામા : પુનર્જન્મની પરંપરાના આધારે પસંદગી થશે
- ચીનનું દબાણ, ભારતનો ઉત્સાહ અને અમેરિકાની આતુરતા વચ્ચે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી ઉપર દુનિયાની નજર
- દલાઈ લામા પોતાના જન્મ દિવસે ઉત્તરાધિકારી વિશે સંકેતો આપશે અને તેના આધારે તેની શોધ કરવામાં આવે તેવી જનસાધારણની માન્યતા : 'વોઈસ ફોર ધ વોઈસલેસ'માં તેમણે લખ્યું હતું કે, તેઓ પોતાના ઉત્તરાધિકારીની જાણકારી પોતાના 90મા જન્મ દિવસે આપશે. આવતીકાલે તેમનો 90મો જન્મ દિવસ છે : દલાઈ લામાએ તો એવો પણ સંકેત આપ્યો હતો કે, તેમનો ઉત્તરાધિકારી ચીનની બહાર જન્મ લેશે. તેમના ઉત્તરાધિકારી તરીકે કોઈ છોકરી, પુખ્ત વ્યક્તિ અથવા તો અન્ય કોઈપણ હોઈ શકે છે
બૌદ્ધ ધર્મના વડા ધર્મગુરુ દલાઈ લામા પોતાના જીવનકાળના ૯ દાયકા પૂરા કરીને ૯૧મા વર્ષમાં પ્રવેશ કરવાના છે ત્યારે ફરી એક વખત તેમના ઉત્તરાધિકારી અંગેની ચર્ચાએ જોર પકડયું છે. સૂત્રોનું માનવું છે કે, દલાઈ લામા દ્વારા આગામી દલાઈ લામા એટલે કે પોતાના ઉત્તરાધિકારી વિશે જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તિબેટના બૌદ્ધ ધર્મગુરુને પોતાના ઉત્તરાધીકારીની પસંદગી કરવા માટે વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમાં દલાઈ લામાના પૂનર્જન્મ અંગે માહિતી જાહેર કરવામાં આવે છે. આ પ્રાચિન અને પારંપરિક પ્રક્રિયાનો ચીન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે આ કામગીરીમાં અડિંગો લગાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે, ચીન વર્ષોથી તિબેટને પોતાના દબાણ હેઠળ રહેલો પ્રદેશ ગણાવે છે અને તેમાં રહેતા બૌદ્ધ મઠો અને તેના ધર્મગુરુઓને પણ દબાવવાનું કાયમ વલણ ધરાવતું આવ્યું છે. તેના કારણે જ ચીનનું કહેવું છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિમણૂક ચીની નેતાઓની મંજૂરીને આધિન હોવી જોઈએ. બીજી તરફ તિબેટવાસીઓ અને ધર્મગુરુઓ તથા અનુયાયીઓ માને છે કે, આ કામગીરી ધાર્મિક અને પારંપરિક રીતે જ થવી જોઈએ. ચીનની આડોડાઈ સામે ભારત પણ મેદાનમાં આવી ગયું છે. તેણે પારંપરિક રીતે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાને સમર્થન આપ્યું છે. જાણકારોના મતે ચીનને ભીંસમાં લેવા માટે અને જિયોપોલિટિક્સમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે અમેરિકા દ્વારા પણ આ મુદ્દે દરમિયાનગીરી કરવામાં આવે તો નવાઈ નહીં.
નોંધનીય બાબત એ છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર ધરાવતા દલાઈ લામા હવે માત્ર બૌદ્ધ ધર્મગુરુ નથી ગણાતા. બૌદ્ધ ધર્મ ઉપરાંત વૈશ્વિક સ્તરે તેમની ખૂબ જ નામના છે અને અનેક લોકો તેમનું અનુસરણ કરે છે. આ કદના ધર્મગુરુના ઉત્તરાધિકારીની પસંદગી કરવી તે જટિલ અને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે તેવી પ્રક્રિયા છે. દલાઈ લામા દાયકાઓથી ધર્મશાલામાં પોતાની આગવી સરકાર બનાવીને તિબેટની કામગીરી કરી રહ્યા છે. ભારતમાં રહીને તેઓ તિબેટવાસીઓ સાથે જોડાયેલા છે. તે ઉપરાંત છેલ્લાં ૬૬ વર્ષથી તેઓ દુનિયાભરમાં ફેલાયેલા બોદ્ધ ગુરુઓ, સાધકો અને અનુયાયીઓ સાથે જોડાયેલા છે. તમામનું સંચાલન ભારતથી કરી રહ્યા છે તો શક્ય છે કે, તેમના આગામી ઉત્તરાધિકારીની શોધ અને પસંદગી પણ ભારત થકી જ કરવામાં આવે. અહીંયા નોંધવું એ બાબતે છે કે, પસંદગી ગમે તેની કરવામાં આવે પણ દલાઈ લામા પસંદ કરવાની જે પૂનર્જન્મની પરંપરા છે તેનું ખાસ અનુસરણ કરવામાં આવશે તે વાત નક્કી છે. તેના વગર દલાઈ લામાની પસંદગી થતી પણ નથી.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન દલાઈ લામા ૧૯૫૯થી ભારતના હિમાચલ પ્રદેશ ખાતે ધર્મશાલામાં રહે છે. તેઓ માઓત્સે તુંગના કોમ્યુનિસ્ટ શાસનનો વિરોધ કરીને રહેતા હતા. તેઓ ચીની કટ્ટરવાદ સામે વિદ્રોહ કરવા દરમિયાન નિષ્ફળ ગયા ત્યારે ભારતમાં શરણુ લેવા આવી ગયા હતા. તેઓ ત્યારથી ભારતમાં જ રહે છે. આ વખતે દલાઈ લામા અને તેમના ઉત્તરાધિકારીની વાત એટલે ચર્ચામાં આવી છે કે, એક પુસ્તકમાં તેનો ઉલ્લેખ થયો છે. થોડા સમય પહેલાં જ આવેલા પુસ્તક 'વોઈસ ફોર ધ વોઈસલેસ'માં તેમણે લખ્યું હતું કે, તેઓ પોતાના ઉત્તરાધિકારીની જાણકારી પોતાના ૯૦મા જન્મ દિવસે આપશે. આ વખતે તેમનો ૯૦મો જન્મ દિવસ છે.
પુસ્તકમાં જ્યારે આવો દાવો કરાયો છે કે, દલાઈ લામા પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરશે તો સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે, હાલમાં જે દલાઈ લામા છે તેમની પસંદગી કેવી રીતે કરવામાં આવી હશે. જાણકારોના મતે તિબેટમાં એક ચોક્કસ પરંપરા છે. આ પરંપરામાં એવી માન્યતા છે કે, વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુના અવસાન બાદ તેમની આત્માનો પૂનર્જન્મ થાય છે. ૧૪મા દલાઈ લામાનો જન્મ ૬ જુલાઈ ૧૯૩૫ના રોજ ઉત્તર-પૂર્વ તિબેટમાં થયો હતો. ખેડૂત પરિવારમાં તેઓ લ્હામો ધોંડુપ તરીકે ઓળખાતા હતા. તેઓ બે વર્ષના હતા ત્યારે તેમને બૌદ્ધ ભિક્ષુના પૂનર્જન્મ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. તે સમયે તિબેટની સરકાર દ્વારા મોકલવામાં આવેલી શોધ ટૂકડી જ્યારે તેમને ત્યાં પહોંચી તેમની ઓળખ થઈ હતી. તેમને જે સંકેતો આપવામાં આવ્યા હતા તેના આધારે તેઓ ૧૪મા દલાઈ લામાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તપાસ કરનારા અને શોધ કરનારા લોકોએ ૧૩મા દલાઈ લામાની કેટલીક વસ્તુઓ બે વર્ષના બાળકને બતાવી અને આ બાળક આ વસ્તુઓ મારી છે, મારી છે તેવું કરવા લાગ્યો ત્યારે નક્કી થઈ ગયું કે, તેઓ જ નવો અવતાર છે. ત્યારબાદ ૧૯૪૦માં લ્હામો થોંડુપે વર્તમાન તિબેટની રાજધાની લ્હાસાના પોતાલા પેલેસમાં લઈ જવામાં આવ્યા. અધિકારિક રીતે તિબેટના લોકો અને બૌદ્ધ અનુયાયીઓ દ્વારા તેમને પોતાના નવા ધર્મગુરુ તરીકે સ્થાપિત અને સ્વીકૃત કરવામાં આવ્યા. ખાસ વાત એવી છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તક 'વોઈસ ફોર ધ વોઈસલેસ'માં દલાઈ લામાએ જ જાતે જણાવ્યું હતું કે, તેમનો ઉત્તરાધિકારી ચીનની બહાર જન્મ લેશે. તેઓ સમય આવ્યે જણાવશે કે ચીનની બહાર તેમનો ઉત્તરાધિકારી ક્યાં હશે. ગાદેન ફોડરંગ ફાઉન્ડેશનના અધિકારીઓને તેમના ઉત્તરાધિકારીને શોધવાનું અને માન્યતા આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.
દલાઈ લામાએ પોતાના વર્તમાન પુસ્તક દ્વારા જે નિવેદનો આપ્યા છે અને જે સંકેત આપ્યા છે તે જણાવે છે કે, આગામી સમયમાં તેમના ઉત્તરાધિકારી વિશેની પ્રક્રિયા તેમના દિશા-નિર્દેશના આધારે શરૂ થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેમનો ઉત્તરાધિકારી ચીનની બહાર જન્મ લેશે. તેના કારણે તેમાં ચીન દરમિયાનગીરી કરી શકશે નહીં. ચીન દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવશે નહીં. દલાઈ લામાએ તો એવો પણ સંકેત આપ્યો હતો કે, આગામી સમયમાં તેમના ઉત્તરાધિકારી તરીકે કોઈ છોકરી, પુખ્ત વ્યક્તિ અથવા તો અન્ય કોઈપણ હોઈ શકે છે.
આ તમામ બાબતો વચ્ચ અંતિમ નિર્ણય તો તિબેટની બૌદ્ધ પરંપરાના આધારે અને તિબેટની જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. એક વિચાર એવો પણ છે કે, દલાઈ લામાની ગેર હાજરી અને નવા દલાઈ લામાની પસંદગી અને ટ્રેનિંગ વચ્ચેના સમયગાળામાં આ સમગ્ર સ્થિતિ કોણ સંભાળી શકે. આ સ્થિતિનું સંચાલન કરવા માટે તિબેટ સંસદનું કહેવું છે કે, નિર્વાસિત સરકાર જ આ સ્થિતિમાં પોતાનું કામ ચાલુ રાખશે. તેના માટે જે પરંપરા નક્કી થઈ છે તેનું પાલન કરવું જ જોઈએ. નિર્વાસિત સરકાર દ્વારા જ કામગીરી જોવામાં આવશે અને દલાઈ લામાની કામગીરી આગળ વધતી રહેશે.
ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે લડી લેવાના મૂડમાં
જાણકારોના મતે ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે લડી લેવાના મૂડમાં છે. તેણે ઘણા સમયથી ગાણા ગાવાનું શરૂ કર્યું છે કે, ચીનના નેતાઓ પાસે દલાઈ લામાના ઉત્તરાધિકારીને માન્યતા આપવાના અધિકારો છે. ચીનમાં શાહી શાસન હતું ત્યારથી તેના નેતાઓને આ અધિકારો મળેલા છે. આ પસંદગી માટે એક સુવર્ણ કળશમાં ચિઠ્ઠીઓ નાખીને તેમાંથી એક નામ પસંદ કરવામાં આવે છે.
૧૭૯૩માં કિંગ રાજવંશ સમયે પણ આવું જ કરાયું હતું. ચીની અધિકારીઓ દ્વારા કહેવાય છે કે, દલાઈ લામાના પૂનર્જન્મ વિશેની બાબતો પણ ચીનના કાયદાને આધિન રહીને જ નક્કી કરાશે. સ્વાભાવિક રીતે જ ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં દખલ દેવા માગે છે. તિબેટનો બૌદ્ધ સમાજ અને નિર્વાસિત સરકાર ચીનની કોઈ વાતને ગણકરાતા નથી. તેઓ પોતાની પરંપરાઓનું પાલન કરવામાં જ માને છે. ઘણા બૌદ્ધ સાધુઓનું માનવું છે કે, ધર્મમાં જ નથી માનતા તેવા ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ અને આકાઓ કેવી રીતે લામાઓ અને પૂનર્જન્મ પ્રણાલી વિશે હકારાત્મક માન્યતા ધરાવશે. આ કામગીરીમાં જ તેમને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી તો તેઓ દલાઈ લામાના ઉત્તરાધિકારીમાં તો બોલી શકે તેમ જ નથી. ખાસ વાત એ છે કે, ચીને તો કાયમ દલાઈ લામાને અલગાવવાદી નેતા રહ્યા છે. ચીનની આ પ્રકારની આડોડાઈ વચ્ચે ભારતમાં અલગ પ્રકારનો ઉત્સાહ છે. ભારત માને છે કે, ભારતમાં ૧,૦૦,૦૦૦થી વધારે બૌદ્ધ ધર્મના લોકો રહે છે જે અધ્યયન અને અન્ય કામ કરી રહ્યા છે. તેઓ તેમની રીતે રહેવા માટે સ્વતંત્ર છે. દલાઈ લામા પણ પોતાના ધર્મનું પોતાની રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીને ભારતનું સમર્થન છે.
આધ્યાત્મિક ગુરુને સપનામાં નવા દલાઈ લામાના સંકેત મળે છે
દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે પારંપરિક તિબેટીયન બોદ્ધ પરંપરા અને પ્રક્રિયાથી કામ કરવામાં આવે છે. તેમાં પૂનર્જન્મની પરંપરા દ્રઢપણે સંકળાયેલી છે. તેઓ માને છે કે, વર્તમાન દલાઈ લામાના નિધન બાદ તેમની આત્મા પૂનર્જન્મ લે છે અને કોઈ નવજાત શિશૂ તરીકે આવે છે.
આ બાળકની શોધ અને ઓળખ કરવા માટે કેટલીક પરંપરા અને પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કહેવાય છે કે, વરિષ્ઠ ભિક્ષુ અને આધ્યાત્મિક ગુરુના સપનામાં વિવિધ ધાર્મિક સંકેત આવે છે. દલાઈ લામાના અવસાન દરમિયાન થતી ઘટનાઓ સાથે સંકળાઈને તેમને સપનાં આવે છે અને વિવિધ સંકેતો જોવા મળે છે. તેઓ આ સંકેતો અને સપનાનો અભ્યાસ કરે છે. ત્યારબાદ એક ટૂકડીને નક્કી કરવામાં આવે છે જે સંભવિત સ્થળોએ જઈને પૂનર્જન્મ લઈ શકે તેવા બાળકોની શોધ કરે છે. ત્યારબાદ આ બાળકને તત્કાલિન દલાઈ લામાની વસ્તુઓ બતાવવામાં આવે છે. આ દરમિયાન કોઈ બાળક આ વસ્તુઓ ઓળખી જાય અને મારી વસ્તુઓ છે જેવો દાવો કરે તો તેને પૂનર્જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ બાળકની આધ્યાત્મિક ક્ષમતા, વ્યવહાર અને અન્ય સંકેતોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આ તમામ સ્તરે વરિષ્ઠ સાધુઓ, ભિક્ષુઓ સંતુષ્ટ થાય છે ત્યારે ઔપચારિક રીતે દલાઈ લામા તરીકે બાળકને જાહેર કરવામાં આવે છે.