- ભેળસેળિયાઓએ ભગવાનને પણ છોડયા નથી : તિરુપતી મંદિર અને અંબાજીના પ્રસાદમાં પણ નકલી ઘીનો વિવાદ ચગ્યો હતો પણ પછી શું....
- 2019થી 2024ની વચ્ચે અંદાજે 20 કરોડ કરતા વધારે લાડુમાં નકલી અને ભેળસેળ ધરાવતા ઘીનો ઉપયોગ થયો હોવાની માહિતી સામે આવી હતી. તેવી જ રીતે થોડા સમય પહેલાં દેશની એક જાણીતી બ્રાન્ડનું ઘી ગુણવત્તાની કસોટીમાં નાપાસ સાબિત થયું હતું. ગુજરાતમાં પણ લાખો લોકોની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજીના પ્રસાદમાં પણ નકલી ઘીનો ઉપયોગ થતો હોવાની સમસ્યા સામે આવી હતી : દૂધમાં ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, યુરિયા અને ફાર્મેલિન જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે અત્યંત ઘાતક હોય છે. આ પ્રકારનું દૂધ પીવાથી કે તેની બનાવટોનું સેવન કરવાથી લિવર ખરાબ થવું, પેટની અન્ય બિમારીઓ થવી, હૃદયરોગ, કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બિમારીઓ થઈ શકે છે. ચણામાં પણ ચામડા અને કપડાને રંગવા માટે વપરાતો પીળો કલર ઉમેરીને લોકોના સ્વાસ્થ્ય સાથે વ્યાપક ચેડાં થાય છે : હકિકતે લોકોએ, સરકારે અને ઉદ્યોગ જગતે સાથે મળીને આ ભેળસેળ અને નકલી વસ્તુઓના વેપારને બંધ કરાવવાની જરૂર છે. ખાદ્ય પદાર્થો માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સુરક્ષિત અને સ્વાસ્થ્યવર્ધક હોવા જોઈએ. એક વખત આ સેક્ટરમાં ગુનેગારો સામે નક્કર પગલાં લેવાશે અને સખત સજા કરવામાં આવશે તો આ દુષણ આપોઆપ ઘટવા લાગશે
- દેશમાં ખાદ્ય સામગ્રીઓમાં સતત ભેળસેળ થતી હોવાના સમાચાર ફેલાતા રહે છે પણ તેને કાબુમાં લેવાના કોઈ નક્કર પગલાં લેવાતા નથી. સ્થિતિ એવી આવી ગઈ છે કે, ભેળસેળની આ પ્રવૃત્તિએ જાહેર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરી દીધી છે. બજારમાં નકલી અને ભેળસેળ ધરાવતી વસ્તુઓનું ચલણ એટલું વધી ગયું છે કે, ખરેખર સાચું શું અને નકલી શું તેની ખબર જ પડતી નથી. આ ભેળસેળ કરનારા અને નકલી વસ્તુઓ વેચનારા માણસોને છેતરતા હતા ત્યાં સુધી વાંધો નહોતો આ લોકોએ તો ભગવાનો અને ધર્મસ્થાનોને પણ છોડયા નથી. દક્ષિણ ભારતના મોટા મંદિરોમાં સ્થાન ધરાવતા આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુમાં ભેળસેળનો મુદ્દો ગંભીર બન્યો હતો.
૨૦૧૯થી ૨૦૨૪ની વચ્ચે અંદાજે ૨૦ કરોડ કરતા વધારે લાડુમાં નકલી અને ભેળસેળ ધરાવતા ઘીનો ઉપયોગ થયો હોવાની માહિતી સામે આવી હતી. તેવી જ રીતે થોડા સમય પહેલાં દેશનું એક જાણીતી બ્રાન્ડનું ઘી ગુણવત્તાની કસોટીમાં નાપાસ સાબિત થયું હતું. આ કેસ ૨૦૨૦માં બન્યો હતો અને હવે પાંચ વર્ષ બાદ આ કેસમાં કામગીરી અને કેસની શરૂઆત થઈ છે.
જાણકારો માને છે કે, મોટાભાગે રાજકીય પીઠબળ, લાંચિયાવૃત્તિ અને લોકોની જિંદગી સાથે રમત રમવાની મેલી મનોવૃત્તિ ધરાવતા લોકો આ ધંધો વધારવા લાગ્યા છે. ગુજરાતમાં પણ લાખો લોકોની આસ્થાના કેન્દ્ર એવી શક્તિપીઠ અંબાજીના પ્રસાદમાં પણ નકલી ઘીનો ઉપયોગ થતો હોવાની સમસ્યા સામે આવી હતી. આ કેસમાં પણ માત્ર તપાસના નામે એજન્સી બદલી દેવાઈ, પ્રસાદ થોડા સમય માટે બદલી દેવાયો અને ફરીથી બધું રાબેતા મુજબ શરૂ થઈ ગયું. આવા તમામ કેસમાં તપાસ અને પગલાના નામે બે-ચાર લોકોની અટકાયત કરાય છે, એજન્સી બદલી દેવાય છે, એકાદ-બેને જેલ હવાલે કરાય છે જે થોડા મહિનાઓ બાદ જામીન ઉપર છુટી જાય છે. પરિસ્થિતિ એવી થઈ છે કે, ભ્રષ્ટ સરકારી તંત્ર અને લાંચિયા અધિકારીઓ અને નબળા ન્યાયતંત્રને પગલે ગુનેગારોને હવે કાયદો અને વ્યવસ્થાનો ભય રહ્યો જ નથી. નાગરિકો હેરાન થાય છે, પ્રજા પીસાય છે, લોકો મરી જાય છે અને બધું રાબેતા મુજબ ચાલતું રહે છે.
ઉલ્લેખનીય છે કે, ભેળસેળ અને નકલી વસ્તુઓની સમસ્યા માત્ર ઘી સુધી જ સીમિત છે તેવું નથી. દેશના બજારોમાં હજારો વસ્તુઓ નકલી અને ભેળસેળવાળી આવી રહી હોવાના અહેવાલો છે. હોટેલોમાં ગંદા અને વાસી ખાવાનાનો ફરીથી ઉપયોગ થાય છે. સડી ગયેલા શાકભાજી અને ફળોમાંથી વાનગીઓ બનાવી વેચી દેવાય છે. મીઠાઈઓમાં મોટાપાયે ભેળસેળ થાય છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ થાય છે અને લોકો બીમાર પડી રહ્યા છે. શેકેલા હળદરવાળા ચણાની જ વાત કરીએ તો તેમાં ઓરામાઈન નામના ખાદ્ય રંગો નાખવામાં આવે છે. કપડા અને ચામડાને રંગ કરવા ઉપયોગમાં લેવાતો આ રંગ ચણામાં નાખીને તેને વધારે પીળા કરવામાં આવે છે. તેના કારણે લોકોને કેન્સર જેવા અસાધ્ય રોગ થાય છે અને ચેતાતંત્રને લગતા પણ રોગ થાય છે.
વર્ષોથી ખાદ્ય પદાર્થોમાં પ્રમાણિત અને મર્યાદિત પ્રમાણમાં રંગોનો ઉપયોગ કરવાના નિયમો છે છતાં તેનું કોઈ પાલન થતું નથી.
આ મુદ્દે જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે પ્રતિબંધિત સામગ્રી મળે છે પણ પગલાં કોઈ લેવાતા નથી. આ બાબત સાબિત કરે છે કે, ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન યોગ્ય રીતે થતું નથી. તેના કારણે લોકો બીમાર પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, દેશભરમાં સમયાંતરે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પકડવા અને રોકવા માટે અભિયાન ચલાવવામાં આવે છે છતાં કોઈ લાભ થતો નથી.
નકલી માવો, નકલી દૂધ, નકલી ઘી, નકલી પનીર, નકલી દૂધનો પાઉડર, મીઠાઈ, બેસન, ચટણી અને બાળકો માટે બનાવાતા વિવિધ ઉત્પાદનોમાં પણ ભયાનક સ્તરે ભેળસેળ થઈ રહી છે. નકલી ખાદ્ય મરી-મસાલા અને વસ્તુઓનો બેફામ વેપાર થઈ રહ્યો છે. તેના કારણે જાહેર સ્વાસ્થ્ય જોખમાયું છે છતાં તેના તરફ તંત્રનું કે સરકારનું ધ્યાન જતું નથી. કોઈ અનિચ્છનિય ઘટના બને, નિર્દોષના મોત થાય ત્યારે તપાસનું તરકટ કરવામાં આવે છે અને સિસ્ટમમાં ગોઠવાયેલા મળતિયાઓને બચાવવા બે-ચારને સસ્પેન્ડ કે અલગ કરી દેવામાં આવે છે. જેલ હવાલે કરી દેવાય છે અને નવી ઘોડી નવો દામ જેવી સ્થિતિ સાથે બીજા સેક્ટરમાં ભેળસેળનો ધીકતો ધંધો શરૂ થઈ જાય છે.
માત્ર દૂધની જ વાત કરીએ તો તેમાં વ્યાપક ભેળસેળ થઈ રહી છે. થોડા વર્ષો પહેલાં સિન્થેટિક દૂધ વેચાતું હોવાના અહેવાલો આવ્યા હતા. થોડોઘણો જથ્થો પકડાયો હતો અને ત્યારબાદ બધું યથાવત્ થઈ ગયું. દૂધમાં ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, યુરિયા અને ફાર્મેલિન જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે અત્યંત ઘાતક હોય છે. આ પ્રકારનું દૂધ પીવાથી કે તેની બનાવટોનું સેવન કરવાથી લિવર ખરાબ થવું, પેટની અન્ય બિમારીઓ થવી, હૃદયરોગ, કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બિમારીઓ થઈ શકે છે. જાણકારોના મતે અસંગઠિત ક્ષેત્રમાં ભેળસેળનું પ્રમાણ સૌથી વધારે છે.
આ સંજોગોમાં લોકોને સુરક્ષા કે ગુણવત્તાની ખાતરી કોઈ આપી શકે તેમ જ નથી. લોકોનો અધિકાર હોવા છતાં તેમને સુરક્ષા મળે તેવી કોઈ વ્યવસ્થા જ નથી.
આપણે ત્યાં મુશ્કેલી એ છે કે, આપણે ત્યાં ભેળસેળ રોકવાના નિયમો છે, કાયદા છે પણ તેનું અમલીકરણ થતું નથી. ભ્રષ્ટાચાર અને ભેળસેળની ભાઈબંદી એટલી નક્કર છે કે, પ્રજાનું જે થવું હોય તે થાય પણ મિત્રને કશું થવું ન જોઈએ.
ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ વારંવાર હોટેલ્સ, રેસ્ટોરાં, લારી-ગલ્લા, ટપરીઓ, ખાદ્ય સામગ્રીના સપ્લાયરો અને ગોડાઉનોમાં દરોડા પાડે છે. નકલી વસ્તુઓના, વાસી વસ્તુઓના કે અખાદ્ય પદાર્થોના નમુના લેવાય છે પણ કડક પગલાં બહુ ઓછા સામે લેવાય છે. મોટાભાગે નજીવો દંડ કરીને છોડી મુકવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં ખરેખર ભેળસેળ અટકાવવી હશે તો તેના માટે નક્કર કાયદા અને તેના કડક અમલીકરણની જરૂર છે.
મહત્ત્વનું એ છે કે, કાયમ તહેવારો પહેલાં ખાદ્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ તંત્ર એટલું શિથિલ થઈ જાય છે કે, તહેવારો પૂરા થઈ ગયાના મહિનાઓ સુધી સેમ્પલના ટેસ્ટિંગના પરિણામો આવતા નથી. ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે, પરિણામ આવ્યા પછી પણ નક્કર પગલાં લેવાતા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે પણ તાલમેલ હોતો નથી. બંનેની એજન્સીઓ પણ તાલમેલથી કામ કરતી નથી. તેના પગલે પ્રજાનું સ્વાસ્થ્ય જોખમાય છે. તપાસની પ્રક્રિયા અત્યંત ઝડપી અને નિષ્પક્ષ હોવી જોઈએ જેથી ગુનેગારો સામે નક્કર અને કડક પગલાં લઈ શકાય. આ ઉપરાંત સજાની જોગવાઈ પણ એટલી ગંભીર હોવી જોઈએ કે આવા ગુના કરતા પહેલાં લોકો વિચાર કરે. ખાદ્ય પદાર્થોની સમયાંતરે ચકાસણી થતી જ રહેવી જોઈએ અને તેના દ્વારા જ ભેળસેળ અને નકલી પદાર્થો બનાવવાનું દુષણ કાબુમાં આવી શકશે.
- ભગવાનનો પ્રસાદ પણ ભેળસેળવાળો આવે તો બીજી વસ્તુઓ વિશે વિચારવું જ શું?
લોકોમાં રોષ છે કે, જો દેશની આસ્થાના કેન્દ્રો રહેલા મંદિરોમાંથી જ મળતા પ્રસાદમાં ભેળસેળ થતી હોય, ત્યાં નકલી ઘી અને અન્ય સામગ્રીનો ઉપયોગ થતો હોય તો બજારમાં મળતી વસ્તુઓ સ્વચ્છ, ચોખ્ખી અને અસલી મળશે તેવી તેવી રીતે આશા રાખી શકાય. હકિકતે લોકોએ, સરકારે અને ઉદ્યોગ જગતે સાથે મળીને આ ભેળસેળ અને નકલી વસ્તુઓના વેપારને બંધ કરવાની જરૂર છે. ખાદ્ય પદાર્થો માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સુરક્ષિત અને સ્વાસ્થ્યવર્ધક હોવા જોઈએ. મંદિરોમાં નકલી ઘીના લાખો ડબ્બા પહોંચી જાય છે અને ક્યાંક કોઈને ખબર નથી અથવા તો કોઈ ખબર રાખવા જેટલી તસદી લેતું નથી તે ખરેખર ચિંતાજનક છે. સરકાર, મંદિર તંત્ર અને ખાદ્ય સુરક્ષા તંત્રની કામગીરી ઉપર મોટો સવાલ છે. તેના કારણે જ લોકોનો હવે આ બધા ઉપર વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. રાજ્યોમાં ખાદ્ય પદાર્થોના પરિક્ષણ કરતી સંસ્થાઓની અછત છે. સંસ્થાઓ છે તો તેમાં ટેકનિશિયનનો સ્ટાફ નથી. કેટલાક કિસ્સામાં તપાસ થાય છે તો તેમાં દસ્તાવેજો અને પુરાવા સાથે છેડછાડ થાય છે. મોટાભાગના કિસ્સામાં દસ્તાવેજો સાથે છેડછાડ કરીને અને ભીનુ સંકેલીને લેવડદેવડ કરીને લાઈસન્સ જારી કરી દેવાય છે. આ લોકો નકલી અને ભેળસેળયુક્ત પદાર્થોનો બેરોકટોક વેપાર કરવા લાગે છે. આ તમામ બાબતોને કાબુ કરવી પડશે. લાઈસન્સ આપવાથી માંડીને કોઈપણ ધંધો કે ઉદ્યોગ કે પછી ખાદ્ય પદાર્થ સાથે જોડેયાલું સાહસ શરૂ થાય તેની નિયમિત ચકાસણી થતી રહેવી જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તાલમેલ સુધારવો પડશે. તમામ એજન્સીઓએ સાથે મળીને, નિષ્પક્ષતાથી અને નિયમિત રીતે કામ કરવું પડશે ત્યારે ભેળસેળનું દુષણ કાબુમાં આવશે. એક વખત આ સેક્ટરમાં ગુનેગારો સામે નક્કર પગલાં લેવાશે અને સખત સજા કરવામાં આવશે તો આ દુષણ આપોઆપ ઘટવા લાગશે. હવે પ્રજા નહીં જાગે અને સરકારને નહીં જગાડે તથા તંત્રને સાબદું નહીં કરે તો ગુમનામ રીતે અને પીડિત તરીકે જીવ ગુમાવવાનો વારો આવશે.


