Get The App

જર્મનીમાં દુનિયાના શ્રેષ્ઠ હાઈવે, ભારતમાં ભ્રષ્ટાચારના ભુવા

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
જર્મનીમાં દુનિયાના શ્રેષ્ઠ હાઈવે, ભારતમાં ભ્રષ્ટાચારના ભુવા 1 - image

- જર્મનીમાં 100 વર્ષથી ગ્લોબલ ક્વોલિટીના માપદંડો સાથે રસ્તા બને છે જ્યારે ભારતમાં ખાઈકીની ટકાવારીના આધારે રસ્તા બનાવાય છે

- જર્મનીના રસ્તાઓની આવરદા અનેકગણી વધારે છે. આ રસ્તાનો પાયો અને લેવલિંગ જ એટલા મજબૂત હોય છે કે, આ રસ્તાને 30 થી 40 વર્ષ સુધી રિપેર કરવાની જરૂર પડતી નથી. તેમ છતાં દર 7થી 12 વર્ષના ગાળામાં દરેક રસ્તાનું પહેલું લેયર બદલાઈ જાય છે: જાપાનનો શંતો એક્સ્પ્રેસ વે અને ટોમઈ એક્સ્પ્રેસ વે દુનિયાના બીજા ક્રમના સૌથી ગુણવત્તાસભર રસ્તામાં સ્થાન ધરાવે છે. તેવી જ રીતે સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયાનો આલ્પાઈન હાઈવે પણ આવો જ ક્વોલિટી રસ્તો ગણાય છે. આ રોડ તો એટલો સ્મુધ છે કે, તેને સિલ્ક રોડ પણ કહેવામાં આવે છે: ભારતમાં 80 ટકા ટ્રકો ઓવરલોડ ચાલે છે જ્યારે જર્મની, યુરોપના અન્ય દેશો, સિંગાપુર કે યુએઈમાં 1 ટકા જેટલી ટ્રકો પણ ઓવરલોડ થયેલી જોવા મળતી નથી. જર્મનીમાં રસ્તાની જાડાઈ 90 સેમી સુધી હોય છે જ્યારે ભારતમાં હાઈવેની જાડાઈ વધારેમાં વધારે 40 સે.મી. જેટલી હોય છે

ભારતમાં અને ગુજરાતમાં રસ્તાઓની ભયાનક સ્થિતિ જોઈએ ત્યારે ખરેખર વિચાર આવે કે, નેતાઓ જ્યારે વાયદા કરે છે કે, અમેરિકા, યુરોપ જેવા રસ્તા ભારતમાં બનશે તો તેઓ કયા ભારતની અને ક્યારે બનાવવાની વાત કરતા હોય છે. તેમ છતાં લોકોના મનમાં સવાલ તો ઊભો થતો જ હોય છે કે ખરેખર દુનિયામાં એવા કયા રસ્તા છે જ્યાં ખરેખર ગાડીઓ ચલાવવાની મજા પડે. દુનિયામાં એવા ગણતરીના દેશ છે જ્યાં આવા રસ્તા વાસ્વિકતામાં જોવા મળે છે. જર્મનીના ઓટોબાન એક્સ્પ્રેસ વેને દુનિયાના શ્રેષ્ઠ રસ્તા માનવામાં આવે છે. જર્મનીના ઓટોબાર રસ્તા અલ્ટ્રા સ્મુથ છે. તેના ઉપર કાર ચાલતી નહીં પણ જાણે કે સરકતી અને વહેતી હોય તેવું લાગે છે. માખણની લાદી ઉપર ગરમા ગરમ છરી ફરે અને આગળ વધે તેવી રીતે ગાડીઓ આ રસ્તા ઉપર આવતી જતી જોવા મળે છે. 

ઉલ્લેખનીય છે કે, જર્મનીના આ રસ્તાઓ માત્ર કોન્ટ્રાક્ટરના ભરોસે કે પછી ખિસ્સા ભરવાના આશયથી બનાવવામાં આવતા નથી. સરકાર દરેક મુદ્દે ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ કામને મંજૂરી આપે છે. આ રસ્તા વિવિધ લેયરમાં તૈયાર કરવામાં આવે છે. દરેક લેયરની જાડાઈ, તેનું ઘનત્વ, તેની કન્સિસ્ટન્સી મિલિમીટર સ્તરે માપવામાં આવે છે. દરેક વસ્તુની ગુણવત્તા ચકાસવામાં આવે છે. જર્મનીના આ રસ્તાઓને નો સ્પીડ લિમિટ રસ્તા કહેવામાં આવે છે. અહીંયા ગમે તેટલી ઝડપે ગાડીઓ ચલાવવામાં આવે તેમાં ઝીરો વાઈબ્રેશન રહે છે. તેનો સીધો અર્થ છે કે, ગાડીમાં અંદર બેઠેલી વ્યક્તિને કોઈ ઝાટકો લાગતો નથી અને કોઈ સમસ્યા આવતી નથી. અહીંયા ગમે તે ઝડપે ગાડી ચલાવવામાં આવે તેમાં વ્યક્તિ સુરક્ષિત જ રહે છે. દુનિયાના ગણતરીના રસ્તા અને હાઈવે એવા છે જેને નો સ્પીડ લિમિટ જાહેર કરવામાં આવ્યા છે.

આ રસ્તાઓની ખાસિયત એ છે કે, તેની ક્વોલિટી, ટર્નિંગ રેડિયંસ, એન્ગલ, સાઈડ બેરિયર બધાની રચના વૈજ્ઞાાનિક પદ્ધતિથી કરવામાં આવી છે. આ રસ્તા ઉપર આરામથી ૨૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી શકાય છે અને છતાં તેને કાબુ કરી શકાય છે. આ રસ્તા ઉપર ચાલતી ગાડીઓ વધારે અવાજ નથી કરતી, વધારે ઘર્ષણ ઊભું નથી થતું અને ગ્રીપ પણ વધારે રહે છે. તેના કારણે ગાડીઓમાં કોઈ સમસ્યા આવતી નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે, આ રસ્તાનું લેવલિંગ પણ ખૂબ જ ગુણવત્તાયુક્ત હોય છે. આ રસ્તા બનાવવા માટે જે મશીનોનો ઉપયોગ થાય છે કે, લેઝર સેન્સર દ્વારા સપાટીને બિલકુલ સપાટ રાખવાનું કામ કરે છે. રોડના દરેક લેયરની જાડાઈના એક એક દોરાનું માપ પરફેક્ટ રાખવામાં આવે છે. રસ્તાને જોઈએ તો એવું જ લાગે કે કોઈ કટર મશિન દ્વારા કાપીને એકદમ બરાબર લેવલે રાખવામાં આવ્યા છે. આ રસ્તાની સેલ્ફ લાઈફ પણ ખૂબ જ લાંબી હોય છે. યુરોપના રસ્તાઓ કરતા પણ જર્મનીના રસ્તાઓની આવરદા અનેકગણી વધારે છે. આ રસ્તાનો પાયો અને લેવલિંગ જ એટલા મજબૂત હોય છે કે, આ રસ્તાને ૩૦થી ૪૦ વર્ષ સુધી રિપેર કરવાની જરૂર પડતી નથી.

મહત્ત્વની વાત એ છે કે, જર્મનીના જે રસ્તાઓની વાત આપણે અત્યારે કરીએ છીએ તે બનાવવાની વાસ્તવિક શરૂઆત તો આજથી ૧૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી નથી. જર્મનીમાં હિટલરના સમયમાં આવા રસ્તા બનતા હતા. ૧૯૨૦ના દાયકામાં પહેલી વખત પ્રાયોગિક ધોરણે નવા માપદંડ અને ગુણવત્તા સાથેના રસ્તા બનાવવામાં આવ્યા હતા. તે સમયે તો આ રસ્તા મોટર સ્પોર્ટ માટે બનાવવામાં આવ્યા હતા પણ ધીમે ધીમે તેનો બધે ઉપયોગ થવા લાગ્યો. તેમાંય ૧૯૩૦માં જર્મનીમાં ઘણા બધા એક્સ્પ્રેસ વે આ રીતે બનાવવામાં આવ્યા. હિટલર શાસનમાં જ અસલી ઓટોબાન રસ્તાઓનું નેટવર્ક વિકસાવવામાં આવ્યું. ૧૯૩૩થી ૧૯૪૧ દરમિયાન જે રસ્તા બનાવવામાં આવ્યા તેણે જર્મનીમાં રોડ ટ્રાન્સપોર્ટની સકલ બદલી કાઢી.

ઉલ્લેખનીય છે કે, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે આ રસ્તાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘણા રસ્તા ખરાબ થઈ ગયા હતા અને ઘણાને સામાન્ય અસર થઈ હતી. આ તમામ રસ્તાને તાકીદે રિપેર કરીને યથાવત કરવામાં આવ્યા હતા. જર્મનીની સરકારે રોડ ટ્રાન્સપોર્ટને મજબૂત રાખવાનો નિર્ધાર કરેલો હતો. તેના પગલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ ૬૦ના દાયકામાં આ રસ્તાઓને વધારે આધુનિક બનાવવામાં આવ્યા. તેમાં ઉપયોગમાં લેવાતા મટિરિયલ અને તેની ડિઝાઈનમાં આમૂલ પરિવર્તન આણવામાં આવ્યુ. તેના એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ અત્યંત ઊંચા રાખવામાં આવ્યા. તેમાંય ૨૦૦૦ની સાલ બાદ તમામ વ્યવસ્થાઓ અદ્વિતિય રીતે ફેરવી કાઢવામાં આવી. હવે જર્મનીની કોઈપણ રસ્તા ઉપર ગાડી લઈને જઈએ તો જરાય અવાજ આવતો નથી, ગાડી વાઈબ્રેટ થતી નથી અને સુખદ અનુભવ થાય છે. જર્મનીમાં હાલમાં ૧૩,૦૦૦ કિલોમીટર લાંબું ઓટોબાન રસ્તાઓનું નેટવર્ક છે. 

જાણકારો માને છે કે, રસ્તાનું નેટવર્ક આપોઆપ ઉત્તમ ગુણવત્તાનું થયું નથી. સરકાર દ્વારા વિવિધ ક્વોલિટી ટેસ્ટ રાખવામાં આવ્યા છે. આ રસ્તા બનાવવા માટે હાઈ ક્વોલિટી ક્રશ્ડ સ્ટોન, બિટૂમન અને સ્ટેબિલાઈઝિંગ ફાઈબર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે આ રસ્તા એકદમ સ્મુથ બન્યા છે. આ રસ્તા એટલા ગુણવત્તાસભર છે કે, તેના ઉપર ભારે ટ્રકો પણ મોટા મેન્ટેનન્સ અને રિપેરિંગ વગર ૩૦ વર્ષ સુધી ચલાવી શકાય તેમ છે. આ રસ્તાના લેયર્સની કુલ જાડાઈ ૬૦થી ૯૦ સેમીની રાખવામાં આવે છે. તેમાંય દર ૭ થી ૧૨ વર્ષના સમયગાળામાં સૌથી ઉપરનું લેયર બદલી કાઢવામાં આવે છે. તેના માટેના તમામ ક્વોલિટી ટેસ્ટ પાસ કરવા જરૂરી છે. દર વર્ષે રસ્તા બનાવવામાં અને રિપેરિંગ કરવામાં તમામ ક્વોલિટી ટેસ્ટ પાસ કરવા પડે છે. 

તેમાં જરાય બાંધછોડ કરવામાં આવતી નથી. 

બીએમડબ્લ્યૂ, ઓડી, મર્સિડિશ, પોર્શ અને દુનિયાની બીજી લક્ઝુરિયસ ગાડી બનાવતી કંપનીઓ આ રસ્તા ઉપર પોતાની ગાડીઓના વિવિધ મોડલનું ટેસ્ટિંગ કરતી હોય છે જેના થકી રોડનું ટેસ્ટિંગ થઈ જાય છે.

ગુજરાતમાં તો નવો રસ્તો બનવા સાથે જ રિસર્ફેસિંગના ટેન્ડર બની જાય છે

ભારતમાં રોડ અને રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી છે. થોડાઘણા અંશે સારા રોડ અને એક્સ્પ્રેસ વે બનાવવામાં આવ્યા છે બાકી તો બધે અંધેર નગરી જેવી જ સ્થિતિ છે. 

ભારતમાં ગ્લોબલ ક્વોલિટી બેન્ચમાર્ક ધરાવતા રસ્તા નહીં બનવા પાછળ ઘણા કારણો છે. તેમાં તંત્રનો ભ્રષ્ટાચાર મોખરે છે. નેતા, મળતીયા, કોન્ટ્રાક્ટરો બધા જ ભેગા થઈને કોઈપણ રોડ કે રસ્તાના બાંધકામના ચોક્કસ ભાગ પાડી લે છે અને પછી હલકી ગુણવત્તાના રસ્તા બનાવી દેવાય છે. અહીંયા બ્રિજ બને છે તો તેને તોડવાના વારા આવે છે. બ્રિજ બનતાની સાથે તેના ઉપર ગાબડા પડી જાય છે, બ્રિજ બનવા દરમિયાન જ તુટી પડે છે. ઘણી જગ્યાએ બ્રિજ બને છે તો તેનો બીજો છેડો જ નથી હોતો. બ્રિજ ઉપર ૯૦ ડિગ્રીનો વળાંક રાખી દેવાય છે. મહારાષ્ટ્રમાં તો ઓવર બ્રિજના બે છેડાની વચ્ચે નવ ફૂટ જેટલું ઉંચાઈનું અંતર આવી ગયું હતું. ગુજરાતમાં તો ભ્રષ્ટાચારે માઝા મુકેલી છે. 

એક સમય મોડલ રોડ ગણાતા એક્સ્પ્રેસ વે ઉપર હવે ચોમાસા દરમિયાન સ્થિતિ કફોડી થઈ જાય છે. ત્યારબાદ સુધારાના નામે માત્ર થિગડા મારવામાં આવે છે. કૌભાંડો અને ભ્રષ્ટાચારની સ્થિતિ એ હદે વધી ગઈ છે કે નવો રોડ બનવાનું ટેન્ડર પાસ થાય અને કામ શરૂ થાય તેની સાથે જ રિસર્ફેસિંગના ટેન્ડર પણ બની જાય છે. 

કારણ કે હાલમાં આ જ કામગીરી થકી નેતા અને કોન્ટ્રાક્ટરો અંદરો અંદર નેટવર્ક ગોઠવીને સૌનો સાથ અને સૌનો વિકાસ કરી રહ્યા છે. બીજી વાત એવી છે કે, ભારતમાં ૮૦ ટકા ટ્રકો ઓવરલોડ ચાલે છે જ્યારે જર્મની, યુરોપના અન્ય દેશો, સિંગાપુર કે યુએઈમાં ૧ ટકા જેટલી ટ્રકો પણ ઓવરલોડ થયેલી જોવા મળતી નથી. 

જર્મનીમાં રસ્તાની જાડાઈ ૯૦ સેમી સુધી હોય છે જ્યારે ભારતમાં હાઈવેની જાડાઈ વધારેમાં વધારે ૪૦ સે.મી. જેટલી હોય છે. 

દર સાત વર્ષે ઓટોબાન રિપેર થઈ જાય છે અને તેનું ટોપ લેયર બદલાઈ જાય છે. ભારતમાં ૨૦ વર્ષે પણ હાઈવે રિપેર થતા નથી. રિપેરિંગ અને રિસર્ફેસિંગના નામે માત્ર થિગડા અને ડામરનો સ્પ્રે કરીને પ્રજાના પૈસા ઓળવી જવામાં આવે છે. 

ગુણવત્તા અને મજબુતીમાં જાપાનનો એક્સપ્રેસ વે દુનિયામાં બીજા ક્રમે

જર્મનીના રસ્તા તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે પણ સાથે સાથે દુનિયાના કેટલાક દેશોમાં પણ આવા રસ્તા છે. જાપાનનો શંતો એક્સ્પ્રેસ વે અને ટોમઈ એક્સ્પ્રેસ વે દુનિયાના બીજા ક્રમના સૌથી ગુણવત્તાસભર રસ્તામાં સ્થાન ધરાવે છે. 

અહીંયા તમામ રસ્તા અત્યંત સ્મુથ અને ડામર તથા અન્ય મિટિરિયલની સમાંતર લેયર ધરાવતા હોય છે. ભારે વાહનોનો ટ્રાફિક તથા વધારે ટ્રાફિક થવા છતાં આ રસ્તામાં કોઈ ગાબડા કે ખાડા જોવા મળતા નથી. તેનું નિર્માણ અને સાચવણી એટલી બધી ક્વોલિટી સાથે કરવામાં આવે છે કે તેમાં કોઈ કચાશ રહેતી નથી. તેવી જ રીતે સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયાનો આલ્પાઈન હાઈવે પણ આવો જ ક્વોલિટી રસ્તો ગણાય છે. આ રોડ તો એટલો સ્મુધ છે કે, તેને સિલ્ક રોડ પણ કહેવામાં આવે છે. આ રસ્તા ઉપર ગાડી ટર્ન લેતી હોય ત્યારે પણ તેમાં વાઈબ્રેશન ફીલ થતું નથી. રસ્તા ઉપર ડ્રાઈવિંગ કરવા દરમિયાન જરાય ઝાટકો લાગતો નથી. યુએઈમાં પણ એવા ઘણા રસ્તા છે જેને અલ્ટ્રા પ્રિમિયમ રોડ કહેવામાં આવે છે. તેમાં હાઈ ક્વોલિટી બિયુમેન, પહોળા અને સ્વચ્છ લેન હોય છે. 

આ રસ્તા એટલા સપાટ અને મજબુત હોય છે કે રણ પ્રદેશમાં આવા રસ્તા માત્ર કલ્પના જ લાગે. આ રસ્તા ઉપર જવા માટે લોકો સ્પેશિયલ ગાડીઓ લઈને આવતા હોય છે. બીજી તરફ હાઈ ક્વોલિટી રસ્તાની વાત કરીએ તો સિંગાપુરમાં પણ આવા રોડ જોવા મળે છે. સિંગાપુર ખૂબ જ નાનો દેશ છે પણ અહીંયા રસ્તા માખણ જેવા લિસ્સા અને સરસ છે. આ રસ્તાની ગુણવત્તાને ગ્લોબલ ક્વોલિટી બેન્ચમાર્ક ગણવામાં આવે છે. આ રસ્તા ઉપર પણ ગાડીઓ ક્યારે વાઈબ્રેટ થતી નથી કે તેમાં ઝર્ક આવતા નથી.