Get The App

ઈરાનના ક્રૂડ બાદ ત્યાંથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ભારતને ઘમરોળ્યું

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનના ક્રૂડ બાદ ત્યાંથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ભારતને ઘમરોળ્યું 1 - image

- પાંચ હજાર કિ.મી દૂરથી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર તૂટી પડયા, કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી તોફાની પવન સાથે વરસાદ

- વાદળોની એક લાંબી પટ્ટી, જે હાલ ઉત્તરી અફઘાનિસ્તાનથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે, તેના કારણે પંજાબથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વરસાદી માહોલ છવાયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં 05 એપ્રિલ તેમજ 07 અને 08 એપ્રિલ 2026 વચ્ચે બે વાર એક્સ્ટ્રીમ વેધર એક્ટિવિટી જોવા મળશે. આ દરમિયાન ઉત્તર અને મધ્ય રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત તથા ઉત્તર મધ્યપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે : આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર પાસેના ભૂમધ્ય સમુદ્ર આસપાસના વિસ્તારમાં સર્જાય છે. આ વિસ્તાર ગુજરાતથી આશરે 4,000થી 5,500 કિ.મી. દૂર છે. કુલ 9,000 કિ.મી.નો પ્રવાસ ખેડતી આ સિસ્ટમ જમીન અને સમુદ્રમાંથી ભેજ ખેંચતી હોવાથી તેની અસર વર્તાઈ રહી છે : ક્લાઈમેટ ચેન્જમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું છે. આ તમામ નકારાત્મક અસરોના કારણે ભારતનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. હવે ચોમાસા સિવાયના મહિનાઓમાં પણ માવઠા થતા જ રહે છે. માર્ચ મહિનામાં કુલ 8 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત ઉપર આવ્યા હતા. બીજી તરફ એપ્રિલના મધ્ય સુધીમાં જ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત ઉપર સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી છે

દેશભરમાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનામાં જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાયું હતું અને માવઠા થયા હતા તે રીતે એપ્રિલમાં પણ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતીય હવામાનમાં મોટા પલટા લઈને આવ્યું છે. છેલ્લાં બે દિવસમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ થવો, કરાં પડવા, બરફ પડવા જેવી ઘટનાઓ નોંધાઈ છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાં ધૂળના મોટા મોટા વંટોળ ઉઠયાના પણ અહેવાલો છે. બીજી તરફ દિલ્હી અને પંજાબ સહિત ૧૧ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો હતો. 

એપ્રિલ મહિનામાં વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ ફરી એક વખત લોકોમાં ચિંતા ફેલાવી દીધી છે. 

હવામાન ખાતાની આગાહી મુજબ અત્યારે એક પ્રી-મોન્સૂન વેધર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોને પ્રભાવિત કરશે. ૦૮ એપ્રિલ સુધીમાં ઉત્તર ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટકરાઈ રહ્યા છે. જાણકારોના મતે વાદળોની એક લાંબી પટ્ટી, જે હાલ ઉત્તરી અફઘાનિસ્તાનથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે, તેના કારણે પંજાબથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ હિમાલયના પર્વતીય રાજ્યોમાં પણ બરફવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ૦૫ એપ્રિલ તેમજ ૦૭ અને ૦૮ એપ્રિલ ૨૦૨૬ વચ્ચે બે વાર એક્સ્ટ્રીમ વેધર એક્ટિવિટી જોવા મળશે. આ દરમિયાન ઉત્તર અને મધ્ય રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર મધ્યપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૪-૫ એપ્રિલે ગતિવિધિ થોડી ઓછી થશે, પરંતુ ૭-૮ એપ્રિલે ફરી જોર પકડશે. તમિલનાડુમાં પણ વીજળી પડવાની શક્યતા છે. આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં જેસલમેર અને બીકાનેર, શ્રીગંગાનગરમાં કરા પડયા હતા. અજમેર-બ્યાવરમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને પતરાં ઉડી ગયા હતા. 

આગામી ત્રણ દિવસ રાજસ્થાનમાં આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન છે. /યુપીમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે. હિમાચલના શિમલામાં તોફાન સાથે વરસાદ અને લાહૌલ સ્પીતિ તેમજ કેદારનાથમાં હિમવર્ષા થતાં ઠંડક પ્રસરી ગઈ છે. 

મહત્ત્વની વાત એ છે કે, ભારતથી અંદાજે પાંચ હજાર કિલોમીટર દૂર સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન થઈને ગુજરાત આવ્યું છે. ઈરાન ખાતે લડાઈ રહેલા યુદ્ધની અસર જે રીતે ભારત ઉપર થઈ છે તે રીતે ઈરાન પાસે સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભારતને અસર કરી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં હાલ કમોસમી અને તોફાની માવઠા બનીને વરસનાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર પાસેના ભૂમધ્ય સમુદ્ર આસપાસના વિસ્તારમાં સર્જાય છે. આ વિસ્તાર ગુજરાતથી આશરે ૪,૦૦૦થી ૫,૫૦૦ કિ.મી. દૂર છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિડલ ઈસ્ટ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે છે. કુલ ૯,૦૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડતી આ સિસ્ટમ જમીન અને સમુદ્રમાંથી ભેજ ખેંચતી હોવાથી તેની અસર વર્તાઈ રહી છે. હજારો કિ.મી. દૂર ઊંચા સ્તરે સર્જાતી આ સિસ્ટમ 'જેટ સ્ટ્રીમ' ને કારણે ઝડપથી આગળ ધસી આવે છે. જેટ સ્ટ્રીમ જમીનથી ૯થી ૧૬ કિ.મી. ઊંચાઈએ કલાકના ૨૦૦થી ૩૦૦ કિ.મી.ની તીવ્ર ગતિએ ફૂંકાય છે. તેના કારણે ભેજ તોફાની પવન સાથે આગળ વધે છે અને ભારે વરસાદ વરસાવે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્રના પૂણે ખાતે મૂશળધાર વરસાદ પડયો હતો. પૂણેના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. મુખ્ય વાત એવી છે કે, સામાન્ય રીતે આ સમયમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ હોય છે. તેના બદલે હાલમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જેવી સ્થિતિ સર્જાઈ છે. 

હવામાન ખાતાના જાણકારોના મતે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તે ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસરનું જ પરિણામ છે. ગ્લોબલ વોર્મિંગને પગલે ક્લાઈમેટ ચેન્જના વધારે આકરું બની રહ્યું છે. 

સામાન્ય રીતે અરબ સાગરથી પશ્ચિમ ભારત તરફ આગળ વધતી ઓછા દબાણની આ રેખા છે. આવી સિસ્ટમ સમુદ્રમાંથી મોટી સંખ્યામાં ભેજ ધરાવતી હવા પોતાની તરફ ખેંચે છે અને આગળ લઈ જાય છે. તેના કારણે જ પુણે જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવે છે અને વાદળો વરસી પડે છે. 

તાજેતરમાં પુણે સાથે આવું જ થયું હતું. ભારે વાદળો પુણે ઉપર ધોધમાર વરસી ગયા અને શહેરની ડ્રેનેજ વ્યવસ્થા જામ થઈ ગઈ અને શહેરમાં જળબંબાકાર થઈ ગયો. માત્ર પંદર-વીસ મિનિટના વરસાદમાં જ શહેર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

 જાણકારો માને છે કે, દિવસે જે ગરમી પડી રહી હતી તેની સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોડાયું અને એક કનેક્ટિવ થંડરસ્ટોર્મ માટે યોગ્ય સ્થિતિનું સર્જન થયું. આ પ્રકારની સિસ્ટમને પગલે ગરમ હવા ઝડપથી વાયુમંડળમમાં ઉપર ઉઠવા લાગી. જેમ જેમ હવા ઉપર જવા લાગી તેમ તેમ તે ઠંડી થઈને વિશાળ ક્યૂમ્યલોનિમ્બસ વાદળોમાં પરિવર્તિત થવા લાગી જે ઓછા સમયમાં પણ ભારે વરસાદ વરસાવે છે. આ અસ્થિરતા જ ઉપર જઈને જેટ સ્ટ્રીમને અસામાન્ય બનાવી દે છે. તેની ઝડપમાં અધધ વધારો થઈ જાય છે. તેના કારણે તોફાન વધારે આક્રમક બને છે. જાણકારોના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગર ઉપરની ભેજવાળી હવાના સંયોજનથી જ પૂણે ઘમરોળાઈ ગયું હતું. તેના કારણે પૂણેમાં સાંજે ૬૬ મીમી વરસાદ વરસી ગયો. ૧૮૯૬ના બાદ ૨૦૨૬ના એપ્રિલમાં એક જ દિવસમાં પુણેમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે, આગામી અઠવાડિયા દરમિયાન પણ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવાની શક્યતાઓ છે. જાણકારો માને છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર ધીમે ધીમે વધારે આકરી થઈ રહી છે. તેના કારણે ક્લાઈમેટ ચેન્જમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું છે. આ તમામ નકારાત્મક અસરોના કારણે ભારતનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. તેના કારણે જ ઉનાળા દરમિયાન પણ ભયાનક વરસાદ પડે છે. હવે ચોમાસા સિવાયના મહિનાઓમાં પણ માવઠા થતા જ રહે છે. સામાન્ય રીતે હવે દિવસ આથમવા આવે એટલે કે બપોર બાદ વાતાવરણમાં આકસ્મિક પલટા આવવાની ગતિવિધિ વધી ગઈ છે. હવામાનનો મિજાજ એકાએક બદલાઈ જાય છે. તેના કારણે શહેરોમાં વધારે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ગામડાઓમાં ખેતીને વ્યાપક અસર પડી રહી છે. 

નવાઈની વાત એવી છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે તોફાની વરસાદ થયો છે ત્યાં અન્ય કેટલાક રાજ્યોમાં સ્થિતિ પલટાયેલી છે. દિલ્હી, એનસીઆર અને રાજસ્થાનમાં આકાશમાં ધૂળ છવાયેલી છે અને વહેલી સવારે સ્મોગના પ્રમાણમાં વધારો થયો છે. સવારથી સ્મોગ અને ધૂળના કારણે સમગ્ર વાતાવરણ ધૂંધળુ થઈ જાય છે. તોફાની પવન સાથે સામાન્ય બુંદાબુંદી થઈ તેના કારણે તાપમાનમાં સહેજ સુધારો થયો છતાં વિઝિબિલિટી સાવ ઘટી ગઈ. માર્ચ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીંયા ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારબાદ એપ્રિલમાં પણ બદલાયેલું હવામાન દિલ્હી, એનસીઆર, પંજાબના લોકોને પરેશાન કરી રહ્યું છે.

પોલર જેટ સ્ટ્રીમ અને પોલર વોર્ટેક્સના કારણે હવામાનની સ્થિતિ બદલાઈ રહી છે 

જાણકારોનો દાવો છે કે, પોલર જેટ સ્ટ્રીમમાં આવેલું વિઘ્ન અને પોલર વોર્ટેક્સની બદલાતી સ્થિતિને કારણે ભારતના પશ્ચિમી કિનારાઓ ઉપર સર્જાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણે વધી ગયું છે. તેના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી અઠવાડિયા સુધીમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની અને ક્યાંક ભારે બરફ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનામાં કુલ ૮ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત ઉપર આવ્યા હતા. સામાન્ય રીતે તેની સંખ્યા ચારથી પાંચની હોય છે જે હવે બમણી થઈ ગઈ છે. બીજી તરફ એપ્રિલના મધ્ય સુધીમાં જ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત ઉપર સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેમાંથી બે સિસ્ટમ તો હાલમાં જ એક્ટિવેટ થઈને ભારત તરફ આવી ગઈ છે અને ઉત્તર-પશ્ચિમના રાજ્યોને પરેશાન કરી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા તેના કારણે હિમાલયના વિસ્તારોમાં બરફવર્ષા ઘટી ગઈ. આ વખતે રાજસ્થાન, દિલ્હી, યુપી, એમપી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડી છે. આકાશમાં પણ વ્યાપક રીતે ધૂળની ચાદર છવાઈ ગઈ છે. તેનું સૌથી મોટું કારણ રાજસ્થાનના થાર રણમાં હવાની ગતિ વધવા લાગી છે. તેના કારણે આ તોફાની પવનો ધૂળ ઉડાડીને ઉત્તર ભારતના મેદાની વિસ્તાર સુધી લઈ જાય છે. તેના કારણે દિલ્હીની વાતાવરણમાં પીએમ૧૦માં વધારો થાય છે. રાજસ્થાન અને દિલ્હીના મેદાની વિસ્તારોમાં એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે જેના કારણે આકાશમાં ધૂળની પાતળી ચાદર છવાઈ ગઈ છે. આ ધૂળ વરસાદ વગર બહાર નીકળી શકતી નથી અને આકાશમાં ફર્યા કરે છે. જાણકારો સ્પષ્ટ માને છે કે, ક્લાઈમેટ ચેન્જની અસર વ્યાપક રીતે થઈ છે અને તેના કારણે એપ્રિલના મધ્ય સુધીમાં વાતારવણમાં ભયાનક પલટો જોવા મળશે.