દેશમાં મહિલા ક્રિકેટની શરૂઆત અને વિકાસ લખનઉમાં થયા

- ત્રણ દાયકા સુધી લખનઉ મહિલા ક્રિકેટનું એપિસેન્ટર રહ્યું, 2006માં મહિલા ક્રિકેટ સંઘનો બીસીસીઆઈમાં વિલય થયો
- મહેન્દ્રકુમાર શર્મા પહેલાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ સાથે જોડાયેલા હતા. તેમણે લખનઉ ખાતે એક બેઠક બોલાવી જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ અને અન્ય રાજ્યોમાંથી ક્રિકેટની પ્રતિનિધિ મહિલાઓ આવી. તેમાં પહેલી વખત ઔપચારિક રીતે વુમન ક્રિકેટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી: વુમન ક્રિકેટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા એટલે કે, ઉભછૈં એ 1973માં પહેલી વખત મહિલા આંતર રાજ્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટનું આયોજન સમગ્ર દેશમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું, સંગઠિત કરવાનું મહત્ત્વનું પરિબળ સાબિત થયું: દેશમાં મહિલા ક્રિકેટને આગળ વધારવામાં ભારતીય રેલવેનું પણ મોટું યોગદાન છે. ૭૦ના દાયકાથી જ રેલવે દ્વારા મહિલા ક્રિકેટરોને નોકરી અને મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટને ભંડોળ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એક સમયે જ્યારે દેશમાં મહિલા ક્રિકેટ ફંડિંગ માટે વલખાં મારતું હતું ત્યારે રેલવે આ ક્રિકેટ માટે સ્પોન્સર્ર બન્યું હતું.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા તાજેતરમાં મહિલા વર્લ્ડકપ પોતાના નામે કરવામાં આવ્યો છે. મહિલા ટીમના વિજયને પગલે સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે અને ચારે તરફથી લોકો તેમને આર્શીવાદ અને શુભેચ્છા આપી રહ્યા છે. ભારતમાં મહિલા ક્રિકેટના ઈતિહાસ ઉપર નજર કરીએ તો તે ખૂબ જ જૂનો છે. ભારતીય મહિલા ક્રિકેટની સ્થાપના લખનઉમાં થઈ હતી. ઘણા વર્ષે સુધી મહિલા ક્રિકેટનું એપિસેન્ટર લખનઉ જ રહ્યું હતું. ત્યારબાદ તેનો વિલય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સાથે કરવામાં આવ્યો. આ વિલય થયાને બે દાયકા થયા છે. બે દાયકા પહેલાં બીસીસીઆઈ સાથે જોડાણ થયા બાદ તેનો પ્રોફેશનલી ખૂબ જ વિકાસ થયો અને મહિલા ખેલાડીઓ વધુ ઝડપથી વિકસવા લાગી અને આગળ વધવા લાગી.
વર્ષો પહેલાં એક વ્યક્તિએ લખનઉ ખાતે મહિલા ક્રિકેટના સંઘની સ્થાપના કરી હતી. તેમના પ્રયાસોને પગલે મહિલા ક્રિકેટ ચર્ચામાં આવ્યું હતું અને ધીમે ધીમે વિકાસ તરફ આગળ વધવા લાગ્યું હતું. આમ જોવા જઈએ તો ભારતીય મહિલા ક્રિકેટની પહેલી ક્લબ મુંબઈમાં સ્થપાઈ હતી. એવું કહેવાય છે કે, મહેન્દ્ર કુમાર શર્મા નામની વ્યક્તિના પ્રયાસોને પગલે ઔપચારિક રીતે ભારતમાં મહિલા ક્રિકેટની શરૂઆત થઈ હતી. તેમણે ૧૯૭૩માં સોસાયટી એક્ટ હેઠળ લખનઉ ખાતે ભારતીય મહિલા ક્રિકેટ સંઘની સ્થાપના કરી હતી. તે ઉપરાંત તેનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. તેના દ્વારા રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૯૬૯માં મુંબઈમાં આલુ બામજી દ્વારા ધ એલ્બીઝ નામની પહેલી મહિલા ક્રિકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. તે ખૂબ જ સામાન્ય ધોરણે કામ કરતા અને મેચ રમતા સંસ્થા હતી. તેનાથી આગળ તેનું કોઈ મોટું યોગદાન નહોતું. ત્યારબાદ મહેન્દ્રકુમાર શર્માએ મોટી સંસ્થાની સ્થાપના કરી, તેના સચિવ બન્યા અને તેને રાષ્ટ્રીય સ્તરે મહિલા ક્રિકેટની જાણીતી સંસ્થા બનાવી દીધી. મહેન્દ્રકુમાર શર્મા પહેલાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ સાથે જોડાયેલા હતા. તેમણે મહિલાઓમાં ક્રિકેટ રમવાની ઈચ્છા અને તેની શક્યતાઓ વિશે જાણકારી મેળવી. તેમણે લખનઉ ખાતે એક બેઠક બોલાવી જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ અને અન્ય રાજ્યોમાંથી ક્રિકેટની પ્રતિનિધિ મહિલાઓ આવી. તેમાં પહેલી વખત ઔપચારિક રીતે વુમન ક્રિકેટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી.
શર્મા એક અભિયાન ચલાવવા માગતા હતા. તેઓ લખનઉમાં સ્કૂલ અને કોલેજોમાં છોકરીઓ માટે સોફ્ટબોલ અને હેન્ડબોલની ટૂર્નામેન્ટનું આયોજન કરતા હતા. ૧૯૭૩માં હૈદરાબાદમાં એક સોફ્ટબોલ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓએ સોફ્ટબોલ બેટ થતી રમવાની શરૂઆત કરી. જાણકારોના મતે તે સમયે કેટલીક છોકરીઓ દ્વારા છોકરાઓને ક્રિકેટ રમતા જોઈને પોતાને પણ તેમાં રસ હોવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે પણ ક્રિકેટ રમવા તત્પરતા દાખવી હતી. એક પુસ્તકમાં પણ આ અંગે ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું હતું કે, શર્મા મહિલા ક્રિકેટ સંઘની સ્થાપના કરવા માગતા હતા પણ તેની પહેલાં તેઓ એ પણ જાણવા માગતા હતા કે, મહિલાઓ ખરેખર કેટલું ક્રિકેટ રમે છે અને દેશમાં સ્થિતિ શું છે.
તેમણે સ્થાનિક સ્તરે મહિલાઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની શરૂઆત કરી દીધી. તેમાં લોકો ઉત્સાહભેર જોડાવા લાગ્યા હતા. ઘણા રાજ્યોમાં મહિલા ક્રિકેટનું વળગણ મોટી પ્રમાણમાં હતું. તેના પગલે જ તેમણે ઘણા રાજ્યોને મનાવી લીધા કે મહિલા ક્રિકેટ માટે કામ કરવું જોઈએ અને તેના માટે એક અલગ એસોસિયેશનની જરૂર છે. ત્યારબાદ તેની સ્થાપના પણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી.
વુમન ક્રિકેટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા એટલે કે, ઉભછૈં એ ૧૯૭૩માં પહેલી વખત મહિલા આંતર રાજ્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટનું આયોજન સમગ્ર દેશમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું, સંગઠિત કરનાનું મહત્ત્વનું પરિબળ સાબિત થયું. તેના પગલે જ મહેન્દ્ર કુમાર શર્માને દેશમાં મહિલા ક્રિકેટને સંગઠિત કરનારા અને તેને આયોજનપૂર્વક શરૂ કરનારા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બિઝનેસમેન પણ હતા અને ક્રિકેટના ચાહક પણ હતા. તેમના પ્રયાસો થકી જ દેશમાં મહિલા ક્રિકેટની જ્યોત ઝળહળતી થઈ હતી.
મહિલા ક્રિકેટ સંઘની સ્થાપના થયા બાદ તેના હેઠળ ઘણી ટૂર્નામેન્ટનું આયોજન થવા લાગ્યું હતું. તેમાં હમીદા હબીબુલ્લાહને પહેલાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદા ત્રિપાઠી અને પ્રેમલા ચવ્હાણે પણ સમયાંતરે મહિલા ક્રિકેટ સંઘના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ ૧૯૭૬માં રમી હતી. તેના દ્વારા જ શર્મા અને મહિલા ક્રિકેટ સંઘની મહેનત ફળી હતી. ૧૯૭૩માં જ ભારતીય મહિલા ક્રિકેટ સંઘને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ પરિષદનું સભ્યપદ મળી ગયું હતું. ૧૯૭૮માં તો તેને સરકારી માન્યતા પણ મળી ગઈ હતી.
ભારતીય મહિલા ક્રિકેટ સંઘની સ્થાપના થયા બાદ ઘણા દાયકાઓ સુધી સંઘનું મુખ્યાલય લખનઉમાં જ રહ્યું હતું. અહીંયાના સેન્ટરને જ હેડક્વાર્ટર બનાવીને ત્યાંથી તમામ બાબતોનું સંચાલન થતું હતું. ૨૦૦૬ બાદ મહિલા ક્રિકેટનું કેન્દ્ર બદલાયું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૩-૭૪માં લખનઉ દ્વારા જ પહેલી નેશનલ વિમેન્સ ક્રિકેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે લખનઉ જ તેનું યજમાન રહ્યું હતું. તેમાં દેશના ઘણા રાજ્યોની મહિલા ક્રિકેટ ટીમ આવી હતી. આ મંચ દ્વારા જ દેશને જે-તે સમયે પહેલી મહિલા ક્રિકેટ સ્ટાર્સ મળવાની શરૂઆત થઈ. તેના દ્વારા જ ડાયના એડુલજી, શાંતા રંગાસ્વમી અને અંજૂમ ચોપરા જેવા દિગ્ગજ મહિલા ખેલાડીઓ મળ્યા. તેવી જ રીતે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિના, શેફાલી અને દિપ્તી શર્મા જેવી ખેલાડીઓ નવી વ્યવસ્થાનો ભાગ રહીને આવી છે.
ભારતની પહેલી નેશનલ મહિલા ક્રિકેટ ટીમ લખનઉમાં જ રચાઈ હતી. ૧૯૭૬માં આ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ પહેલી વખત વેસ્ટઈન્ડિઝ સામે રમવા માટે ગઈ હતી. આ ટીમમાં લખનઉમાંથી ખૂબ જ ઓછી મહિલાઓને સ્થાન મળ્યું હતું પણ દેશની પહેલી નેશનલ ટીમ બનાવવાનો શ્રેય તો લખનઉને જ જાય છે. બીસીસીઆઈ દ્વારા ૨૦૦૬માં મહિલા ક્રિકેટ સંઘનો વિલય કરવામાં આવ્યો. ત્યારબાદ મહિલા ક્રિકેટ સંઘનું હેડક્વાર્ટર મુંબઈ થઈ ગયું. ત્યારબાદ મહિલા ક્રિકેટનંુ મેનેજમેન્ટ અને ઓપરેશન બધું જ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે. બીસીસીઆઈમાં મહિલા સંઘનો વિલય થયા બાદ મહિલા ક્રિકેટ ખૂબ જ મોટો ફાયદો થયો.
મહત્ત્વની વાત એ છે કે, લખનઉને આપણે ભારતીય મહિલા ક્રિકેટના જન્મદાતા તરીકે રજૂ કરી શકીએ પણ બીજા ઘણા એવા સાહસો અને કેન્દ્રો છે જેણે દેશમાં મહિલા ક્રિકેટને ટકાવી રાખ્યું અને આગળ વધાર્યું. દેશમાં મહિલા ક્રિકેટને આગળ વધારવામાં ભારતીય રેલવેનું પણ મોટું યોગદાન છે. ૭૦ના દાયકાથી જ રેલવે દ્વારા મહિલા ક્રિકેટરોને નોકરી અને મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટને ભંડોળ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એક સમયે જ્યારે દેશમાં મહિલા ક્રિકેટ ફંડિંગ માટે વલખાં મારતું હતું ત્યારે રેલવે આ ક્રિકેટ માટે સ્પોન્સર્ર બન્યું હતું. તે સમયે રેલવે દ્વારા મહિલા ખેલાડીઓનો નોકરી આપીને તેમને રમતા રહેવા માટે પ્રોત્સાહન અને પૈસા ન આપ્યા હોય તો કદાચ તે સમયે મહિલા ક્રિકેટ ખોટકાઈ ગયું હોત. તે સમયે પણ રેલવે દ્વારા ભારતીય ક્રિકેટ ટીમને એસી કોચમાં ફરવાની વ્યવસ્થા આપવામાં આવી હતી. રેલવે દ્વારા પહેલી વકત આંતર રેલવે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી. રેલવે દ્વારા સારી મહિલા ખેલાડીઓની શોધ કરવામાં આવતી, તેમને ટ્રેનિંગ આપવામાં આવતી અને તેમને નોકરી પણ આપવામાં આવતી હતી.
મહિલા ખેલાડીઓને 80ના દાયકા સુધી તો મેચ ફી પણ ચુકવાની નહોતી
દેશમાં મહિલા ક્રિકેટની બોલબાલા ભલે શરૂ થઈ ગઈ હોય પણ મહિલાઓને જોઈએ તેવું માળખું, વ્યવસ્થા, પૈસા કશું જ મળતા નહોતા. જાણકારોના મતે ૮૦ના દાયકા સુધી તો મહિલાઓને મેચ ફી પણ આપવામાં આવતી નહોતી. એક સમય તો એવો આવી ગયો હતો કે, મહિલાઓની મેચ રમાડવા કે ટૂર્નામેન્ટ કરવા પૈસા નહોતા. તે સમયે રેલવે અને અન્ય સરકારી સાહસો દ્વારા સ્પોન્સરશિપ આપવામાં આવી હતી. મહિલાઓને કન્સેશનની ટિકિટ આપવામાં આવતી હતી. તે ઉપરાંત મેચ રમવા જાય ત્યાં હોટેલમાં એક જ હોલ રાખીને તમામ ખેલાડીઓને રાખવામાં આવતી હતી. તેમને જે ક્રિકેટ કિટ અને સાધનો અપાતા હતા તેની પણ ગુણવત્તા ખાસ સારી નહોતી. ૨૦૦૬માં બીસીસીઆઈ સાથે મહિલા ક્રિકેટ સંઘનો વિલય થયા બાદ મહિલા ખેલાડીઓ પેમેન્ટ અન્ય સુવિધાઓની શરૂઆત થઈ. હાલમાં મહિલા ખેલાડીઓ સાથે ક્રિકેટ બોર્ડ દ્વારા પુરુષ ખેલાડીઓની જેમ વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. મહિલાઓને એ ગ્રેડ, બી ગ્રેડ અને સી ગ્રેડના ખેલાડીઓમાં વહેંચવામાં આવી છે. એ ગ્રેડની સિનિયર ખેલાડીઓને વર્ષે ૫૦ લાખ, બી ગ્રેડની ખેલાડીઓને ૩૦ લાખ અને સી ગ્રેડની ખેલાડીઓને ૧૦ લાખ રકમ ચુકવાય છે. આ રકમ દર વર્ષે કોન્ટ્રાક્ટના ભાગ રૂપે અપાય છે. ખેલાડી મેચ રમે કે ન રમે પણ કોન્ટ્રાક્ટની રકમ ચુકવાય છે. બીજી તરફ મહિલા ખેલાડીઓ જે મેચ ફી આપવામાં છે તે પહેલાં ખૂબ જ ઓછી હતી પણ થોડા સમય પહેલાં જ પુરુષ ખેલાડીઓને સમાંતર કરી દેવાઈ છે. હાલમાં મહિલા અને પુરુષ ખેલાડીઓને ટેસ્ટ માટે ૧૫ લાખ રૂપિયા પ્રતિ મેચ, વન ડે માટે ૬ લાખ રૂપિયા પ્રતિ મેચ અને ટી-૨૦ માટે ૩ લાખ રૂપિયા પ્રતિ મેચ ચુકવવામાં આવે છે. જે ખેલાડીઓ પ્લેઈંગ ૧૧નો ભાગ હોય છે તેમને આ મેચ ફી ચુકવવામાં આવે છે. જે ખેલાડીઓ રિઝર્વ છે અથવા તો પ્લેઈંગ ઈલેવનમાં નથી તેમને અડધી મેચ ફી ચુકવવામાં આવે છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મોટાભાગે તમામ સ્તરે મહિલા અને પુરુષ ખેલાડીઓને સમાન મેચ ફી આપવામાં આવે છે તેમ છતાં કેટલાક રાજ્યોમાં થોડો તફાવત જોવા મળે છે.

