- નંદીગ્રામ વિવાદથી લોકો માટે લડવા મેદાનમાં ઉતરેલા મમતાની દીદી તરીકેની છાપને પરાજય આપવો કપરો છે
- બંગાળમાં ઘણી મોટી સમસ્યાઓ છે, બેરોજગારી છે, ગરીબી છે, હિંસા અને ભયનું સામ્રાજ્ય છે, ઘુસણખોરીની સમસ્યા છે આ બધા વચ્ચે જ્યારે લોકલાગણીની વાત આવે છે ત્યારે દીદી તો પોતાની છે. દીદીને કાયમ ઈનસાઈડરનું જ બિરુદ મળેલું છે જ્યારે બાકીના તમામ પક્ષોના નેતાઓને આઉટસાઈડર જ માનવામાં આવે છે : દીદીની આવડત ગણો કે કોઠાસુઝ કે પછી કૂટનીતિ પણ તે લોકોની નસ પકડી જાણે છે. તેમણે ચૂંટણીને ક્યારેય રાજકીય મુદ્દો રહેવા જ નથી દીધો. તેમણે કાયમ બંગાળની ચૂંટણીને લાગણી, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડી છે અને તેના કારણે તેમની અલગ જ વોટબેંક ઊભી થયેલી છે. લોકોએ સાબિત કરી આપ્યું છે કે, કદાચ હારજીતમાં માર્જીન ઓછું રહી શકે પણ જ્યારે દીદીની વાત આવે ત્યારે સન્માન અને સમર્પણ કાયમ દીદી પ્રત્યે જ હોય છે : આ વખતે ભવાનીપુર બેઠક ઉપર મમતા દીદી સામે સુવેન્દુ અધિકારી મોટો પડકાર બની શકે તેમ છે. આ વખતે સમીકરણો બદલાયેલા છે. ૨૦૨૧માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તેઓ મુખ્યમંત્રી હોવા છતાં નંદીગ્રામ બેઠક ઉપર હારી ગયા હતા અને ભવાનીપુરમાં પેટાચૂટણીમાં ઓછા માર્જિનથી જીત્યા હતા પણ આ જંગ વધારે આકરો હશે
પાંચ વિધાનસભાઓમાં ક્યાંક સત્તા પરિવર્તન તો ક્યાંક સત્તાનું પૂનરાવર્તન થવાના વરતારા ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે દેશ અને દુનિયાની નજર પશ્ચિમ બંગાળ ઉપર છે. વાત એવી છે કે, પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ફણગો ફુટેલો છે. કેટલાક રાજકીય તજજ્ઞાો માને છે કે, બંગાળમાં આ વખતે ટીએમસી સરકાર સામે એન્ટિ ઈન્કમ્બન્સી વધારે અસર કરે તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના પીઢ નેતા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પડતાં જ સમીકરણો બદલાઈ જાય છે. સરકાર સામે, સીએમ સામે, તંત્ર સામે કે રાજકારણ સામે લોકોમાં ભલે આક્રોશ હોય પણ બંગાળી પ્રજા ક્યારેય મમતા દીદીથી નારાજ થઈ નથી.
કોઈપણ પણ હોય તે મમતા બેનરજીની સરકારને ટક્કર આપી શકે પણ મમતા દીદીના લોકચાહનાના સામ્રાજ્યમાં સેંધ મારી શકે તેવું બન્યું નથી. આ વખતે દરેક પક્ષોએ આ કિલ્લાના કાંગરા ખેરવવા પ્રયાસ કર્યો છે.
ડાબેરીઓ હોય કે ભાજપ હોય તેમના નેતાઓ દ્વારા કરાતા વાયદા, કરાતી રજૂઆતો કે પછી રાજકીય કૂટનીતિ બધું જ મમતા દીદીના લાગણી આગળ નબળા પડી જાય છે.
બંગાળમાં ઘણી મોટી સમસ્યાઓ છે, બેરોજગારી છે, ગરીબી છે, હિંસા અને ભયનું સામ્રાજ્ય છે, ઘુસણખોરીની સમસ્યા છે આ બધા વચ્ચે જ્યારે લોકલાગણીની વાત આવે છે ત્યારે દીદી તો પોતાની છે. દીદીને કાયમ ઈનસાઈડરનું જ બિરુદ મળેલું છે જ્યારે બાકીના તમામ પક્ષોના નેતાઓને આઉટસાઈડર જ માનવામાં આવે છે. તેના કારણે જ બંગાળનું રાજકારણ અલગ સ્તરે રહેલું છે.
દરેક પક્ષ પાસે પોતાના કરામાતી અને કરિશ્માઈ નેતાઓ છે અને તેની લોકમાનસ ઉપર અલગ જ છાપ છે તેમ છતાં આ નેતાઓ પણ બંગાળમાં આવીને બંગાળી પ્રજાની દીદીને હંફાવી શકતા નથી.
દીદીની આવડત ગણો કે કોઠાસુઝ કે પછી કૂટનીતિ પણ તે લોકોની નસ પકડી જાણે છે. તેમણે ચૂંટણીને ક્યારેય રાજકીય મુદ્દો રહેવા જ નથી દીધો. તેમણે કાયમ બંગાળની ચૂંટણીને લાગણી, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડી છે અને તેના કારણે તેમની અલગ જ વોટબેંક ઊભી થયેલી છે. તેના કારણે જ ચૂંટણીઓ ઉપર નજર કરીએ તો ગત ચૂંટણી જ તેનું ઉદાહરણ હતી. ભવાનીપુરે તેનું મોટું ઉદાહરણ પૂરું પાડયું હતું. લોકોએ સાબિત કરી આપ્યું છે કે, કદાચ હારજીતમાં માર્જીન ઓછું રહી શકે પણ જ્યારે દીદીની વાત આવે ત્યારે સન્માન અને સમર્પણ કાયમ દીદી પ્રત્યે જ હોય છે.
સીધી રીતે જોવા જઈએ તો બંગાળમાં ઘણા સમયથી ભાજપ મુદ્દાનું રાજકારણ કરી રહ્યું છે. બીજી તરફ ડાબેરીઓ અને કોંગ્રેસ પાસે તો નક્કર કોઈ મુદ્દા જ નથી. બીજી તરફ દીદીએ ઓળખ અને વારસાનું રાજકારણ ચાલુ રાખ્યું છે.
દાયકાઓથી તે બંગાળી ઓળખ સાથે જ રાજકારણમાં સક્રિય છે અને તેના કારણે જ બાકીના પક્ષોના અભિયાન સફળ થતા નથી. બંગાળના રાજકારણમાં સૌથી મોટો તાકાત પાર્ટી નથી પણ એવો નેતા છે જે લોકો સાથે જોડાયેલો છે અને લોકોને પોતાનો લાગે છે. દીદી રાજકારણનું આ સૌથી મોટું ફેક્ટર છે.
ભાજપ પાસે નેતાઓની અછત નથી છતાં બંગાળી પ્રજાને આ નેતાઓ પોતાના લાગતા નથી.
આ સિવાય દીદીના વ્યક્તિત્વની વાત કરવામાં આવે તો પ્રજાના મનમાં એક વાત સ્પષ્ટ છે કે, દીદી બેદાગ નેતા છે. મતદારો અને પ્રજાને સરકાર સામે ભારે રોષ છે પણ જ્યારે મતદાન થાય છે ત્યારે આ ગુસ્સો, આક્રોશ કે અણગમો કશું જ મતદાનમાં દેખાતું નથી. મમતા દીદીને તેઓ પ્રેમ જ કરે છે.
સામાન્ય વ્યક્તિમાંથી લોકચાહના મેળવનાર નેતા સુધી દીદીની સફર રસપ્રદ, રોમાંચક છે. બંગાળમાં દીદીની છબી જ એવી છે કે, લોકો ટીએમસી કરતા દીદી ઉપર વ્યક્તિગત વિશ્વાસ વધારે કરે છે. મમતાની આ આવડત ગણો કે જાડાણ પણ તે પ્રજાથી અને પ્રજા તેમનાથી અલગ થતા જ નથી. કોલકાતાના રસ્તા હોય કે પછી બંગાળના નાના ગામડાઓ તેઓ ખુલ્લેઆમ પ્રજા વચ્ચે જઈને ફરે છે, તેમની સાથે નૃત્ય કરે છે, તેમની સાથે વાતો કરે છે અને તેથી લોકોને લાગે છે કે દીદી આજે પણ તેમની વચ્ચે જ છે.
એન્ટી ઈન્કમ્બન્સીની અસર કદાચ ટીએમસીની બેઠકો ઉપર દેખાતી હશે પણ ક્યારેય દીદી ઉપર દેખાઈ નથી. સિંગૂર-નંદીગ્રામના વિવાદે મમતા બેનરજીને મમતા દીદીની છબી આપી હતી.
લોકોને ત્યારે સમજાઈ ગયું હતું કે, દીદી આપણી છે અને તે ગમેતેના માટે લડત આપે તેવી છે. અહીંયાથી બંગાળી વારસો, લાગણી અને અસ્મિતાનું જોડાણ શરૂ થઈ ગયું. તે ચૂંટણીને ઈમોશનલ બનાવી દે છે અને તેના કારણે જ સરકારી કામગીરી કે નારાજગી સાઈડલાઈન થઈ જાય છે અને દીદી એટલે ઈનસાઈડર અને બાકી બધા આઉટસાઈડરનો મુદ્દો આવી જાય છે. તેના કારણે ચૂંટણીનું નેરેટિવ જ બદલાઈ જાય છે. દીદી ફરી એક વખત સત્તા ઉપર આવી જાય છે.
બીજી મોટી વાત એ છે કે, અહીંયા ચૂંટણી માટે આવનારા નેતાઓ પણ ક્યારેય મમતા દીદી વિશે ખોટી કે મુદ્દાથી વિપરિત વાત કરતા નથી. તેઓ જાણે છે કે, દીદીનું કનેક્શન પ્રજાના દિલ સાથે છે. ભાજપ, કોંગ્રેસ કે ડાબેરી નેતાઓ અનેક જનસભાઓ સંબોધે, બેઠકો કરે, પબ્લિક મિટિંગ કરે પણ તેઓ કાયમ સરકારની કામગીરીઓ, તેની નિષ્ફળતાઓની વાતો કરે છે. તેઓ ભ્રષ્ટાચાર, ભય, બેરોજગારી, હિંસા, ઘુસણખોરીની વાત કરશે પણ ત્યારેય દીદી વિશે ઘસાતું નહીં બોલે. તેઓ પરિવર્તનની વાત કરશે પણ દીદીને હાંકી કાઢવાનું સીધું અને સટ ઉચ્ચારણ ક્યારેય નહીં કરે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી થઈ અને તેમાં રેકોર્ડ તોડ મતદાન થયું. હાલમાં એવું જ લાગી રહ્યું છે કે, ટીએમસી સરકારથી નારાજ લોકોએ ખોબલે ખોબલે મતદાન કર્યું છે અને આ વખતે પરિવર્તનનો પવન ફંકાશે. બીજી તરફ મમતા બેનરજી અને ટીએમસીએ ચૂંટણીમાં ગરબડ અને ઈવીએમ સાથે ચેડાંના આરોપો મુક્યા છે. તેમનો આરોપ છે કે, બહારથી આવેલા ઓબ્ઝર્વર અને સુરક્ષાની જવાબદારી ધરાવતા અધિકારો પણ નિષ્પક્ષ રહ્યા નથી. તેમને માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યાના પણ આરોપો મુકાયા છે. આ બધા વચ્ચે લોકોની નજર ભવાનીપુરની બેઠક ઉપર છે. તેના ઉપર લોકલાગણી અને લોકઆક્રોશની સ્પષ્ટ અસર સમજાઈ જશે.
જાણકારોના મતે, આ વખતે ભવાનીપુર બેઠક ઉપર મમતા દીદી સામે સુવેન્દુ અધિકારી મોટો પડકાર બની શકે તેમ છે. આ વખતે સમીકરણો બદલાયેલા છે. ૨૦૨૧માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તેઓ મુખ્યમંત્રી હોવા છતાં નંદીગ્રામ બેઠક ઉપર હારી ગયા હતા અને તેમણે સીએમ રહેવા માટે છ મહિનાની અંદર બીજી કોઈ બેઠક ઉપરથી જીતવાનું હતું. તેમણે ત્યારે ભવાનીપુર પસંદ કરી હતી. તેઓ ત્યાંથી પેટાચૂટણી લડયા હતા. તે સમયે તો કદાચ તેમને જનસમર્થન મળી ગયું પણ આ વખતે અહીંયા કપરા ચડાણ લાગે છે.
- જાતીગત અને ધાર્મિક સમીકરણો તથા બંગાળી વારસો અસરકારક પરિબળ
ભવાનીપુર એક એવો વિસ્તાર છે જ્યાં જાતગત અને ધાર્મિક સમીકરણો ખૂબ જ વ્યાપક અસર કરે છે. આ વિસ્તાર હિન્દુ બહુમત ધરાવતો છે.
અહીંયા અંદાજે ૭૬ ટકા વસતી હિન્દુઓની છે. અહીંયા સમસ્યા એ છે કે, આ સમુદાય દ્વારા રાજકીય રીતે ક્યારેય એકજૂથ થઈને મતદાન કરવામાં આવ્યું નથી. તેના કારણે બાકીના ૨૪ ટકા મુસ્લિમ મતદારો જ આ બેઠક ઉપર હાર-જીતનું મહત્ત્વનું પાસું બની જાય છે.
બીજી તરફ અહીંયા ગેરબંગાળી લોકોની વસતી પણ વધારે છે. અહીંયા મારવાડી, ગુજરાતી, બિહારી, યુપી અને અન્ય રાજ્યોના લોકો પણ વસે છે. તેમની કુલ વસતી ૩૪ ટકા જેવી છે. તેઓ આ વખતે કેવી લાગણી વ્યક્ત કરે છે તે ખાસ જોવાનું છે. આ બેઠક ઉપર માત્ર ધર્મ કે ભાષાના નામે મત માગવાથી કામ પાર પડે તેમ નથી. આ વખતે ભાજપ અને ટીએમસી બંને માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ થઈ ગઈ છે.
આ બેઠક સિવાય પણ બંગાળમાં જ્યાં પણ ચૂંટણી થઈ તે તમામ બેઠકો ઉપર બંગાળની ધરતી, બંગાળની ભાષા, બંગાળના લોકો, બંગાળનો વારસો જેવી બાબતો વધારે મહત્ત્વની છે. હવે આટલા દાયકાથી દીદીએ ઊભી કરેલી પોતાના વ્યક્તિ તરીકેની છાપ ભુંસાય તો જ નવી વ્યક્તિને સમર્થન મળે કે પછી સત્તા આવે. એક્ઝિટ પોલના જે પરિણામ આવ્યા હોય તે પણ હવે જે વાસ્તવિક પરિણામ આવશે તેના દ્વારા ખ્યાલ આવી જશે કે, બંગાળી અસ્મિતાનું પૂનરાવર્તન થશે કે પછી ભાજપના વિકાસ થકી પરિવર્તન આવશે. તેનાથી આગળ કહીએ તો, પરિણામો સ્પષ્ટ કરશે કે, મમતા બેનરજીનો પરાજય થયો છે કે ફરી એક વખત મમતા દીદી ઉપર લોકોએ વિશ્વાસ અકબંધ રાખ્યો છે.


