લાઈફસ્ટાઈલ ડિસિઝથી નાની ઉંમરે મૃત્યુના કિસ્સામાં વધારો
- ભારતીયોનું સરેરાશ આયુષ્ય વધ્યું પણ સાથે સાથે બિમારીઓ પણ વધી
- આઝાદી સમયે ભારતીયોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું જે 2025માં વધીને 73 વર્ષે પહોંચી ગયું છે, બીજી તરફ આધુનિક સમયમાં સ્ટ્રેસ, સ્પર્ધા, ફાસ્ટફૂડ, જંકફૂડ અને વ્યસનોના કારણે ભારતીયોમાં મેદસ્વિતા, ડાયાબિટિસ, હાઈબ્લડ પ્રેશર, હૃદયરોગ, સ્ટ્રોક જેવી લાઈફસ્ટાઈલ બિમારીઓનું પ્રમાણ વધ્યું જે યુવાનોને મૃત્યુના મુખ તરફ ધકેલી રહી છે
દુનિયા જેમ જેમ વિકસતી ગઈ, વિસ્તરતી ગઈ અને આધુનિક થતી ગઈ તેમ તેમ તેમાં મોટું પરિવર્તન આવ્યું. લોકોના ખાનપાન, રહેણીકરણી, સુવિધાઓ, સેવાઓ અને ટેક્નોલોજીમાં આમૂલ પરિવર્તન આવ્યું જેણે લોકોની જિંદગી ખૂબ જ સરળ બનાવી દીધી. આ વિકાસને પગલે લોકો વધારે આળસુ પણ થવા લાગ્યા છે અને તેમના બદલાયેલા ખાનપાનને કારણે લોકોની બિમારીઓમાં પણ વધારો થવા લાગ્યો છે. આ લાઈફસ્ટાઈલ બિમારીઓના કારણે ભારતીયોમાં નાની ઉંમરે મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. આ વાત માત્ર ભારતને જ લાગુ પડે છે તેવું નથી. થોડા સમય પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો હતો તેમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં લોકોમાં સુવિધાઓના કારણે વધેલી આળસ, શારીરિક કામગીરીમાં ઘટાડો, સ્ટ્રેસ, સ્પર્ધા, અયોગ્ય રહેણીકરણી, જંકફૂડ વગેરેના કારણે લાઈફસ્ટાઈલ ડિસિઝ વ્યાપક પ્રમાણમાં વધ્યા છે. તેના કારણે ૨૦૩૦ સુધીમાં જેટલા લોકોના મોત થશે તેમાંથી ૭૦ ટકા મોત માત્ર લાઈફસ્ટાઈલ ડિસિઝના કારણે થયેલા હશે. ડબ્લ્યૂએચઓનો આ સર્વે ખરેખર ભય ઉપજાવે અને ચિંતા જન્માવે તેવો છે.
દુનિયાભરની વાત કરીએ તો જ્યારે આદ્યોગિક ક્રાંતિ થઈ નહોતી, દુનિયામાં શોધ અને સંશોધનો નહીવત થતા હતા ત્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ ખાસ ક્રાંતિ થઈ નહોતી.
લોકોની પાસે ઘણી બિમારીઓની માહિતી નહોતી અને જે બિમારીઓ વિશે માહિતી કદાચ ઉપલબ્ધ હતી તેની પૂરતી સારવાર પણ ઉપલબ્ધ નહોતી. પશ્ચિમી દેશોમાં આ ક્ષેત્રમાં ક્રાંતિ થઈ અને મેડિકલ ક્ષેત્ર સુધરવા લાગ્યું છતાં દુનિયાભરમાં તેની અસર પહોંચી નહોતી. તેમાંય જે ગુલામ દેશો હતા ત્યાં હાલત વધારે કફોડી હતી. ભારતની જ વાત કરીએ તો ઓરી, અછબડા, શીતળા, મેલેરિયા અને બીજી ઘણી બિમારીઓના કારણે હજારોની સંખ્યામાં લોકોનાં મોત થતા હતા. તે સિવાય હૃદયરોગ કે ડાયાબિટિસ જેવા રોગ થતા હશે પણ કદાચ તે માપવાની શરૂઆત કે તેના વિશેનું જ્ઞાાન આવ્યું નહીં હોય. તેના પગલે પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હશે.
ભારતમાં બિમારીઓ અને સારવાર ઉપર નજર કરીએ તો સમજાશે કે છેલ્લાં બે દાયકામાં મોટો ફેરફાર આવ્યો છે બાકી છેવાડાના વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ હતો અને લોકો સારવારના અભાવે મૃત્યુ પામતા હતા. ભારતીયોના આયુષ્ય વિશે વાત કરીએ તો દેશ આઝાદ થયો ત્યારે ભારતીયોનું સરેરાશ આયુષ્ય માત્ર ૩૨ વર્ષ હતું. જે જીવી ગયા તે જીવી ગયા બાકી આ ઉંમરે પહોંચતા સુધીમાં કોઈને કોઈ જીવલેણ બિમારીના લીધે લોકોનાં મોત થતા હતા. ત્યારથી શરૂ કરીને ૭૫ વર્ષના આ સફરમાં ભારતમાં મેડિકલ ક્ષેત્રે મોટો સુધારા અને સંશોધનો થયા છે. તેના પગલે લોકોના આયુષ્યમાં બમણો વધારો થયો છે. બે વર્ષ પહેલાં જ કરવામાં આવેલા સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૭૦.૪૨ વર્ષ થઈ ગયું છે. તાજેતરમાં આવેલા એક સર્વેમાં જણાવાયું છે કે, ભારતના શહેરોમાં વસતા લોકોનું સરેરાશ આયુષ્ય ૭૩ વર્ષ જ્યારે ગામડામાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય ૬૮ વર્ષ છે.
બીજી તરફ એવી બાબત પણ સામે આવી છે કે, ભારતમાં હાલમાં જે મેડિકલ ક્રાંતિ થઈ રહી છે અને લોકોને સ્વાસ્થ્યની જે સેવાઓ મળી રહી છે તે આગામી બે દાયકામાં મોટી અસર કરશે. જાણકારોના મતે ૨૦૫૦ સુધીમાં ભારતીય પુરુષોનું સરેરાશ આયુષ્ય ૭૫ વર્ષ જ્યારે ભારતીય મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષ પહોંચી જશે.
લોકોનું આયુષ્ય વધશે તે આનંદની વાત છે પણ બીજી તરફ લોકોમાં જે સ્ટ્રેસ, અનહેલ્ધિ લાઈફસ્ટાઈલ, જંકફૂડ અને ફાસ્ટફૂડનું વળગણ, કસરતનો અભાવ, સુવિધાઓના કારણે શારીરિક કામગીરીનો અભાવ વધી રહ્યો છે જે ચિંતાનજક છે. ડબલ્યૂએચઓ દ્વારા ૨૦૩૦માં ૭૦ ટકા મોત લાઈફસ્ટાઈલ ડિસિઝના કારણે થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તે મોટું જોખમ છે. જાણકારો માને છે કે, વર્કિંગ લોકોમાં સ્ટ્રોક, ડાયાબિટીસ, મેદસ્વિતા, મેટાબોલિક સિન્ડ્રોમ, કેન્સર, હાર્ટ એટેક, કિડની અને લિવરના રોગો જેવા ક્રોનિક લાઈફસ્ટાઈલ ડિસિઝ વધી રહ્યા છે.
લોકો હાલમાં જે રેસમાં દોડી રહ્યા છે તેના કારણે અનિયમિત ભોજન, અયોગ્ય ભોજન, અયોગ્ય ડાયેટિંગ, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ તથા ખરાબ રિલેશનશિપ પણ સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. તેના પગલે પણ ક્રોનિક ડિસિઝ વધી રહ્યા છે.
અત્યાર સુધી ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં જીમમાં કસરત કરવા દરમિયાન કે રમતના મેદાન ઉપર રમવા દરમિયાન કે પછી કામગીરી કરવા દરમિયાન યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા હોય. ઘણા કિસ્સામાં સારી લાઈફસ્ટાઈલ હોવાનું દેખાતા સેલેબ્સ અને ટીવી અને ફિલ્મ જગતના લોકોને પણ હાર્ટએટેક આવ્યાના અને તેનાથી મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. ઘણા કિસ્સામાં તો પંદર-સત્તર વર્ષના કિશોરોનો પણ એટેક આવ્યાના કિસ્સા બહાર આવ્યા હતા. આ બધા જ લક્ષણો ક્રોનિક લાઈફસ્ટાઈલ ડિસિઝના જ છે. થોડા સમય પહેલાં આવેલા ડબ્લ્યૂએચઓના જ એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિને બ્રેઈનસ્ટ્રોક આવે છે. તે ઉપરાંત દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકના કારણે મોત પણ થાય છે. દર વર્ષે દુનિયાભરમાં ૧.૨૫ કરોડ કરતા વધારે લોકોને સ્ટ્રોક આવે છે અને તેમાંથી અડધા લોકો મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે ૧.૯૦ લાખ જેટલા લોકોને સ્ટ્રોક આવે છે. જાણકારો માને છે કે, હાલમાં જંકફૂડ, ફાસ્ટફૂડ, પ્રિઝર્વેટિવ્સ ધરાવતા ફૂડ, પ્રોસેસિંગ ફૂડ આરોગવાનું પ્રમાણ જે હદે વધ્યું છે તેના કારણે જ લોકો ક્રોનિક ડિસિઝ અને ત્યારબાદ મોતને ભેટે છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા સર્વે અને મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પુરુષોમાં ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ મહિલાઓમાં મેદસ્વિતા અને તેના કારણે થતી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. આ એવા લાઈફસ્ટાઈલ ડિસિઝ છે જેમાં દવાઓની જરૂર જ નથી. આપણી જિંદગીની ગાડીને પાટે ચડાવીએ તો આપોઆપ બિમારીઓ ઓછી થઈ જાય છે અને દવાઓ કે સારવારની જરૂર પડતી નથી. વ્યક્તિએ માત્ર પોતાના રૂટિનમાં, ખાનપાનની આદતમાં સુધારો કરવાનો હોય છે. સમયસર ઘરનું ભોજન કરવું, સાત કલાક જેટલી ઉંઘ લેવી, દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૪૫ મિનિટ ચાલવું, દોડવું અથવા તો કસરત કરવી કે પછી યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. આ પ્રકારના સુધારા માણસના સ્વાસ્થ્યને સુધારે છે અને તેના ઉપરથી જીવનું જોખમ ઘટી જાય છે.
49 ટકા ભારતીયો કસરત કરતા જ નથી : વિશ્વમાં 12મા ક્રમાંકે
લેન્સેટ ગ્લોબલ દ્વારા થોડા સમય પહેલાં જ વૈશ્વિક સ્વાસ્થ્ય અને બિમારીઓ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં લોકો કસરત કરવાનું અથવા તો શારીરિક કામગીરી કરવાનું પસંદ કરતા નથી.
સરેરાશ ૨ થી ૨.૫ કલાક સામાન્ય કસરતો અથવા તો ૧ થી ૧.૫ કલાક આકરી કસરતો કરવા મુદ્દે લેન્સેટે અભ્યાસ હાથ ધર્યો હતો. તેમાં બહાર આવ્યું હતું કે, ભારતીયો કસરત નહીં કરવા મુદ્દે ૧૨મા ક્રમે આવે છે. ભારતની કુલ વસતીના ૪૯ ટકા લોકો કસરત અથવા તો શારીરિક કામગીરી કરતા જ નથી. તેઓ તંદુરસ્તી પ્રત્યે સજાગ નથી. તેનો અર્થ જ થયો કે, ભારતની અડધી વસતી સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત નથી. દોડવું, કસરત કરવી, સ્વિમિંગ, કોઈ રમત રમવી, વેઈટ લિફ્ટિંગ કરવું જેવી કસરતો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો યુએઈ આ મુદ્દે મોખરે છે.
યુએઈમાં ૬૬ ટકા લોકો એટલે કે તેની વસતીના બે તૃતિયાંશ ભાગના લોકોને શારીરિક શ્રમ કરવો જ નથી. તેઓ કસરત કરવામાં માનતા જ નથી. પશ્ચિમ અને દક્ષિણ એશિયાના દેશોમાં અડધી વસતી કસરત કરવાથી દૂર રહે છે. અમેરિકામાં તેનું પ્રમાણ થોડું ઓછું છે. તેમ છતાં દર ત્રણ અમેરિકને એક વ્યક્તિ કસરત કરતી નથી. જાપાન કે જેમાં લોકો શતાયુ આયુષ્ય વધારે ભોગવે છે ત્યાં પણ લોકો ઓછી કસરત કરે છે. યુરોપ અને આફ્રિકાના દેશોના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી વધુ જાગ્રત અને એક્ટિવ છે.