Get The App

યુદ્ધને પગલે ભારતની આયાત અને નિકાસને મોટો ફટકો પડશે

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને પગલે ભારતની આયાત અને નિકાસને મોટો ફટકો પડશે 1 - image

- હોમુર્ઝની ખાડી બંધ થવાથી ક્રૂડ ઉપરાંત એલપીજીની આયાતને વ્યાપક અસર : ચોખા, ફળો, ઈલેક્ટ્રોનિક્સની નિકાસ પણ મધદરિયે અટવાઈ ગઈ

- યુદ્ધને પગલે તાજેતરમાં જ ભારતના 10 કાર્ગો રદ કરવામાં આવ્યા છે. દરેક કાર્ગોમાં 46,000 ટન એલપીજી હતો. તેનો અર્થ એ છે કે, ભારતનો 4.6 લાખ ટન એલપીજી જથ્થો અટવાઈ ગયો છે. ફેબ્રુઆરીમાં ભારત દ્વારા 22.6 લાખ ટન એલપીજીની આયાત કરવામાં આવી હતી. તેમાંથી 19.4 લાખ ટન એલપીજી ખાડી દેશોમાંથી હોમુર્ઝની ખાડીના રસ્તે ભારત આવ્યો હતો. ભારતના એલપીજી સપ્લાયનો 85 ટકા જથ્થો આ રસ્તે આવે છે જે અટવાયો છે : હાલમાં 200 જેટલા કાર્ગો જહાજ હોમુર્ઝ ખાડી પાસે અટવાયેલા છે. આ જહાજોમાં અંદાજે ૫ લાખ કન્ટેનરો લદાયેલા છે. યુદ્ધના કારણે હોમુર્ઝ ખાડીમાં થતું શિપિંગ ઓપરેશન 70 ટકા બંધ થઈ ગયું છે. ઘણા દેશોએ પોતાના જહાજો હજી પણ અટકાવેલા છે. મોટી શિપિંગ કંપનીઓએ પણ બુકિંગ અટકાવી દીધા છે : અટવાયેલા જહાજોમાં ભારતના 2500 કન્ટેનરો છે. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોકલાવવામાં આવેલા દ્રાક્ષ, કેળા, કેરી, દાડમ, સફરજન જેવા ફળો છે. તે 10 દિવસથી અટવાયેલા છે. હજી તે વધારે અટવાયેલા રહેશે તો આ કોલ્ડ સ્ટોરેજ કન્ટેનર હોવા છતાં તે બગડી જશે. આ સિવાય ભારત દર વર્ષે 50,000 કરોડ રૂપિયાના બાસમતી ચોખા ઈરાન મોકલાવે છે. તેમાંથી 20 હજાર કરોડના બાસમતી ચોખા અટવાયેલા છે 

ઈરાન સાથે જે રીતે અમેરિકા અને ઈઝરાયેલ જંગે ચડયા છે તેના કારણે સમગ્ર દુનિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મિડલ ઈસ્ટમાં થઈ રહેલા હિંસાના તાંડવ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ જાણે કે બોમ્બ પડી રહ્યા હોય તેવી સ્થિતિ છે. ઈરાને હોમુર્ઝની ખાડી બંધ કરી દેતાં અનેક જહાજો અટવાઈ ગયા છે. અબજો ડોલરનો માલસામાન મધદરિયે અટવાયેલો પડયો છે. તે ઉપરાંત ખાડી દેશોના બંદરો ઉપર પડી રહેલો માલસામાન પણ દુનિયાના બીજા દેશો સુધી પહોંચી શકે તેમ નથી કે એશિયાના અને ખાસ કરીને ભારતના બંદરોથી નિકાસ થઈ રહેલો માલસામાન પણ ખાડી દેશો અને યુરોપ સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં નથી. તાજેતરના અહેવાલ જણાવે છે કે, ઈરાન અને તેની આસપાસના દરિયામાં ક્રૂડના ૭૦૦ જેટલા જહાજો અટવાયેલા છે. તેમાં કરોડો બેરલ ક્રૂડ ફસાઈ ગયું છે.  

જાણકારોના મતે આ ત્રણેય દેશોના યુદ્ધની અસર ધીમે ધીમે સમગ્ર વિશ્વ ઉપર વ્યાપક અસર કરતી જઈ રહી છે. ક્રૂડ ઓઈલનો સૌથી મોટો વેપાર કરનારા દેશો જ યુદ્ધમાં અટવાયા છે અને તેના કારણે ક્રૂડના ભાવમાં તો ભડકો થયો જ છે. આગામી સમયમાં તેના પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભારતમાં ક્રૂડનો સપ્લાય ઘટશે તો તેની અછતને કારણે ભાવ વધે તેવું બની શકે. બીજી તરફ કેટલાક જાણકારોનું માનવું છે કે, ક્રૂડ કરતા પણ સૌથી વધારે અસર ભારતને એલપીજી સેક્ટરમાં થઈ છે. આ યુદ્ધ લાંબું ચાલ્યું તો ભારતમાં એલપીજીનું સંકટ સર્જાઈ શકે તેમ છે. 

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરામકોના મુખ્ય એલપીજી ટર્મિનલમાં થયેલા હુમલા અને વિસ્ફોટના કારણે તેના એલપીજી સપ્લાયને મોટી અસર થઈ છે. જાણકારોના મતે ભારત એલપીજીનો સૌથી મોટો આયાતકાર દેશ છે. દુનિયામાં સૌથી વધારે એલપીજીની આયાત ભારત દ્વારા કરાય છે. તેના જ સપ્લાયને સૌથી મોટી અસર દેખાવાની છે. મહત્ત્વની વાત એ છે કે, ૨૩ ફેબ્રુઆરીના રોજ સાઉદીના જુઆયમાહ ટર્મિલનમાં પ્રોપેન અને બ્યૂટેનની ડિલિવરી સિસ્ટમનો એક હિસ્સો તૂટી ગયો હતો. તેના કારણે કંપનીએ એલપીજીના સપ્લાયમાં એક મહિનાના વિલંબની જાહેરાત કરી હતી. કંપનીએ એલપીજીની તમામ શિપમેન્ટ રદ કર્યા હતા. તેના પાંચ જ દિવસમાં ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા, ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. યુદ્ધના પહેલા જ દિવસે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું. તેના કારણે ગિન્નાયેલા ઈરાને સાઉદી ઉપર હુમલો કર્યા અને હોમુર્ઝની ખાડી બંધ કરી દીધી.

હવે સ્થિતિ એવી છે કે, ફારસની ખાડી પાસે આવેલું જુઆયમાહ ટર્મિનલ એલપીજીનું દુનિયાનું સૌથી મોટું નિકાસકેન્દ્ર છે. અહીંયાથી દર મહિને અંદાજે ૪.૫ લાખ ટન એલપીજીની નિકાસ થાય છે. તેમાંથી ૬૦ ટકા એલપીજી ભારત મોકલવામાં આવે છે. જાણકારોના મતે યુદ્ધને પગલે તાજેતરમાં જ ભારતના ૧૦ કાર્ગો રદ કરવામાં આવ્યા છે. દરેક કાર્ગોમાં ૪૬,૦૦૦ ટન એલપીજી હતો. તેનો અર્થ એ છે કે, ભારતનો ૪.૬ લાખ ટન એલપીજી જથ્થો અટવાઈ ગયો છે. સિમી, બીડબ્લ્યૂ એલ્મ અને જગ વીરાટ જેવા ટેન્કરોને અસર થઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન માટે આ કંપનીઓ લોડિંગનું કામ કરતી હતી. સાઉદી અરામકોએ જણાવ્યું કે, યુદ્ધના પગલે થોડા સમય માટે આ સપ્લાયમાં અનિશ્ચિતતા રહેવાની છે. 

ચિંતાજનક બાબત એ છે કે, ભારતની માત્ર આયાતને જ અસર થઈ છે તેવું નથી. આ યુદ્ધના કારણે વૈશ્વિક નિકાસને પણ અસર થઈ છે. તેમાં ભારતને પણ મોટાપાયે સહન કરવાનું આવ્યું છે. જાણકારોના મતે હાલમાં ઈરાન અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારમાં ૨૦૦થી વધારે કાર્ગો જહાજ અટવાયેલા છે. આ જહાજો ઉપર ભારતના જ ૨૫૦૦ કન્ટેનરો અટવાયેલા હોવાનું કહેવાય છે. આ કન્ટેનરોમાં તાજા ફળો જેવા કે દ્રાક્ષ, કેળા, સફજન અને અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે. રમઝાન મહિનો ચાલતો હોવાથી ખાડી દેશોમાં તેની વ્યાપક નિકાસ કરવામાં આવે છે. તે ઉપરાંત ઈરાન મોકલવામાં આવતા બાસમતી ચોખા, ચા, એન્જિનિયરિંગનો સામાન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓ પણ મધદરિયે અટવાયેલી છે. 

જાણકારો માને છે કે, ખાડીથી નહીં જઈ શકાય તો રસ્તો બદલવો પડશે અને તેના કારણે આ સપ્લાય પહોંચાડતા બીજા ૨૦ દિવસ લાગશે. તેના કારણે કન્ટેનરોમાં રહેલી વસ્તુઓ બગડી જવાની વ્યાપક શક્યતાઓ છે. હકિકત એવી છે કે, હોમુર્ઝની ખાડી અથવા તો સુએઝ નહેર બંધ થઈ જાય કે કરવામાં આવે તો ભારતનો યુરોપ અને અમેરિકા સાથેનો તથા મધ્યપૂર્વના દેશો સાથેનો સંપર્ક તૂટી જાય તેમ છે. 

ત્યારબાદ તેણે પોતાની આયાત કે નિકાસ માટે લાંબો રસ્તો પસંદ કરવો પડે. તેના માટે તેણે આફ્રિકા ખંડનું ચક્કર લગાવીને જહાજો મોકલવા અને મગાવવા પડે. તેમાં ૬૦૦૦ કિ.મી જેટલું અંતર વધી જાય તેમ છે. આ ઉપરાંત તેના કારણે માલ પહોંચવામાં ૧૫ થી ૨૦ દિવસ જેટલું મોડું થાય છે. આ સિવાય માલ પહોંચાડવાના ભાડામાં પણ ૪૦ થી ૬૦ ટકાનો તોતિંગ વધારો થઈ જાય છે. સામાન્ય રીતે જે ફળો અને શાકભાજી ૧૦ થી ૧૨ દિવસમાં ખાડી દેશો અને મધ્ય પૂર્વમાં પહોંચે છે તે નવા રસ્તે ૩૦ દિવસે પહોંચે. તેના કારણે તેઓ રેફ્રિજરેશન ધરાવતા કન્ટેનર્સમાં હોવા છતાં ખરાબ થઈ જાય તેમ છે.

સાઉથ એશિયાનો સપ્લાય ખોટકાયો, ભારતને સૌથી વધારે અસર

તાજેતરના અહેવાલો જણાવે છે કે, વર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે એલપીજીની નિકાસ અટકી છે. તેના કારણે સાઉથ એશિયાનો સપ્લાય ખોટકાયો છે. ભારત, ચીન, જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશો એલપીજીના વૈકલ્પિક નિકાસકારો શોધી રહ્યા છે. બીજી તરફ ખામેનેઈના મોતના કારણે ખાડી દેશોની સ્થિતિ વધારે કફોડી થઈ છે. અહેવાલો જણાવે છે કે, ઈરાને દુબઈ અને જાયેદ એરપોર્ટ્સને નુકસાન પહોંચાડયું છે. તે ઉપરાંત આઈઆરજીસીએ હોમુર્ઝની ખાડી સંપૂર્ણ બંધ કરવાની ધમકી આપી દીધી છે. ઈરાની ગાર્ડ્સ દ્વારા આ વિસ્તારમાં જહાજો નહીં લાવવાની અલગથી ચેતવણી આપી દેવામાં આવી છે. યુરોપના દેશોએ પણ પોતાની આયાત અને નિકાસ હાલ પૂરતી અટકાવી દીધી છે. કેટલાક જહાજોએ જવાનો પ્રયાસ કર્યો તો તેમને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. જાણકારોના મતે આ નિકાસ અને આયાતનો ડખો થવાથી ભારતને સૌથી વધારે અસર થઈ છે. ફેબ્રુઆરીમાં ભારત દ્વારા ૨૨.૬ લાખ ટન એલપીજીની આયાત કરવામાં આવી હતી. તેમાંથી ૧૯.૪ લાખ ટન એલપીજી ખાડી દેશોમાંથી હોમુર્ઝની ખાડીના રસ્તે ભારત આવ્યો હતો. ભારતના એલપીજી સપ્લાયનો ૮૫ ટકા જથ્થો આ રસ્તે આવે છે. ભારત સાઉદી, કુવૈત, કરતાર અને યુએઈ પાસેથી સૌથી વધારે એલપીજી મગાવે છે. જાણકારો માને છે કે, ભારત પાસે ક્રૂડ સાચવવાના અને સ્ટોર કરવાના વ્યાપક વિકલ્પો છે જ્યારે એલપીજી સ્ટોર કરવાની યોગ્ય વ્યવસ્થા નથી. તેના પગલે એલપીજીનો સ્ટોક ઘટશે તો ભારતને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો આવશે. 

ભારત પાસે ૧૫ દિવસનો ક્રૂડ અને ૧૦ દિવસનો ઈંધણનો સ્ટોક છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકા પાસે વર્ષે ૨૨ લાખ ટન એલપીજી લેવાના કરાર પણ થયા હતા. જો કે, તે ભારતની જરૂરિયાતના માત્ર ૧૦ ટકા જેટલો સપ્લાય છે. હજી તેની શરૂઆત પણ થઈ નથી.

ઈરાન પાસે અંદાજે 5 લાખ કન્ટેનર લાદેલા જહાજો અટવાયેલા પડયા છે 

જાણકારો સ્પષ્ટ માને છે કે, હાલમાં હોમુર્ઝન ખાડીની જે સ્થિતિ છે તેના કારણે વૈશ્વિક વ્યાપારને અસર થઈ છે. દુનિયાભરના મોટાભાગના જહાજ આ રસ્તે જતા-આવતા હોય છે. ભારત પણ મોટા પ્રમાણમાં આ રસ્તે નિકાસ કરતું હોય છે. હાલમાં ૨૦૦ જેટલા કાર્ગો જહાજ હોમુર્ઝ ખાડી પાસે અટવાયેલા છે. આ જહાજોમાં અંદાજે ૫ લાખ કન્ટેનરો લદાયેલા છે. યુદ્ધના કારણે હોમુર્ઝ ખાડીમાં થતું શિપિંગ ઓપરેશન ૭૦ ટકા બંધ થઈ ગયું છે. ઘણા દેશોએ પોતાના જહાજો હજી પણ અટકાવેલા છે. મોટી શિપિંગ કંપનીઓએ પણ બુકિંગ અટકાવી દીધા છે. આ જહાજોમાં રહેલા અંદાજે ૨૫૦૦ કન્ટેનરોમાં ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોકલાવવામાં આવેલા દ્રાક્ષ, કેળા, કેરી, દાડમ, સફરજન જેવા ફળો છે. તે ૧૦ દિવસથી અટવાયેલા છે. હજી તે વધારે અટવાયેલા રહેશે તો આ કોલ્ડ સ્ટોરેજ કન્ટેનર હોવા છતાં તે બગડી જશે. આ સિવાય ભારત દર વર્ષે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના બાસમતી ચોખા ઈરાન મોકલાવે છે. તેમાંથી ૨૦ હજાર કરોડના બાસમતી ચોખા અટવાયેલા છે. આ સિવાય ભારતથી જનારા ફ્રોઝન મીટના કન્ટેનર પણ અટવાયેલા છે. તે ઉપરાંત ઓમાન, કુવૈત, યુએઈ જેવા દેશોમાં જતા સી ફુડનો પણ મોટો જથ્થો અટવાઈ ગયો છે. જાણકારોના મતે જો આગામી સમયમાં આ સ્થિતિનો કોઈ ઉકેલ ન આવ્યો અને ઈરાન લડી લેવા જ તૈયાર થયો તો દુનિયાના તમામ દેશોને પણ આટલી જ ગંભીર અસરમાંથી પસાર થવું પડશે.