FOLLOW US

ભાજપ ધારાસભ્ય પાસે કરોડો ક્યાંથી આવ્યા ?

Updated: Mar 4th, 2023


- ભાજપના ધારાસભ્યના દિકરાને જ લોકપાલે લપેટી લીધો છે

- ભાજપના રાજમાં ગમે તેવા મહાભ્રષ્ટાચારી પણ વિપક્ષ છોડીને ભાજપમાં આવે ત્યારે દૂધે ધોયેલા ને પવિત્ર થઈ જતા હોય છે ત્યારે કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યને ત્યાં દરોડા પડયા તેનું સૌને આશ્ચર્ય છે. ભાજપની સરકાર હોવા છતાં વિરૂપક્ષપ્પા કેમ ઝપટે ચડયા એ મોટો સવાલ છે.

કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી હોવાથી રાજકીય રીતે ગરમીનો માહોલ છે ત્યાં ભાજપના ધારાસભ્ય કે. મદાલ વિરૂપક્ષપ્પાનો  દીકરો પ્રશાંત મદલ ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો ને પછી તેની પાસેથી કરોડો રૂપિયા પકડાતાં ખળભળાટ મચ્યો છે. પ્રશાંત મદાલ બેંગલુરુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (બીડબ્લ્યુએસએસબી)માં ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો પણ તેણે લાંચ તેના પિતા ચેરમેન છે એ કર્ણાટક સોપ્સ એન્ડ ડીટરજન્ટ લિમિટેડના કામ માટે માગી હતી.

પ્રશાંતે કોન્ટ્રાક્ટર પાસેથી ૮૧ લાખ રૂપિયાની લાંચ માંગી હતી.  એ પેટે ૪૦ લાખ રૂપિયા પહેલાં આપવાના હતા. કોન્ટ્રાક્ટરે લોકપાલમાં ફરિયાદ કરી દીધી. લોકપાલની એન્ટી-કરપ્શન બ્રાંચે ફાંસલો ગોઠવ્યો તેમાં પ્રશાંત ફસાઈ ગયો. પ્રશાંત લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો પછી ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી જ ૧.૭ કરોડ રૂપિયાથી વધારેની રોકડ મળી આવી હતી.

લોકપાલ અધિકારીઓ સમજી ગયા કે, પ્રશાંત નાનો ખેલાડી નથી તેથી અધિકારીઓએ બેંગલુરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડયા છે. પ્રશાંતના ઘરમાંથી બીજા ૬ કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા છે એ જોતાં પ્રશાંત પાસેથી જ ૮ કરોડની રોકડ તો મળી છે. તેના બીજા સાગરિતોને ત્યાંથી મળેલી રકમ તો અલગ. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે એ જોતાં સ્કોર વધવાની પૂરી શક્યતા છે. 

ભારતમાં કોઈને ત્યાં દરોડો પડે ને કરોડો રૂપિયાની રોકડ મળે એ નવી વાત નથી પણ કોઈ રાજકારણીના દીકરાને ત્યાંથી આટલી મોટી રકમ મળે એ મોટી વાત છે. પ્રશાંત મદાલના કિસ્સામાં મહત્વની વાત એ છે કે, પ્રશાંતના પિતા કર્ણાટકમાં ચેન્નાગીરી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે ને કર્ણાટકમાં ભાજપની સરકાર છે. ભાજપના રાજમાં તો ગમે તેવા મહાભ્રષ્ટાચારી પણ વિપક્ષ છોડીને ભાજપમાં આવે ત્યારે દૂધે ધોયેલા ને પવિત્ર થઈ જતા હોય છે ત્યારે અહીં તો ભાજપના ધારાસભ્યના દીકરાને જ લોકપાલે લપેટી લીધો છે. 

ભાજપના ધારાસભ્ય કે. મદાલ વિરૂપક્ષપ્પાએ દીકરાને ત્યાંથી કરોડો રૂપિયા મળ્યા એ મામલે હાથ અધ્ધર કરી દીધા છે. પોતાને આ વાત સાથે કંઈ લેવાદેવા નથી એમ કહીને કે. મદાલ વિરૂપક્ષપ્પા ખંખેરીને ઉભા થઈ ગયા છે પણ પ્રશાંતે પોતાના પિતા પાસે કામ કરાવા બદલ લાંચ લીધી હતી. આ ઉપરાંત બેંગલુરૂમાં જ્યાં દરોડા પડયા એ ઘરમાં વિરૂપક્ષપ્પા અને પ્રશાંત સાથે જ રહે છે. આ સંજોગોમાં ધારાસભ્ય હાથ ખંખેરી નાંખે એ ન ચાલે. વિરૂપક્ષપ્પાએ આ કાંડ પછી કોર્પોરેશનમાંથી રાજીનામું આપી દીધું છે. તેના કારણે એ ખરડાયેલા છે એવી શંકા મજબૂત બની છે.  

ભારતમાં જે રાજ્યમાં ભાજપની સરકાર હોય છતાં ભાજપના ધારાસભ્યને ત્યાં દરોડા પડે એવું ભાગ્યે જ બને છે. કર્ણાટકમાં આવી વિરલ ઘટના બની છે ત્યારે તેની પાછળના કારણો શું છે એ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. 

કર્ણાટક ભાજપમાં જબરદસ્ત જૂથબંધી છે. રાજકારણીઓના જ્ઞાાતિ અને પ્રાદેશિક વિભાગોના આધારે પણ કેમ્પ છે. આ કેમ્પ એકબીજાને પછાડવા માટે ગમે તે હદે જઈ શકે છે. વિરૂપક્ષપ્પા યેદુરપ્પા કેમ્પના માણસ મનાય છે. યેદુરપ્પાના પરિવારે બેંગલોરમાં કોન્ટ્રાક્ટ આપવામાં લાંચ લીધાના કેસ થયા છે તેમાં વિરૂપક્ષપ્પા પણ આરોપી છે. એ રીતે વિરૂપક્ષપ્પા દૂધે ધોયેલા નથી જ. યેદુરપ્પાના વિરોધીઓએ તેનો ફાયદો લઈને તેમને ભેરવી દીધા હોય એવું બની શકે. 

હજુ અઠવાડિયાં પહેલાં જ અમિત શાહે કર્ણાટકમાં ભાજપે બેદાગ શાસન આપ્યાનો દાવો કરેલો. વિરૂપક્ષપ્પા કાંડે આ દાવાના ધજાગરા ઉડાવી દીધા છે. 

2018ની ચૂંટણી પહેલાં વિરૂપક્ષપ્પાને ત્યાં રેડ પડેલી

વિરૂપક્ષપ્પાના કેસમાં રસપ્રદ વાત એ છે કે, ૨૦૧૮માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ વિરૂપક્ષપ્પા સરકારી એજન્સીની લપેટમાં આવી ગયા હતા. વિરૂપક્ષપ્પાને ત્યાં ચૂંટણીના પંદર દિવસ પહેલાં જ ઈન્કમટેક્સની રેડ પડી હતી. 

કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં કેન્દ્ર સરકારની એજન્સી ભાજપના ઉમેદવારને ત્યાં દરોડા પાડે એ વાતથી લોકોને આંચકો લાગી ગયેલો. 

વિરૂપક્ષપ્પાને ત્યાં પડેલી રેડમાં બધું પછી રફેદફે થઈ ગયું એ અલગ વાત છે પણ એ વખતે વિરૂપક્ષપ્પા ચર્ચામાં આવી ગયેલા. હવે ચૂંટણી પહેલાં વિરૂપક્ષપ્પા પાછા ગાજ્યા છે.

યુ-ટયૂબ પર વિડીયો મૂકીને બે કંપનીઓનું ફુલગુલાબી ચિત્ર રજૂ કર્યું હતું

'સર્કીટ'નું શેર કૌભાંડ આઘાતજનક

સેબીએ અરશદ વારસી સહિત ૪૫ લોકો પર એક વર્ષ સુધી શેરબજારમાં કામ કરવાનો પ્રતિબંધ મૂકી દીધો છે. અરશદ સહિતનાં લોકો સામે આરોપ છે કે, યુ-ટયુબ ચેનલ પર લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયા મૂકીને તેમણે બે કંપનીઓના શેરના ભાવ વધારીને લાખો રૂપિયાનો નફો ઘરભેગો કરી દીધો. 

ભારતમાં શેરબજારની વોચ ડોગ તરીકે કામ કરતી સેબીએ ૪૫ લોકો પર એક વર્ષ સુધી શેરબજારમાં કામ કરવાનો પ્રતિબંધ મૂકી દીધો છે. આ ૪૫ લોકોમાં એક્ટર અરશદ વારસી અને તેની પત્ની મારીયા ગોરેટ્ટી પણ છે. મુન્નાભાઈ સીરિઝની ફિલ્મોમાં સર્કીટ બનીને નામના મેળવનારા અરશદ સહિતનાં લોકો સામે આરોપ છે કે, યુ-ટયુબ ચેનલ પર લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયા મૂકીને તેમણે બે કંપનીઓના શેરના ભાવ વધારીને લાખો રૂપિયાનો નફો ઘરભેગો કરી દીધો. 

અરશદ આણિ ટોળકીએ યુ-ટયુબ પર વીડિયો મૂકીને સાધના બ્રોડકાસ્ટ અને શાર્પલાઈન બ્રોડકાસ્ટ એ બે કંપનીનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરી દીધેલું. તેના કારણે લોકો આ બંને કંપનીના શેરોમાં રોકાણ કરવા લલચાયા ને બંને કંપનીના શેરોના ભાવ વધી ગયા. અરશદની ટોળી પહેલેથી જ સસ્તા ભાવે બંને કંપનીના શેર લઈને બેસી ગયેલી તેથી ભાવ ઉંચકાવા માંડયા એટલે શેર વેચીને રોકડી કરવા માંડી. આ રીતે રોકાણકારો ભરાતા ગયા ને અરશદની ટોળી કમાણી કરતી ગઈ. 

રોકાણકારોને પોતાને અરશદની ટોળીએ ઉલ્લુ બનાવ્યા છે એ વાતની ખબર પડી ત્યાં સુધીમાં તો શેરના ભાવ પાછા બેસવા માંડેલા તેથી હજારો રોકાણકારો ફસાઈ ગયા. સેબીને આ કૌભાંડની ફરિયાદ મળી પછી સેબીએ તપાસ કરી તો આખા કૌભાંડનો પર્દાફાશ થયો. 

સેબીએ ૨૦૨૨ના એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનાના ગાળામાં થયેલી પ્રવૃત્તિઓ વિશે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો બહાર આવી. ૨૦૨૨ના મે મહિનામાં મિડકેપ અને પ્રોફિટ યાત્રા નામની બે યુટયુબ ચેનલો દ્વારા શાર્પલાઈન બોર્ડકાસ્ટ કંપની વિશે મોટી મોટી વાતો કરીને ખોટું ચિત્ર ઉભું દેવાયેલું. એ પછી જુલાઈ મહિનાના મધ્યમાં સાધના બ્રોડકાસ્ટ વિશે આવા જ વીડિયો ધ એડવાઈઝર અનેમનીવાઈઝ નામની બે યુ-ટયુબ ચેનલો પર અપલોડ કરીને ખોટી માહિતી અપાઈ હતી. 

આ યુ-ટયુબ ચેનલો પર એવી માહિતી અપાતી કે, અદાણી ગ્રુપ આ બંને કંપનીને ખરીદી લેવાનું છે તેથી કંપનીના શેરોમાં ધુંઆધાર તેજી આવશે. કંપની ટીવી પ્રોડક્શનમાંથી હવે મૂવી પ્રોડક્શનમાં જવાની છે એવી ખોટી માહિતી પણ અપાયેલી. ચાર આધ્યાત્મિક મૂવીના નિર્માણ માટે એક અમેરિકન રોકાણકારે ૧૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાના કરાર કર્યા છે એવી બોગસ વાતો ફેલાવાયેલી. 

આ બંને કંપનીઓ વિશે ખોટી માહિતીના કારણે લોકો ખરીદવા માંડતાં ભાવ અચાનક જ ઉંચકાવા માંડેલા. 

એ વખતે કંપનીના પ્રમોટરો અને પ્રમોટરો સાથે સાંઠગાંઠ ધરાવતા અરશધ વારસી સહિતના ખેલાડીઓએ મોટા પાયે માલ બજારમાં ઠાલવીને નફો બુક કરી લીધો. સેબીએ કરેલા ઓર્ડર પ્રમાણે પ્રમોટરો તથા અરશદ વારસીની ટોળીએ આ રીતે કુલ ૫૪ કરોડ રૂપિયાનો જંગી નફો ઘરભેગો કરી દીધો છે. 

સેબીનો ઓર્ડર લોકોની આંખો ઉઘાડનારો છે. ભારતમાં કહેવાતી સેલિબ્રિટીઝ પોતાના પ્રભાવ અને લોકપ્રિયતાનો દુરૂપયોગ પોતાના ફાયદા માટે કરીને લોકોને કઈ રીતે ચૂનો લગાડી શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઘટનાનો બોધપાઠ એ છે કે, આ કહેવાતી સેલિબ્રિટીઝ પર ભરોસો ના કરો ને તેમના કહેવાથી લોહી-પરસેવો એક કરીને ભેગી કરેલી કમાણી ઉડાવી ના દો. 

ભારતમાં શેરબજારમાં લાખો રોકાણકારો સક્રિય છે ને ઝડપથી નાણાં કમાવવાની લાલચમાં એ લોકો પણ લેભાગુ ચેનલો ને કહેવાતા એક્સપર્ટ્સની વાતો સાંભળ્યા કરે છે. તેમના માટે પણ આ ઘટના મોટી ચેતવણી છે. કોઈના પર ભરોસો ના કરો ને યોગ્ય એક્સપર્ટની જ સલાહ લઈને શેરબજારમાં રોકાણ કરો.

જૂઠાણાં ચલાવવા લાખો રૂપિયા ખર્ચાયા

અરશદ વારસીના શેર કૌભાંડમાં બીજી એક વાત પણ નોંધવા જેવી છે. સાધના અને શાર્પલાઈન કંપનીઓએ પોતાની યુ-ટયુબ ચેનલોને પ્રમોટ કરવા લાખો રૂપિયા ખર્ચ્યા હતા. આ ચેનલો પરની ટીપ્સના કારણે પોતાનો ફાયદો થયો હોવાની કોમેન્ટ્સ પણ લખાવડાવી હતી. 

ટૂંકમાં રોકાણકારોને ફસાવવા માટે એક સુનિયોજિત ષડયંત્ર રચાયું હતું. તેના પરથી એ બોધપાઠ લેવાનો કે, ઈન્ટરનેટ પર જે કંઈ બતાવાય છે એ બધું સત્ય હોતું નથી પણ જૂઠાણાને સત્ય તરીકે રજૂ કરી શકાય છે. આ જૂઠાણાનો ભોગ ના બનાય એટલા માટે કોઈના પર ભરોસો કર્યા વિના પોતાની વિવેકબુધ્ધિથી જ પોતાની કમાણીનું રોકાણ કરવું.

Gujarat
News
News
News
Magazines