Get The App

ISI આતંકીઓને વધુ ઘાતક બનાવવા ભારતના રાજકારણમાં ઘુસાડવા મથે છે

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
ISI આતંકીઓને વધુ ઘાતક બનાવવા ભારતના રાજકારણમાં ઘુસાડવા મથે છે 1 - image

- ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓથી બચાવવા અને ઈચ્છે ત્યારે અને ત્યાં હુમલા કરાવવા રાજકીય વગનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનું કાવતરું

- શ્રીનગર પોલીસે થોડા સમય પહેલાં આઈએસઆઈ સાથે જોડાયેલા કેટલાક ઓન ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ ઘણા સમયથી ભારતમાં ફરતા હતા. વિવિધ રાજકીય પક્ષો સાથે તેમનું જોડાણ હતું અને તેઓ સરળતાથી જમ્મુ-કાશ્મીરમાં એજન્સીઓથી બચી જતા હતા. રાજકીય ઢાલ જ તેમનું સૌથી મોટું સુરક્ષા કવચ હતી : થોડા સમય પહેલાં જ બહાવલપુર ખાતે આઈએસઆઈના અધિકારીઓ, પાકિસ્તાની આર્મીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ આતંકી જૂથના આકાઓ, નવી પેઢીના આતંકી કમાન્ડરો અને કેટલાક પાકિસ્તાની રાજકારણો વચ્ચે હાઈલેવલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો એજન્ડા ભારતમાં નવેસરથી આતંકવાદ ફેલાવવાનો હતો : 2020માં રેઆસી ખાતે ગ્રામજનો દ્વારા તલિબ હુસૈન નામના એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુસૈન લશ્કર-એ-તૈયબાનો વોન્ટેડ આતંકવાદી હતો.  

ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદીના સમયથી જે વિવાદ, વિરોધ, યુદ્ધ અને આક્રોશની સ્થિતિ છે તે ક્યારેય અટકે તેમ લાગતી નથી. એવું કહેવાય છે કે, પાકિસ્તાનમાં ભારતીય જાસુસો અને અંડર કવર એજન્ટ્સ અને સૈનિકો કામ કરે છે. તેઓ આતંકવાદને જડ મૂળથી ખતમ કરવા માટે ત્યાં એક્ટિવ છે. બીજી તરફ પાકિસ્તાનના પણ જાસુસો ભારતમાં હોવાની વાતને નકારી શકાય તેમ નથી. આ બધા વચ્ચે એક એવી બાબત સામે આવી છે જેણે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તાજેતરમાં આતંકવાદીઓને મદદ કરનારા કેટલાક સ્થાનિક કાશ્મીરીઓ અને અન્ય કેટલાક લોકોને સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આતંકીઓના મદદગારોએ તપાસ દરમિયાન કબુલાત કરી હતી કે, તેઓ હવે પાકિસ્તાની આંતકીઓને ભારતમાં વધુ ઉંડે અને સિસ્ટમમાં ઘુસાડવા માગે છે. તેના ઉપરથી બહાર આવ્યું કે આઈએસઆઈ દ્વારા ભારતમાં આતંકીઓને વધુ મજબૂત રીતે કામ કરવા અને છુપાયેલા રાખવા નવો પેંતરો અપનાવાયો છે. આઈએસઆઈએ પોતાના આતંકીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને કહ્યું છે કે, તેઓ ભારતીય રાજકારણમાં જોડાઈ જાય. તેઓ ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓથી બચી જશે અને તેમને ઘણા તબક્કા સુરક્ષા અને સુવિધા મળવા લાગશે. તેના માટે તેમણે રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોમાં જોડાણ કરવું પડશે. 

ખાસ વાત એવી છે કે, શ્રીનગર પોલીસે થોડા સમય પહેલાં આઈએસઆઈ સાથે જોડાયેલા કેટલાક ઓન ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી. તેઓ આતંક ફેલાવાના મનસુબા સાથે જ કાશ્મીરમાં ફરી રહ્યા હતા. આ લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ ઘણા સમયથી ભારતમાં ફરતા હતા.

 વિવિધ રાજકીય પક્ષો સાથે તેમનું જોડાણ હતું અને તેઓ સરળતાથી જમ્મુ-કાશ્મીરમાં એજન્સીઓથી બચી જતા હતા. આતંકીઓ અને ઓનગ્રાઉન્ડ વર્કર્સને બચાવવા માટે આઈએસઆઈ દ્વારા નવી યોજના બનાવાઈ હોય તેવું લાગી રહ્યું છે.

જાણકારોના મતે તાજેતરમાં જે લોકો પકડાયા તેમની પાસેથી રાષ્ટ્રીય સ્તરે રાજકારણ કરતી પાર્ટીઓના વર્કર્સ અને હોદ્દેદાર હોવાના આઈકાર્ડ હતા. તેના દ્વારા તેઓ સરળતાથી દેશભરમાં ફરતા હતા. 

તાજેતરમાં પોલીસના હાથે ચડયા બાદ આઈએસઆઈના મેલા મનસુબા છતા થયા હતા. આઈએસઆઈએ તેમને જણાવ્યું હતું કે, નેશનલ પાર્ટીના મેમ્બર બની જશો તો બચવામાં સરળતા રહેશે. મોટા રાષ્ટ્રીય પક્ષના સભ્ય બનીને તેઓ આઈકાર્ડ લઈને ફરે છે તેના પગલે મોટાભાગે પોલીસ કે સુરક્ષા એજન્સીઓ રોકતા નથી. આ ઉપરાંત તેમની વાસ્તવિકતા સામે પણ કોઈને શંકા જતી નથી. એક વખત રાજકીય આવરણ નીચે આવી ગયા બાદ આતંકીઓને ફંડિંગ લેવામાં, ફેરવવામાં, બીજા લોકોને રિક્ટ કરવામાં આવે અન્ય કામગીરી કરવામાં સરળતા થઈ જાય છે. 

ઉલ્લેખનીય છે કે, આજે પણ જમ્મુ-કાશ્મીરમાં એવા કેટલાક વિસ્તારો છે જ્યાં સુરક્ષા જવાનો અને એજન્સીઓ દ્વારા સમયાંતરે તપાસ થતી રહે છે. તેઓ કેટલાક વિસ્તારોમાં દરોડા પાડતા રહે છે અને લોકોને પકડીને તેમની પૂછપરછ પણ કરતા હોય છે. આ સંજોગોમાં ઓન ગ્રાઉન્ડ વર્કર્સ ભારતની નેશનલ પોલિટિકલ પાર્ટીના સભ્યો થઈ જાય છે. તેના કાર્ડ અને ઓળખપત્રો સાથે રાખે છે જેથી સુરક્ષા એજન્સીઓ તેમને હાથ લગાવતી નથી અને તપાસ પણ કરતી નથી. ભારતના રાજકારણ અને તેની મર્યાદાઓને હવે આતંકવાદીઓ પોતાની ઢાલ બનાવી રહ્યા છે. એક અહેવાલ એવું પણ જણાવે છે કે, ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં પણ ઘણા આતંકવાદી, ઉગ્રવાદી અને અલગાવવાદી નેતાઓ દ્વારા રાજકીય પક્ષો સાથે જોડાણ કરીને જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં આવ્યું હતું.

જાણકારોના મતે પાકિસ્તાન દ્વારા નવી પેઢીના આતંકવાદીઓ ભારતમાં એક્ટિવ કરવા માટે અને રિક્ટ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આઈએસઆઈ પાસે હવે પૂરતી સંખ્યામાં આતંકીઓ નથી અને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં જે રીતે જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવાયો હતો તેવી રીતે આતંક ફેલાવી શકે તેવા આતંકીઓ નથી. આ ઉપરાંત ભારતમાં સુરક્ષા માળખું મજબૂત હોવાથી તેને ભેદવું મોટાભાગે મુશ્કેલ થઈ જાય છે. આ સંજોગોમાં તેઓ નવી પેઢી ઊભી કરવા માગે છે. આ ઉપરાંત ૨૦૦૦ના દાયકામાં જે આતંકવાદી સંગઠનોનો નાશ થયો અથવા તો જેઓ નિષ્ક્રિય થઈ ગયા તે તમામ સંગઠનોને પણ ફરીથી ફંડ, તાલિમ અને હથિયારો આપીને સક્રિય બનાવવા મથી રહ્યું છે. 

અહેવાલો પ્રમાણે પાકિસ્તાન, પીઓકે અને કાશ્મીરમાં નવી પેઢીના આતંકીઓ તૈયાર કરવાની મથામણ કરવામાં આવી રહી છે. આઈએસઆઈ તે માટે ગમે તે હદે જવા તૈયાર હોવાનું મનાય છે. થોડા સમય પહેલાં આવેલા ઈન્ટેલિજન્સ અહેવાલો જણાવે છે કે, લશ્કર-એ-તૈયબા દ્વારા મોટાપાયે હુમલા કરી શકે તેવી મેરિટાઈમ આતંકી યુનિટ બનાવાઈ રહી છે. એલઈટીની જ રાજકીય પાંખ ગણાતી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લિગ દ્વારા મોટાપાયે આતંકીઓની ભરતી કરાઈ રહી છે. તેમને સ્વિમિંગ, સ્કુબા ડાઈવિંગ અને અન્ય મેરિટાઈમ ટેક્ટિક્સ શિખવવામાં આવી રહી છે. તેઓ પ્રોફેશનલ સ્કુબાડાઈવર્સ અને સ્વિમર્સ તૈયાર કરી રહ્યા છે. પાકિસ્તાન અને પીઓકેમાં વોટર રેસ્ક્યૂ ટ્રેનિંગના બનાવટી નામે વ્યાપક સ્તરે આ તાલિમ કેમ્પ ચાલી રહ્યા છે જેથી ભારતના દરિયા કિનારાઓને ટાર્ગેટ કરી શકાય. આ ઉપરાંત તેમને હાઈસ્પીડ બોટ ઓપરેટિંગ અને અન્ય મેરિટાઈમ સાધનોના ઉપયોગ અંગે પણ તાલિમ અપાઈ રહી છે. પીએમએમએલના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હેરિશ ડારના નેતૃત્વમાં તેમને આ બધી તાલિમ અને સોશિયલ મીડિયાની તાલિમ પણ આપવામાં આવી રહી છે. 

 એક અહેવાલ એવો પણ છે કે, થોડા સમય પહેલાં જ બહાવલપુર ખાતે આઈએસઆઈના અધિકારીઓ, પાકિસ્તાની આર્મીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ આતંકી જૂથના આકાઓ, નવી પેઢીના આતંકી કમાન્ડરો અને કેટલાક પાકિસ્તાની રાજકારણો વચ્ચે હાઈલેવલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ મિટિંગમાં જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક સ્તરે હુમલા કરવા, આતંક ફેલાવવા અને સ્થાનિક ધોરણે હિંસા કરવાની ચર્ચા કરવામાં આવી હતી. એલઈટીનો સરગણો તાલ્હા સઈદ અને સૈફુલ્લાહ કસુરી તથા જૈશ એ મોહમ્મદનો કમાન્ડર અબ્દુર રઉફ પણ આ મિટિંગમાં હજાર હતા. અહીંયા થયેલી મિટિંગ બાદ ગણતરીના લોકોએ મસૂદ અઝહર સાથે પણ બેઠક કરી હતી. પહલગામ હુમલા પહેલાં પણ આ તમામ લોકો દ્વારા આવી જ બેઠક કરવામાં આવી હોવાના અહેવાલો છે.

ચિંતાજનક બાબત એ છે કે, આઈએસઆઈ અટકી ગયેલા આતંકી જૂથોને ફરીથી સક્રિય કરી રહી છે. તેના ઓનગ્રાઉન્ડ વર્કર્સને પણ કામ સોંપી રહી છે અને નવેસરથી નેટવર્કિંગ કરાવી રહી છે. ૧૯૯૩માં નિષ્ક્રિય થઈ ગયેલા આતંકી જૂથોને પણ તેણે સક્રિય કરવાનું શરૂ કર્યું છે. 

હાલમાં ભારતની સુરક્ષા એજન્સીઓ આ તમામ સ્તરે નજર રાખીને બેઠી છે. તેમાં જ અહેવાલો આવ્યા છે કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં હિંસા ફેલાવતા અલ-ઉમર મુજાહિદ્દીન, અલ બદ્ર અને તેહરીક-ઉલ-મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોનો ફરીથી સક્રિય કરવાની કામગીરી ચાલુ કરાઈ છે. ભૂતકાળની જેમ જ આ આતંકી સંગઠનોને સુતેલા, સંતાયેલા લોકોની મદદથી કાશ્મીરના નવા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ૧૯૯૦ના દાયકામાં જે થયું તે આતંકવાદ નહીં પણ સ્થાનિક ધોરણે થયેલું આંદોલન હતું. લોકોએ પોતાની આઝાદી માટે કરેલું આંદોલન હતું. નવી પેઢીએ આ આંદોલનને આગળ વધારવું જોઈએ.

2020માં પકડાયેલો લશ્કર-એ-તૈયબાનો આતંકી ભાજપનો એક્ટિવ મેમ્બર હતો

ઉલ્લેખનીય છે કે, આતંકવાદી જૂથ અને આઈએસઆઈ દ્વારા જે પેંતરા કરવામાં આવી રહ્યા છે તેને અટકાવવા માટે ભારતય સુરક્ષા જવાનો અને એજન્સીઓ સતત એલર્ટ રહે છે. હાલમાં જે ચેતવણી ઉચ્ચારાઈ છે અને માહિતી સામે આવી છે તે પહેલી વખત નથી. આતંકીઓ ઘણા વખતથી આ પેંતરાનો ઉપયોગ કરે છે. ૨૦૨૦માં રેઆસી ખાતે ગ્રામજનો દ્વારા તલિબ હુસૈન નામના એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને ત્યારબાદ પોલીસને સોંપાયો હતો. તેની તપાસ કરવા દરમિયાન સામે આવ્યું કે, હુસૈન લશ્કર-એ-તૈયબાનો વોન્ટેડ આતંકવાદી હતો. તે વેશ બદલીને કાશ્મીરમાં રહેતો હતો. તે ઉપરાંત હુસૈન ભાજપનો સક્રિય સભ્ય હતો અને જમ્મુ ખાતે ભાજપના લઘુમતી મોરચાના સોશિયલ મીડિયાનો ઈનચાર્જ પણ હતો. તે રાજકીય ઢાલનો ઉપયોગ કરીને પોતાના મનસુબા પૂરા કરતો હતો. તેના પાસેથી બે એકે રાઈફલ્સ, મોટી સંખ્યામાં ગ્રેનેડ તથા મોટા જથ્થામાં દારૂગોળા અને ગોળીઓ મળી આવ્યા હતા. તે પોતાની ભાજપની શાખનો ઉપયોગ કરીને અને દબાણ કરીને મોટા નેતાઓની સાથે ફોટા પણ પડાવી લેતો હતો. તેના દ્વારા તે બીજા લોકો ઉપર દબાણ પણ ઊભું કરતો હતો. 

આ અંગે પૂર્વ ડીજીપી એસ.પી. વૈદ્યએ પણ સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પકડવા દરમિયાન સામે આવતું હતું કે, આઈએસઆઈના ઓન ગ્રાઉન્ડ વર્કર્સ દ્વારા રાજકીય પાર્ટીઓની સભ્યતા લેવામાં આવતી હતી. તેઓ તેમના જ આઈકાર્ડનો ઉપયોગ કરીને પોતાના કામ કઢાવતા હતા. ઘણા કિસ્સામાં મોટા રાષ્ટ્રીય પક્ષોના સભ્યો બનીને અને તેના આઈકાર્ડ, લેટર અને વાહનોનો ઉપયોગ કરીને કાશ્મીરમાં નકલી નોટો, હથિયારો અને અન્ય સામગ્રીઓની હેરફેર કરવામાં આવતી હતી. અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ દ્વારા આવા આતંકીઓ કે શંકાસ્પદ લોકોને બચાવવાનું કામ કરવામાં આવ્યું નથી. આતંકીઓ ખોટા વોટર આઈડી, આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવીને પોતાની કામગીરી કરતા હોવાનું પણ પકડાયેલું છે. આ બધું અટકાવવા હાલમાં મજબૂત રીતે કામગીરી કરવામાં આવી રહી છે.