ગ્લોબલ વોર્મિંગ : ગરમીથી યુરોપ ભડભડ બળી રહ્યું છે
- ચિંતાજનક સ્થિતિ : વિશ્વના ઠંડા અને ખુશનુમા દેશો ચામડી દઝાડતી ગરમીની ઝપેટમાં આવી રહ્યા છે
- પેરિસમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું, બાર્સેલોનામાં 38 ડિગ્રી ગરમી, સ્પેનમાં ગરમીનો પારો ભારતના રાજસ્થાનની જેમ 46 ડિગ્રી જેટલો પાર થઈ ગયો : પ્રદૂષણ અને અન્ય કારણોને લીધે સરેરાશ તાપમાનમાં મોટો ઉછાળો આવી રહ્યો છે, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન, ઈટાલિમાં હિટવેવની સાથે સાથે ગરમીનું રેડ એલર્ટ જારી કરવાના દિવસો આવી ગયા : ગ્લોબલ વોર્મિંગ અને હાઈ પ્રેશર સિસ્ટમ એક્ટિવ થવાના કારણે યુરોપના દેશોમાં ગરમ પવનો વહેતા થયા અને સુકા પવનોનું સામ્રાજ્ય ફેલાતા ગરમીમાં વ્યાપક વધારો જોવા મળ્યો : યરોપિયન યૂનિયનની કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના 2024ના અહેવાલમાં જણાવાયું હતું કે, યૂરોપ ખંડ હાલમાં દુનિયા ઉપરનો સૌથી વધુ ઝડપથી ગરમી વધતી હોવાની સ્થિતિ ધરાવતો ખંડ છે. અહીંયા 1980ના દાયકા બાદ સરેરાશ બમણી ગતિએ ગરમીનો પારો વધ્યો છે
ભારતમાં સામાન્ય રીતે ઉનાળો અને ચોમાસું ચાલતું હોય ત્યારે લોકો યુરોપ ફરવા જવાનું પસંદ કરે છે કારણ કે ત્યાં આ સમયગાળામાં સાનુકુળ અને ખુશનુમા વાતાવરણ હોય છે. હાલમાં એવું રહ્યું નથી. છેલ્લાં કેટલાક સમયથી યુરોપમાં ભયાનક ગરમી પડી રહી છે. દુનિયાના ઠંડા અને ખુશનુમા પ્રદેશોમાં સ્થાન ધરાવતા યુરોપના દેશોમાં પણ એશિયાના દેશોની જેમ હવે ૪૦ ડિગ્રીને પાર તાપમાન જઈ રહ્યું છે. તાજેતરમાં જ ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલીમાં ભયાનક હીટવેવ જોવા મળી હતી. યૂરોપમાં સરેરાશ ગરમી ૪૦ ડિગ્રીને પાર જતી રહી છે. તેમાંય જુલાઈ મહિનાના પહેલા જ દિવસે પેરિસમાં પારો ૪૦ ડિગ્રીને પાર જતો રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. તે ઉપરાંત બાગ-બગીચા, ફુવારા, મ્યુઝિયમો જ્યાં ઠંડક મળી રહે તેવી તમામ જગ્યાઓ લોકો માટે મફતમાં ખોલી નાખવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પેરિસમાં એફિલ ટાવરનો ટોચનો ભાગ પણ બંધ કરી દેવાયો હતો.
આ વાત માત્ર ફ્રાન્સના પેરિસથી અટકતી નથી. બીજી તરફ બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ ગરમીના કારણે લોકો ત્રાસી ગયા છે. બાર્સેલોનામાં તો ગરમીએ જૂન મહિનામાં ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી કાઢયો છે. યુરોપમાં ઉનાળો ચાલી રહ્યો છે પણ તે આટલો આકરો હશે તેનો કોઈને અંદાજ નહોતો. બાર્સેલોનામાં જૂન મહિનામાં સરેરાશ તાપમાન ૨૫-૨૬ ડિગ્રીની આસપાસ સૌથી વધારે નોંધાતું હોય છે. તેની જગ્યાએ તાપમાન ૩૮ ડિગ્રી પહોંચી ગયું. સ્પેન કે જ્યાં સરેરાશ તાપમાન ૨૮ ડિગ્રી હોય છે ત્યાં તાપમાન ૪૬ ડિગ્રી થઈ ગયું. ઈટાલીના ૧૭ શહેરોમાં ગરમીમાં મોટો વધારો થયો. બ્રિટનમાં પણ સરેરાશ તાપમાન વધતા ૧ જુલાઈ વર્ષનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો. બીજા ઘણા દેશોમાં ગરમીએ માઝા મૂકી છે અને લોકો ત્રસ્ત થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, તાપામાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જતો રહેવો તે ભારત અને સાઉથ એશિયાના દેશો માટે સામાન્ય વાત છે પણ જ્યારે આ તપામાન યુરોપમાં નોંધાવા લાગે ત્યારે તે સામાન્ય ગણાતું નથી. હાલમાં છેલ્લાં આઠ દિવસથી યુરોપમાં ભયાનક ગરમી પડી રહી છે. પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી, બ્રિટનમાં તાપામાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જતા ભયાનક હિટવેવમાં લોકો અટવાઈ ગયા છે. ઘણા દેશોમાં રેડ એલર્ટ જારી કરવું પડયું છે. સ્પેનના એલ ગ્રાનોડો શહેરમાં તાપમાન ૪૬ ડિગ્રી નોંધાયું હતું. દુનિયાનું ફેશન કેપિટલ પેરિસ ગરમીમાં શેકાઈ રહ્યું છે. અહીંયા લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થવા લાગી તેવી ગરમી પડી રહી છે. યરોપિયન યૂનિયનની કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના ૨૦૨૪ના અહેવાલમાં જણાવાયું હતું કે, યૂરોપ ખંડ હાલમાં દુનિયા ઉપરનો સૌથી વધુ ઝડપથી ગરમી વધતી હોવાની સ્થિતિ ધરાવતો ખંડ છે. અહીંયા ૧૯૮૦ના દાયકા બાદ સરેરાશ બમણી ગતિએ ગરમીનો પારો વધ્યો છે.
સ્થિતિ એવી થઈ ગઈ છે કે, પોર્ટુગલમાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. તેના કારણે અધિકારીઓ દ્વારા ૧૮ જિલ્લામાંથી ૭ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જૂન મહિનામાં આ જિલ્લાઓમાં દેશનું અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. તેમાં લિસ્બન અને વેસ્ટ મોરા શહેરમાં ૪૬.૬ ડિગ્રી સેલ્સિયસ તપામાન પહોંચી ગયું હતું. છેલ્લા રેકોર્ડ પ્રમાણે ૨૦૧૭માં અહીંયા ૪૪.૯ ડિગ્રી સેલ્સિયસ તપામાન ગયું હતું. આઠ વર્ષ બાદ આ તપમાન વધીને ૪૬ ડિગ્રીને પાર જતું રહ્યું છે. તેવી જ રીતે પોર્ટુગલમાં તાપમાન વધવાની સાથે સાથે અત્યંત ખરાબ સમય પસાર થઈ રહ્યો છે. અહીંયા દરિયા કિનારાના પ્રદેશોમાં ૩૫ ડિગ્રી સુધી તાપમાન જતું રહ્યું છે. તેનાથી વધારે ચિંતાજનક એ છે કે, દરિયાથી દૂર શહેરી વિસ્તારોમાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
પોર્ટુગલની જેમ સ્પેનની પણ સ્થિતિ ખરાબ જ છે. અહીંયાની નેશનલ હવામાન એજન્સીએ જણાવ્યું કે, બાર્સેલોનામાં ૧૯૧૪માં જૂન મહિનામાં સૌથી વધારે ગરમી પડી હતી. આ ગરમીને ૧૦૦ વર્ષનો રેકોર્ડ આ વર્ષે જૂન મહિનામાં તૂટી ગયો છે. તે સમયે ૨૬ ડિગ્રી તપામાન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૦૩ જૂન મહિનામાં સરેરાશ ગરમી અને તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. સ્થિતિ એવી થઈ રહી છે કે, સ્પેનમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. બાર્સેલોનાની વાત કરીએ તો તે પહાડો અને ભૂમધ્ય સાગરની વચ્ચે આવેલું છે. તેના કારણે અહીંયા તાપમાન સરેરાશ કરતા ૧૦ ડિગ્રી સુધી વધી જતું હોય છે. અહીંયા સાઉથ હ્યૂએલવામાં તાજેતરમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું જે છેલ્લી એક સદીમાં સૌથી વધારે છે. સરેરાશ તાપમાન પણ ૨૮ ડિગ્રીથી વધારે જોવા મળ્યું હતું જે ૧૯૫૦ પાછી સૌથી વધારે તાપમાન હતું. આ અઠવાડિયે પણ સ્પેનમાં ગરમીનો પારો ઉંચો રહેવાની જ ચેતવણી આપવામાં આવી છે.
ઈટાલીમાં જે ગરમી વધી છે તેણે જનજીવન ખોરવી નાખ્યું છે. તેમાંય સૂત્રોના મતે બોલોગ્નાની નજીક આવેલા એક નગરમાં સ્કૂલના પાર્કિંગમાં કામ કરી રહેલા એક વ્યક્તિનું એકાએક માથે ગરમી ચડી જતાં મોત થયું હતું. તેનું પોસ્ટમોર્ટમ થવાનું બાકી હતું પણ પ્રારંભિક ધોરણે તેનું લૂ લાગવાથી મોત થયાના અહેવાલો છે. નવાઈની વાત એવી છે કે, આ જ દરમિયાન ઈટાલીના ઉત્તરભાગમાં ધોધમાર વરસાદ પડયો હતો. તેના કારણે ટયૂરિન અને બાર્ડોનેચિયાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ફ્રેજસ નદીનો તટબંધ તૂટવાના કારણે રસ્તાઓ પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હતા. ઈટાલીની રાજધાની રોમમાં પણ તાપમાન ૩૫ ડિગ્રીને વટાવી ગયું છે. જાણકારોના મતે યુરોપમાં વધતા તાપમાન મુદ્દે ઈટાલી છેલ્લાં ૫૦ વર્ષોથી સરેરાશ વધી રહેલા તાપમાન મુદ્દે અત્યંત પ્રભાવિત દેશોમાં ટોચની યાદીમાં આવે છે. અહીંયા સરેરાશ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે.
બીજી તરફ બેલ્જિયમમાં પણ ગરમીએ કેર વર્તાવેલો છે. ગરમીના કારણે જાહેર પરિવહન અને ટ્રેન વ્યવહાર ઉપર ગંભીર અસર પડી છે. રેલ ઓપરેટર્સ દ્વારા એક અઠવાડિયા માટે ટ્રેન વ્યવહારો ખોરવાયેલો રહેવાની જાહેરાત કરાઈ હતી. તાજેતરમાં ત્રણ દિવસ માટે ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. ૨૦ પી ટ્રેન જે સામાન્ય રીતે વર્કિંગ અવર્સમાં અને ખાસ કરીને પીક અવર્સમાં બ્રસેલ્સ જવા માટે ચાલે છે તે તમામ ટ્રેનો ઓવરહેડ લાઈનો ગરમ થવાના કારણે બંધ કરવામાં આવી હતી. લોકોને ટ્રેનોમાં ભીડ નહીં કરવાની સલાહ આપવામાં આવી હતી. લોકોને ઘરેથી જ કામ કરવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી હતી. નવાઈની વાત એવી છે કે, બેલ્જિયમમાં સરેરાશ ૨૦ ડિગ્રી તાપામાન રહે છે, હાલમાં આ તાપમાન ૩૦ ડિગ્રીને પાર જતું રહ્યું છે. તેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.
એટલાન્ટિક મહાસાગરના તથા આફ્રિકાના ગરમ પવનો વચ્ચે યુરોપ શેકાયું
યૂરોપમાં એકાએક ગરમી પડવા અંગે જળવાયુ પરિવર્તનને કારણભૂત ગણવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જળવાયુ પરિવર્તનને પગલે અનેક વિસ્તારોમાં હીટવેવ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સતત વધારો પણ થઈ રહ્યો છે.
જાણકારોના મતે હાઈ પ્રેશર સિસ્ટમ એક્ટિવ થવાના કારણે ગરમ હવાઓ ગોળ ફર્યા કરે છે અને યુરોપને ભરડામાં લઈ રહી છે. યૂરોપના જે દરિયા કિનારા છે તે એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલા છે.
એટલાન્ટિક મહાસાગરોની સપાટી સામાન્ય કરતા વધારે ગરમ થઈ રહી છે. તેના કારણે ગરમ પવનો આગળ વધી રહ્યા છે જે યુરોપના કિનારાઓથી પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર આફ્રિકાથી જે ગરમ અને સૂકા પવનો વાય છે તે પણ યૂરોપ તરફ આગળ વધી રહ્યા છે. આ બંને તરફથી આવતા ગરમ પવનોના કારણે યૂરોપના દેશોમાં ગરમીમાં એકાએક વધારો થયો છે. આ ઉપરાંત યૂરોપના મોટાભાગના દેશોમાં શહેરીકરણ વ્યાપક સ્તરે થયેલું છે. શહેરોમાં કોંક્રિટના ઉંચા ઉંચા મકાનોના કારણે હીટ આઈલેન્ડની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને સરેરાશ હીટવેવની સ્થિતિ વધી આકરી થઈ ગઈ છે.
ફ્રાન્સમાં આગામી વર્ષોમાં તાપમાનમાં હજુ વધારો થવાના એંધાણ
યુરોપના અન્ય દેશોની વાત કરીએ તો ફ્રાન્સમાં પણ સ્થિતિ અત્યંત વિકટ છે. અહીંયા પણ નેશનલ એજન્સીઓ દ્વારા લોકોને હિટવેવથી બચાવવા આકરી કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા ફ્રાન્સના ૧૬ વિભાગોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે ૬૮ વિભાગોને ઓરેન્ટ એલર્ટ કામગીરી ઉપર સજ્જ રાખવામાં આવ્યા છે. ફ્રાન્સમાં દુનિયાનું ફેશન કેપિટલ ગણાતા પેરિસમાં જ સ્થિતિ કફોડી છે. અહીંયા ગરમીનો પારો સખત વધી ગયો છે. ફ્રાન્સના વડા પ્રધાન ફ્રાંસ્વા બાયરૂએ પણ લોકોને ઘરમાં રહેવા અને ગરમીથી સાચવવા ચેતવણી આપવી પડી હતી. જાણકારોના મતે જૂન મહિનામાં વરસાદ નહીવત થતાં તાપમાનમાં મોટાપાયે વધારો થયો હતો. આ ઉપરાંત જંગલોમાં પણ સુકા વૃક્ષોમાં દાવાનળ ફેલાવાની ઘટનાઓ અંગે ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. સ્થિતિ તો એવી થઈ ગઈ કે શિક્ષણ મંત્રાલયે ૧૩૦૦ શાળાઓ બંધ કરી દેવી પડી.
ઘણી સ્કૂલો આંશિક રીતે બંધ કરવામાં આવી અને ઘણાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. શહેરના જાણીતા પ્રવાસન સ્થળો પણ અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જાણકારોના મતે અહીંયા ૪૦ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું. આગામી વર્ષોમાં અહીંયા તાપમાન તેનાથી પણ વધારે જવાની શક્યતાઓ દેખાઈ રહી છે.