mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતીય મૂળનાં બંટી-બબલીએ ગુગલ-ગોલ્ડમેનને સિફતથી ચૂનો લગાડી દીધો

Updated: Jul 4th, 2024

ભારતીય મૂળનાં બંટી-બબલીએ ગુગલ-ગોલ્ડમેનને સિફતથી ચૂનો લગાડી દીધો 1 - image


- રિશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલે અંદાજે ૮,૩૦૦ કરોડ રૂપિયાના કેસમાં દોષિત ઠરાવી સજા કરાઈ તે ઘટનાએ સનસનાટી મચાવી રહી છે

- દરેક મોટી કંપની શરૂઆતમાં નવાં સ્ટાર્ટ-અપને ખંખેરવાનો ધંધો કરે છે એવું મોટી ફાર્મા કંપનીઓએ પણ કર્યું. કંપનીઓએ જાહેરખબર આપી પણ રેટ બહુ ઓછા હતા. આ રેટ વધારવા રીશી-શ્રધ્ધાએ જૂઠાણાંની આખી માયાજાળ ઉભી કરી. ટીવી મૂકાયેલાં એ ડોક્ટરોના આંકડાથી માંડીને કેટલાં લોકો સુધી આ માહિતી પહોંચે છે તેના ખોટા ડેટા ઉભા કર્યા. આ ડેટાના આધારે મોટી કંપનીઓએ રેટ વધાર્યા પછી કંપનીઓને ખોટાં બિલ આપવાનો ધંધો શરૂ કર્યો. આ ગોરખધંધાઓના કારણે કંપનીની આવક ધડાધડ વધવા માંડી અને કંપનીનું નામ ગાજવા માંડયું તેથી અમેરિકાના દિગ્ગજોને તેમાં રસ પડી ગયો.

અમેરિકામાં ભારતીય મૂળની વ્યક્તિ રીશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલને એક અબજ ડોલર (લગભગ ૮૩૦૦ કરોડ રૂપિયા)ના કેસમાં દોષિત ઠેરવીને સજા કરાઈ એ ઘટનાએ સનસનાટી મચાવી છે. રીશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલને ગુગલની માલિક કંપની આલ્ફાબેટ અને ગોલ્ડમેન સાક્સ સહિતના રોકાણકારોને ચૂનો લગાડી દેવા બદલ ગયા વરસે જ જ્યુરી દ્વારા દોષિત ઠેરવી દેવાયેલાં પણ બંનેએ અપીલ કરી હોવાથી સજા અંગે નિર્ણય બાકી હતા. રીશી અને શ્રધ્ધા બંનેએ પોતાની સામેનો કેસ ફરી ચલાવવા માટે એટલે કી રીટ્રાયલ માટે માગણી કર હતી પણ માર્ચમાં બંનેની અરજી ફગાવી દેવાઈ હતી. 

હવે દોષિત ઠેરવાયાના ૧૪ મહિના પછી  શિકાગો યુએસ ડિસ્ટ્રિક્ટ જજ થોસ ડંકિને રીશીને સાડા સાત વર્ષની સજા ફટકારી દીધી જ્યારે શ્રધ્ધા અગ્રવાલને ત્રણ વર્ષ સુધી હાફ-વે હાઉસ એટલે કે નારી સુધાર ગૃહમાં રખાશે ને પછી ભારત રવાના કરી દેવાશે. રીશી અમેરિકામાં જ પેદા થયો હોવાથી જેલમાંથી છૂટયા પછી એ અમેરિકામાં રહી શકશે પણ શ્રધ્ધા હજુ અમેરિકન સિટિઝન બની નથી તેથી તેને અમેરિકામાંથી તગેડી મૂકાશે. 

રીશી-શ્રધ્ધાની કંપની આઉટકમ હેલ્થના સીઈઓ બ્રેડ પર્ડીને પણ બે વર્ષ ને ત્રણ મહિનાની સજા થઈ છે. આ સિવાય ભારતીય મૂળના આશિક દેસાઈ સહિતના બીજા ત્રણ લોકોને પણ નાની નાની સજાઓ થઈ છે પણ ચર્ચા રીશી અને શ્રધ્ધાની વધારે છે. તેનું કારણ એ કે, એક સમયે અમેરિકામાં સૌથી સફળ સ્ટાર્ટ અપ બનાવવાની આશા જગાડીને સૌને આંજી દેનારાં રીશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલનો અંત જેલમાં આવશે એવી કોઈને કલ્પના પણ નહોતી. 

રીશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલે દસ વર્ષના ગાળામાં જે હવા જમાવેલી તેના કારણે બંને અમેરિકામાં બહુ મોટી કંપની ઉભી રહ્યાં હોવાનું મનાતું હતું. ૨૦૧૭માં અચાનક ફુગ્ગો ફૂટી ગયો ને બને બંને જેલભેગાં થયાં છે. બંનેને થયેલી સજા એક સક્સેસ સ્ટોરીના એન્ટિ ક્લાઈમેક્સ જેવી છે પણ ભારતીય મૂળનાં આ બંટી ઔર બબલીએ બહુ સિફતપૂર્વક દુનિયાની ખતરનાક ગણાતી કંપનીઓને કઈ રીતે બાટલામાં ઉતાર્યા તેની વાત કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી છે. 

રીશી-શ્રધ્ધાની આ હાલત થઈ એ પાછળનું કારણ મહેનત કરીને મોટી કંપની ઉભી કરવાના બદલે લોકોનું કરી નાંખવાની માનસિકતા જવાબદાર મનાય છે. રીશી શાહ અને શ્રધ્ધા અગ્રવાલે ૨૦૦૬માં કન્ટેક્સ્ટમીડિયા નામે કંપની સ્થાપી હતી. આ કંપની જાહેરખરબરના ક્ષેત્રમાં કામ કરવાની હતી. રીશીનો આઈડિયા અમેરિકાના તમામ મોટા ડોક્ટરોના વેઈટિંગ રૂમમાં ટીવી મૂકીને તેના પર દર્દીઓને આરોગ્ય અંગંની માહિતી આપવાનો હતો. આ માહિતીની વચ્ચે વચ્ચે મોટી મોટી ફાર્મા કંપનીઓની જાહેરખરબર ચલાવાય એ કન્સેપ્ટ હતો. 

આ આઈડિયા બિલકુલ નવો હતો ને મોટી મોટી કંપનીઓને ક્રાંતિકારી લાગેલો પણ દરેક મોટી કંપની શરૂઆતમાં નવાં સ્ટાર્ટ-અપને ખંખેરવાનો ધંધો કરે છે એવું મોટી ફાર્મા કંપનીઓએ પણ કર્યું. કંપનીઓએ જાહેરખબર તો આપી પણ તેના રેટ બહુ ઓછા હતા. આ રેટ વધારવા માટે  રીશી-શ્રધ્ધાએ જૂઠાણાંની આખી માયાજાળ ઉભી કરી. તેમણે ટીવી મૂકાયેલાં એ ડોક્ટરોના આંકડાથી માંડીને કેટલાં લોકો સુધી આ માહિતી પહોંચે છે તેના ખોટા ડેટા ઉભા કર્યા. આ ડેટાના આધારે મોટી કંપનીઓએ રેટ વધાર્યા પછી તેમણે કંપનીઓને ખોટાં બિલ આપવાનો ધંધો શરૂ કર્યો. પચાસ ડોક્ટરોને ત્યાં મૂંકેલાં ટીવી પર જાહેરખબર ચલાવી હોય તેના બદલે સીધી ૨૦૦ ડોક્ટરોને ત્યાં એડ ચલાવી હોવાનાં બિલ આપીને કંપનીઓને ખંખેરવા માંડી. 

આ ગોરખધંધાઓના કારણે કંપનીની આવક ધડાધડ વધવા માંડી અને કંપનીનું નામ ગાજવા માંડયું તેથી અમેરિકાના દિગ્ગજોને તેમાં રસ પડી ગયો. તેનો લાભ લેવા માટે રીશી-શ્રધ્ધાએ ૨૦૧૭માં કંપનીનું નામ બદલીને આઉટકમ હેલ્થ કર્યું અને ફંડિગનો પહેલો રાઉન્ડ કર્યો. ૨૦૧૭ના મેમાં થયેલા આ રાઉન્ડમાં ગુગલ, ગોલ્ડમેન સાક્સ અને ઈલિનોયના ગવર્નર જે.બી. પ્રિત્ઝકરના વેન્ચર કેપિટલ ગુ્રુપે ૪૭.૭ કરોડનું રોકાણ કર્યું હતું. આ ધુરંધરોના કારણે કંપનીની વેલ્યુ પણ વધી ગઈ અને ફોર્બ્સે રીશા શાહનો સમાવેશ અમેરિકાના અબજોપતિઓમાં કરેલો. શાહ પાસે ૪ અબજ ડોલરની સંપત્તિ હોવાનું ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલું. રીશી-શ્રધ્ધા એ વખતે હવામાં ઉડતાં હતાં. 

રીશી-શ્રધ્ધાની કંપનીની ચોતરફ બોલબાલા હતી પણ તેનો પ્રભાવ એવો નહોતો વર્તાતો તેથી ધ વોલ સ્ટ્રીટ જર્નલે તપાસ શરૂ કરી તેમાં ફુગ્ગો ફૂટી ગયો. કંપનીએ દાવો કરેલો એટલા ડોક્ટરોની ઓફિસોમાં ટીવી નહોતાં મૂકાયેલાં એવો રીપોર્ટ આવ્યો ને પછી તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ પોલ ખૂલતી ગઈ. ગુગલ, ગોલ્ડમેન અને પ્રિત્ઝકર અમેરિકાના બિઝનેસ વર્લ્ડમાં શાર્ક છે. બે સાવ નવા નિશાળિયા પોતાને ખોટો ડેટા બતાવીને ચૂનો લગાડી ગયા છે તેની ખબર પડી એટલે તેમણે કેસ કરી દીધો ને ઠગાઈનો આરોપ મૂક્યો તેમાં રીશી-શ્રધ્ધાને બંબૂ લાગી ગયો. 

રીશી-શ્રધ્ધાની સ્ટોરી ભારતમાં ઘણાં સ્ટાર્ટ અપ્સે મળતી આવે છે કે જેમનો ઉદ્દેશ લોકોને ખંખેરી નાંખવાનો હોય. રીશી-શ્રધ્ધાએ જે આઈડિયાને અમલમાં મૂક્યો એ આઈડિયા આજેય જબરસ્ત મનાય છે પણ એ આઈડિયાને સફળ બનાવવાના બદલે રીશી-શ્રધ્ધાને મહેનત કરીને લાંબા ગાળે મોટી કંપની બનાવવા કરતાં શોર્ટ ટર્મમાં પૈસા કમાઈને અય્યાશીઓ કરવામાં રસ હતો. બંનેની કંપનીને ગુગલ, ગોલ્ડમેનનું રોકાણ મળ્યું પછી તેનો ઉપયોગ કંપનીને મજબૂત કરવાના બદલે તેમણે પોતાના માટે કર્યો. બંનેએ સૌથી પહેલાં તો રોકાણના ૪૮.૭૫ કરોડ ડોલરમાંથી ૨૨.૫૦ કરોડ ડોલર પોતે જ ડિવિડન્ડ તરીકે લઈ લીધા. રીશીએ લક્ઝુરીયસ કાર્સ, યોટ, લેવિશ વેકેશન પાછળ લખલૂટ ખર્ચ કરેલો. રીશીએ શિકાગોમાં ૧ કરોડ ડોલરનું તો મહેલ જેવું ઘર ખરીદી લીધેલું જ્યારે શ્રધ્ધાએ ભારતમાં પોતાના પરિવારને નાણાં મોકલી દીધેલાં. 

રીશી અને શ્રધ્ધાની એક સ્ટોરીનો અંત આવ્યો છે પણ બંને ભવિષ્યમાં નવી સ્ટોરી લખી શકે છે. હિંદીમાં કહેવત છે કે, ચોર ચોરી સે જાય લેકિન હેરાફેરી સે ના જાય. 

આપણે પણ બંટી ઔર બબલી પાર્ટ ટુની રાહ જોઈએ. 

- રીશી શાહના પિતા ગુજરાતી મૂળના ડોક્ટર, શ્રધ્ધા ઉત્તર પ્રદેશની 

રીશી શાહનાં મૂળ ગુજરાતમાં છે. રીશી પોતે અમેરિકાના ઈલિનોય સ્ટેટના ઓક બુ્રકમાં જન્મ્યો પણ તેનાં માતા-પિતા ગુજરાતમાં પેદા થયેલાં. રીશીના પિતા ડો. ઉપન્દ્ર શાહ એન્ડોક્રિનોલોજિસ્ટ છે જ્યારે માતા સોનલ શાહ ગૃહિણી છે. એન્ડોક્રોનોલોજીને ગુજરાતીમાં શરીરની અંતઃસ્રાવી સિસ્ટમને લગતું વિજ્ઞાાન કહેવાય છે. સરળ ને લોકોને સમજાય એવી ભાષામાં કહીએ તો પાચનતંત્ર તથા બીજાં અવયવોમાં પેદા થતા હોર્મોન્સને લગતું શાસ્ત્ર છે. ડો. ઉપેન્દ્ર-સોનલ ગુજરાતથી અમેરિકા ગયાં અને ત્યાં જ વસી ગયાં. રીશીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો છ મહિનાનો કોર્સ કરેલો અને પછી નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન માટે ગયેલો પણ ૨૦૦૬માં બિઝનેસ શરૂ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું. શ્રધ્ધા અગ્રવાલ સાથે રીશીની મુલાકાત નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં થઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશની શ્રધ્ધા ૨૦૦૪માં અમેરિકામાં રહેતા ભારતીયને પરણીને આવેલી અને પછી નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું. રીશી અને ડેરેક મોલર તેના ક્લાસમેટ હતા. રીશીના પિતા ડોક્ટર હોવાથી રીશીના મનમાં ડોક્ટરોનાં ક્લિનિકમાં ટીવી સેટ ગોઠવીને એડવર્ટાઈઝિંગ કરવાનો વિચાર વરસોથી રમતો હતો. 

રીશીએ આ આઈડિયા શ્રધ્ધા અને ડેરેક મોલર સામે મૂક્યો. ડેરેક અને શ્રધ્ધાએ તેના આઈડિયાને વખાણ્યો તેથી રીશીએ ભણવાનું છોડીને કંપની શરૂ કરી કે જેમાં શ્રધ્ધા  ભાગીદાર હતી. આ કંપની શરૂ કરાઈ ત્યારે શ્રધ્ધા હજુ કોલેજમાં ભણતી હતી.  

- ખોટાં બિલ પકડાવીને ૪.૫૦ કરોડ ડોલર ખંખેરી લીધા

રીશી-શ્રધ્ધાની કંપનીએ ૨૦૧૧માં પોતાની ક્લાયન્ટ ફાર્મા કંપનીઓને ખોટાં બિલ પકડાવવાનું શરૂ કર્યું પછી ૨૦૧૭ સુધીમાં ૪.૫ કરોડ ડોલર ખોટાં બિલ દ્વારા પડાવી લીધા હતા. રીશી-શ્રધ્ધાની ઠગાઈનો ભોગ બનનારી કંપનીઓમાં ફાઈઝર, નોવો નોર્ડિક્સ જેવી ટોચની અમેરિકન કંપનીઓ હતી. આ ઠગાઈ બદલ રીશીને ૧૫ વર્ષની જેલની સજા થવી જોઈએ એવી માગણી પ્રોસીક્યુટરે કરી હતી પણ જજે સાડા સાત વર્ષની સજા જ કરી છે.


Gujarat