- ભારત માટે બંને દેશો મહત્ત્વના છે પણ ભારતનું ખાડે ગયેલું વિદેશમંત્રાલય આ મુદ્દામાંથી બહાર આવી શકશે કે કેમ તે સંશય છે
- લેટિન અમેરિકામાં આવેલા આ દેશ વેનેઝુએલા સાથે અમેરિકાને જે વિવાદ થયો હોય તે પણ આ યુદ્ધ અને સંઘર્ષના કારણે વૈશ્વિક અસરો ઊભી થઈ છે. અમેરિકાએ લીધેલા પગલાના કારણે વૈશ્વિક કૂટનીતિને ચિંતામાં મુકી દીધી છે : જાણકારો માને છે કે, ભારતની વિદેશનીતિ ખૂબ જ નબળી રહી છે. તેના પગલે છેલ્લાં એક દાયકામાં ઘણા દેશો સાથે તેના સંબંધો વણસ્યા છે અને હજી તેમાં સ્થિરતા આવી નથી. આ સંજોગોમાં નવા વિવાદમાં ફરી એક વખત ભારત ફસાયું છે. ભારત અમેરિકાને સમજાવી શકે તેમ નથી અને વેનેઝુએલાનો પક્ષ લઈ શકે તેમ નથી : વિદેશમંત્રાલય દ્વારા છેલ્લાં એક દાયકામાં એવી કોઈ નક્કર નીતિ બનાવવામાં આવી જ નથી જેના દ્વારા ભારત અન્ય દેશ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી શકે. એક સમય હતો જ્યારે કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ભારત પોતાની રીતે દબાણ ઊભું કરી શકતું હતું. હાલમાં ભારત ચારે તરફથી દબાયેલું જોવા મળે છે
લેટિન અમેરિકામાં આવેલા દેશ વેનેઝુએલાની રાજધાની કરાકસ શનિવારે વહેલી સવારે ધણધણી ઉઠી હતી. અમેરિકી સૈન્ય દ્વારા અહીંયા તાબડતોડ હમલા કરવામાં આવ્યા હતા. જાણકારોના મતે રાત્રે બે-અઢી વાગ્યા બાદ જોરાદાર ધડાકા સંભળાવા લાગ્યા હતા. લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ત્યારબાદ ખબર આવ્યા કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા કરવાના આદેશ આપતા અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને પકડવા માટે આ હુમલા કર્યા હતા. આ હુમલા દરમિયાન નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને અમેરિકી સેના વેનેઝુએલાની બહાર કોઈ અજ્ઞાાત સ્થળે લઈ ગઈ છે. બીજી તરફ વેનેઝુએલાના મહત્ત્વના એરપોર્ટ અને બંદરોને હુમલા કરીને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વેનેઝુએલાના સંરક્ષણ મંત્રીએ શરણાગતિ નહીં સ્વીકારીને વળતો જવાબ આપવાની વાત કરી છે. હવે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે મોટાપાયે સંઘર્ષ શરૂ થઈ ગયો છે. જાણકારોના મતે અમેરિકા છેલ્લાં ઘણા સમયથી વેનેઝુએલાના કાર્ટેલ ડે લોસ સોલેસથી સખત નારાજ હતું. અમેરિકાનો આરોપ હતો કે આ કાર્ટેલ દ્વારા જ આયોજનબદ્ધ રીતે અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું. તેના કારણે અમેરિકાના યુવાનો ખોટા રસ્તે ચડી ગયા હતા. અમેરિકાની નવી પેઢીને નુકસાન થઈ રહ્યું હતું. કહેવાય છે કે, કાર્ટેલ ડે લોસ સોલેસ એટલે કે કાર્ટેલ ઓફ ધ સન. કહેવાય છે કે, વેનેઝુએલાના સૈન્ય અધિકારીઓ અને સરકારી ઉચ્ચ અધિકારીઓના એક નેટવર્કને આ નામ આપવામાં આવ્યું છે. આ નેટવર્ક દુનિયાભરમાં ડ્રગ્સનો સપ્લાય કરતું હોવાનું કહેવાય છે. વેનેઝુએલાના જનરલોના યુનિફોર્મ ઉપર લગાવવામાં આવેલા સૂર્યના ચિન્હ (સોલેસ) ઉપરથી આ નામ આવ્યું છે. અમેરિકાનો દાવો છે કે, આ સંગઠિત નેટવર્ક નાર્કો ટેરરિસ્ટ ગ્રૂપ છે. તેનું નેતૃત્વ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના નજીકના અધિકારીઓ કરે છે. ૨૦૨૦થી અમેરિકાના જસ્ટિસ ટિપાર્ટમેન્ટ દ્વારા માદુરો અને તેના ૧૪ અધિકારીઓ સામે આ કાર્ટેલ ચલાવવાના આરોપ મુકવામાં આવ્યા હતા. ૨૦૨૫માં જ અમેરિકાએ આ કાર્ટેલને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ અને નવેમ્બર ૨૦૨૫માં ફોરન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન જાહેર કર્યું હતું.
વાત એવી છે કે, લેટિન અમેરિકામાં આવેલા આ દેશ વેનેઝુએલા સાથે અમેરિકાને જે વિવાદ થયો હોય તે પણ આ યુદ્ધ અને સંઘર્ષના કારણે વૈશ્વિક અસરો ઊભી થઈ છે. અમેરિકાએ લીધેલા પગલાના કારણે વૈશ્વિક કૂટનીતિને ચિંતામાં મુકી દીધી છે. સ્થિતિ એવી આવી ગઈ છે કે, વેનેઝુએલાસ સાથે વેપાર કરતા અને અમેરિકા સાથે પણ જોડાયાલા દેશો આ પરિસ્થિતિમાં ફિક્સમાં મુકાઈ ગયા છે. તેઓ કોને સમર્થન આપશે અને કોનો વિરોધ કરશે તે નક્કી કરી શકાય તેમ જ નથી. ભારત પણ આવો જ દેશે. અમેરિકા પહેલેથી જ તેનાથી નારાજ ચાલે છે અને તેના કારણે બંનેના સંબંધ તંગ થયેલા છે. હવે જો વેનેઝુએલા અને અમેરિકાનો વિવાદ વધારે ચાલ્યો તો ભારત અને વેનેઝુએલાના સંબંધોને પણ અસર પડી શકે તેમ છે. માત્ર સંબંધો જ નહીં પણ ભારત અને વેનેઝુએલાના વેપારને પણ વ્યાપક અસર પડશે. જાણકારો માને છે કે, ભારતની વિદેશનીતિ ખૂબ જ નબળી રહી છે. તેના પગલે છેલ્લાં એક દાયકામાં ઘણા દેશો સાથે તેના સંબંધો વણસ્યા છે અને હજી તેમાં સ્થિરતા આવી નથી. આ સંજોગોમાં નવા વિવાદમાં ફરી એક વખત ભારત ફસાયું છે. ભારત અમેરિકાને સમજાવી શકે તેમ નથી અને વેનેઝુએલાનો પક્ષ લઈ શકે તેમ નથી. આ સિવાય ભારતના ત્યાં રહેતા નાગરિકોની સુરક્ષા મુદ્દે પણ ભારતે નક્કર પગલાં લેવા પડે તેવી સ્થિતિ આવે તો નવાઈ નહીં.
ભારત અને વેનેઝુએલા વચ્ચે ૧૯૫૯થી રાજદ્વારી સંબંધો છે. ખાસ કરીને ઊર્જા સેક્ટરમાં અને ક્રૂડ સેક્ટરમાં પણ વર્ષોથી વેપાર ચાલે છે અને તેના પગલે બંને દેશોના સંબંધો પણ ગાઢ છે. દુનિયાના મોટા તેલ ઉત્પાદક અને સપ્લાયર દેશોમાં વેનેઝુએલાનું પણ નામ આવે છે. તેની પાસે મોટા ઓઈલના ભંડારો છે. ભારત ઘણા લાંબા સમયથી વેનેઝુએલા પાસેથી ક્રૂડની આયાત કરતું હતું. ભારતની જાહેર સાહસની કંપની ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા વેનેઝુએલાના ઓઈલ સેક્ટરમાં મોટાપાયે રોકાણ પણ કરવામાં આવેલું છે. તેમાં પણ હેવી ઓઈલ સેક્ટરમાં અને યોજનાઓમાં ઓએનજીસીનું વ્યાપક રોકાણ છે. એક વાત એ પણ સ્પષ્ટ છે કે, અમેરિકી પ્રતિબંધો બાદ ભારતે અધિકારિક રીતે વેનેઝુએલા પાસેથી ક્રૂડ આયાત કરવાનું ઓછું કરી દીધું હતું. તેમ છતાં ભારત અને વેનેઝુએલા વચ્ચે થયેલી ભાગીદારી સંપૂર્ણ બંધ થઈ નથી.
આ સંજોગોમાં પહેલો જ સવાલ એ આવે કે, ભારત પોતાની વિદેશનીતિ હેઠળ કેવી રીતે કામ કરશે. ભારત મુક્ત રીતે વેનેઝુએલાને સમર્થન આપશે કે કેમ તે પણ સંશય છે. ભારત હાલમાં તો વેનેઝુએલા કે માદુરોને મુક્ત રીતે સમર્થન આપે તેવી સ્થિતિમાં નથી. તે પોતાના કહેવાતી અને સાવ નિષ્ફળ ગયેલી મલ્ટિ એલાઈન્મેન્ટ નીતિ દ્વારા આ સ્થિતિમાં ટકી રહેવા ફરીથી પ્રયાસ કરશે. હાલમાં તો દેખાતું નથી કે, ભારત વેનેઝુએલાનું સમર્થન કરે કે પછી તેનો વિરોધ પણ કરે. તેના કારણે જ તે રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન-અમેરિકા સંઘર્ષ અને ઈઝરાયેલા-પેલેસ્ટાઈન યુદ્ધમાં જે નીતિ અપનાવી હતી તે તટસ્થતા જાળવવાનો પ્રયાસ કરશે. ભારત બીજી તરફ વેનેઝુએલામાં સત્તા પરિવર્તન માટે અમેરિકા દ્વારા અપનાવાયેલા સૈન્ય પગલાંને પણ સમર્થન આપે તેમ લાગતું નથી.
એક વાત નક્કી છે કે, ભારતે ત્યાં વસતા નાગરિકોની સુરક્ષા અને વેનેઝુએલામાં વેપાર કરતા અને તેના માટે આવતાજતા લોકોના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા પડશે. જાણકારોના મતે વેનેઝુએલામાં ભારતીયોની સંખ્યા અંદાજે પાંચ હજાર જેટલી પણ નથી. અહીંયા જેટલા લોકો રહે છે તે મોટાભાગે વેપારીઓ છે. તેઓ હોટેલ અને રેસ્ટોરાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બીજા કેટલાક ફાર્મા ઉદ્યોગ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પ્રોફેશન્લસ છે. તેમ છતાં આ ભારતીયોની જીવન-મરણનો સવાલ ઊભો થાય તો ભારતે તેના માટે પગલા લેવા પડશે. હાલમાં તો ભારતીયો ઉપર કોઈ સંકટ દેખાતું નથી પણ જો અમેરિકી હુમલા વધી જાય અને સ્થિતિ લંબાય તો ભારતે નાગરિકોને બહાર કાઢવા અને પાછા લાવવા પગલા લેવા પડે. તેના માટે કોન્યુલર મદદ લેવી પડે. કદાચ હાલત વધારે ગંભીર થાય તો ઓપરેશન ગંગા અને ઓપરેશન કાવેરી જેવા મોડલ ઉપર એક રેસ્ક્યુ ઓપરેશન પ્લાન કરવું પડે અને નાગરિકોને ત્યાંથી સુરક્ષિત પાછા લાવવા પડે. ઉલ્લેખનીય છે કે, ભારતે આ પહેલાં પણ યૂક્રેન, સુદાન, અફઘાનિસ્તાન અને અન્ય સંકટગ્રસ્ત દેશોમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત પાછા લાવવાની કામગીરી કરી જ છે.
મહત્ત્વની વાત એ છે કે, વિદેશમંત્રાલય દ્વારા છેલ્લાં એક દાયકામાં એવી કોઈ નક્કર નીતિ બનાવવામાં આવી જ નથી જેના દ્વારા ભારત અન્ય દેશ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી શકે. એક સમય હતો જ્યારે વિદેશોમાં ભારતનું માન હતું અને કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ભારતનું માન જાળવવામાં આવતું હતું. ભારત પોતાની રીતે દબાણ ઊભું કરી શકતું હતું. હાલમાં ભારત ચારે તરફથી દબાયેલું જોવા મળે છે. આ કેસમાં પણ ભારત અને અમેરિકાનું જોડાણ વધારે જૂનું અને મજબૂત છે. ભારત હાલમાં એવા સ્તરે છે કે, વેનેઝુએલાને અપનાવી નહીં શકે અને અમેરિકાને છોડી નહીં શકે.
તે મધ્યમ રસ્તો પસંદ કરવા જશે પણ તેમાં તેની શાખને જ અસર પડશે. એક વાત સ્પષ્ટ છે કે, અમેરિકા અહીંયાથી અટકી ગયું તો વાંધો નથી પણ જો આ સંઘર્ષ લાંબો ચાલ્યો તો ભારતની એનર્જી પોલિસીને ચોક્કસ અસર પડશે. તેના નાગરિકોના જીવ જોખમમા મુકાશે.
ભારતે હાલમાં તો અમેરિકા સાથે સંતુલન સાધીને પોતાના હિત સચવાય તેવો રસ્તો શોધવો અને અમલમાં મુકવો પડશે. આ વધુ એક વૈશ્વિક કામગીરી છે જે ભારતની વિદેશનીતિની અગ્નિપરીક્ષા લેશે.
ભારત અમેરિકાને છોડી નહીં શકે અને અમેરિકાને અપનાવી નહીં શકે
ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલા ઉપર અમેરિકાના હુમલા લાંબા સમય સુધી ચાલ્યા અને આ સંઘર્ષ લાંબો ચાલ્યો તો ભારત પોતાની ક્રૂડની અને ઊર્જાની જરૂરીયાતો મુદ્દે ફિક્સમાં મુકાશે. ભારત ઊર્જા અને ક્રૂડ સેક્ટરમાં પોતાની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે અને તેમાં વેનેઝુએલાનું પણ યોગદાન છે. વેનેઝુએલાનું તેલ ભારે અને સસ્તું ગણાય છે. આ સંજોગોમાં તો વેનેઝુએલા અને અમેરિકાનો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલ્યો તો ક્રૂડના ઉત્પાદનને અસર પડી શકે તેમ છે. તેના પગલે વૈશ્વિક સ્તરે ક્ડની કિંમત ઉચકાશે. ભારતને પણ મળી રહેલા ક્રૂડની કિંમતમાં વધારો જોવા મળશે. આ સંજોગોમાં ભારતની આયાત ઉપર દબાણ વધશે.
ભારતે મિડલ ઈસ્ટના દેશો અને આફ્રિકા તરફ વધારે આશા રાખવી પડશે. રશિયા તેનું ભાગીદાર છે પણ હાલના સંજોગોમાં તો રશિયા જોડેથી ભારત ક્રૂડ ખરીદે છે તેમાં પણ અમેરિકાને વાંધો છે. તેના કારણે ભારતે રશિયાની પાસેથી પણ ક્રૂડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. તેથી ક્રૂડ અને એનર્જી સેક્ટરમાં ભારતની સમસ્યામાં વધારો થશે. આ તો માત્ર એક જ સેક્ટરની વાત થઈ છે.
અમેરિકી દબાણના કારણે ભારત અને વેનેઝુએલાના સંઘર્ષને પગલે બીજા ઘણા સેક્ટરમાં ભારતને સહન કરવાનું આવશે. ભારત-વેનેઝુએલાના વ્યાપરી સંબંધો ઘણા સમયથી અમેરિકી પ્રતિબંધોના કારણે પ્રભાવિત થયેલા છે. હવે આ સંઘર્ષને પગલે ભારત અને વેનેઝુએલા બંને ઉપર દબાણ વધશે.
તેના કારણે ફાર્મા સેક્ટર, ચોખા અને અન્ય કૃષિ ઉત્પાદન, કેટલાક એન્જિનિયરિંગ સેક્ટરના બિઝનેસને વ્યાપક અસર થવાની ભીતિ છે.
જાણકારો માને છે કે, જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સાથેની વેનેઝુએલાની બેન્કિંગ ચેનલ્સ પણ ખોરવાઈ જશે અને ભારતીય કંપનીઓ માટે જોખમ ઊભું થશે. આયાત અને નિકાસ સાથે જોડાયેલા વેપારમાં મોટું સંકટ સર્જાય તેમ છે.


