Get The App

આગામી વર્ષોમાં વીજળી, પાણીનો વપરાશ માણસો કરતા AI વધારે કરશે

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
આગામી વર્ષોમાં વીજળી, પાણીનો વપરાશ માણસો કરતા AI વધારે કરશે 1 - image


- સર્ચ એન્જિન ઉપર સર્ચ કરવામાં કરતા એઆઈ ટુલ દ્વારા સર્ચ કરવામાં દસ ગણી વધારે વીજળી વપરાય છે

- જાણકારોના મતે આગામી બે વર્ષ સુધીમાં એઆઈ સર્વરો બનાવવામાં, ચલાવવામાં અને તેને ઠંડા રાખવામાં વીજળીની સાથે સાથે 4.2 થી 6.6 બિલિયન ક્યૂબિક મીટર પાણીનો વપરાશ થવાની શક્યતા છે : ડિજિટલ સાધનો અને સંસાધનો તથા પાયાગત માળખા માટે પ્લાસ્ટિક, કાચ, સિરામિક અને વિવિધ ખનિજો અને ધાતુઓનો ઉપયોગ થતો રહે છે. સૌથી નવાઈની વાત એ છે કે, બે કિલોગ્રામનું કમ્પ્યૂટર બનાવવા માટે લગભગ 800 કિલો કાચા માલની જરૂર પડે છે. એઆઈ ટુલ્સ માટે તેનાથી દસ ગણા વધારે સંસાધનોની જરૂર પડે છે : એઆઈ ડેટા સેન્ટરો માટે ઊર્જાની આપૂર્તિ મોટાભાગે અશ્મિગત ઈંધણોમાંથી જ કરવામાં આવે છે. તેના કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થઈ જાય છે. ડેટા સેવિંગ માટે જરૂરી ઊર્જાનો ઉપયોગ 2026માં બમણો અને ત્યારબાદના વર્ષમાં કદાચ તેનાથી પણ બમણો થઈ જાય તેવી શક્યતાઓ છે

દુનિયાના તમામ દેશોમાં લોકો દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્રના જાણકારો અને માંધાતાઓ માની રહ્યા છે કે આગામી યુગ કે આગામી વર્ષો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના રહેવાના છે. ચેટ જીપીટી, મેટા, જેમીનાઈ અને બીજા ઘણા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ છે જેનો લોકો દ્વારા રોજિંદા જીવનમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાંય વિદ્યાર્થીઓ, યુવાનો અને નોકરી કરનારા કે અન્ય લોકો તેનો ઉપયોગ રોજિંદી જરૂરીયાતો પૂરી કરવા, રિસર્ચ કરવા, નવી નવી બાબતો જાણવા કે પછી માત્ર દુનિયામાં ચાલતા ટ્રેન્ડને અપનાવવા અને તેની સાથે જોડાવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. 

મહત્ત્વનું એ છે કે, તેનો ઉપયોગ જે રીતે અને જે ઝડપે વધી રહ્યો છે તે ચિંતા જન્માવી રહ્યો છે. એક તરફ એઆઈના દૂરુપયોગ અને ગુનાખોરીનો તો ભય સમગ્ર વિશ્વમાં વ્યાપેલો છે પણ તેના બીજા દુષણો પણ છે જેના વિશે દુનિયા અજાણ છે અથવા તો આંખ આડા કાન કરી રહી છે. આ દુષણ ભવિષ્યમાં માનવજાતને જ ભોગવવાના આવે તેમ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા જતા ઉપયોગના કારણે ડેટા અને કમ્પ્યૂટિંગ પાવરની ડિમાન્ડ અનેક ગણી વધી છે. બીજી તરફ મોટાભાગના એઆઈ મોટા મોટા અને અત્યંત શક્તિશાળી સર્વર સાથે જોડાયેલા છે. આ સર્વર ખૂબ જ મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પ્શન કરે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલા સર્વરો વધારે મોટા ડેટા સેન્ટરો સાથે જોડાયેલા છે. આ ડેટા સેન્ટરો દ્વારા વીજળીનો અતિશય ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં મોટાપાયે વધારો થયો છે. બીજી તરફ આવા સર્વરો બનાવવામાં, ચલાવવામાં અને તેને ઠંડા રાખવામાં વીજળીની સાથે સાથે પાણીનો પણ મોટાપાયે વપરાશ થઈ રહ્યો છે. જાણકારોનો મત છે કે, જે રીતે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પગલે આગામી બે વર્ષ સુધીમાં ૪.૨ થી ૬.૬ બિલિયન ક્યૂબિક મીટર પાણીનો વપરાશ થવાની શક્યતા છે. 

આ ઉપરાંત ડિજિટલ ઈકોનોમીની વાત કરીએ તો તેમાં પણ વર્ચ્યુઅલ સ્વરૂપ જોવા મળી રહ્યા છે. વર્ચ્યુઅલ કરન્સીના માઈનિંગમાં પણ ડેટા અને કમ્પ્યૂટિંગનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પણ મોટા મોટા સર્વર બારે મહિના અને ચોવીસે કલાક ચાલુ રાખવા પડે છે. ખાસ કરીને ભૌતિક સંસાધનો અને કાચા માલ ઉપર તે સૌથી વધારે આધાર રાખે છે. ડિજિટલ સાધનો અને સંસાધનો તથા પાયાગત માળખા માટે પ્લાસ્ટિક, કાચ, સિરામિક અને વિવિધ ખનિજો અને ધાતુઓનો ઉપયોગ થતો રહે છે. સૌથી નવાઈની વાત એ છે કે, બે કિલોગ્રામનું કમ્પ્યૂટર બનાવવા માટે લગભગ ૮૦૦ કિલો કાચા માલની જરૂર પડે છે. તેમાંય જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સપોર્ટ કરનારા સાધનોનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેમાં અત્યંત વધારે સંસાધનો અને ઊર્જાનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીઓ જણાવે છે કે, ગુગલ ઉપર કોઈ બાબત સર્ચ કરવા માટે જેટલી વીજળીનો વપરાશ થાય છે તેના કરતા દસ ગણી વીજળી એઆઈ ટુલ ઉપર કોઈ બાબત સર્ચ કરવા દરમિયાન વપરાય છે. 

ઉલ્લેખીય છે કે, પાંચ વર્ષ પહેલાની વાત કરીએ તો ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વપરાશ ઓછો હતો. તેના ઉપયોગમાં જે વીજળીનો વપરાશ થતો હતો કે વૈશ્વિક માગના માત્ર ૦.૨ ટકા હતા. બીજી તરફ વૈશ્વિક સ્તરે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે તેમાં એઆઈના ઉપયોગથી થતા ગેસનું ઉત્સર્જન માત્ર ૦.૧ ટકા હતું. વર્તમાન સમયમાં તમામ એઆઈ લનગ અને ઉપયોગમાં ૧૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેના કારણે તેની અસરોમાં પણ ૧૦૦ ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે ઊર્જાની માગ અનેક ગણી વધી છે અને તેના કારણે કાર્બન ઉત્સર્જનમાં પણ અનેક ગણો વધારો થયો છે તે સ્વાભાવિક છે. ડેટા કેન્દ્રો દ્વારા વિવિધ વિભાગો જેવા કે વેબસાઈટ, ક્લાઉડ અથવા એઆઈ સેવાઓ માટે ડેટાના સેન્ટરો અને સર્વરોને કાર્યન્વિત કરવા પડે છે. તેનું વિતરણ અને વ્યવસ્થાપન પણ તેના ઉપયોગની આધિન જ રહે છે. એઆઈ ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવાતા ડેટા સેન્ટરો પોતાના જટિલ રચના અને વ્યવસ્થાના કારણે મોટા પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ કરે છે. આ ઊર્જાની આપૂત મોટાભાગે અશ્મિગત ઈંધણોમાંથી જ કરવામાં આવે છે. તેના કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થઈ જાય છે. ડેટા સેવિંગ માટે જરૂરી ઊર્જાનો ઉપયોગ ૨૦૨૬માં બમણો અને ત્યારબાદના વર્ષમાં કદાચ તેનાથી પણ બમણો થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 

મહત્ત્વનું એ છે કે, આપણે ડિજિટલ યુગમાં જીવતા થઈ ગયા છીએ. આપણા જીવન સાથે સંકળાયેલી મોટાભાગની કામગીરીઓ કમ્પ્યૂટિંગ અને કોડિંગ સાથે સંકળાયેલી છે. તેના કારણે આપણે આગળના સમયમાં વધારે સંયમ સાથે અને સમજ સાથે એઆઈનો ઉપયોગ અને ડિમાન્ડ કરવા જોઈએ. તેના દ્વારા જ પારદર્શકતા અને પ્રકૃતિની જાણવણી કરી શકાશે. લોકોએ જાગ્રત યૂઝર તરીકે વર્તવું પડશે અને એઆઈના ઉપયોગને મર્યાદિત કરવો પડશે. લોકોએ સૌથી મોટી વાત એ સમજવી પડશે કે, આપણા વર્ચ્યુઅલ કાર્યોમાં આપણા દ્વારા ઉપયોગમાં લેવાતી, સ્ટોર કરવામાં આવતી કે વપરાશમાં લેવાતી તમામ માહિતી અથવા તો ડેટા વાસ્તવિક દુનિયામાં ખર્ચ, સંશાધનોના વપરાશ તરીકે ભોગવવાની આવે છે. 

થોડા સમય પહેલાં જ એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, કોઈ વ્યક્તિ જ્યારે ગુગલ ઉપર કોઈ બાબત સર્ચ કરે છે ત્યારે ૦.૩ વોટ પ્રતિ કલાક વીજળીનો વપરાશ થતો હોય છે. બીજી તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા એટલે કે એઆઈ ટુલ દ્વારા કોઈ બાબત સર્ચ કરે છે ત્યારે ૨.૯ ટકા પ્રતિ કલાક વીજળીનો વપરાશ થાય છે. તેના અનુસંધાનમાં વિચારીએ તો દરરોજ જે નવ અબજ જેટલી બાબતો સર્ચ કરવામાં આવે છે તેની પાછળ કેટલી બધી વીજળીનો ઉપયોગ થતો હશે. એઆઈ ઉપર થતી ૯ અબજ જેટલી સર્ચ પાછળ ૧૦ ટેરાવોટ પ્રતિ કલાક વીજળી વપરાય છે. યુરોપીયન યુનિયનના લગભગ ૧૫ લાખ લોકો દ્વારા વપરાશમાં લેવાતી આ વીજળી માત્ર એઆઈ ઉપર એક દિવસમાં સર્ચ કરવા દરમિયાન વપરાઈ જાય છે. જાણકારો માને છે કે, જ્યારે આપણે કોઈ ઉપકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ હોય છે કે, તેમાં કેવી વીજળીનો અને કેટલી વીજળીનો વપરાશ થાય છે. જ્યારે આપણે કોઈપણ સર્ચ એન્જીન અથવા તો એઆઈ ટુલ ઉપર કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે વાસ્તવિક કામગીરી ક્યાં થઈ રહી છે અને ત્યાં કેટલો વીજ વપરાશ થઈ રહ્યો છે. ભૌતિક રીતે આપણી પાસે અઢળક ડેટા છે જેને આપણે સ્ટોર કરીએ છીએ. એઆઈ મોડલ દ્વારા કામ કરવા દરમિયાન ડેડાનો ઉપયોગ થાય છે અને ઊર્જાનો પણ ઉપયોગ થાય છે. આપણે જે ડેડા ઉપર એઆઈ મોડલ લર્નિંગ કરીએ છીએ તે વારંવાર આ મોડલ ઉપર કામ કરે છે. 

હવે જે પણ એઆઈ મોડલ છે તેને એક્ટિવ રાખવા માટે સતત ચાલુ રાખવું પડે છે. તેને ચાલુ રાખવામાં આવે તો તેની સિસ્ટમ અને સર્વર ગરમ થઈ જાય છે. આ ડેટા સેન્ટરો અને સર્વરોને ઠંડા રાખવા માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે એરકન્ડિશનિંગ અથવા તો કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે પાણી અને વીજળી બંનેનો વ્યાપક ઉપયોગ થાય છે. સંશોધકોના મતે એઆઈ ટુલનું સંચાલન કરતા મોટા ડેટા સેન્ટરો પાસે ઊર્જાનો અસ્ખલિત અને વિશ્વસનિય સ્ત્રોત હોવો અત્યંત જરૂરી છે. આ ડેટા સેન્ટરો એવી જગ્યાએ બનાવવામાં આવે છે જેમાં પૂન:અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે કોલસા અથવા તો નેચરલ ગેસ દ્વારા વીજળીના સાધનો અને કુલિંગ સિસ્ટમ ચલાવવામાં આવે છે. સૌર ઊર્જા અને પવન ઊર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળી અહીંયા સાતત્ય સાથે પૂરી પાડી શકાતી નથી.

આગામી વર્ષોમાં એઆઈ ટુલ્સનો અવિચારી ઉપયોગ પર્યાવરણનું ધનોતપનોત કાઢી નાખશે

એઆઈનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે પર્યાવરણનું રક્ષણ અને જતન કરનારા લોકો ચિંતાગ્રસ્ત છે. એક અભ્યાસ જણાવે છે કે, ૨૦૨૩માં એઆઈ ડેટા સેન્ટરોએ અમેરિકાના કુલ વીજ વપરાશની ૪.૪ ટકા વીજળીનો ઉપયોગ કર્યો હતો. 

દુનિયાના મોટા દેશોમાં પણ આ જ સ્થિતિ છે. હાલમાં એઆઈની ડિમાન્ડ અને વપરાશ જે રીતે વધી રહ્યા છે તે જોતા ભવિષ્ય ભયાનક ભાસી રહ્યું છે. જાણકારોના મતે ૨૦૨૮ સુધીમાં એઆઈનો ઉપયોગ અને ડિમાન્ડ ત્રણ ગણા વધી ગયા હશે. તેના કારણે પાણી અને વીજળીનો ઉપયોગ તથા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ તો અનેક ગણું વધી ગયું હશે. તે ઉપરાંત ઈ-વેસ્ટમાં તોતિંગ વધારો થશે જેના નિકાલ અંગે આજે પણ મોટાભાગના દેશો પાસે યોગ્ય વિકલ્પો કે સંસાધનો નથી. 

એઆઈના અત્યંત અને અવિચારી ઉપયોગથી પાવર ગ્રીડ ઉપર ભારે દબાણ ઊભું થશે. જાણકારોના મતે ૨૦૩૦ સુધીમાં એઆઈ ડેટા સેન્ટરો માટે વીજળીના વપરાશમાં ૨૦ ટકા જેટલો મોટો વધારો જોવા મળશે. એઆઈ મોડલને કાર્યાન્વિત રાખવા માટે વારંવાર પ્રશિક્ષણ જરૂરી છે અને તેના માટે ઊર્જાનો વપરાશ વધશે તે સ્વાભાવિક છે. ૨૦૧૪થી ૨૦૨૪ સુધીમાં એઆઈના ઉપયોગ દરમિયાન સર્વર માટે વીજ વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. આગામી ત્રણ વર્ષમાં તેમાં બમણાથી વધુનો વધારો નોંધાશે તેમ દેખાય છે. સંશોધકો માને છે કે, આપણે એઆઈના જ ઉપયોગ તરફ આગળ વધવું હશે તો એવા વિકલ્પો વિકસિત કરવા પડશે જે વીજળી અને પાણીનો ઓછો ઉપયોગ કરે અને તેના દ્વારા કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય. તે ઉપરાંત ઈ-કચરાનું સર્જન ઓછું થાય જેથી પર્યાવરણને સાચવી શકાય અને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય. બાકી આગામી ત્રણ-ચાર વર્ષમાં જ એઆઈ દ્વારા માણસો કરતા ત્રણ ગણો વધારે વીજળી અને પાણીનો ઉપયોગ કરવામાં આવશે.

Tags :