રશિયન ક્રૂડ બંધ કરવું આર્થિક અને કૂટનીતિક રીતે જોખમી
- ભારત માટે રશિયા દાયકાઓથી મહત્ત્વનો ભાગીદાર રહ્યો છે, આ સંજોગોમાં અમેરિકાના દબાણમાં આવીને તેને સાઈડલાઈન કરવું અયોગ્ય
- છેલ્લાં બે વર્ષમાં ભારતે જે ક્રૂડ રશિયા પાસેથી ખરીદ્યું તેમાં બહુ મોટો લાભ થયો છે, ભારતે વર્ષે ૨૮૦ અબજ ડોલરની આસપાસની રકમનો ક્રૂડનો વેપાર રશિયા સાથે કર્યો છે અને પોતાની જરૂરિયાતનું ૪૫ ટકા ક્રૂડ માત્ર રશિયા પાસેથી લીધું છે : મે ૨૦૨૩ સુધીમાં ભારતે દરરોજ રશિયા પાસેથી ૨૦ લાખ બેરક ક્રૂડ ખરીદ્યું છે. આ ક્રૂડ ભારતની જરૂરિયાતનું અંદાજે ૪૫ ટકા જેટલું થાય છે. ભારતે છેલ્લાં બે વર્ષમાં વાર્ષિક ૨૮૦ અબજ ડોલરની આસપાસનું ક્રૂડ રશિયા પાસેથી ખરીદ્યું છે : ભારત હવે જો રશિયા પાસેથી ક્રૂડ લેવાનું બંધ કરે તો તેણે અન્ય વિકલ્પ શોધવા પડે. આ સ્થિતિમાં સાઉદી, ઈરાક અથવા તો અન્ય દેશો પાસેથી ક્રૂડ ખરીદવું પડે જે મોંઘુ પડી શકે તેમ છે : ભારતનું આ પગલું તેની વિદેશનીતિ અને વૈશ્વિક છાપને હાની પહોંચાડે તેમ લાગી રહ્યું છે. દુનિયામાં ભારતની છબી નબળા દેશ તરીકે ઊભી આવે તેવું બની શકે
અમેરિકાએ ભારત ઉપર એકાએક જે ટેરિફ વધારાનો અને દંડનો કોરડો વિંઝયો છે તેની પાછળ ઘણા કારણ રહેલા છે. ખાસ કરીને રશિયાને દબાવવા માટે તે ભારતનો ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દે. છેલ્લાં કેટલાક સમયથી ભારતીય રિફાઈનરી કંપનીઓ દ્વારા રશિયા પાસેથી ક્રૂડ મંગાવવાનું ઓછું કરવામાં આવ્યું છે. હવે એવું સંભળાઈ રહ્યું છે કે, સરકારી રિફાઈનરીઓને રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવાના આદેશો અપાઈ ગયા છે.
સૂત્રોમાં ગણગણાટ છે કે, યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને અમેરિકા દ્વારા ચર્ચાની ચેતવણી આપવામાં આવી તેની અવગણના કરાઈ રહી છે અને તેના કારણે રશિયાને ભીંસમાં લેવા અમેરિકા આકરું થયું છે.
ભારતને આગળ ધરીને રશિયાને દબાવવાની અમેરિકાની મેલી મથરાવટી ભારત માટે જોખમી બની શકે છે. ભારત જો અમેરિકાના દબાણમાં આવીને રશિયાની સાથે ક્રૂડનો વેપાર ઘટાડવાનું શરૂ કરશે અથવા તો બંધ કરી દેશે તો તેના વિપરિત પરિણામો આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૨૨માં યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની શરૂઆત કરી હતી.
ભારત અને ચીન રશિયા પાસેથી ક્રૂડ લેનારા સૌથી મોટા દેશો છે. આ બંને દેશોને રશિયા પાસેથી ક્રૂડ ખૂબ જ સસ્તામાં મળે છે. બે વર્ષ દરમિયાન ભારતે જે રીતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદ્યું છે તે જોતાં અંદાજ લગાવી શકાય છે કે, તેના કેટલી મોટી રકમનો ફાયદો થયો છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષમાં વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિ કપરી ચાલી રહી છે ત્યાં ભારતને રશિયા સાથે વેપાર કરવામાં મોટો ફાયદો થયો છે.
એ વાત અલગ છે કે, ગત બે વર્ષમાં અમેરિકી પૂર્વ પ્રમુખ બાઈડેન દ્વારા ભારત ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દે.
ભારતે તેને ખાસ ગણકાર્યું નહોતું. ભારતને આશા હતી કે, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા બાદ તેને રશિયા સાથે વેપારમાં રાહત મળશે પણ તેનાથી તદ્દન વિપરિત સ્થિતિ ઊભી થઈ. રશિયા જોડેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાએ ભારતને દંડ કર્યો અને ચેતવણી પણ ઉચ્ચારી કે ક્રૂડ લેવાનું ઓછું નહીં કરાય તો વધારે આકરાં પગલા લેવાશે. તેના પગલે સરકારી રિફાઈનરીઓએ રશિયન ક્રૂડ મગાવવાનું ઓછું કરી દીધું છે અને ખાનગી રિફાઈનરીઓ તેમની રીતે નિર્ણય લઈ રહી છે. ભારતે હવે સાઉથ આફ્રિકા અને લેટિન અમેરિકી કંપનીઓઓ પાસેથી સસ્તું ક્રૂડ લેવાના વિકલ્પ શોધાઈ રહ્યા છે.
જાણકારો માને છે કે, રશિયા પાસેથી ક્રૂડ લેવાનું એકાએક બંધ કરવું આર્થિક રીતે ખૂબ જ મોંઘું અને કૂટનીતિક રીતે કપરું બની શકે છે. આ ક્રૂડની આયાત અન્ય સ્થળેથી કરવામાં આવે તો તે ખર્ચ અસરકારક રીતે ઓછો થાય છે.
ભારત અને રશિયા વચ્ચે ઘણા વર્ષોથી વ્યાપારિક અને મિત્રતાના સંબંધ છે. ભારત પાસે ક્ડનો વિશાળ જથ્થો છે. ભારતને તેની જરૂરિયાતના ક્રૂડના જથ્થાનું મોટાપાયે અયાત કરવું પડે છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થાય બાદ રશિયા પાસેથી વસ્તુઓ ન લેવા અને ક્રૂડ ન ખરીદવાનો માહોલ બનાવવામાં આવ્યો હતો. ભારત પહેલાં પોતાની જરૂરિયાતનું ૦.૨ ટકા ઓઈલ રશિયા પાસેથી લેતું હતું. હવે આ હિસ્સામાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. મે ૨૦૨૩ સુધીમાં ભારતે દરરોજ રશિયા પાસેથી ૨૦ લાખ બેરક ક્રૂડ ખરીદ્યું છે.
આ ક્રૂડ ભારતની જરૂરિયાતનું અંદાજે ૪૫ ટકા જેટલું થાય છે. ભારતે છેલ્લાં બે વર્ષમાં વાર્ષિક ૨૮૦ અબજ ડોલરની આસપાસનું ક્રૂડ રશિયા પાસેથી ખરીદ્યું છે. તેના પગલે સાઉદી અને ઈરાક પાસેથી પરંપરાગત રીતે જે ખરીદી ભારત કરતું હતું તેમાં મોટાપાયે ઘટાડો આવી ગયો હતો. ભારતને આ દેશોની સરખામણીએ રશિયા પાસેથી વધારે સસ્તામાં ક્રૂડ મળે છે અને તેની ક્રૂડ કંપનીઓ દ્વારા ઘરેલું ઉત્પાદન અને પણ સારી રીતે પ્રોસેસ કરી શકે છે. ભારતે આ જ ક્રૂડમાંથી અન્ય ઉત્પાદનો તૈયાર કરીને યુરોપના બજારમાં વેચ્યા છે.
અહીંયા એ જોવાનું છે કે, રશિયા પાસેથી જો ભારત સસ્તા દરે ક્રૂડ ખરીદી રહ્યું છે અને તેને જો બંધ કરી દે તો મોટી મુશ્કેલી સર્જાશે. ભારત ૨૦૨૨થી રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદી રહ્યું છે. ભારત હવે જો રશિયા પાસેથી ક્રૂડ લેવાનું બંધ કરે તો તેણે અન્ય વિકલ્પ શોધવા પડે. આ સ્થિતિમાં સાઉદી, ઈરાક અથવા તો અન્ય દેશો પાસેથી ક્ડ ખરીદવું પડે જે મોંઘુ પડી શકે તેમ છે. તેના કારણે ભારતમાં ઈંધણના ભાવ આપોઆપ વધી જશે અને તેની અસર ફુગાવા ઉપર દેખાશે અને આખરે અર્થતંત્રને પણ તેની અસરનો સામનો કરવો પડશે.
મહત્ત્વનું એ છે કે, ભારત પોતાના ક્રૂડની જરૂરિયાતમાંથી ૮૦ ટકા ક્રૂડ માટે આયાત ઉપર આધારિત છે. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ આવવાનું બંધ થઈ જાય તો ઊર્જાના પૂરવઠામાં વિઘ્ન પડે અથવા તો તેમાં અનિશ્ચિતતા જોવા મળે. તેના કારણે ઔદ્યોગિક ઉત્પાદનો ઉપર અસર પડશે અને ગ્રાહકોને પણ અસર થશે. રશિયાના વિકલ્પ તરીકે અન્ય દેશો પાસેથી ક્રૂડ ખરીદવામાં સમય લાગશે અને વ્યવસ્થા ગોઠવાતા પણ સમય જશે. તેમાંય વૈશ્વિક બજારમાં ક્રૂડના પુરવઠા મુદ્દે જે અસ્થિરતા અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે તેના કારણે ભારત માટે જોખમ વધી શકે છે.
બીજી તરફ ભારતને વિદેશી હુંડિયામણ મુદ્દે પણ મુશ્કેલી થાય તેમ છે. હાલમાં ભારતનો રશિયા સાથે જે વેપાર થાય છે તેમાં ભારતીય રૂપિયામાં ચુકવણી થાય છે. તેના કારણે વિદેશી હુંડિયામણમાં સ્થિતિ કાબુમાં હતી.
હવે જ્યારે અન્ય દેશો પાસેથી ખરીદવાનું આવશે તો ડોલરમાં પેમેન્ટ કરવું પડશે. તેના કારણે ભારતના વિદેશી હુંડિયામણને અસર થશે અને દબાણ વધશે. રૂપિયાની કિંમત જે રીતે ડામાડોળ છે તેના કારણે પણ ભારતીય અર્થતંત્ર ઉપર દબાણ વધશે. નવી સ્થિતિમાં ભારતનું વિદેશી હુંડિયામણ ઘટશે તેમ કહેવું જરાય ખોટું નથી.
મોટું જોખમ : રશિયા સાથેના સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે
જાણકારોના મતે ભારત જો રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દે તો તેની અસર બંને દેશોના સંબંધો ઉપર પડી શકે છે. રશિયા અને ભારત દાયકાઓથી ખૂબ જ સારા મિત્ર દેશો છે. બંને એકબીજા ઉપર વિશ્વાસ રાખીને કામ કરે છે. વૈશ્વિક રણનીતિની દ્રષ્ટીએ ભારત માટે રશિયા ખૂબ જ મહત્ત્વનો દેશ છે. તે કોઈપણ મુદ્દે કાયમ ભારતની પડખે ઊભો રહ્યો છે. ભારત ઘણા લાંબા સમયથી ઉર્જા અને સંરક્ષણ મુદ્દે રશિયા સાથે જોડાયેલો છે. રશિયા પાસેથી ક્રૂડ લેવાનું બંધ થાય એટલે બંને દેશોમાં વિશ્વાસમાં ઘટાડો થવાનું સ્વાભાવિક છે. રશિયાનો વિશ્વાસ ડામાડોળ થાય તો ભારતના સંરક્ષણ સપ્લાય અને અન્ય સામરિક સહકારને મોટી અસર થઈ શકે છે અને જે ભારતને કોઈપણ રીતે પોસાય તેમ નથી. ભારત પાસે અત્યારે એક જ વિકલ્પ છે કે, તે રશિયા સાથે સંબંધ સારા રાખીને કોઈપણ રીતે અમેરિકાના દબાણને સંતુલિત કરે. ભારતે કોઈપણ રીતે રશિયાને વિશ્વાસમાં લેવું પડશે કે તે હાલમાં જે કરી રહ્યું છે તે આર્થિક મજબૂરીના કારણે કરી રહ્યું છે. તેની પાછળ અન્ય કોઈ રાજકીય રણનીતિ નથી. ભારતના સંરક્ષણ સંશાધનોની મોટાભાગની આયાતમાં રશિયાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. રશિયાના હથિયારો, સાધનો, સ્પેરપાર્ટ અને ટેક્નિકલ સહાય વગેરેમાં રશિયા દ્વારા ભારતને હાલમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. વર્તમાન સ્થિતિના કારણે કંઈક ઉપરનીચે થાય તો ભારતના સંરક્ષણ સેક્ટરને પણ ખૂબ જ મોટી અસર પડી શકે તેમ છે. આ સિવાય ભારત બીજા દેશોથી ક્રૂડ ખરીદશે તો સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલ અને અન્ય ઈંધણના ભાવમાં વધારો થશે. તેના કારણે સામાન્ય લોકોનો રોષ ભભૂકશે તે નક્કી છે. તેના કારણે સ્થાનિક સ્તરે પણ ભારત સરકાર ઉપર દબાણ વધશે. ભારતે સ્થાનિક સ્તરે જ ક્રૂડ અને ગેસના ઉત્પાદન ઉપર ભાર મુકવો પડશે જેથી આયાત ઘટે અને ભારત સ્થિરતા મેળવી શકે.
અમેરિકા સાથે સંબંધ સુધરશે પણ ભારતની વૈશ્વિક છબી ખરડાશે
વિદેશનીતિના જાણકારો માને છે કે, અમેરિકાએ કાયમ ભારતને દબાણમાં લાવીને પોતાનું ધાર્યું જ કરાવ્યું છે. તેણે કાયમ ભારતના સ્થાને પોતાના હિતોને વધારે મહત્ત્વ આપ્યું છે. અમેરિકા કાયમ મિત્ર દેશોને દબાણમાં રાખીને કામ કરાવનારો જ દેશ છે. હાલમાં ભારત રશિયા જોડેથી ક્રૂડ લેવાનું બંધ કરી દે તો ભારત અને અમેરિકાના રસ્તા પાછા સારા થાય તેમ છે. અહીંયા મહત્ત્વનું એ છે કે, અમેરિકા ક્યારેય ભારત માટે વિશ્વાસપાત્ર રહ્યું નથી. ભારતનું આ પગલું તેની વિદેશનીતિ અને વૈશ્વિક છાપને હાની પહોંચાડે તેમ લાગી રહ્યું છે. દુનિયામાં ભારતની છબી નબળા દેશ તરીકે ઊભી આવે તેવું બની શકે. અમેરિકાના દબાણ સામે નમતું જોખનાર દેશ તરીકે ભારતની ગણના થવા લાગે. મજબૂત અને તટસ્થ વિદેશ નીતિ માટે જાણીતા ભારતને વૈશ્વિક સ્તરે મોટો ફટકો પડી શકે તેમ છે. ભારતે તાજેતરમાં જ G૨૦, BRICS અને SCO જેવા વૈશ્વિક મંચ ઉપર સાઉથ એશિયાનું નેતૃત્વ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારત હવે દબાણમાં આવીને રશિયા પાસેથી ક્ડ લેવાનું બંધ કરે તો તેના આ નેતૃત્વને મોટો ફટકો પડશે. ભારત એક વખત અમેરિકાના દબાણમાં આવ્યું તો યુરોપના દેશો પણ તેને દબાવવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ બ્રિક્સ અને એસસીઓમાં ચીન અને રશિયા જેવા મોટા ખેલાડીઓ પણ તેની ગણતરી કરશે નહીં. ભારતે આ સ્થિતિનો ખૂબ જ ગંભીરતા સાથે અને નક્કર ઉકેલ લાવવો પડશે.