For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કડક કાયદા છતાં બાળકીઓ સાથે દુરાચારના બનાવોનો અંત નથી આવતો

Updated: Aug 5th, 2021

Article Content Image

- રાજધાની દિલ્હીમાં નવ વર્ષની બાળકીની હત્યા અને પરિવારજનોની સંમતિ વિના અંતિમ સંસ્કાર કરી દેવાની ચક્ચારી ઘટના

- બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જાય છે, એ સંજોગોમાં આવા જઘન્ય અપરાધોમાં આકરી સજા આપીને દાખલો બેસાડવાની જરૂરિયાત છે

દેશની રાજધાની દિલ્હીમાં ૯ વર્ષની બાળકીની હત્યા અને પરિવારની સંમતિ વિના મૃતદેહના અંતિમ સંસ્કારની ચકચારી ઘટના સામે આવતા લોકોમાં રોષ છે. આરોપ છે કે આ નાનકડી બાળકી ઉપર સ્મશાન ઘાટની અંદર ગેંગરેપ કરીને હત્યા કરી નાખવામાં આવી. શરૂઆતમાં પોલીસે આ મામલે બેદરકારીથી મોત, પુરાવાનો નાશ કરવો અને પરિજનોને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરવા જેવા મામલામાં કેસ નોંધ્યો હતો. પરંતુ બાળકીના પરિવારજનોએ ન્યાય માટે રાવ કરતા છેવટે આ મામલે ગેંગરેપ, હત્યા, પોક્સો એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એસસી-એસટી એક્ટ જેવી કલમો પણ ઉમેરી. આ બનાવ બાદ ફરી વખત દેશમાં મહિલાઓ અને ખાસ કરીને બાળકોની સુરક્ષા અંગે સવાલ ખડા કર્યાં છે.

છેલ્લા થોડા વર્ષોથી દેશમાં બાળ યૌનશોષણની વધી રહેલી ઘટનાઓ ભારે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા કડક કાયદા બનાવ્યા છતાં આવી ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લેતી. અવારનવાર દેશના કોઇ ખૂણેથી બાળ યૌનશોષણના સમાચાર સાંભળવા મળતા જ રહે છે. 

હકીકતમાં બાળકો સાથે થતા યૌન દુરાચારના મામલે સરકાર વધારે સખત બની છે. કેન્દ્રની મોદી સરકારે બાળકો સાથેના યૌન અપરાધો માટેના કાયદાને અત્યંત કડક બનાવ્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સ એક્ટ અર્થાત પૉક્સોની જુદી જુદી કલમોમાં સંશોધન કરવામાં આવ્યાં છે. હવે બાળકો સાથેના ગંભીર યૌન અપરાધની સ્થિતિમાં અપરાધીને ૨૦ વર્ષની આકરી સજા અથવા તો મૃત્યુદંડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

ભારતમાં દર વર્ષે બાળકો સાથે થતા યૌૈન દુરાચારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલા રોકવા માટે સરકારને પોક્સો એક્ટમાં સંશોધન કરવાની આવશ્યકતા જણાઇ. આ કાયદા અંતર્ગત ૧૮ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને ડ્રગ્સ કે દવા આપીને તેમના હોર્મોન્સ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરવાની કલમ ૯માં પણ સંશોધન કરવામાં આવ્યું છે.

નવા કાયદા અનુસાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે પણ કડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે. સમાજમાં વ્યવસ્થા જળવાઇ રહે એ માટે દુનિયાના તમામ દેશોમાં કાયદા સ્થાપિત કરવામાં આવ્યાં છે. જો કોઇ વ્યક્તિ આ નિયમો અને કાયદાની બહાર જઇને કોઇ કૃત્ય કરે તો તેને અસામાજિક ઠરાવવામાં આવે છે. મનોવિકારની પ્રવૃત્તિઓ પણ અસામાજિક લેખાય છે. આજે સમાજમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી રહી છે જેનો અભ્યાસ કરતા જણાય છે કે સમાજ બીમાર બની રહ્યો છે. નાની બાળકીઓથી લઇને આધેડ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના મામલા વધી રહ્યાં છે. છોકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તેમના ઉપર એસિડ એટેક થાય છે. બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે. 

કરુણતા એ છે કે નિર્ભયા કાંડ બાદ પણ આપણે કશું શીખ્યાં નથી. સમાજમાં બાળકો યૌન શોષણના શિકાર બનતા હોય અને આવા ઘણાં ખરાં મામલાઓમાં ઓળખીતા લોકો જ સંડોવાયેલા હોય ત્યારે સરકારની અને સમાજની ફરજ બને છે કે આવી માનસિકતા ધરાવતા લોકોનો ઇલાજ કરવો. એટલા માટે જ સરકારે બાળકોનું યૌન શોષણ કરનારા લોકો માટે ફાંસીની સજાની જોગવાઇ કરી છે.

જોકે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તો ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું યૌન શોષણ કરનારા અપરાધીઓ માટે ફાંસીની સજાની જોગવાઇ છે જ. પરંતુ કઠણાઇ એ છે કે મૃત્યુદંડની જોગવાઇ કર્યા બાદ પણ સમાજમાં આવા ગંભીર અપરાધ અટક્યા નથી.

નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઉમટયો હતો એ જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતા આવા ભયંકર અપરાધોમાં કમી આવશે પરંતુ જે બનાવો સામે આવી રહ્યાં છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે.

આવા માનવતાને શર્મસાર કરતા અપરાધો માટે રાજકારણ કે સાંપ્રદાયિક્તાથી ઉપર ઊઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એ માટે લોકોએ હાકલ કરવાની જરૂર છે નહીંતર આવી ઘટનાઓના દુરોગામી પરિણામો અત્યંત ઘાતક પુરવાર થશે. આવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરીને દાખલો બેસાડવાની જરૂર છે.

જાણકારોનું કહેવું છે કે યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર પણ ઓછો હોવાના કારણે બળાત્કારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલાના આરોપીઓ થોડાક મહિના જેલમાં કાઢ્યા બાદ જામીન ઉપર છૂટી જતાં હોય છે. ઘણાં ખરાં મામલાઓમાં તો પુરાવાના અભાવે આવા નરાધમો બચી પણ જતાં હોય છે.

દેશમાં આવા મામલાઓમાં સજા થવાની સરેરાશ માત્ર ૧૯ ટકા જ છે. મતલબ કે બળાત્કારના નોંધાયેલા ગુનાઓમાં પણ માત્ર આટલા ટકા અપરાધીઓને સજા થાય છે. આના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે. સમાજવિજ્ઞાાનીઓના મતે ચિંતાજનક કહી શકાય એવી બાબત એ છે કે છેલ્લા થોડા સમયથી નાની ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.

અનેક અભ્યાસમાં બહાર આવી ચૂક્યું છે કે બળાત્કાર જેવી ઘટનાઓમાં મોટે ભાગે આરોપી કે દોષિત પીડિતાના આસપાસના કે પરિચિત કે સંબંધી જ હોય છે. એવામાં કોઇ કન્યા પોતાના કોઇ પરિચિત વ્યક્તિનો ભરોસો જ કેવી રીતે કરે કે જ્યારે તેના ઓળખીતા લોકો જ તેની વિરુદ્ધ આવો જઘન્ય અપરાધ કરતા ડરતા ન હોય? આધુનિકતા અને વિકાસના દાવાઓ વચ્ચે પણ હકીકત તો એ છે કે આજે પણ મહિલાઓ માટે પરિસ્થિતિ સલામત અને સહજ નથી.

દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે.

બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. એ સંજોગોમાં આવા જઘન્ય અપરાધોમાં આકરી સજા આપીને દાખલો બેસાડવાની જરૂરિયાત છે. ખરેખર તો આવી કોઇ ઘટના સામે આવે ત્યારે લોકો સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફોરવર્ડ કરીને કે રોષ વ્યક્ત કરીને પોતાની ફરજ પૂરી થયાનું સમજી લે છે.

આજે એવું જોવા મળે છે કે મોટી મોટી ઘટનાઓની લોકો પ્રતિક્રિયા આપતા નથી. લોકોને બિનજરૂરી મુદ્દાઓમાં એવા ઉલઝાવી દેવામાં આવ્યાં છે કે તેમનું વાસ્તવિક પરિસ્થિતિ તરફથી ધ્યાન જ હટી ગયું છે. જો આ પ્રકારની ઘટનાઓ ઉપર સમાજ ચૂપ રહેશે તો આવા લોકોની હિંમત વધ્યા જ કરશે. 

દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે.

ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત દેશના અઢીસોથી વધારે જિલ્લાઓમાં ચાઇલ્ડલાઇન સર્વિસ ચલાવવામાં આવે છે. બાળકોના ઉત્પીડત અને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો દાવો આ સર્વિસના માધ્યમ દ્વારા કરવામાં આવતો હોવાના દાવા થાય છે પરંતુ માસૂમ બાળકોની ચીસો આ ચાઇલ્ડલાઇન્સ સુધી પહોંચતી હોય એવું લાગતું નથી. 

ભારતમાં રોજિંદા ૨૯૦ બાળકો જુદાં જુદાં અપરાધોના શિકાર બને છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તો આવા મામલાઓમાં ચાર ગણો વધારો થયો છે. સામાજિક સંગઠનોએ આ પ્રકારની પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા આ સમસ્યા પર અંકુશ લગાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે. આવી સંસ્થાઓનો દાવો છે કે હજારો મામલા એવા છે જે પોલીસ સુધી પહોંચતા જ નથી. 

સામાજિક સંગઠનોના જણાવ્યા અનુસાર બાળકો પ્રત્યે થતા અત્યાચારના અનેક કારણો છે એટલા માટે તેમના પર અંકુશ લગાવવા માટે બહુઆયામી ઉપાયો પ્રયોજવાની જરૂર છે. ખાસ કરીને સમાજમાં બાળકો પ્રત્યેના અપરાધો અંગે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. ગરીબી, બેરોજગારી, આર્થિક અને લૈંગિક અસમાનતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આવી સમસ્યાઓ પર કાબૂ મેળવી શકાય છે.

બેશક સરકાર આ તમામ મોરચે કામ કરી રહી છે પરંતુ લોકોએ પણ આગળ આવીને બાળકો પર થતા અત્યાચારોના મામલે અવાજ ઉઠાવવાની જરૂર છે. માત્ર કાયદા કે દિશાનિર્દેશો બનાવીને બાળકો સાથે થતાં અપરાધો પર કાબુ નહીં મેળવી શકાય. આવા અપરાધોના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કડક કાયદા લાગુ કરવાના રહેશે.

Gujarat