- વિયેતનામ અને અફઘાનિસ્તાનમાં તો બે દાયકા સુધી સંઘર્ષ કર્યા બાદ અમેરિકાએ વીલામોઢે પાછા જવું પડયું હતું
- 19મી સદીમાં અઢી વર્ષ સુધી બ્રિટન સામે સંઘર્ષ કરીને કેનેડા પડાવી લેવા મથામણ કરનારા અમેરિકાને પરાજય મળ્યો હતો, અમેરિકી પ્રમુખનું વ્હાઈટ હાઉસ પણ બ્રિટને ફૂંકી માર્યું હતું. ઉત્તર કોરિયાને હરાવવાની લાલસમાં પણ અમેરકાની આબરૂના કાંકરા થયા હતા: અમેરિકા માનતું હતું કે, વિયેતનામ હારી ગયું અને શરણે આવી ગયું તો પછી દક્ષિણ-પૂર્વના તમામ સામ્યવાદી દેશો તેમની સરકાર બદલી કાઢશે. આ યુદ્ધમાં અમરિકાએ 58,000 સૈનિકો ગુમાવ્યા હતા જેમાં 11 મોટા અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. 1965થી 73 વચ્ચે આ યુદ્ધ ઉપર અંદાજે 120 અબજ ડોલરનો ખર્ચ થયો હતો: સીઆઈએ દ્વારા 17 એપ્રિલ 1961ના રોજ 1400 જેટલા ક્યૂબાના નિર્વાસિતોને તાલિમ આપીને યુદ્ધ માટે સજ્જ કરવામાં આવ્યા અને ક્યૂબાના દક્ષિણ કિનારે ઉતારવામાં આવ્યા. ફિદેલ કાસ્ત્રોને સત્તા ઉપરથી હટાવવા માટે આ યુદ્ધ કરાયું હતું. કાસ્ત્રોની સેનાએ તમામ વિદ્રોહીઓને પકડી પાડયા અને અમેરિકી મનસુબા ઉથલાવી દીધા હતા
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકી પ્રમુખ હવે હવાતિયા મારી રહ્યા છે. ઈરાનને આક્રમક હુમલા પછી પણ કાબુ ન કરી શકવાના કારણે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને પેન્ટાગોન અકળાયેલા છે. તેમની તમામ ગણતરીઓ ઉંધી પડી છે અને તેમના કોઈ હેતુ સિદ્ધ થયા નથી. અમેરિકાએ ઈરાન સામેનું યુદ્ધ જેટલું સરળ માન્યું હતું તેના કરતા આ યુદ્ધ વધારે ભયાનક સાબિત થયું છે. અમેરિકાએ ધારી હશે તેના કરતા કદાચ અનેકગણી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવી રહયો છે.
હવે અમેરિકા કોઈપણ ભોગે આ યુદ્ધમાંથી બહાર નીકળવા માગતું હોય તેમ દેખાઈ રહ્યું છે. તેના માટે તે કોઈ બહાનું અથવા તો ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ પણ જણાઈ રહ્યું છે.
ખાસ વાત એ છે કે, આ યુદ્ધમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અમેરિકાનો આ યુદ્ધમાં ઈરાન સામે પરાજય થયો હોય તેવી સ્થિતિ છે. ઈરાન શરણે આવ્યું નથી, અમેરિકા અને ઈઝરાયેલના હથિયારો ખાલી થવા આવ્યા છે અને ખર્ચ પણ અધધ થઈ ગયો છે. અમેરિકા હવે કોઈપણ ભોગે આ યુદ્ધ અટકાવવા માગે છે. વાસ્તવિકતા એવી પણ છે કે, આ પહેલી વખત નથી કે અમેરિકા યુદ્ધ લડવા દરમિયાન ફિક્સમાં મુકાયું હોય અને યુદ્ધ છોડવું પડયું હોય.
આ પહેલાં ઘણી વખત અને તેમાંય છેલ્લા પાંચ મોટા યુદ્ધમાં અમેરિકાને મોટો આઘાત મળેલો છે. તેણે પાંચ વખત હારવાની સ્થિતિમાં આવીને યુદ્ધ અટકાવવું પડયું હતું. દુનિયા માને છે કે આ તમામ તબક્કે અમેરિકા હારી જ ગયું હતું અને એકાએક સરકી ગયું હતું. હાલમાં ઈરાન સામે પણ આવી જ સ્થિતિમાં આવ્યું છે. ટેકનિકલી એવું કહી શકાય કે કોઈપણ દેશે અમેરિકાને સીધો પરાજય આપ્યો નથી.
લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષ, હથિયારોની અછત, રણનીતિની નિષ્ફળતાઓ, મોટા આર્થિક નુકસાનને કારણે અમેરિકાએ પીછેહઠ કરી હોય અથવા તો યુદ્ધ અધુરું છોડવું પડયું હોય તેવી આ ઘટનાઓ છે.
ઈતિહાસકારો નોંધે છે કે, અંદાજે બે દાયકા સુધી વિયેતનામ ખાતે યુદ્ધ લડયા બાદ અમેરિકા અને તેના સાથીઓ થાકી ગયા હતા. તેમણે પીછેહઠ કરવી પડી હતી. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી અમેરિકા અને વિયેતનામ વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો હતો.
આખરે આ સંઘર્ષમાં અમેરિકા ખસ્યું અને વિયેતનામનો વિજય થયો હતો. તેના કારણે જ સમગ્ર દેશ કોમ્યુનિસ્ટ સરકાર અને વ્યવસ્થા હેઠળ એકજૂથ થયો અને મજબૂત દેશ બનીને આગળ વધવા લાગ્યો. અમેરિકા માટે એવું કહી શકાય કે ૨૦મી સદીમાં તેણે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધને બાદ કરતા ૨૫ જેટલા યુદ્ધ લડયા અથવા તો કોઈ મુદ્દે સૈન્ય કામગીરી અને હસ્તક્ષેપ કર્યો. ૨૧મી સદીમાં પણ અમેરિકાની આ આક્રમક રણનીતિ અને યુદ્ધ કરવાની સંખ્યા ૧૦ને પાર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાનું વિયેતનામ સામેનું યુદ્ધ ખૂબ જ લાંબું ચાલ્યું હતું. તે ૨૦ વર્ષ સુધી એટલે કે ૧૯૫૫થી ૧૯૭૫ સુધી વિયેતનામ અને તેની વિરુદ્ધ ચાલતું રહ્યું હતું. તેમાં અમેરિકાએ પોતાની તમામ તાકાત વાપરી કાઢી હતી. તેણે પરમાણુ હથિયારો સિવાય તમામ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી લીધો હતો. તેણે ક્રૂરતા અને અમાનવીય કામગીરીની તમામ હદ વટાવી દીધી હતી. તેમ છતાં બે દાયકાના ક્રૂર સંઘર્ષ બાદ અમેરિકાને યુદ્ધ છોડવું પડયું હતું. કહેવાય છે કે, અમેરિકાએ આ યુદ્ધ માત્ર એટલા માટે કર્યું હતું કે, વિયેતનામમાં કોમ્યુનિસ્ટ સરકારનું શાસન હતું. સામ્યવાદનો પ્રસાર રોકવા માટે અમેરિકાએ આ પગલું ભર્યું હતું.
મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા માનતું હતું કે, આ ડોમિનો થિયરી છે. એક વખત વિયેતનામ હારી ગયું અને શરણે આવી ગયું તો પછી દક્ષિણ-પૂર્વના તમામ સામ્યવાદી દેશો તેમની સરકાર બદલી કાઢશે. આ યુદ્ધમાં અમરિકાએ ૫૮,૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા જેમાં મોટા અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. અંદાજે ૧૧ અમેરિકી જનરલનાં આ યુદ્ધમાં મોત થયા હતા. ૧૯૬૫થી ૭૩ વચ્ચે આ યુદ્ધ ઉપર અંદાજે ૧૨૦ અબજ ડોલરનો ખર્ચ થયો હતો જેના કારણે અમેરિકી અર્થતંત્રમાં વ્યાપક રીતે ફુગાવો વધ્યો હતો. જાણકારોના મતે વર્તમાન સમયમાં આ આંકડો ૧ ટ્રિલિયન ડોલરને પાર થાય તેમ છે. તેમ છતાં અમેરિકાને અહીંયાથી ખાલી હાથે જવું પડયું હતું. સમગ્ર વિશ્વ માને છે કે, આ યુદ્ધમાં અમેરિકાને મોટી પછડાટ મળી હતી અને તેનો ઘમંડ, તેનું અભિમાન તૂટી ગયું હતું. તેને વૈશ્વિક સ્તરે અપમાન શરમમાં મુકાવું પડયું હતું.
આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ અમેરિકા સાથે આવું જ થયું હતું. અફઘાનિસ્તાનમાં ઘુસીને તાલિબાનો સામે ૨૦૦૧થી યુદ્ધની શરૂઆત કરવામાં આવી હતી. અહીંયા પણ બે દાયકા સુધી યુદ્ધ ચાલતું રહ્યું.
૨૦૨૧માં એકાએક અમેરિકી સેનાઓ અફઘાનિસ્તાન છોડીને જવા માંડી. શરૂઆતમાં અમેરિકાને અફઘાનિસ્તાનમાં આંશિક સફળતા મળી પણ ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવી જ નહીં. અમેરિકાની રણનીતિનો અહીંયા કારમો પરાજય થયો હતો. બે દાયકા બાદ અમેરિકા સેના એકાએક રફુચક્કર થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ પાછું આવી ગયું હતું.
મહત્ત્વની વાત એ છે કે, વિયેતનામ અને અફઘાનિસ્તાન જ નહીં અન્ય ત્રણ યુદ્ધોમાં પણ અમેરિકાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને પરાજય જેવો સ્વાદ ચાખવા મળ્યો હતો અને યુદ્ધ અધુરું છોડી દેવું પડયું હતું. ૧૯૬૧માં ક્યૂબા સામે બે ઓફ પિગ્સ આક્રમણ કરવામાં આવ્યું હતું. તે વખતે ફિદેલ કાસ્ત્રોને સત્તાથી દૂર કરવા માટે યુદ્ધ કરવામાં આવ્યું હતું પણ તેમાં સફળતા મળી નહોતી. તેવી જ રીતે ૧૯૧૮માં અમેરિકાએ એક યુદ્ધ બ્રિટનની સામે પણ લડયું હતું જેમાં તેને મોટો આઘાત સહન કરવો પડયો હતો. તેમાં કેનેડા ઉપર પણ નિષ્ફળ આક્રમણનો સમાવેશ થાય છે. તે વખતે વોશિંગ્ટન ડીસી પણ ભડકે બળ્યું હતું. આ યુદ્ધનો અંત એક સંધિ દ્વારા લાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે અમેરિકાએ કોરિયાને એક કરવા માટે ૧૯૫૦માં યુદ્ધ કર્યું હતું. તેણે તમામ તાકાત લગાવી દીધી પણ નિષ્ફળ ગયું હતું. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બે દેશ અસ્તિત્વમાં આવ્યા હતા. અમેરિકાએ યુદ્ધ વિરામ જાહેર કરવો પડયો હતો.
અમેરિકાના વાત કરીએ તો ક્યૂબામાં તેને ભયાનક નાલેશીનો સામનો કરવો પડયો હતો. ૧૭ એપ્રિલ ૧૯૬૧ના રોજ અમેરિકાએ ક્યૂબાના બે ઓફ પિગ્સ ઉપર આક્રમણ કર્યું હતું. સીઆઈએ દ્વારા તે સમયે ૧૪૦૦ જેટલા ક્યૂબાના નિર્વાસિતોને તાલિમ આપીને યુદ્ધ માટે સજ્જ કરવામાં આવ્યા અને ક્યૂબાના દક્ષિણ કિનારે ઉતારવામાં આવ્યા. ફિદેલ કાસ્ત્રોને સત્તા ઉપરથી હટાવવા માટે આ યુદ્ધ કરાયું હતું. ૧૯૫૯માં જ કાસ્ત્રોએ અમેરિકા સમર્થિત સરકારને ઉખાડી ફેંકી અને પોતાના કોમ્યુનિસ્ટ શાસનની સ્થાપના કરી હતી. માત્ર ૭૨ કલાકમાં જ કાસ્ત્રોની સેનાએ તમામ વિદ્રોહીઓને ઠેકાણે પાડી દીધા હતા.
૧૦૦થી વધારે વિદ્રોહીઓને ઠાર માર્યા જ્યારે ૧૨૦૦થી વધુની ધરપકડ કરી લીધી. તેના કારણે વિશ્વમાં કાસ્ત્રોની છબી મજબૂત થઈ અને કેનેડીની છબી ખરડાઈ ગઈ હતી. તેના કારણે આજે પણ ક્યુબા અને અમેરિકા વચ્ચે તણાવ ચાલે છે. ટ્રમ્પ આજે પણ ક્યૂબાને પરેશાન કરવાનું છોડતા નથી.
બ્રિટિશ સેનાએ અમેરિકાની રાજધાની અને વ્હાઈટ હાઉસ ભડકે બાળ્યા હતા
બ્રિટન સામેના યુદ્ધમાં પણ અમેરિકાને ભોગવવાનું આવ્યું હતું. અમેરિકાએ ૧૮ જૂન ૧૮૧૨થી ૨૪ ડિસેમ્બર ૧૮૧૪ સુધી બ્રિટન સાથે યુદ્ધ કર્યું હતું.
બ્રિટને જબરદસ્તી નાવિક ભરતી કરી અને કેનેડાની સરહદે બ્રિટિશ સમર્થન ધરાવતા મૂળ નિવાસીઓ માટે ભય ઊભો કર્યાનો આરોપ મુકીને અમેરિકાએ જંગ શરૂ કરી હતી. અમેરિકી પ્રમુખ જેમ્સ મેડિસન દ્વારા યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે કેનેડા કબજે કરવા માટે અમેરિકા તલપાપડ થતું હતું.
તે સમયે કેનેડા બ્રિટનનો ભાગ ગણાતું હતું. ડેટ્રોઈટ, ક્વીનસ્ટન હાઈટ્સ જવા અભિયાનોમાં બ્રિટિશ, કેનેડાઈ મિલિશિયા અને મૂળ નિવાસીઓની સેનાએ અમેરિકાને પરાજય આપ્યો હતો. ૨૪ ઓગસ્ટ ૧૮૧૪ના રોજ બ્રિટનની સેનાએ ચેસાપીક ખાડી પાસેથી હુમલો કરીને વોશિંગ્ટન ઉપર કબજો જમાવી લીધો હતો. તેમણે વ્હાઈટ હાઉસ, કેપિટોલ અને અન્ય ઈમારતો સળગાવી દીધી હતી.
અમેરિકી રાજધાની ઉપર આ દુર્લભ હુમલો હતો. ત્યારબાદ અમેરિકા અપમાનજનક સ્થિતિમાં મુકાયું અને તેણે યુદ્ધ વિરામ કરવો પડયો હતો.
ઉત્તર અને દક્ષિણ કોરિયા ભેગા કરવામાં પણ અમેરિકા નિષ્ફળ ગયું હતું
અમેરિકાને અત્યાર સુધીના ઈતિહાસમાં પાંચમો કારમો પરાજયનો અનુભવ કોરિયા સાથેના યુદ્ધમાં થયો હતો. ૧૯૫૦માં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્ત્વમાં સાઉથ કોરિયાનું સમર્થન કરીને ઉત્તર કોરિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું. તેણે ઉત્તર કોરિયા ઉપર આક્રમણ કર્યું હતું. ઉત્તર કોરિયા તેને તાબે થાય તેમ નહોતું. અમેરિકાએ પોતાની સેના મોકલી અને ભયાનક યુદ્ધ શરૂ થયું. બીજી તરફ ચીન અને સોવિયેત સંઘ દ્વારા ઉત્તર કોરિયાને મદદ કરવામાં આવી અને યુદ્ધની સ્થિતિ જ પલટાઈ ગઈ. અમેરિકાના જનરલ મેકઆર્થરના નેતૃત્ત્વમાં અમેરિકાએ ઉત્તર કોરિયા તરફ આગળ વધીને બંને કોરિયાના એકીકરણનો પ્રયાસ કર્યો પણ ચીન આ યુદ્ધમાં વચ્ચે પડયું અને કામગીરી નિષ્ફળ બનાવી દીધી. ૨૭ જુલાઈ ૧૯૫૩ના રોજ યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી કોરિયા આજે પણ વિભાજિત જ છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એમ બે પ્રદેશો અલગ અલગ જ છે. અમેરિકા માટે આ બંને દેશો અલગ રહેવા તે સમયે સૌથી મોટો રાજકીય આંચકો હતા. આ યુદ્ધમાં અમેરિકાએ ૩૬,૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા. જાણકારો માને છે કે, આ યુદ્ધમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો.


