- યુએઈમાં 35 ટકા વસતી ભારતીયો પર સૌથી વધુ જોખમ, યુદ્ધના કારણે કામ-ધંધા પણ બંધ થતાં મુશ્કેલીમાં વધી
- ઈરાન કે જે યુદ્ધનો સૌથી મોટો ભાગ છે ત્યાં પણ 10,000થી વધારે ભારતીયો અટવાયા છે. તેમાંથી અડધા તો ભારતીય વિદ્યાર્થીઓ છે. તેઓ પોતાના અભ્યાસ અને ભવિષ્ય અંગે પણ અવઢવની સ્થિતિમાં છે. જાણકારો માને છે કે, તેમણે નીકળવામાં વિલંબ કર્યો હોવાથી હવે ફસાઈ ગયા છે. હવે એર સ્પેસ પણ બંધ થઈ ગઈ છે જેથી તેઓ હાલમાં બીજે ક્યાંય જઈ શકે તેવી પણ સ્થિતિ નથી : ખાડી દેશોમાં લાખોની સંખ્યામાં મજૂરો, કામદારો, પ્રોફેશનલ્સ અને નર્સ તથા તેમના પરિવારો પણ રહે છે. એક તરફ તેમને જીવ બચાવવાનું જોખમ છે, બીજી તરફ કામ-ધંધા ઠપ થઈ જાય થેવી પણ સ્થિતિ છે. આ સંજોગોમાં યુદ્ધ જેટલું લાબું ચાલશે તેટલી તેમને રોજી-રોટી માટે વધારે મુશ્કેલી થવાની છે : આ દેશોમાં 90 લાખથી વધારે મજૂરો, કામદારો અને પ્રોફેશનલ્સ છે જેઓ અબજો ડોલર ભારત મોકલાવે છે. તેમની મહેનતને કારણે જ કરોડો ભારતીય પરિવારો ટકેલા છે. તેમના કારણે જ વતન અને વતનમાં વસતા તેમના પરિવારોને લાભ થાય છે. આ સંજોગોમાં તેમને સુરક્ષિત પરત લાવવા વિદેશ મંત્રાલયની સૌથી મોટી જવાબદારી બની જાય છે.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચ ચાલી રહેલા યુદ્ધના કારણે ખાડી દેશોમાં અને મધ્યપૂર્વના તમામ દેશોમાં સ્થિતિ વણસેલી છે. હવાઈ સેવાઓ બંધ છે, વિવિધ દેશોએ પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે, લોકોને બંકરો નીચે રહેવા મજબુર થવું પડયું છે, નોકરી-ધંધા અટવાઈ ગયા છે. આ બધા વચ્ચે અહેવાલ આવ્યા છે કે, અંદાજે ૧ કરોડ જેટલા ભારતીયો વિવિધ ખાડી દેશોમાં અટવાયેલા છે. તેમની સામે મોતનું તાંડવ ચાલી રહ્યું છે. તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલમાં દુબઈના અત્યંત આધુનિક એરપોર્ટ હોય કે પછી કુવૈતના તેલના કુવા કે પછી તેમની રેસિડેન્સ સાઈટ હોય અથવા તો એમ કહીએ કે ઈઝરાયેલની કન્સ્ટ્રક્શન સાઈટ હોય ત્યાં રહેલા દરેક ભારતીયના મનમાં એક જ સવાલ અને શંકા છે કે, અમે સુરક્ષિત રીતે દેશમાં પાછા ફરી શકીશું કે નહીં.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૪૮ કલાક દરમિયાન ખાડી દેશોમાં જે થયું તેના ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે અહીંયા મોતનું તાંડવ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના હજારો ઠેકાણાઓ ઉપર મિસાઈલ મારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઈરાને પણ જવાબી હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને હવાઈ હુમલા શરૂ કરતાં મોટાભાગના ખાડી દેશોની એરસ્પેસ બંધ કરવામાં આવી. આમ જોવા જઈએ તો આ દેશોને એરસ્પેસ બંધ કરવાની ફરજ પડી. તેના કારણે હજારો ફ્લાઈટ રદ થઈ ગઈ. દુબઈ, દોહા અને તેલ અવીવ જેવા એરપોર્ટ ઉપર લાખો ભારતીયો ફસાયેલા છે. ભારતના વિદેશ મંત્રાલયે કતાર, યુએઈ, ઈઝરાયેલ, ઈરાનમાં આવેલા દૂતાવાસોને અત્યંત સાવધાની રાખવા અને લોકોના જીવ બચાવવા તમામ પ્રયાસ કરવા અને તકેદારી રાખવા આદેશ આપ્યા છે. અધિકારીઓને પણ જરૂર ન હોય તો દૂતાવાસની બહાર ન જવું, સતત ત્યાં રહેલા ભારતીયોના સંપર્કમાં રહેવું, અટવાયેલા ભારતીયોને કોઈપણ રીતે મદદ પહોંચાડવી અને અન્ય આદેશો આપવામાં આવેલા છે.
મધ્યપૂર્વના દેશો કે ખાડી દેશોમાં ફસાયેલા લોકોનો આંકડો ૧ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. હાલમાં અધિકારીક રીતે ૯૫ લાખની આસપાસ તો લોકો અટવાયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ તમામ લોકામાંથી સૌથી વધારે લોકો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈમાં અટવાયા છે. યુએઈની વાત કરીએ તો દુબઈ અને અબુધાબી સહિત કુલ ૪૩ લાખ ભારતીયો ત્યાં છે. હાલમાં દુબઈ અને અબુધાબીની હાલત અત્યંત ખરાબ છે. અહીંયા હવાઈ યાત્રાઓ સંપૂર્ણ બંધ છે તેના કારણે અહીંયા રહેતા ભારતીયો અને ત્યાં ફરવા ગયેલા ભારતીયો પણ સંપૂર્ણ રીતે એરપોર્ટ ઉપર ફસાઈ ગયા છે. તેઓ ઘરે જઈ શકતા નથી અને આગળ પણ ક્યાંય જઈ શકતા નથી. સ્થાનિક લોકોને પણ કેવી રીતે બચવું અથવા તો વતન જવું તેની સમજ પડતી નથી.
ત્યારબાદ સાઉદી અરબનો વારો આવે છે. અહીંયા ૨૭ લાખ ભારતીયો છે. અહીંયા લાખોની સંખ્યામાં મજૂરો અને નર્સ તથા તેમના પરિવારો પણ રહે છે. યુદ્ધ જેમ જેમ ખેંચાતું જાય છે તેમ તેમ આ લોકોની સ્થિતિ વધારે ખરાબ થતી જાય છે. એક તરફ તેમને જીવ બચાવવાનું જોખમ છે, બીજી તરફ કામ-ધંધા ઠપ થઈ જાય થેવી પણ સ્થિતિ છે. આ સંજોગોમાં યુદ્ધ જેટલું લાબું ચાલશે તેટલી તેમને રોજી-રોટી માટે વધારે મુશ્કેલી થવાની છે. આ ઉપરાંત ઈઝરાયેલમાં પણ ભારતીયો અટવાયેલા છે. અહીંયા પણ નર્સ, મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો અને કન્સ્ટ્રક્શનમાં કામ કરતા લોકો અટવાયા છે. તેમની સંખ્યા અંદાજે ૨૦ હજારની આસપાસ છે. હાલમાં તેમને બંકરોની પાસે રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સાઈરન વાગે ત્યારે બંકરોમાં અંદર જતા રહેવાના પણ આદેશ છે. હાલમાં ઈઝરાયેલમાં પણ હવાઈ સેવાઓ બંધ હોવાથી આ લોકો ભારત પરત આવી શકે તે સ્થિતિમાં નથી. બીજી તરફ ઈઝરાયેલ યુદ્ધમાં સક્રિય હોવાથી આ લોકોના જીવ પણ જોખમમાં છે.
ભારતીયો જ્યાં જ્યાં ફસાયા છે ત્યાં કુવૈત અને કતારનું પણ નામ આવે છે. અહીંયા ૨૦ લાખ જેટલા ભારતીયો અટવાયા છે. ચિંતાજનક બાબત એ છે કે, અહીંયાની સરકારો દ્વારા તમામ લોકોને હાઈ એલર્ટ ઉપર રહેવાના આદેશ આપ્યા છે. તેઓને સાવધાન રહેવા અને કોઈપણ સ્થિતિ માટે સજ્જ રહેવા કહેવાયું છે. અહીંયા પણ ઈરાન દ્વારા વ્યાપક હુમલા થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અહીંયા લોકોના જીવ વધારે જોખમમાં હોવાના પણ અહેવાલો છે. આ સિવાય ઈરાન કે જે યુદ્ધનો સૌથી મોટો ભાગ છે ત્યાં પણ ૧૦,૦૦૦થી વધારે ભારતીયો અટવાયા છે. તેમાંથી અડધા તો ભારતીય વિદ્યાર્થીઓ છે. તેઓ પોતાના અભ્યાસ અને ભવિષ્ય અંગે પણ અવઢવની સ્થિતિમાં છે. ભારત સરકારે તેમને સ્થિતિ બગડે તે પહેલાં દેશ છોડવાની ચેતવણી આપી હતી. જાણકારો માને છે કે, લોકોએ નીકળવામાં વિલંબ કર્યો હોવાથી હવે ફસાઈ ગયા છે. હવે એર સ્પેસ પણ બંધ થઈ ગઈ છે જેથી તેઓ હાલમાં બીજે ક્યાંય જઈ શકે તેવી પણ સ્થિતિ નથી.
મહત્ત્વની વાત એ છે કે, સામાન્ય માણસો, વિદ્યાર્થીઓ તો આ દેશોમાં અટવાયા જ છે પણ સાથે સાથે ભારતના ઘણા જાણીતા લોકો, સેલેબ્સ અને દિગ્ગજો પણ આ દેશોમાં અટવાઈ ગયા છે. ઘણા જાણીતા લોકોએ સોશિયલ મીડિયા થકી પીએમ મોદીને મદદ કરવા અને સુરક્ષિત પરત લાવવા અપીલ૨ કરી છે. બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ અને બેટમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ ઓપલ ઈંગ્લેન્ડ ઓપન રમવા માટે બ્રિટન જઈ રહી હતી. આ દરમિયાન તેનું ચેન્જઓવર દુબઈ ખાતે હતું. તે દુબઈ પહોંચી અને એર સ્પેસ બંધ થઈ ગઈ. તે એરપોર્ટ ઉપર ફસાઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, અહીંયા આકાશમાં મિસાઈલો ટકરાવાના અવાજો આવે છે. અહીંયા અત્યંત ભયાવહ સ્થિતિ છે. લોકોના જીવ જોખમમાં છે.
આ ઉપરાંત બોલિવૂડની અભિનેત્રી સોનલ ચૌહાણ પણ દુબઈમાં ફસાઈ છે. તેણે પણ ઈન્સ્ટાગ્રામ ઉપર ભારત સરકારને મદદ કરવાની અપીલ કરી હતી. આ સિવાય કોલિવૂડ સુપરસ્ટાર અને રેસર અજીત કુમાર પણ રેસિંગ માટે અબુધાબી ગયા હતા. એર સ્પેસ બંધ થઈ જવાના કારણે તેઓ પણ ત્યાં અટવાઈ ગયા છે. તેઓ હાલમાં સુરક્ષિત છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. તે સિવાય બંગાળી અભિનેત્રી શુભશ્રી ગાંગુલી પણ પોતાના દીકરા સાથે વેકેશન માણવા દુબઈ ગઈ હતી. તે પણ ત્યાં અટવાઈ ગઈ છે. તેની હોટેલ પાસે જ મોટા ધડાકા સંભળાયા હતા. તેના પગલે તેના પતિ અને બંગાળના ધારાસભ્ય રાજ ચક્રવર્તીએ ચિંતા વ્યક્ત કરી હતી. અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ અબુધાબીથી સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, અહીંયા અત્યંત ભયાનક સ્થિતિ છે. સરકારે તાકીદે મદદ કરીને ભારતીયોને બચાવવા જોઈએ.
ભારત દ્વારા તમામ દેશોમાંથી નાગરિકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાય તેવી શક્યતા
જાણકારોના મતે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ સ્તરે ઈઝરાયેલ, ઈરાન, સાઉદી, યુએઈ, કુવૈત, કતાર અને અન્ય દેશો સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે લોકોને ત્યાંથી કાઢવા માટે સરકાર પ્લાન બનાવી રહી છે. જેમ ગત વર્ષે જૂનમાં ઓપરેશન સિંધુ-૨ હાથ ધરવામાં આવ્યું હતું તેવી જ રીતે આ વખતે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં તમામ દેશોમાં ભારતીયોની મદદ માટે હેલ્પલાઈન નંબરો શરૂ કરી દેવાયા છે. વિદેશ મંત્રી અને મંત્રાલયના તમામ અધિકારીઓ વિદેશોમાં નેતાઓના અને દૂતાવાસના સંપર્કમાં છે. ભારતીયોને નુકસાન પહોંચે નહીં અને તેમને સુરક્ષિત પરત લાવી શકાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ યુએઈ અને કતાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રવાસી નાગરિકોની સુરક્ષા તેમની પહેલી જવાબદારી છે. દરેક પ્રવાસી નાગરિકની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. યુદ્ધની સ્થિતિમાં અનિચ્છનિય ઘટના બને તો તેને અટકાવી શકાય તેમ નથી. તેમ છતાં સુરક્ષાની તમામ ખાતરી કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈઝરાયેલ દ્વારા પણ પોતાના હોમ ફ્રન્ટ કમાન્ડને આદેશ આપવામાં આવ્યો છે કે, ભારતીયોને બંકરો અને સુરક્ષિત સ્થાનેની ઓળખ કરાવે અને ત્યાં કેવી રીતે જવું કે રહેવું તેની સમજ આપે અને વ્યવસ્થાનું નિરિક્ષણ કરતા રહે. જાણકારોના મતે ફરી એક વખત ભારતીય વિદેશ નીતિની અગ્નિપરીક્ષા થઈ રહી છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન ત્રણેય સાથે ભારતના સંબંધો અલગ અલગ છે. હવે આ ત્રણેય દેશો યુદ્ધમાં જોડાયા છે અને તેની અસર અન્ય મધ્યપૂર્વના ખાડી દેશો ઉપર પડી છે. તેની સાથે પણ ભારતના સંબંધો અલગ છે.
આ સંજોગોમાં વિદેશ મંત્રાલયે લોકોના જીવ બચાવવા નક્કર આયોજન કરવા જ પડશે. મહત્ત્વની વાત એ છે કે, આ દેશોમાં ૯૦ લાખથી વધારે મજૂરો, કામદારો અને પ્રોફેશનલ્સ છે જેઓ અબજો ડોલર ભારત મોકલાવે છે. તેમની મહેનતને કારણે જ કરોડો ભારતીય પરિવારો ટકેલા છે. તેમના કારણે જ વતન અને વતનમાં વસતા તેમના પરિવારોને લાભ થાય છે. આ સંજોગોમાં તેમને સુરક્ષિત પરત લાવવા વિદેશ મંત્રાલયની સૌથી મોટી જવાબદારી બની જાય છે.


