Get The App

અમેરિકા સામે લડવા ચીને રણમાં ન્યૂક્લિયર વોરહેડ સેન્ટર ઊભું કર્યું

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા સામે લડવા ચીને રણમાં ન્યૂક્લિયર વોરહેડ સેન્ટર ઊભું કર્યું 1 - image

- જિયોપોલિટિક્સમાં ચીનને મજબૂત કરવા અને ભવિષ્યના યુદ્ધમાં બચાવ તથા વળતા હુમલાની તૈયારી માટે ચીને પરમાણુ મિસાઈલોનું ટેસ્ટિંગ અને સ્ટોરેજ શરૂ કર્યું 

- ચીનને કોઈપણ ભોગે તાઈવાન ઉપર પોતાની સત્તા જોઈએ છે. તે તાઈવાનને પોતાનો જ ભાગ માને છે. બીજી તરફ અમેરિકા જિયોપોલિટિક્સના ભાગરૂપે તાઈવાનને રાજકીય સાથ અને હથિયારો આપે છે. ચીનને ભય છે કે, જો તેણે તાઈવાન ઉપર હુમલો કર્યો તો આડકતરી રીતે અમેરિકા તેની સામે પડવાનું જ છે. તેનાથી બચવા અને વળતો જવાબ આપવા આ તૈયારી કરાઈ રહી છે : ચીની જાણકારો અને સૈન્ય સ્ટ્રેટેજિસ્ટ માને છે કે, અમેરિકા પાસે એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અથવા પ્રિસિજન સ્ટ્રાઈક સિસ્ટમ ચીનના પરમાણુ કેન્દ્ર સાઈલોને સરળતાથી નષ્ટ કરી શકે છે. તેના કારણે જ નવા માળખાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. નવી સુવિધાઓ, મોબાઈલ લોન્ચર, બંકર, એર ડિફેન્સ સિસ્ટમ વગેરે મદદરૂપ સાબિત થશે. આ સંજોગોમાં મિસાઈલો બચાવવા અને લોન્ચ કરવા માટે કે જવાબી હુમલા કરવા માટે સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટીની જરૂર છે  : પેન્ટાગોનનો આંતરિક અહેવાલ પણ કહે છે કે, ચીન દ્વારા જે ન્યૂક્લિયર વોરહેડ્સ અને 400 જેટલી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ્સ વિકસાવવામાં આવ્યા છે તે લગભગ અમેરિકાના મોટાભાગના સ્થળોને ટાર્ગેટ કરી શકે તેમ છે. 

ચીને પોતાના રણપ્રદેશમાં વિશેષ કાર્યક્રમ શરૂ કરી દીધો છે. ચીને રણપ્રદેશમાં પરમાણુ કિલ્લો બનાવવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં રોયટર્સનો એક અહેવાલ સામે આવ્યો છે. તેમાં હજારો કિ.મી સુધી ફેલાયેલા રણપ્રદેશમાં રેતીની નીચે ચીન દ્વારા અત્યંત સંવેદનશિલ સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે. જાણકારોના મતે આ માળખાને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે, તેના ઉપર પરમાણુ હુમલો થાય તો પણ આ માળખાને સંપૂર્ણ રીતે નષ્ટ ન કરી શકે. તેના ઉપરના સ્તરને નષ્ટ કરી શકે પણ નીચેના માળખાને કશું જ થાય નહીં. બીજી તરફ ચીન આ જ માળખા દ્વારા કોઈપણ હુમલાનો જવાબ પણ આપી શકે.

જાણકારોના મતે ચીને એકાએક આ જગ્યાએ શા માટે આવા સૈન્ય માળખાની રચના શરૂ કરી છે. ખાસ કરીને ચીન પરમાણુ સૈન્ય માળખું રેતીની નીચે શા માટે ડેવલપ કરી રહ્યું છે. ચર્ચા એવી ચાલી છે કે, અમેરિકા સાથે વધી રહેલી રણનીતિક સ્પર્ધા, તાઈવાન ઉપર કબજો મેળવવા માટેની તૈયારી અને ભવિષ્યમાં એશિયા ઉપર વર્ચસ્વ જમાવવા માટે ભારત સાથે જો ટક્કર લેવાની આવે તો તેની માટે અત્યારથી જ તૈયારીઓ કરવી પડે તેમ છે. ખાસ કરીને અમેરિકા પાસે જેવા હથિયારો અને યુદ્ધ માળખા છે તે જોતાં તેને ટક્કર આપવા માટે આધુનિક અને સક્ષમ માળખું અત્યંત જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, આ અહેવાલ સાથે અનેક સેટેલાઈટ ઈમેજ પણ સામે આવી છે. તેમાં ૮૦થી વધારે મિસાઈલના લોન્ચ પેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પૂર્વ શિનિજિયાંગ અને ગાંસુ ખાતે આવેલા રણમાં આ માળખા તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીંયા જે લોન્ચ પેડ બનાવવામાં આવ્યા છે તેમાં મોબાઈલ મિસાઈલ લોન્ચર અને વાયુ સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અમેરિકન મીડિયા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે, ચીનના પરમાણુ સાઈટ્સ જ્યાં આવેલી છે તે સાઈલો ક્ષેત્રથી સાઉથ વેસ્ટમાં આ નવી મિલિટરી સાઈટ્સ બનાવવામાં આવી છે. તેમાં સાઈલો સેક્ટરથી એક સાઈટ ૧૪૦ કિલોમીટર દૂર અને બીજી અંદાજે ૨૩૦ કિલોમીટર દૂર આવેલી છે.

ચીનના આ માળખમાં ૮૦થી વધારે કોંક્રિટ લોન્ચ પેડ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ મિસાઈલ લોન્ચર, એર ડિફેન્સ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક વોરફેર માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે ઉપરાંત બે મોટા અષ્ટકોણ માળખા બનાવવામાં આવ્યા છે જે સૈન્ય આવાસ, વાહન પાર્કિંગ અને કમાન્ડ સેન્ટર હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લાં છ વર્ષમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હજી પણ કામ ચાલી રહ્યું છે. ચીને જ્યાં પોતાની લાંબા અંતર ઈન્ટરકોન્ટિનેટ બેલેસ્ટિક મિસાઈલ્સ રાખી છે તેવા શિનજિંયાંગ અને ગાંસૂના રણ વિસ્તારમાં આ માળખું વિકસાવાયું છે. આ ઉપરાંત અહીંયા બે સેટેલાઈટ ડિશ અને બે મોટા ટાવર પણ જોવા મળે છે. જાણકારોના મતે આ અષ્ટકોણ માળખા અને ટાવર બંને સી-૩ એટલે કે કમાન્ડ, કંટ્રોલ અને કોમ્યુનિકેશન યુનિટનો ભાગ હોય તેમ લાગે છે. આ કેમ્પસમાં બંકર, હથિયારના ભંડાર, એર સ્ટ્રીપ્સ, રેલવે લાઈનો પણ છે. તાજેતરમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન તેના ઉપર સક્રિય સૈન્ય અભ્યાસ પણ કરવામાં આવ્યો હોવાના પુરાવા વિશ્વક સ્તરે ફરી રહ્યા છે.

જાણકારો માને છે કે, ચીનને સૌથી વધારે ભય અમેરિકાથી લાગી રહ્યો છે. વાસ્તવિકતા એવી છે કે, ચીનને કોઈપણ ભોગે તાઈવાન ઉપર પોતાની સત્તા જોઈએ છે. તે તાઈવાનને પોતાનો જ ભાગ માને છે. બીજી તરફ અમેરિકા જિયોપોલિટિક્સના ભાગરૂપે તાઈવાનને રાજકીય સાથ અને હથિયારો આપે છે. ચીનને ભય છે કે, જો તેણે તાઈવાન ઉપર હુમલો કર્યો તો આડકતરી રીતે અમેરિકા તેની સામે પડવાનું જ છે. પેસેફિક મહાસાગરમાં અમેરિકી સેનાની હાજરી છે. ગુઆમ, જાપાન, સાઉથ કોરિયા અને ફિલિપાઈન્સમાં અમેરિકાના મિલિટરી બેઝ આવેલા છે. જો તણાવની સ્થિતિ ઊભી થઈ તો ચીન માટે મુશ્કેલી વધી શકે છે. આ સંજોગોમાં રણનીતિમાં ફરફાર કરીને તેણે આ માળખા ઊભા કરવા માંડયા છે જેથી ભવિષ્યમાં કોઈ દબાણ આવે નહીં અથવા તો જે સ્થિતિ આવે તેનો સરળતાથી અને મજબૂત રીતે સામનો કરી શકાય. આ સિવાય અમેરિકાએ એડવાન્સ ચિપ્ટ એન્ડ હાઈ એન્ડ ટેક એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મુકેલો છે.

 ચીનને લાગે છે કે, ટેકનોલોજીની રેસમાં હવે અમેરિકા તેની ઝડપ રોકવા માગે છે. તેના કારણે પણ બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે અને સમસ્યા સર્જાઈ શકે છે.

મહત્ત્વની વાત એવી પણ છે કે, ચીનને અમેરિકી હથિયારોનો પણ ભય છે. અમેરિકા પાસે એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અથવા પ્રિસિજન સ્ટ્રાઈક સિસ્ટમ ચીનના પરમાણુ કેન્દ્ર સાઈલોને સરળતાથી નષ્ટ કરી શકે છે. તેના કારણે જ નવા માળખાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. નવી સુવિધાઓ, મોબાઈલ લોન્ચર, બંકર, એર ડિફેન્સ સિસ્ટમ વગેરે અમેરિકાના હુમલાથી બચાવશે અને વળતો હુમલો પણ કરશે. હકિકતે તાઈવાન ઉપર સંભવિત હુમલામાં અમેરિકા વચ્ચે પડશે તે સ્પષ્ટ છે. આ સંજોગોમાં મજબૂત ન્યૂક્લિયર કિલ્લાની જરૂરી છે. જો અત્યારથી ન્યૂક્લિયર કિલ્લો ઊભો કરી લેવામાં આવે તો તે સમયે અમેરિકાને સીધી જ ચેતવણી આપી શકાય તેમ છે. આ રીતે તાઈવાન યુદ્ધથી અમેરિકાને દૂર રાખી શકાય અને પારંપરિક યુદ્ધ પણ અટકી શકે તેમ છે.

આ ઉપરાંત ચીન સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટી વધારવા માગે છે. ચીની જાણકારો અને સૈન્ય સ્ટ્રેટેજિસ્ટ માને છે કે, કોઈપણ મુદ્દે અમેરિકા સાથે યુદ્ધ થયું તો તે સાયલો ન્યૂક્લિયર સાઈટ ઉપર હુમલા કરીને ત્યાંની સુવિધાઓ નષ્ટ કરી શકે છે. આ સંજોગોમાં મિસાઈલો બચાવવા અને લોન્ચ કરવા માટે કે જવાબી હુમલા કરવા માટે સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટીની જરૂર છે. સિપ્રિનો અહેવાલ જણાવે છે કે, થોડા વખત પહેલાં જ ચીની રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે જાહેરાત કરી હતી કે, ચીની સેનાને વૈશ્વિક સ્તરની સુવિધા અને સાધનો થકી સક્ષમ બનાવવામાં આવશે. તેના પગલે જ અમેરિકી હુમલાથી બચવા, વળતો હુમલો કરવા અને પોતાની ક્ષમતા સિદ્ધ કરવા માટે આ માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

પેન્ટાગોન અને સિપ્રીના અહેવાલ પ્રમાણે ચીન પાસે ૨૦૨૪માં ૫૦૦ ન્યૂક્લિયર વોરહેડ હતા જે ૨૦૨૫માં ૬૦૦ થઈ ગયા હતા. એક અહેવાલ એવું પણ કહે છે કે, ૨૦૨૩ સુધીમાં ચીન પાસે નવા ૧૦૦ વોરહેડ જ હતા. ચીને પોતાના ન્યૂક્લિયર વોરહેડમાં તોતિંગ વધારો કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ અને પેન્ટાગોનનો આંતરિક અહેવાલ પણ કહે છે કે, ચીન દ્વારા જે ન્યૂક્લિયર વોરહેડ્સ અને ૪૦૦ જેટલી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ્સ વિકસાવવામાં આવ્યા છે તે લગભગ અમેરિકાના મોટાભાગના સ્થળોને ટાર્ગેટ કરી શકે તેમ છે. પેન્ટાગોનનો જ અહેવાલ કહે છે કે, ૨૦૩૦ સુધીમાં ચીન પોતાના ન્યૂક્લિયર વોરહેડ્સની સંખ્યા ૧૦૦૦ કરતા વધારે કરી દેશે. 

હાલમાં રશિયા પાસે ૪૩૦૦ ન્યૂક્લિયર વોરહેડ્સ અને અમેરિકા પાસે ૩૭૦૦ વોરહેડ્સ છે.

જાણકારો માને છે કે, ચીન એક ન્યૂક્લિયર પાવર ગણાય છે. તેની પાસે અમેરિકા અને રશિયાની સરખામણીએ ઘણા ઓછા ન્યૂક્લિયર હથિયારો છે. તેના કારણે તેણે તેમાં સતત વધારો કરવાની નીતિ અપનાવી છે. જો કે જાણકારો માને છે કે, તેણે માત્ર હથિયારો વધારવાનું જ નહીં પણ તેને યોગ્ય રીતે જાળવવાનું પણ મિશન શરૂ કરેલું છે. તે પોતાના ન્યૂક્લિયર ફોર્સિસને મોર્ડન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 

ચીન રણમાં નકલી સમુદ્ર બનાવીને યુદ્ધ જહાજો તોડવાનો અભ્યાસ કરે છે 

સૌથી મોટી વાત એ છે કે, ચીન દ્વારા માત્ર ન્યૂક્લિયર હથિયારો બનાવવાની જ નહીં પણ અમેરિકાના યુદ્ધ જહાજો તોડવાની પણ તૈયારીઓ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. તે છેલ્લાં છ વર્ષથી પોતાના દક્ષિણ-પશ્ચિમે આવેલા રણ પ્રદેશમાં રેતનો નકલી દરિયો બનાવીને મોટા મોટા જહાજોના મોડલ તોડવાનો યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. તેની આ મોકડ્રિલ તરફ પણ દુનિયાનું ધ્યાન ગયું છે. ચીને તકલામાકન રણમાં રેલવેના પાટા ઉપર અમેરિકાના મોટા મોટા એરક્રાફ્ટ કેરિયર જેવી મોડલ બનાવીને તેને તોડી પાડવાનો અભ્યાસ શરૂ કરેલો છે. અહીંયા આ જહજો રણની માટીમાં તરી રહ્યા હોય તેમ આગળ વધે છે અને ચીની મિસાઈલો તેને તોડવાનો અભ્યાસ કરી રહી છે. અમેરિકા નૌસેનાના જેરાલ્ડ આર ફોર્ડ ક્લાસ એરક્રાફ્ટ કેરિયર અને અર્લે બુર્કે ક્લાસ ડિસ્ટ્રોયરના નકલી મોકઅપ મોડલ પોતાના રણમાં સજ્જ કરેલા છે. તેણે વાંકી ચુંકી, ઉંચી નીચી રેલવે લાઈન નાખેલી છે અને તેની ઉપર આ નકલી જહાજો ચાલે છે અને તેને તોડવા માટેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ આ નકલી જહાજ મુવમેન્ટ કરે છે ત્યારે સેન્સર અને રડાર ટેકનોલોજીનું પણ પરીક્ષણ કરવામાં આવે છે. તે ઉપરાંત આ રેલવેના પાટા અચાનક વળી જાય છે, ઉપર-નીચે જાય છે ત્યારે ઈવેસિવ મેન્યુવર એટલે કે બચાવ પ્રયુક્તિના પેંતરાનો પણ અભ્યાસ થાય છે. 

દરિયામાં યુદ્ધ જહાજો સ્થિર રહેતા નથી અને તેથી જ રણમાં રેલવે ટ્રેક નાખીને આ યુદ્ધ જહાજોના મોડલ ઉપર હુમલા કરીને તેને તોડી પાડવાનો અભ્યાસ કરવામાં આવે છે. તે પોતાની ડોંગફેંગ નામની કેરિયર કિલર મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ગાઈડેડ મિસાઈલ અંતરિક્ષ સુધી ઉપર જઈને નીચે આવે છે અને રડાર તથા સેન્સર દ્વારા ટાર્ગેટ નષ્ટ કરે છે.