15 વર્ષ જૂની ગાડીઓ : દિલ્હીમાં પ્રદુષણ રોકવા જપ્તી શરૂ
- દિલ્હીમાં પ્રદુષણ ડામવા સ્ક્રેપ પોલિસીનો કડકાઈથી અમલ શરૂ, જૂના વાહન ધારકોને દંડ અને જપ્તીની સજા
- દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને પેટ્રોલ નહીં આપીને પ્રતિબંધ મૂકવાનો કડકાઈથી અમલ શરૂ કરાયો : નિયમનો ભંગ કરનારને 10,000નો દંડ અને વાહન જપ્ત કરવાની પણ સજા ફટકારવાની શરૂઆત, પેટ્રોલ પંપ ઉપર લગાવેલા કેમેરા થકી વાહનની નંબર પ્લેટ ચકાસીને જ મેમો જારી કરી દેવાય છે : કોઈપણ રાજ્યનું વાહન હોય તો પણ તેની સેલ્ફ લાઈફ પૂરી થઈ ગયા બાદ તેને દિલ્હીમાં પણ માન્ય ગણવામાં આવશે નહીં : રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સેન્ટરોને આ વાહનો સ્કેરપિંગ માટે લાવવા, ડિપાલ્યૂટિંગ, ડિસ્મેન્ટલ કરવા, તેના અલગ અલગ પાર્ટ્સને છૂટા કરીને સ્ક્રેપ કરવાની કામગીરી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે
દેશની રાજધાનીમાં વાહનો દ્વારા થતા પ્રદુષણને રોકવા માટે મહત્ત્વની યોજના લાગુ કરવામાં આવી છે. દિલ્હીમાં ૧૫ વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો કે જેમની લાઈફ પૂરી થઈ ગઈ છે તેમની સામે કડક પગલાં લેવાનું અને પ્રતિબંધ મૂકવાનું શરૂ કરાયું છે. આવા વાહનોને પેટ્રોલ પંપ ઉપર ફ્યૂઅલ આપવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની ઓળખ કરીને તેને જપ્ત કરી દેવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. જાહેર જગ્યાઓએ આવા વાહનો પાર્ક કરેલા હશે તો પણ તેને જપ્ત કરવામાં આવશે. આવા તમામ વાહનોમાં ચાર પૈડાવાળા વાહનો બદલ ૧૦ હજાર રૂપિયા અને ટૂ વ્હીલર માટે પાંચ હજારનો દંડ કરવામાં આવશે. આ સિવાય ટોઈંગ અને પાર્કિંગનો ચાર્જ પણ વસુલવામાં આવશે તેવો આદેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સીએક્યૂએમના આદેશો બાદ પ્રદુષણ કાબુમાં લેવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ એટલે કે સૂએક્યૂએમ દ્વારા આદેશ અપાયો છે કે, દિલ્હીમાં ઈઓએલ વાહનો એટલે કે પોતાનો જીવનકાળ પૂરો થઈ ગયો હોય તેવા વાહનોને ફ્યૂઅલ આપવામાં આવે નહીં. આવા વાહનો ગમે તે સ્ટેટમાંથી આવ્યા હોય પણ તે દિલ્હીમાં હોય તો તેને ફ્યૂઅલ આપવામાં આવે નહીં. તેના માટે રાજ્યના ૫૦૦ પેટ્રોલ પંપ ઉપર ઓટોમેટિક નંબલ પ્લેટ ઓળખ સેન્સર કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સેન્ટ્રલ વ્હીકલ ડેટાબેઝમાંથી વાહનોની માહિતી, તેની ઉંમર, એન્જીનનો પ્રકાર, ઈંધણનો પ્રકાર, રજિસ્ટ્રેશન વગેરેની માહિતી મેળવી લેશે. તેના દ્વારા તરત જ ઓળખ થઈ જશે કે વાહન ઈઓએલ છે કે નહીં.
મહત્ત્વની વાત એ છે કે, જ્યારે વાહન ઈઓએલ હશે તો તેને ચિન્હિત કરવાં આવશે. તેના કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓને ખબર પડશે કે વાહનમાં ફ્યૂલ ભરવાનું નથી અથવા સાવચેતી રાખવાની છે. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ટીમ જો સ્થળે હાજર હશે તો તરત જ તે વાહન જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત જો વાહન જપ્ત કરતું અટકાવવું હશે તો તાત્કાલિન વાહન માલિકે એક અંડર ટેકિંગ આપવું પડશે તે તાત્કાલિક ધોરણથી તે વાહનનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને તેને યોગ્ય જગ્યાએ પાર્ક કરવામાં આવશે. તેને દિલ્હીમાં જાહેર જગ્યાએ પાર્ક કરવામાં નહીં આવે. તે ઉપરાંત તેને દિલ્હીથી દૂર અન્ય સ્થળે લઈ જવામાં આવશે. આ સિવાયના તમામ જપ્ત વાહનોને રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. આ કિસ્સામાં જો વાહન માલિકો પોતાના વાહનો દિલ્હીની બહાર ટ્રાન્સફર કરાવવા માગતા હોય તો વાહનોની એક્સપાયરી ટેડના એક વર્ષ પહેલાં તેના વિશે એનઓસી મેળવી લેવી પડશે.
જાણકારોના મતે હાલમાં આ કામગીરી મેન્યુઅલી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તેને ઓટોમેટિકલી પહેલી નવેમ્બરથી દિલ્હીના પાંચ નજીકના જિલ્લાઓમાં ફેલાવવામાં આવશે. જ્યાં વાહનોની સંખ્યા વધારે છે તેવા જિલ્લાઓમાં કામ કરવામાં આવશે. જાણકારોના મતે એન્ડ ઓફ લાઈફ વ્હીકલ એવા વાહનો છે જે રસ્તા ઉપર ચાલવા માટે યોગ્ય નથી. તેનો ઉપયોગ કરવો પણ હિતાવહ નથી. તેનું કારણ છે કે, આ વાહનોનું જીવન પૂરું થઈ ગયું છે. સામાન્ય રીતે ઉંમર, ટૂટ-ફૂટ અથવા તો રિપેરિંગના કારણે મૂળ વાહનમાં ક્ષતી પહોંચવા જેવા કારણોથી થાય છે. આવા વાહનોને કારણે પ્રદુષણમાં ખૂબ જ વધારો થતો હોય છે. ઈએલવીમાં રહેલા ભયાનક કેમિકલ્સ અને વાયુઓના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. ફ્યૂઅલ, બેટરી, ઓઈલ, બ્રેકમાં રહેલું ઓઈલ, કૂલંટ, ભારે ધાતુઓ અને પ્લાસ્ટિક દૂનિયાને નુકસાન પહોંચાડે છે.
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ૬ જાન્યુઆરીએ પર્યાવરણ સંરક્ષણ નિયમ ૨૦૨૫ને લાગુ કરવા દરમિયાન જણાવ્યું કે, જો ઈએલવી વાહનો પર્યાવરણને અનુકુળ હોય તો તેનું મેનેજમન્ટ કરી શકાય તેમ છે. જો તે જૂના થઈ ગયા હોય તો પર્યાવરણની રક્ષા કરવા માટે આવા વાહનોનું યોગ્ય મેનેજમેન્ટ કરવું જોઈએ. આ નિયમ ઈપીએર એટલે કે એક્સ્ટેન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સિબિલિટી સિદ્ધાંત ઉપર આધારિત છે. અહીંયા વ્હીકલ મેન્યુફેક્ચરરને જીવનકાળ પૂરો થવા દરમિયાન વાહનો નષ્ટ કરવા માટે યોગ્ય ઈપીઆર ટાર્ગેટ આપવામાં આવે છે. આ નિયમો ખેતીના ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, કમ્બાઈન હાર્વેસ્ટર અને પાવર ટિલરને છોડીને તમામ પ્રકારના મુસાફરીના કે બિન મુસાફરીના વાહનો જે અસ્તિત્વમાં છે તેને સિવાયના વાહનોને પોતાના કબજામાં લઈ લેશે.
ખાસ વાત એ છે કે, પેસેન્જર વાહનો મામલે ૧૫ વર્ષ અને પેસેન્જર સિવાયના ખાનગી વાહનો માટે ૨૦ વર્ષ પહેલા બજારમાં ઉતારવામાં આવેલા તમામ વાહનોને વર્ષ ૨૦૨૫-૨૬માં જીવનની અંતિમ સ્થિતિમાં પહોંચેલા વાહનો ગણાવામાં આવે છે. આ તમામ વાહનોને આ બે વર્ષમાં નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે દેશમાં ૮૪ જેટલા સ્ક્રેપિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સેન્ટરોને આ વાહનો સ્કેરપિંગ માટે લાવવા, ડિપાલ્યૂટિંગ, ડિસ્મેન્ટલ કરવા, તેના અલગ અલગ પાર્ટ્સને છૂટા કરીને સ્ક્રેપ કરવાની કામગીરી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જૂના, ઉપયોગમાં ન લેવામાં આવતા હોય તેવા, પ્રદૂષણ ફેલાવતા હોય તેવા વાહનોને તબક્કાવાર દૂર કરવાના અને પારિસ્થિતિકી તંત્ર બનાવવા માટે વાહન સ્ક્રેપિંગ પોલિસી બનાવવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૫થી ૮૪ વાહન સ્ક્રેપિંગ સેન્ટરો આ દિશામાં જ કામ કરી રહ્યા છે.
વાહન સ્ક્રેપિંગના નિયમો સમગ્ર દેશમાં એક સમાન લાગુ નથી
એક વાત નોંધવા યોગ્ય છે કે, વાહનોના સ્ક્રેપિંગ માટે જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે સમગ્ર દેશને લાગુ પડતો નથી. દરેક રાજ્યમાં પોતાની રીતે નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેમ છતાં એવું કહી શકાય કે સરેરાશ ૧૫ વર્ષની વયમર્યાદા મોટાભાગે જોવા મળી રહી છે. દિલ્હી, એનસીઆરમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ છે. બીજી તરફ અન્ય રાજ્યોમાં આ અંગે અલગ નિયમ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં ૧૫ વર્ષ જૂના વાહનોનું ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ સિવાય કેટલાક રાજ્યોમાં તેને ફરજિયાત સ્ક્રેપ કરવાનો નિયમ લાગુ છે. કેટલાક રાજ્યોમાં ૧૫ વર્ષ કે તેનાથી જૂના વાહનોને બીજા રાજ્યોમાં ટ્રાન્સફર કરાવીને કે ત્યાં રજિસ્ટર કરાવીને પાછા મૂળ રાજ્યમાં ચલાવી શકાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માગનારી છે. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ વાહનોને ૧૫ વર્ષ પૂરા થયા બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. જો તે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તો તેને સ્ક્રેપ કરવામાં આવે છે. તેવી જ રીતે ખાનગી વાહનોને ૨૦ વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડે છે. આ ટેસ્ટિંગમાં નિષ્ફળતા મળે તો તેને પણ સ્ક્રેપ કરવામાં આવે છે. સરકારી વાહનો માટે પણ ૧૫ વર્ષથી જૂના વાહનો માટે ૧ એપ્રિલ ૨૦૨૨થી સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી હતી. આ પ્રકારના વાહનોને સ્ક્રેપમાં નાખવા જોઈએ પણ આ પોલિસી ઉપર ખાસ કામ થયું નથી. હજી પણ ઘણા વિભાગોમાં ખખડધજ વાહનોનો ખડકલો છે. જૂના વાહન સ્ક્રેપ કરીને નવા વાહન ખરીદનારને ખરીદી ઉપર અંદાજે ૫ ટકા લાભ આપવામાં આવે છે. તે ઉપરાંત નવા વાહનના રજીસ્ટ્રેશનની ફીમાં રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારો દ્વારા ખાનગી વાહનો માટે રોડ ટેક્સમાં ૨૫ ટકા અને કોમર્શિયલ વાહનોને ૧૨ ટકાની છૂટ આપવાનો અધિકાર અપાયો છે. તે ઉપરાંત સ્ક્રેપયાર્ડથી વાહનની સ્ક્રેપ વેલ્યૂ પણ મળે છે.
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી નિયમ છે પણ પાલન અધ્ધરતાલ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ જૂના વાહનો સ્ક્રેપ કરવાનો નિયમ તો છે પણ તેનું પાલન થતું નથી. સરકારી ખાતાઓમાં જ હજારો વાહનો એવા છે જેની સેલ્ફ લાઈફ પૂરી થઈ ગઈ છે છતાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વ્હીકલ સ્ક્રેપ પોલિસી છે અને તેનો તબક્કાવાર અમલ પણ કરવામાં આવ્યો છે છતાં તેનું અમલીકરણ સ્પષ્ટ દેખાતું નથી. અહીંયા કોમર્શિયલ વાહનોને ૧, ૨૦૨૩થી ૧૫ વર્ષ પૂરા થયે સ્ક્રેપ કરવાની પોલિસી છે. તેવી જ રીતે ખાનગી વાહનોને ૧૫ વર્ષ પૂરા થયા બાદ સ્ક્રેપ કરવી ૧ જૂન ૨૦૨૪થી પોલિસી લાગુ છે. તેમ છતાં આ કેસમાં ખૂબ જ ઓછા લોકોને પકડવામાં આવે છે. તે ઉપરાંત ખૂબ જ નહીવત પગલાં લેવામાં આવે છે. ગુજરાતમાં પણ ૧૫ વર્ષ કે તેનાથી જૂના વાહનોના ટેસ્ટિંગ માટે લેબ હોવી જોઈએ. તે લેબ હાઈવેની કનેક્ટેડ મુકવામાં આવે અથવા તો મોટા સેન્ટરો પાસે રાખવામાં આવે તેમ છે. આ લેબમાં જે વાહનો ટેસ્ટમાં ફેલ જશે તેને તાકીદે સ્ક્રેપ કરવામાં આવશે. જે લોકો જાતે સ્ક્રેપિંગ પોલિસીનો લાભ લેશે તેને રાહત આપવામાં આવશે. તેને નવાની ખરીદીમાં મદદ કરવામાં આવશે. લોકોને ઈન્સેન્ટિવ આપવાની ગણતરી માંડવામાં આવી છે. ગુજરાતમાં કુલ ચાર વ્હીકલ સ્ક્રેપિંગ માટે પ્લાન્ટ આવેલા છે. તેમાંથી એક પ્લાન્ટ અમદાવાદમાં આવેલો છે.
રાજ્ય સરકાર દ્વારા ટાટા સાથે જોડાણ કરીને આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વોલન્ટિયર્સની મદદ લઈને વાહન સ્ક્રેપ કવરાની કામગીરી કરવામાં આવશે. તેના દ્વારા જ ઈકોસિસ્ટમ ખાસ કરીને ગુજરાતની સિસ્ટમ લાગુ કરવામાં આવશે.