mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બાબા ભોલે રહસ્યમય વ્યક્તિ, સાચું નામ જ કોઈને ખબર નથી

Updated: Jul 3rd, 2024

બાબા ભોલે રહસ્યમય વ્યક્તિ, સાચું નામ જ કોઈને ખબર નથી 1 - image


- નારાયણ હરિના દાવો છે કે પોતે પહેલાં આઈબીમાં નોકરી કરતા હતા જ્યારે એક વાત એવી છે કે, સૂરજ પાલ તરીકે એ યુપી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા અને  ૧૬ વર્ષ પહેલાં વીઆરએસ લઈને નોકરી છોડી દીધી હતી. બાબા ભોલેએ પટિયાલીમાં ઝૂંપડી બનાવીને રહેવા માંડયું અને લોકોને ઉપદેશ આપવા માંડયો. ધીમે ધીમે લોકપ્રિયતા મળતાં તેમણે પટિયાલીમાં આશ્રમ સ્થાપીને બાબા બની ગયા. બાબા ક્યાં આઈબીમાં કામ કરતા હતા તેની કદી સ્પષ્ટતા કરતા નથી તેથી ખરેખર એ આઈબીમાં હતા કે નહીં એ કોઈને ખબર નથી પણ ભક્તો તેમની વાતો સાચી માની લે છે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબા નામના બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં ૧૨૨ લોકોનાં મોત થતાં ખળભળાટ મચી ગયો છે અને ૧૫૦થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જે લોકો ઘાયલ થયા છે તેમાંથી ઘણાંની હાલત નાજુક છે એ જોતાં મૃત્યુઆંક વધી શકે છે. મીડિયામાં આવેલા રીપોર્ટ અને વીડિયો જોયા પછી આ ઘટનાની ભયાનકતાનો અંદાજ આવી શકે છે.

 બાબાનો સત્સંગ કાર્યક્રમ એકદમ નાના ગામડામાં યોજાયો હતો ને ત્યાં પાસે કોઈ મોટી હોસ્પિટલ પણ નથી. આ કારણે જે લોકો ઘાયલ હતા તેમને ઉઠાવી ઉઠાવીને ટ્રેક્ટરોમાં નાંખી નાખીને ઈટાહના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લવાયાં હતાં. 

ઈટાહના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના દ્રશ્યો જોઈને કોઈ પણ હચમચી જાય એવી હાલત છે. કોમ્યુનિટી સેન્ટરની બહાર જમીન પર જ લાશોના ઢગ ખડકાયેલા છે. લગભગ સો જેટલી  લાશોના કારણે ચોતરફ લાશો જ લાશો દેખાઈ રહી છે. ઈટાહમાં પણ હોસ્પિટલ એટલી મોટી નથી તેથી મૃતદેહોને ઢાંકવા માટે ચાદરો પણ નથી એવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જમીન પર પડેલા ઘાયલો દર્દથી કણસી રહ્યા છે અને  તેમની સારવાર કરવા માટે કોઈ હાજર જ નથી એવું પણ દેખાય છે. 

આ ઘટનાની ભયાનકતા તેટલી હશે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, ઈટાહની હોસ્પિટલમાં મૃતદેહોને લવાયા એ જોઈને એક કોન્સ્ટેબલ ગુજરી ગયો. 

લાશોના ઢગ જોઈને હોસ્પિટલમાં ફરજ પરના ૩૦ વર્ષના કોન્સ્ટેબલ રજનીશને હાર્ટ એટેક આવી ગયો ને ગુજરી ગયો. 

આ નાસભાગ કઈ રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે પણ અત્યારે જે કારણો બહાર આવ્યાં છે એ પ્રમાણે,  સત્સંગ પૂરો થયા પછી ભોલે બાબાનો કાફલો રવાના થતો હતો ત્યારે જ સત્સંગ પૂરો થયા પછી લોકો બહાર આવી રહ્યાં હતાં. બાબાના બાઉન્સરોએ લોકોને રોકી દીધાં ને બાબાનો કાફલો રવાના થયા પછી બાઉન્સરો પણ રવાના થઈ ગયા તેમાં ભીડ ભાગી તેમાં ધક્કામુક્કી થઈ ગઈ. આ નાસભાગમા કેટલાંય લોકો કચડાઈને મરી ગયાં ને મોટા ભાગનાં લોકોનાં મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા છે.

આટલા મોટા પ્રમાણમાં લોકોનાં મોત થયાં તેના કારણે બાબા ભોલે ચર્ચામાં આવી ગયા છે. બાબા ભોલેનું પશ્ચિમ યુપીમાં મોટું નામ છે પણ આપણે ત્યાં બહુ લોકો તેમને ઓળખતાં નથી તેથી તેમને ઓળખવા જરૂરી છે. 

બાબા ભોલે ભેદી અને રહસ્યમય વ્યક્તિત્વ ધરાવે છે, બાબા બનતાં પહેલાં એ શું કરતા હતા એ વિશે જાત જાતની વાતો ચાલે છે. એક તરફ એવો દાવો કરાયો છે કે, ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિ છે જ્યારે બીજી તરફ તેમનું સાચું નામ સૂરજપાલ હોવાનો દાવો કરાય છે. બાબા પોતે  ઈટાહ જિલ્લાના બહાદુર નગરી ગામમાં પેદા થયેલા હોવાનો દાવો કરે છે જ્યારે તેમને ઓળખનારા લોકોનું કહેવું છે કે, બાબા ભોલે કાસગંજના પટિયાલીમાં પેદા થયેલા છે. પટિલાયીમાં તેમનો આશ્રમ પણ છે.  

નારાયણ હરિના દાવો છે કે પોતે પહેલાં આઈબીમાં નોકરી કરતા હતા જ્યારે એક વાત એવી છે કે, સૂરજ પાલ તરીકે એ યુપી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા અને  ૧૬ વર્ષ પહેલાં વીઆરએસ લઈને નોકરી છોડી દીધી હતી. બાબા ભોલેએ પટિયાલીમાં ઝૂંપડી બનાવીને રહેવા માંડયું અને લોકોને ઉપદેશ આપવા માંડયો. 

ધીમે ધીમે લોકપ્રિયતા મળતાં તેમણે પટિયાલીમાં આશ્રમ સ્થાપીને બાબા બની ગયા. 

બાબાનો દાવો છે કે, પોતે કોલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી પોતે તરત જ ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)માં કામ કરવા માંડેલા. બાબા ભોલે દાવો કરે છે કે, પોતે નોકરી કરતા હતા ત્યારે જ પોતાને સંસારમાંથી રસ ઉડી ગયો હતો અને પોતાને આધ્યાત્મિકતામાં રસ પડી ગયો હતો તેથી પોતે રાજીનામું ધરી દીધું. નારાયણ હરિ ક્યાં આઈબીમાં કામ કરતા હતા તેની કદી સ્પષ્ટતા કરતા નથી તેથી ખરેખર એ આઈબીમાં હતા કે નહીં એ કોઈને ખબર નથી પણ ભક્તો તેમની વાતો સાચી માની લે છે.

બાબા ભોલેના ભક્તો ગરીબ પરિવારોમાંથી આવે છે. બાબાના અનુયાયીઓ ગુલાબી રંગના પેન્ટ શર્ટ અને સફેદ ટોપી પહેરીને તેમનાં સત્સંગોમાં આવે છે.  બાબાનો દાવો છે કે પોતાના કોઈ ગુરૂ નથી અને પરમાત્માના સીધા તેમના પર આશિર્વાદ ઉતર્યા છે.

 પરમાત્માએ પોતાને સીધો જ ઉપદેશ આપ્યો હતો અને આ ઉપદેશ પોતે લોકોને આપી રહ્યા છે એવો દાવો બાબા ભોલે કરે છે. બાબા ભોલેનો આ દાવો બીજા કોઈને માનવામાં આવે કે ના આવે પણ તેમનામાં શ્રધ્ધા છે તેમને તો આ વાત ગળે ઉતરી જ જાય છે.

હાથરસની ઘટનાએ આપણે ત્યાં ધર્મના નામે ધતિંગ કરતા બાબાઓનો ધર્મનો વેપલો સામાન્ય લોકો માટે જીવલેણ નિવડી શકે છે એ ફરી સાબિત કર્યું છે. 

કમનસીબી એ છે કે સરકારમાં બેઠેલા લોકો આ બાબાઓનો તમાશો જોયા કરે છે ને કશું કરતા નથી. બાબા ભોલે હજારો લોકોની ભીડ એકઠી કરે છે એ વરસોથી સૌ જુએ છે. આ સત્સંગમાં કોઈ વ્યવસ્થા નથી હોતી એ પણ બધાંને ખબર છે છતાં કદી બાબા દ્વારા એકઠી કરાતી ભીડને રોકવાની કદી કોશિશ ના કરાઈ. 

બાબા ભોલે સત્તાવાળાઓને એ હદે ઘોળીને પી ગયેલા કે તેમણે કોરોના કાળમાં આ જ રીતે લોકોની ભીડ એકઠી કરીને હજારો લોકોને કોરોનાની ભેટ આપેલી. કોરોના પીક પર હતો ત્યારે ફર્રુખાબાદમાં બાબાએ સત્યંગનો કાર્યક્રમ કરીને પચાસ હજાર લોકોની ભીડ એકઠી કરેલી. 

બાબાએ ૫૦ લોકોના સત્સંગની મંજૂરી માગેલી પણ ૫૦ હજારની ભીડ એકઠી કરી છતાં સત્તાવાળાઓએ તેમને કશું નહોતું કર્યું. 

અત્યારે પણ સત્તાવાળા તેમને કશું કરે એવું લાગતું નથી. હાથરસની ઘટના પછી  યોગીએ મુખ્ય સચિવ મનોજ સિંહ અને પોલીસ વડા પ્રશાંત કુમારને હાથરસ મોકલી દીધા. બે મંત્રીઓને પણ હાથરસ મોકલવામાં આવ્યા છે અને યોગી પણ બુધવારે હાથરસ જવાના છે. ઘટનાની તપાસ માટે પોલીસની ટીમ પણ બનાવવામાં આવી છે પણ તેમાં કશું થાય તેવી શક્યતા નથી. 

બાબા ભોલે સામે માથું ટેકવવા માટે ભાજપના નેતાઓની લાઈનો લાગે છે ને તેના કારણે કોરોના કાળમાં નિયમોની ઐસીતૈસી કરવા છતાં કોઈ વાળ પણ વાંકો નહોતું કરી શક્યું તો અત્યારે તો હવે શું થાય ?

- બાબા ભોલે સૂટ-બૂટધારી ને ટાઈધારી બાબા, સત્સંગમાં પત્નીને પાસે બેસાડે છે

બાબા ભોલેની ખાસિયત એ છે કે, બાબા ભોલે બીજા કહેવાતા સંતો કે બાબાની જેમ ભગવા કપડાં નથી પહેરતા પણ સફેદ કપડાં પહેરે છે. મજાની વાત એ છે કે, બાબા હંમેશાં સફેદ સૂટ અને ટાઈમાં દેખાય છે. સફેદ સૂટ ના પહેર્યો હોય ત્યારે બાબા સફેદ કુર્તો-પાયજામો પહેરે છે પણ ભગવા કપડાં નથી પહેરતા. બાબા સત્સંગમાં સિંહાસન પર બેસે ત્યારે પોતાના પત્નીને પણ ઘણી વાર હાજર રાખે છે. બાબા એવો દાવો પણ કરે છે કે પોતાને દાનમાં મળતી કરોડોની રકમ એ પોતે પોતાની પાસે નથી રાખતા પણ પોતાના શ્રધ્ધાળુઓમાં વહેંચી દે છે. બાબા પોતાના સત્સંગમાં આવતાં તમામ લોકોને ભોજન કરાવે છે, ચા-નાસ્તો પણ કરાવે છે એ પોતાના ભક્તજનો પાછળ લખલૂટ ખર્ચ કરે છે એ વાત સાચી છે પણ પોતાની પાસે કશું નથી રાખતા એ વાત પર ભરોસો કરવો અઘરો છે.

- સત્સંગમાં મફતમાં જમાડી બાબા ભોલે ભક્તોની ભીડ ભેગી કરે છે

અત્યારે મોટા ભાગના બાબા સોશિયલ મીડિયા પર સક્રિય છે ત્યારે ભોલે બાબા સોશિયલ મીડિયા પર સક્રિય નથી. આ કારણે બાબાનાં પ્રવચનો કે બીજી કોઈ વિગતો સોશિયલ મીડિયા પર નથી મળતી. 

ભોલે બાબાના કેટલાક અનુયાયીઓએ તેમનાં કહેવાતાં અમૃત વચનો સોશિયલ મીડિય પર મૂક્યાં તેમાં બાબા શું ભાષણ આપે છે તેના વિશે ખબર પડે છે પણ તેમના ઉપદેશમાં કશું નવું નથી. બાબા એ જ વાતો કરે છે કે દે બીજાં લોકો કરે છે પણ તેમના સત્સંગમાં ભીડ ઉમટે છે તેનું કારણ બાબાનો ઉદાર સ્વભાવ છે. 

ભોલે બાબા દર મંગળવારે પોતાનો સત્સંગનો કાર્યક્રમ યોજે છે.  આ કાર્યક્રમમાં હજારોની ભીડ ઉમટે છે કેમ કે બાબાના સવારથી શરૂ થતા સત્સંગના કાર્યક્રમમાં લોકોને ખાવા-પીવાની સુવિધા પણ આપવામાં આવે છે. ભોજનની પણ વ્યવસ્થા કરાતી હોવાથી દૂર દૂરથી હજારોની ભીડ બાબાના સત્સંગમાં ઉમટી પડે છે. મફતનો માલ ખાવાની લાલચમાં ઉમટેલા લોકોએ મંગળવારે પોતાનો જીવ ખોઈને તેની કિંમત ચૂકવી.

Gujarat