ચીન અને બ્રિટનની જેમ રાજકીય ઈચ્છાશક્તિ પ્રદુષણ ઘટાડી શકે છે

- શાંઘાઈ, બેઈજિંગ, મેક્સિકો સિટી કે લંડનમાં એક સમયે દિલ્હી, મુંબઈ કરતા ભયાનક સ્થિતિ હતી પણ કાયદા અને જનભાગીદારીએ આમૂલ પરિવર્તન આણ્યું
- એક દાયકા પહેલા ચીનના બેઈજિંગ અને શાંઘાઈને દુનિયાના સૌથી પ્રદુષિત શહેર હતા. ત્યાં સ્મોગ અને ધુમાડો એટલા બધા ફેલાયેલા હતા કે, સુર્યનો પ્રકાશ પણ દેખાતો નહોતો. શાંઘાઈમાં તો એક્યુઆઈ 700ને વટાવી ગયો હતો : 1990ના દાયકામાં મેક્સિકો સિટી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર અને રાજધાનીમાં સ્થાન ધરાવતું હતું. અહીંયા પ્રદુષણનું સ્તર એ હદે વધી ગયું હતું કે, અહીંયા ઈમર્જન્સી જાહેર કરવી પડી હતી. તેણે પહેલી વખત ઓડ ઈવન વ્હીકલ સિસ્ટમ લાગુ કરી હતી જે આજે દિલ્હીમાં અમલી છે : ડિસેમ્બર ૧૯૫૨માં લંડનમાં ગ્રેટ સ્મોગ નામની એક ભયાનક આપત્તી આવી હતી. પાંચ દિવસ સુધી સમગ્ર શહેર ઉપર સ્મોગ છવાયું, વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ. તેનાથી અંદાજે 12,000થી વધારે લોકોનાં મોત થયા હતા. આજે અહીંયા એક્યુઆઈ 20થી 40ની વચ્ચે છે
દિલ્હીની હવા સતત ઝેરી થઈ રહી છે. અહીંયા એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર થઈ ગયો છે. બીજી તરફ મુંબઈની હવા પણ ઝેરી થઈ ગઈ છે અને એક્યુઆઈ ૨૦૦ પહોંચ્યો ત્યારે સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. ભારતના મોટા શહેરોમાં વધી રહેલું પ્રદુષણ હવે દેશ માટે ગંભીર સમસ્યા થઈ રહ્યું છે. તેના કારણે આ એક-બે દિવસની નહીં પણ દર શિયાળાની તુની અને આમ જોવા જઈએ તો બારે મહિનાની સમસ્યા થઈ રહી છે. પ્રદુષણ એ હદે વધી ગયું છે કે શ્વાસ લેવા દરમિયાન પણ વ્યક્તિ બિમારી જ અંદર ભરી રહી હોય તેવી સ્થિતિ છે. દિલ્હીમાં તો શિયાળાના ચાર મહિના લોકો માત્રને માત્ર પ્રદુષણ જ શ્વાસમાં ભરે છે અને અનિચ્છાએ પણ શરીરમાં બિમારીઓનો પેસારો કરવો પડે છે.
નવાઈની વાત એ છે કે, માત્ર ભારતના જ શહેરોમાં પ્રદુષણની સમસ્યા છે તેવું નથી. દુનિયાભરના મોટા શહેરોમાં પ્રદુષણની સમસ્યા હતી અને હાલમાં પણ છે. ઘણા શહેરો તેનો જડમૂળથી ઉકેલ લઈ આવ્યા છે. દુનિયાના ઘણા શહેરો ભારતીય શહેરોની જેમ હજી પણ પ્રદુષણ સામે સંઘર્ષ કરી રહ્યા છે અથવા તો તંત્રના વાંકે અને ઈચ્છા શક્તિના અભાવે પ્રદુષણ સહન કરી રહ્યા છે. બીજી તરફ લંડન, બેઈજિંગ, શાંઘાઈ જેવા શહેરો જ્યાં ક્યારેક હવામાં માત્ર ઝેર અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી કેમિકલ્સ અને સ્મોગનું સામ્રાજ્ય હતું ત્યાં આજે લોકો સ્વસ્થ જીવન જીવે છે. તેઓ સરળતાથી સ્વચ્છ આકાશ જોઈ શકે છે અને શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, એક દાયકા પહેલાં ચીનના બેઈજિંગ અને શાંઘાઈને દુનિયાના સૌથી પ્રદુષિત શહેર ગણવામાં આવતા હતા. ત્યાં સ્મોગ અને ધુમાડો એટલા બધા ફેલાયેલા હતા કે, સુર્યનો પ્રકાશ પણ સરખી રીતે જોઈ શકાતો નહોતો. આકાશ જોવામાં પણ લોકોને મુશ્કેલી પડતી હતી. શાંઘાઈમાં તો એક્યુઆઈ ૭૦૦ને વટાવી ગયો હતો. આ કિસ્સા એક દાયકા પહેલાં ૨૦૧૧થી ૨૦૧૩ સુધીના છે. આજે આ જ શહેરમાં ભુરા રંગનું આકાશ સ્પષ્ટ જોઈ શકાય છે. બેઈજિંગ અને શાંઘાઈએ જે રીતે પ્રદુષણ સામે જંગ છેડયો અને સફળતા મેળવી તેની ચર્ચા આજે પણ દુનિયાભરમાં થાય છે. તેમણે સૌથી ઝડપથી પ્રદુષણ, સ્મોગ અને ઝેરી કેમિકલ્સથી છુટકારો મેળવી લીધો.
ખાસ વાત એ છે કે, ચીનમાં જ્યાં પ્રદુષણની સ્થિતિ અસહ્ય થઈ ગઈ ત્યારે ત્યાંની સરકારે ૨૦૧૩માં પ્રદુષણ સામે રીતસરનું યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધના ધોરણે પર્યાવરણનું સ્તર સુધારવાની કામગીરી હાથ ધરી. રાષ્ટ્રીય સ્તરે નેશનલ એર ક્વોલિટી એક્શન પ્લાન લાગુ કર્યો અને તેનો કડકાઈથી અમલ શરૂ કરાવ્યો. તેમાં સૌથી પહેલાં તો કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાનું શરૂ કર્યું. જ્યાં પ્રતિબંધ શક્ય નહોતો ત્યાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા. બેઈજિંગમાં પ્રદુષણનું સૌથી મોટું કારણ જ કોલસા આધારિત પાવર પ્લાન્ટ અને હીટિંગ સિસ્ટમ હતા. સરકારે લાખો ઘરો અને ઉદ્યોગોમાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દીધો. બીજી તરફ નેચરલ ગેસ અને વીજળીથી ચાલતા હીટરો નાખવા માટે મોટાપાયે સબસિડીની યોજના શરૂ કરી દીધી. ચીને પ્રદુષણ સામે રીતસરનું યુદ્ધ જ જાહેર કરી દીધું હતું. પ્રદુષણ ફેલાવતા હજારો કારખાના બંધ કરવામાં આવ્યા અને જે બંધ થાય તેવા નહોતા તેને શહેરોથી ઘણા દૂર મોકલી દેવાયા. તેમાં પ્રદુષણ ફેલાવતી સામગ્રીઓના ઉપયોગ ઉપર પણ નિયંત્રણ મુકી દેવાયા. બીજી તરફ શહેરમાં કે શહેરની આસપાસ રહેલા ઉદ્યોગો માટે કાર્બન ઉત્સર્જનના માપદંડો એટલા કડક બનાવવામાં આવ્યા કે કોઈ ઉંચનીચ કરી શકતું નહીં. કાયદાનું કડકાઈથી પાલન કરવામાં આવતું હતું. બીજી તરફ શાંઘાઈએ ટ્રાફિક જામ અને પ્રદુષણથી બચવા માટે અનોખી રણનીતિ અપનાવી હતી. અહીંયા ધનિકો માત્ર શોખ માટે વિવિધ ગાડીઓ રાખતા હતા. માત્ર દેખાડા માટે ફરેવ્યા કરતા હતા. શાંઘાઈમાં શહેરમાં ડીઝલ વાહનો ઉપર જ પ્રતિબંધ મુકી દેવાયો અને ઈલેક્ટ્રિક વાહનોનો મોટાપાયે પ્રોત્સાહન આપતી યોજનાઓ જાહેર કરવામાં આવી. તે ઉપરાંત પવન ઊર્જા અને સૌર ઊર્જા જેવી રિન્યૂએબલ એનર્જી સેક્ટરના સ્ત્રોતમાં મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું. ચીનના આ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે, આ શહેરો દ્વારા પોતાની વાયુ ગુણવત્તા મોટાપાયે સુધારી દેવામાં આવી. બેઈજિંગ અને શાંઘાઈને એર ક્વોલિટીમાં ૩૦થી૫૦ ટકાનો સુધારો જોવા મળ્યો.
ચીન બાદ જો પ્રદુષણની વાત કરીએ તો મેક્સિકો સિટીની પણ સ્થિતિ તેવી જ હતી. ૧૯૯૦ના દાયકામાં મેક્સિકો સિટી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર અને રાજધાનીમાં સ્થાન ધરાવતું હતું. અહીંયા પ્રદુષણનું સ્તર એ હદે વધી ગયું હતું કે, અહીંયા ઈમર્જન્સી જાહેર કરવી પડી હતી. આ સ્થિતિમાંથી મેક્સિકો સિટીની બહાર કાઢવા માટે તત્કાલિન સરકાર અને તંત્ર દ્વારા એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો. મેક્સિકો સિટી દ્વારા સૌથી પહેલાં તો કાર ચલાવવાના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા. તે સમયે મેક્સિકો સિટી દ્વારા ખાનગી વાહનો માટે અઠવાડિયાના દરેક દિવસે નક્કી કરેલી સિરીઝની જ નંબર પ્લેટ ધરાવતા વાહનો રસ્તા ઉપર ચલાવવાની મંજૂરી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે, મેક્સિકો સિટીની આ સિસ્ટમના આધારે જ દિલ્હીમાં હાલમાં ઓડ અને ઈવન નંબરની પ્રણાલી લાગુ કરવામાં આવેલી છે. બીજી તરફ શહેરમાં જાહેર પરિવહનના જેટલા સાધનો અને સંસાધનો હતા તેના નેટવર્કમાં મોટાપાયે સુધારો કરવામાં આવ્યો.
જાહેર પરિવહનોમાં સુવિધાઓ અને તેની ઉપલબ્ધતા એટલી સુવ્યવસ્થિત કરી દેવામાં આવી જેથી લોકો ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરે અને પ્રદુષણ ઓછું થાય.
નિયમોના નામે પ્રજાને દંડિત કર્યા વગર ભારત નક્કર પગલાં ભરે તો સ્થિતિ સુધરે તેમ છે
દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, વારાણસી જેવા શહેરોમાં જ્યાં પ્રદુષણનું સ્તર ભયાનક કક્ષાએ વધ્યું છે ત્યાં સરકારે અને તંત્રએ નક્કર પગલાં લેવા જોઈએ. શાંઘાઈ, બેઈજિંગ, મેક્સિકો સિટી, લંડન અને દુનિયાના બીજા સફળ શહેરોના ઉદાહરણ ઉપરથી શીખવા જેવું છે કે, માત્ર નિયમોના નામે પ્રજાને દંડિત કરવાથી કે વાહનો ઉપર અવિચારી અને અધધ ટેક્સ વસુલવાથી પ્રદુષણ કાબુમાં આવવાનું નથી. તેના માટે નક્કર અને મક્કમ એક્શન પ્લાન લાગુ કરવો પડશે. સૌથી પહેલાં તો લંડનના ક્લીન એર એક્ટની જેમ ભારતે પણ કોલસા અને લાકડાંનો ઉપયોગ કરીને પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો અને ઘરેલુ સ્ત્રોતો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો પડશે. શરૂઆતમાં ઘણી મુશ્કેલી સર્જાશે પણ પ્રદુષણથી બચવું હશે તો આ દિશામાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી પડશે. ઉદ્યોગો અને વાહનોના કાર્બન ઉત્સર્જનના નિયમોનું પણ કડકાઈથી પાલન કરાવવું જ પડશે. તેવી જ રીતે પરિવહન નીતિમાં પણ વ્યાપક સુધારા લાવવા પડશે. એક તરફ લંડનની જેમ વધુ પ્રદુષણ ફેલાવતા વાહનો ઉપર આકરો ટેક્સ લાગુ કરવો પડશે. બીજી તરફ શાંઘાઈ, બેઈજિંગ, મેક્સિકો, એમસ્ટર્ડેમ જેવા શહેરોની જેમ જાહેર પરિવહન, સાઈકલિંગ, ઈ-વ્હીકલને પ્રાથમિકતા અને ઉત્તેજન આપવા પડશે. વૈશ્વિક શહેરોએ સાબિત કરી આપ્યું કે, મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ જ સર્વોપરી છે. ફટાકડા અને પ્રદુષણ ફેલાવતી વસ્તુઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને કચરાના નિકાલ અને અન્ય બાબતે જનભાગીદારી નક્કી કરીને પરિવર્તન લાવી શકાય છે. શાંઘાઈ અને બેઈજિંગ તેના જીવંત ઉદાહરણ છે.
ભારતના શહેરોમાં પણ આવી જ સમસ્યા છે અને આ જ પ્રકારના વિકલ્પો શોધીને, લાગુ કરીને પરિવર્તન લાવી શકાય છે. માણસોએ ઊભી કરેલી સમસ્યાનો ઉકેલ માણસો થકી જ લાવવો પડશે. સરકારે મજબૂત રીતે અમલીકરણ કરવું પડશે અને લોકોએ જનભાગીદારી કેળવવી પડશે તો જ પ્રદુષણને નાથી શકાશે.
લંડન જ્યાં દિવસો સુધી સૂર્ય દેખાતો નહોતો ત્યાં આજે સ્વચ્છ અને ખુશનુમા વાતાવરણ છે
લંડનમાં બે વખત એવા તબક્કા આવ્યા જ્યારે સ્મોગના કારણે સ્થિતિ અત્યંત ભયાનક થઈ ગઈ. ડિસેમ્બર ૧૯૫૨ વાત કરીએ તો લંડનમાં ગ્રેટ સ્મોગ નામની એક ભયાનક આપત્તી આવી હતી. મકાનો, દુકાનો, ફેક્ટરીઓ, કારખાના બધી જ જગ્યાએ કોલસાના અતિશય ઉપયોગના કારણે નીકળતા ધુમાડાને પગલે શિયાળામાં ભયાનક પરિસ્થિતિનું સર્જન થયું. પાંચ દિવસ સુધી સમગ્ર શહેર ઉપર સ્મોગ છવાયું. સૂર્ય પ્રકાશ નીચે સુધી આવતો નહોતો. વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ. આ પ્રદુષણના કારણે સ્થિતિ એવી થઈ કે અંદાજે ૧૨,૦૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં ૧.૫ લાખ કરતા વધારે લોકો બિમાર પણ પડયા હતા. આ ઘટનાએ સરકારને જાગ્રત કરી અને પ્રદુષણ સામે યુદ્ધ જાહેર કર્યું. બ્રિટન દ્વારા ૧૯૫૬માં ક્લિન એર એક્ટ લાગુ કરવામાં આવ્યો. બ્રિટન માટે આ એક ઐતિહાસિક કાયદો હતો. તેના દ્વારા રહેણાક વિસ્તારોમાં કોલસા સળગાવવા ઉપર સખત પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત લોકોને કોલસાની જગ્યાએ સ્વચ્છ ઈંધણ જેવા કે ગેસ અને વીજળીના ઉપયોગ તરફ વાળવામાં આવ્યા. તેના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ત્યારબાદ સ્થિતિ સુધરી હતી પણ આધુનિકિકરણે અહીંયા ફરી સ્થિતિ બગાડી કાઢી હતી. તેના કારણે ૨૦૧૩માં બ્રિટનમાં ફરી સ્મોગનું સામ્રાજ્ય ફેલાયું હતું. તે સમયે પણ ભયાનક પ્રદુષણ હતું જેના કારણે પહેલી વખત અધિકારિક રીતે કોઈ વ્યક્તિના મૃત્યુની જાહેરાત થઈ હતી.
એલાએડુ-કિસી-ડેબ્રા નામની મહિલાનું વાયુ પ્રદુષણના કારણે મૃત્યુ થયાનું સરકારી ડેથ સર્ટિફિકેટ જારી થયું હતું. લંડને ત્યારબાદ પ્રદુષણને કાબુ કરવા કમર કસી લીધી. તમામ પ્રકારના પ્રતિબંધો, સ્વચ્છ ઊર્જાના વિકલ્પો અપનાવવાની શરૂઆત કરી દીધી.
છેલ્લાં એક દાયકામાં લંડનમાં અલ્ટ્રા લો એમિઝન ઝોન જાહેર કરવામાં આવેલો છે. તેમાં વધારે પ્રદુષણ ફેલાવતા અને ધુમાડો કાઢતા વાહનો શહેરની અંદર લઈ જવા માટે તોતિંગ ટેક્સ ભરવો પડે છે. તેના કારણે આવા વાહનો શહેરથી દૂર રહે છે. આજે હવે સ્થિતિ જોઈએ તો ખ્યાલ આવે છે કે, ૧૯૫૨માં જ્યાં પ્રદુષણની અસરથી ૧૨૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાં એક્યુઆઈ ૨૦ થી ૪૦ વચ્ચે રહે છે. હવામાન અને વાતાવરણમાં અદ્વિતિય સુધારો જોવા મળ્યો છે.

