For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાલબાજ ચીનને પાઠ ભણાવ્યા વિના છૂટકો નથી

Updated: Aug 4th, 2021

Article Content Image

- ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની ૧૨મી મંત્રણા બાદ ચીનની વિવાદ ઉકેલવાની ધરપત

- સૈન્ય સ્તરની મંત્રણા બાદ ચીન તંગદીલી ઘટાડવાની સૂફિયાણી વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે ગયા વર્ષે ચીને જે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરી હતી એ હજુ પણ તેના કબજા હેઠળ જ છે, હોટ સ્પ્રીંગ્સ, ગોગરા અને દેપસાંગમાંથી ચીની સેનાને પાછી કાઢવી જ રહી

લદ્દાખ ખાતે વ્યાપી રહેલા તણાવ સંદર્ભે તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની ૧૨મી મંત્રણા યોજાઇ જે બાદ બંને દેશોએ એલએસી પર તંગદીલી ઘટાડવા માટે સહિયારા પ્રયાસ કરવા સંમતિ દર્શાવી છે. પરંતુ હકીકત એ છે કે ગયા વર્ષે ચીને જે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરી હતી એ હજુ પણ તેના કબજા હેઠળ જ છે. ગલવાન ઘાટી ખાતે બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયા બાદ શરૂ થયેલા વિવાદનો હજુ અંત આવ્યો નથી. 

વારંવાર કાચિંડાની જેમ રંગ બદલતું ચીન પોતાના સૈનિકોને પાછા ખેંચવાનું કહીને ફરી જાય છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની અનેક મંત્રણાઓ યોજાવા છતાં ચીની સેના હોટ સ્પ્રીંગ્સ, ગોગરા અને દેપસાંગમાંથી પીછેહઠ કરવાનો ઇન્કાર કરી રહી છે. ઉલટું તે દાદાગીરી કરતું હોય એમ ભારતને જેટલું મળ્યું છે એમાં ખુશ રહેવાની સલાહ આપે છે.

ભારત પણ જ્યાં સુધી પૂર્વ લદ્દાખમાં પૂર્વવત્ સ્થિતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી ભારત પોતાના દળો પાછા નહીં ખેંચવા માટે મક્કમ છે. છેલ્લા એક વર્ષથી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાતી સરહદે બંને દેશોએ મોટા પ્રમાણમાં સૈનિકો, શસ્ત્રો અને ફાઇટર વિમાનો તૈનાત કરી રાખ્યાં છે. ચીને સરહદે સૈનિકોની સંખ્યા વધાર્યા બાદ ભારતે પણ પોતાની સ્થિતિને મજબૂત કરી છે. 

આમ તો ચીન ભારત સાથે સંબંધો સુધારવાની અને વધારે સુદૃઢ કરવાની ઇચ્છા વ્યક્ત કરતું રહે છે પરંતુ ૧૯૬૨માં હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી એ તેણે અનેક વખત સાબિત કર્યું છે.

દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતા દેશો અને આર્થિક મહાસત્તા હોવાના કારણે ભારત-ચીન વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો વૈશ્વિક શાંતિ અને માનવતા માટે અત્યંત આવશ્યક છે.

બંને દેશોની કુલ વસતી આશરે ૨૭૫ કરોડ જેટલી થવા જાય છે જે ૭૬૦ કરોડના વૈશ્વિક માનવ સંસાધનના ૩૬ ટકા છે. બંને દેશો ૧.૨૩ કરોડ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાની દર ત્રીજી વ્યક્તિ ભારતીય અથવા ચીની હોય છે.

એક તરફ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની સાથે સાથે લશ્કરી દૃષ્ટિએ દુનિયાનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે તો બીજી બાજુ સામ્રાજ્યવાદી માનસિકતા, નિરંકુશ માર્ક્સવાદી સામ્યવાદ અને મૂડીવાદી અર્થવ્યવસ્થાના ખતરનાક સંયોજન દ્વારા ચીન વિશ્વની મહાસત્તાઓમાં સામેલ છે. 

ચીન સાથેના સંબંધોમાં શાંતિની શરૂઆત નેવુંના દાયકાથી થઇ. જોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો પાયો ૧૯૮૮માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના ચીનપ્રવાસ દરમિયાન નંખાયો હતો. ૧૯૯૩માં તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ ચીનની મુલાકાતે ગયા ત્યારે ચીનના પ્રીમિયર લી પેંગ સાથે મેન્ટેનન્સ ઓફ પીસ એન્ડ ટ્રાન્ક્વિલિટી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં.

આ સમજૂતિ વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ બહાલ રાખવા માટે થઇ હતી. એ પછી ચીની રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિન ૧૯૯૬માં ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા અંગે એક વધારે સમજૂતિ થઇ. એ વખતે ભારતના તત્કાલિન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ આ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં. 

વર્ષ ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે સરહદી વિવાદને લઇને સ્પેશ્યલ રિપ્રેઝન્ટેટિવ લેવલનું મિકેનિઝમ તૈયાર કર્યું. એ પછી મનમોહન સિંહની સરકાર દસ વર્ષ શાસનમાં રહી ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૩માં સરહદ વિવાદ અંગે સંવાદ આગળ વધારવા માટે ત્રણ સમજૂતિઓ થઇ. હાલના વિદેશ મંત્રી એસ. જયશંકર એ વખતે ચીનમાં ભારતના રાજદૂત હતાં.

નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ ચીન સાથેના સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર થયો. ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૧૮ વખત મળી ચૂક્યાં છે. આ મુલાકાતોમાં વન-ટૂ-વન મીટિંગ ઉપરાંત બીજા દેશોના નેતાઓ સાથે થયેલી મુલાકાતો સામેલ છે.

વડાપ્રધાન મોદી પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે. છેલ્લા ૭૦ વર્ષમાં ભારતના કોઇ પણ વડાપ્રધાનની આ સૌથી વધારે ચીનની મુલાકાતોનો આંકડો છે. વડાપ્રધાન મોદીએ ચીન સાથેના સંબંધોમાં નવેસરથી ઉષ્મા પૂરવાના પ્રયાસો આદર્યાં હતાં. જે અંતર્ગત ૨૦૧૮ના એપ્રિલમાં ચીનના વુહાન ખાતે બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક મુલાકાતની શરૂઆત થઇ હતી.

એ પછી વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મહાબલિપુરમમાં અનૌપચારિક મુલાકાત થઇ હતી. જોકે હાલ બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એનાથી બંને નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો ઉપર પાણી ફરી વળ્યું છે.

ભારત અને ચીન વચ્ચે અવારનવાર સરહદી વિવાદ સર્જાવાનું મુખ્ય કારણ એ છે કે બંને દેશો વચ્ચે સરહદ અંગે કોઇ ચોક્કસ સમજૂતિ થઇ નથી. એ સાથે જ ચીન તિબેટ સાથે ૧૯૧૪માં બ્રિટીશ હિંદની સમજૂતિને માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે.

ચીનની દલીલ છે કે તિબેટ તેનો હિસ્સો છે એટલે તેને બ્રિટીશ હિંદ સાથે સમજૂતિ કરવાનો કોઇ અધિકાર જ નહોતો. આ સમજૂતિ મેકમોહન લાઇન નામે જાણીતી છે. પોતાની આ વિચારસરણીના લીધે જ ચીન અરુણાચલ પ્રદેશને પણ તિબેટનો જ ભાગ ગણાવે છે. 

ભારત અને ચીન વચ્ચે વિવાદનું બીજું કારણ છે અક્સાઇ ચીન જેના પર ચીને ૧૯૬૨માં કબજો કરી લીધો હતો. પરંતુ ભારત આ વિસ્તાર પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ત્રીજું કારણ છે વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને અસમંજસની સ્થિતિ. આવું એટલા માટે થયું કે હિમાલયન ક્ષેત્ર હોવાના કારણે સરહદસંબંધી સમજૂતિના અભાવના કારણે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્પષ્ટ સ્થિતિ બની ન શકી એટલા માટે ભારત અને ચીનના સૈનિકો અવારનવાર ઘર્ષણમાં આવી જાય છે. 

ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી સરહદ છે જોકે ચીનના દાવા અનુસાર તો બંને દેશો વચ્ચે માત્ર બે હજાર કિલોમીટર લાંબી સરહદ જ છે. બંને દેશો વચ્ચેની સરહદ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પહેલો હિસ્સો છે ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, તો બીજો હિસ્સો હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં છે અને ત્રીજો હિસ્સો પૂર્વમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્લેશિયર, બરફાચ્છાદિત પ્રદેશો, પહાડો અને નદીઓ છે જેના કારણે બંને દેશોમાં એવો ભ્રમ પેદા થઇ જાય છે કે તેમની સરહદનું ઉલ્લંઘન થયું છે. સડકોના નિર્માણ, ટેન્ટ બનાવવા કે પછી અન્ય સૈન્ય ગતિવિધિના કારણે આશંકાઓ વધ્યા કરે છે. 

એક રીતે તો ભારતીય સરહદમાં છાશવારે ઘૂસણખોરી કરીને ચીન ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લેતું રહે છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે.

ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. 

સરહદે અતિક્રમણ કરવાની સાથે સાથે ચીન ભારત સાથે મિત્રતાભર્યા વ્યૂહાત્મક વાર્તાલાપ પણ જારી રાખે છે. એક તરફ તે ભારતને પુરાણા મિત્ર અને વ્યાવસાયિક ભાગીદાર તરીકે સંબોધે છે અને બીજી તરફ અજાણતા જ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે છે. આ જ ચીનની ખરી રણનીતિ છે. ભારત સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવીને ભારતના બજાર સુધી પહોંચ બનાવવી અને સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે.

હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. સાથે સાથે ભારતના નાગરિકો અને દુનિયાને એવું દર્શાવવા માટે પણ છે કે ચીન પોતાની મનમરજીથી સરહદ પર હિલચાલ કરવા સમર્થ છે.

ખરેખર તો ચીનના અટકચાળાથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી.

Gujarat